સ્માર્ટફોનમાં એક જ કામ કરવા માટે એકથી વધુ રસ્તાઓ હોઈ શકે છે. સીધા ઉદાહરણથી વાત કરીએ તો, વોટ્સએપમાં આવેલી કોઈ લિંક પર આપણે ક્લિક કરીએ ત્યારે સામાન્ય રીતે આપણને પૂછવામાં આવે છે કે આ લિંક કઈ એપમાં ઓપન કરવી છે?

ફોનમાં, જે તે ફોન કંપનીના બ્રાઉઝર ઉપરાંત, ગૂગલ કે ફાયરફોક્સ જેવું બ્રાઉઝર આપણે ઉમેર્યું હોય ત્યારે સામાન્ય રીતે આવું બનતું હોય છે. એક સરખું કામ કરી શકતી એકથી વધુ એપ ફોનમાં ઇન્સ્ટોલ્ડ હોય ત્યારે આવું બને છે. અમુક ફોનમાં, કંપની તરફથી મળતા બ્રાઉઝરમાં ટર્મ્સ એન્ડ કંડિશન અપડેટ થાય, તો કોઈ લિંક ક્લિક કરતાં, તેનું વેબપેજ એ બ્રાઉઝરમાં ઓપન કરવાનો પ્રયાસ થાય, પણ પહેલાં, પેલી નવી શરતો સ્વીકારવાનું આપણને કહેવામાં આવે! આવી બાબતો તમને ગૂંચવતી હોય, તો કયા કામ માટે ડિફોલ્ટ કઈ એપનો ઉપયોગ કરવો તે તમે નક્કી કરી શકો છો.
હવે લગભગ બધા ફોનમાં ડિફોલ્ટ એપ્સ નક્કી કરવા માટેનું સેટિંગ, સેટિંગ્સમાં જોવા મળે છે. એ માટે સેટિંગ્સમાં default apps નું પેજ શોધી કાઢો. અહીં, તમે ફોનમાં વિવિધ એક્શન લેવા માટેની એક નિશ્ચિત – ડિફોલ્ટ એપ નક્કી કરી શકશો. એ ઉપરાંત, ચોક્કસ એક્શન લેતી વખતે આપણને કઈ એપનો ઉપયોગ કરવો છે એમ પૂછવામાં આવે, ત્યારે જ આપણે કહી શકીએ કે આ કામ માટે હવેથી આ જ એપનો ઉપયોગ કરવો.
