(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એરાઉન્ડ ધ વેબ: જાન્યુઆરી ૨૦૨૨

આગળ શું વાંચશો?

  • ફોનનો કેમેરા સતત ઓન રહેશે!
  • આપણા ડેટાની સલામતી અંગે કાયદો આવી રહ્યો છે
  • હવે ભારતનાં એરપોર્ટ પણ બની રહ્યાં છે પેપરલેસ
  • સિગ્નલ એપમાં 40 લોકોનું ગ્રૂપ વીડિયો કોલિંગ
  • પ્લે સ્ટોરનું અપડેશન સહેલું બનશે

હેડિંગ વાંચીને ચમક્યા? અત્યાર સુધી આપણને સૌને જેની આશંકા હતી તેને હવે સત્તાવાર સમર્થન મળી રહ્યું છે. સ્માર્ટફોનનાં પ્રોસેસર્સ બનાવતી ક્વોલકોમ કંપનીએ હમણાં તેના નવા સ્નેપડ્રેગન પ્રોસેસરની જાહેરાત કરી છે.

કંપની કહે છે કે આ પ્રોસેસરની ‘ખાસિયત’ને કારણે ફોનનો ફ્રન્ટ કેમેરા સતત ઓન રહેશે અને આંખના પલકારામાં આપણો ચહેરો ઓળખીને ફોન અનલોક કરી શકશે. પરંતુ આનો અર્થ એ પણ થયો કે ફોનનો ફ્રન્ટ કેમેરા દરેક સમયે બીજું બધું પણ જોઈ શકશે! અલબત્ત કંપની સ્પષ્ટતા કરે છે કે યૂઝર પોતાની મરજી મુજબ આ ફીચર ઇનેબલ કે ડિસેબલ કરી શકશે.

આમ જુઓ તો આ નવી વાત નથી. લેપટોપમાં ફ્રન્ટ કેમેરા સતત ઓન રહેતા હોવાની ઘણા સમયથી આશંકા છે અને એ કારણે ઘણા લોકો ઓનલાઇન મીટિંગ જેવા સમય સિવાય જરૂરી ન હોય ત્યારે લેપટોપના ફ્રન્ટ કેમેરા પર ટેપ મારી દે છે!

તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે સ્માર્ટફોનમાંનો માઇક્રોફોન પણ આપણો પડ્યો બોલ ઝીલવા માટે સતત તૈયાર હોય છે. એ જ કારણે આપણે ગમે ત્યારે ‘હે ગૂગલ’ કે તેના જેવા અન્ય વોઇસ કમાન્ડ આપીને ફોન પાસેથી જુદાં જુદાં કામ કરાવી શકીએ છીએ.

ફોનને વોઇસ કમાન્ડ માટે સેટઅપ કરીએ ત્યારે જ ફોનની સિસ્ટમ આ બાબતે આપણને જાણ કરે છે. અલબત્ત માઇક્રોફોન માત્ર નિશ્ચિત કમાન્ડ પૂરતી જ આપણી વાત સાંભળે છે. તેની સરખામણીમાં સ્માર્ટફોનનો કેમેરા બધું જ જોતો રહે તે ચોક્કસપણે વધુ અકળાવનારી વાત છે!

આપણે સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો જેટલો વધુ ઉપયોગ કરીએ છીએ, એટલા વધુ પ્રમાણમાં ટેક કંપનીઓ આપણા વિશે વધુ ને વધુ ડેટા મેળવતી જાય છે. આ ડેટા પર આપણો કોઈ અંકુશ નથી, તેમ સરકારનો પણ નથી. હવે વિવિધ દેશની સરકાર આ માટે કાયદા ઘડી રહી છે.

ભારતમાં પણ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ વિશેનો જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીનો રિપોર્ટ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. આ ખરડા પર બે વર્ષથી ચર્ચા ચાલી રહી હતી. આ ખરડામાં આ વિશે ખાસ્સી નોંધપાત્ર નવી જોગવાઈઓ કરવામાં આવી છે.

સંસદના નિયમો અનુસાર હાલમાં પર્સનલ પ્રોટેકશન બિલ એક ખરડા સ્વરૂપે છે અને કેબિનેટ તેને મંજૂરી આપે પછી તેને કાયદો બનાવવા માટે સંસદમાં ફરી રજૂ કરવામાં આવશે. ઇન્ટરનેટ કંપનીઓ બહુ વ્યાપક સ્તરે ડેટા એકઠો કરી રહી છે તેમાંથી કોને વ્યક્તિગત ડેટા ગણવો અને કોને નહીં તે નક્કી કરવું અશક્ય છે. આથી આ ખરડામાં તમામ પ્રકારના ડેટાને કાયદા હેઠળ આવરી લેવાની ભલામણ કરવામાં આવી છે. ખરડામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ‘પબ્લિશર’ ગણવાની પણ ભલામણ કરવામાં આવી છે જેથી આવા પ્લેટફોર્મ પર પ્રકાશિત થતા કન્ટેન્ટ માટે જે તે પ્લેટફોર્મને જવાબદાર ગણી શકાય.

ડેટાની ચોરી થવાના કિસ્સામાં જે તે કંપનીને રૂપિયા ૧૫ કરોડ સુધીનો અથવા કંપનીના ગ્લોબલ ટર્નઓવરના ચાર ટકા સુધીની રકમનો દંડ કરવાની ભલામણ આવી છે. ભારતમાં રજૂ કરવામાં આવેલી ડેટા પ્રોટેકશન સંબંધિત જોગવાઇઓ યુરોપિયન યુનિયન (ઇયુ)ની આ જ પ્રકારની જોગવાઇઓ સાથે ઘણી સમાનતા ધરાવે છે. પરંતુ અમુક કિસ્સામાં ભારતની ભલામણો ઇયુની જોગવાઈ કરતાં પણ વધુ કડક છે.

