
ફેસબુકમાં આપણને સ્પેસની કોઈ ચિંતા હોતી નથી કારણ કે એમાં તો આપણી બધી પ્રવૃત્તિની વિગતો ફેસબુક પોતાના સર્વર્સમાં સાચવે છે, પણ ફેસબુકની માલિકીની (અને હવે ઘણે અંશે આપણી પણ માલિક બની બેઠેલી!) વોટ્સએપ એપ આપણા ફોનમાં સખત ભાર વધારે છે કેમ કે આ એપના પોતાના સર્વરમાં કશું લાંબો સમય સચવાતું નથી, બધું આપણા ફોનની સ્ટોરેજ સ્પેસમાં જ સચવાય છે.

જો તમારા મિત્રો તમારા પર અવારનવાર વોટ્સએપ દ્વારા હેવી ફાઇલ્સનો મારો કરતા હોય અને તમે હવે બિનઉપયોગી બનેલી એ ફાઇલ્સ શોધીને તેનો સફાયો કરવા માગતા હો તો નીચેનાં પગલાં લો.

- ફોનમાં વોટ્સએપ ઓપન કરો.
- ઉપર જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.
- તેમાં ‘સ્ટોરેજ એન્ડ ડેટા’માં જાઓ અને તેમાં ‘મેનેજ સ્ટોરેજ’ ટેબ ઓપન કરો.
- અહીં તમારા ફોનમાં વોટ્સએપને કારણે કેટલી જગ્યા રોકાઈ રહી છે તે જોવા મળશે.
- તે ઉપરાંત, અહીં વોટ્સએપના યૂઝર્સ દ્વારા વારંવાર ફોરવર્ડ થયેલ મીડિયાનું ટેબ જોવા મળશે તથા ‘ફાઇલ્સ લાર્જર ધેન ફાઇવ એમબી’નું સેક્શન જોવા મળશે.
- આ બંને સેકશનમાંના મીડિયા તમારા ફોનમાં કુલ કેટલી જગ્યા રોકે છે તે પણ જોવા મળશે. વારાફરતી બંને સેકશન ઓપન કરીને હવે તમને બિનઉપયોગી લાગતી ફાઇલ્સ સિલેક્ટ કરો અને એક ક્લિકમાં તેમનો સફાયો કરો!
આ જ વિભાગમાં, એટલે કે સેટિંગ્સમાં ‘સ્ટોરેજ એન્ડ ડેટા’માં ‘મીડિયા ઓટો-ડાઉનલોડ’નો વિભાગ તપાસી જુઓ. તેમાં મોબાઇલ ડેટા, વાઇ-ફાઇ અને રોમિંગ ત્રણેયમાં ‘નો મીડિયા’નો વિકલ્પ પસંદ કરી લેશો તો વોટ્સએપમાં તમારા પર આવતા તમામ ફોટા અને વીડિયો ઓટોમેટિકલી ડાઉનલોડ થઈને ફોનમાં ભાર વધારશે નહીં.
આનાથી તમારા વોટ્સએપના ઉપયોગમાં ફક્ત એટલો ફેર પડશે કે ચેટમાં તમને ફોટો અને વીડિયો પહેલાં ધૂંધળાં દેખાશે, જે જોવા માગતા હોય ફક્ત તેને જ ક્લિક કરવાથી એ ડાઉનલોડ થશે અને જોવા મળશે!