લાંબા વિલંબ પછી આખરે ભારતમાં પણ એરપોર્ટ્સ પર ફેસિયલ  રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થઈ જશે. આ વર્ષે માર્ચ મહિનાથી હવાઈ મુસાફરી કરતા લોકો બોર્ડિંગ પાસ તરીકે પોતાનો ચહેરો સ્કેન કરી શકશે!

શરૂઆતમાં વારાણસી, પૂણે, કોલકતા અને વિજયવાડા એમ ચાર એરપોર્ટ પર આ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થશે. એ પછી તબક્કાવાર દેશનાં અન્ય શહેરોના એરપોર્ટ પર તેનો ઉપયોગ કરાશે.

ભારત સરકાર ‘ડિજિયાત્રા’ પોલિસી અંતર્ગત હવાઈ મુસાફરીને પેપરલેસ બનાવવા માગે છે.

આ માટે એરપોર્ટના પ્રવેશથી માંડીને પ્લેન બોર્ડ કરવા સુધીના દરેક તબક્કે ક્યાંય કાગળનો ઉપયોગ જરૂરી ન રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ નીતિ ઓક્ટોબર ૨૦૧૮માં જાહેર થઈ હતી અને ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ એપ્રિલ ૨૦૧૯થી શરૂ થઈ જવાનો હતો, પરંતુ પછી વાત લંબાઈ ગઈ.

થોડા મહિના પહેલાં વોટ્સએપે તેની નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી અને આપણને સૌને આ પોલિસી સ્વીકારી લેવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું ત્યારે વોટ્સએપ યૂઝર્સમાં ‘હાહાકાર’ મચી ગયો હતો. એ સમયે પોતાની પ્રાઇવસી માટે અચાનક ચિંતિત બનેલા અનેક લોકો વોટ્સએપ છોડીને વધુ સલામત લાગતી ‘સિગ્નલ’ અને ‘ટેલિગ્રામ’ જેવી મેસેજની એપ્સ તરફ વળવા લાગ્યા હતા.

એ ઊભરો શમી ગયો છે અને ફરી સૌ વોટ્સએપમાં જ પરોવાઈ ગયા છે. પરંતુ સિગ્નલ અને ટેલિગ્રામ વોટ્સએપના યૂઝર્સને આકર્ષવા માટે સતત પ્રયત્નશીલ છે. પ્રાઇવસીની દૃષ્ટિએ ખરેખર વધુ સારી સિગ્નલ એપ પર ગ્રૂપ વીડિયો કોલમાં હવે એક સાથે ૪૦ લોકો જોડાઈ શકશે.

એપના જણાવ્યા અનુસાર આ તમામ લોકો વચ્ચેનું કમ્યુનિકેશન એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે. વોટ્સએપ પર અત્યારે વધુમાં વધુ ૮ લોકો એક સાથે વીડિયો કોલિંગ કરી શકે છે. વોટ્સએપે કોલ્સમાં જોડાવા વિશે નવાં નવાં ફીચર્સ ઉમેર્યાં છે. પરંતુ વીડિયો કોલમાં જોડાઈ શકતા સભ્યોની સંખ્યા હજી મર્યાદિત રહી છે. ટેલિગ્રામ પર જુલાઈ મહિનાથી એક સાથે ૧૦૦૦ લોકોનું ગ્રૂપ વીડિયો કોલિંગ શરૂ થઈ ગયું છે!

અત્યાર સુધી આપણે સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર એપમાં જઇને વિવિધ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરી શકતા હતા કે પહેલેથી ઇન્સ્ટોલ કરેલી એપ બહુ સહેલાઇથી અપડેટ કરી શકતા હતા, પરંતુ મૂળ પ્લે સ્ટોર એપને અપડેટ કરવાનું કામ સહેલું નહોતું! આપણે પ્લે સ્ટોર એપના સેટિંગ્સમાં જઇને તેના વર્ઝન નંબર પર ક્લિક કરીને એપમાં કોઈ અપડેટ છે કે નહીં તે તપાસવું પડતું હતું.

હવે ગૂગલને ભૂલ સમજાઈ છે અને વાત ઘણી વધુ સહેલી બનાવવામાં આવી છે. હવે તમારી પ્લે સ્ટોર એપ અપડેટેડ છે કે નહીં એ તપાસવાનું સહેલું બન્યું છે. એ માટે પ્લે સ્ટોર એપ ઓપન કરો અને તેમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ. તેમાં અબાઉટ સેકશનમાં જાઓ. તેમાં પ્લે સ્ટોર વર્ઝનનું સેકશન જોવા મળશે. અત્યાર સુધી તેને ક્લિક કરીને આપણે જાણી શકતા હતા કે એપ અપડેટેડ છે કે નહીં.

હવે અહીં જ ‘અપડેટ પ્લે સ્ટોર’ એવું બટન જોવા મળશે. આ સુવિધા ધીમે ધીમે રોલઆઉટ થઈ રહી છે એટલે અત્યારે તમને આવું બટન જોવા ન મળે એવું બની શકે છે. આ સગવડ  મળી જાય એ પછી પ્લે સ્ટોર એપ પોતે પણ થોડા થોડા સમયે અપડેટ કરતા રહેશો તો પ્લે સ્ટોરનો અનુભવ વધુ સારો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!