
મૈં ધારક કો … રૂપયે અદા કરને કા વચન દેતા હૂં…’’ આપણા હાથમાં રહેલી ચલણી નોટનું મૂલ્ય ૧૦ રૂપિયાનું હોય કે ૨૦૦૦ રૂપિયાનું, તેના પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સહી સાથે આ લખાણ જોવા મળે છે. એ જ વાત, કાગળના એ નાના ટુકડાને મૂલ્યવાન બનાવે છે. આ સહીને કારણે આપણને ધરપત રહે છે કે આપણે કાગળના એ ટુકડાથી કોઈ પણ ચીજવસ્તુ કે સેવા ખરીદી શકીશું. સામે પક્ષે વેચનારને પણ એવો ભરોસો હોય છે કે પોતે જે વેચે છે તેનું તેને નિશ્ચિત મૂલ્ય મળી રહ્યું છે અને કાગળના એ ટુકડાથી તે પોતે પણ આગળ કંઈક ખરીદી શકશે.
ખાનગી અને જોખમી ક્રિપ્ટો કરન્સીનો સામનો કરવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેવટે પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરી. હાલમાં માત્ર વિવિધ બેન્ક વચ્ચેના ટ્રાન્ઝેક્શન માટે તેનો ઉપયોગ થશે, પણ બહુ ઝડપથી સરેરાશ યૂઝર્સ માટે પણ તે લોન્ચ થશે. સરકારી ડિજિટલ કરન્સી કાગળ પરની ચલણી નોટના ફક્ત ડિજિટલ સ્વરૂપે રહેશે, તેનો ઉપયોગ પણ સલામત રહેશે.
હવે આ વાત જુદું સ્વરૂપ લઈ રહી છે. ભારત સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પ્રાયોગિક ધોરણે લોન્ચ કરી દીધી છે. આ નવા ચલણમાં આપણા હાથમાં નક્કર કશું જ નહીં હોય એટલે તેના પર પેલું વચન પણ વાંચવા નહીં મળે! પરંતુ તેનું નિશ્ચિત મૂલ્ય ચોક્કસ હશે અને આ ડિજિટલ કરન્સીથી આપણે હાથમાંની ચલણી નોટની જેમ જ પૂરા ભરોસા સાથે લેવડદેવડ કરી શકીશું.
ડિજિટલ કરન્સી, રોકડ નાણાં પર થતો તોતિંગ ખર્ચ ઘટાડશે અને નાણાંની આપલે એકદમ ઝડપી પણ બનાવશે.
જો એવું જ હોય તો આપણને સવાલ થાય કે તો પછી હાલના સિક્કા કે ચલણ આધારિત પરંપરાગત ચલણ અને આ ડિજિટલ કરન્સીમાં ફેર શું છે? યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને કારણે આપણે ઓલરેડી ડિજિટલ ટ્રાન્ઝેકશનનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. એ યુપીઆઇ અને આ નવી સીબીડીસીમાં ફેર શું છે? ભારતની યુપીઆઇ વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં અનોખી વ્યવસ્થા તરીકે વખણાઈ છે અને બીજા દેશો તેનો ઉપયોગ કરવા વિચારી રહ્યા છે, ત્યારે સરકાર સીબીડીસીનો નવો પ્રયોગ કેમ કરી રહી છે?

પાછલાં થોડાં વર્ષોથી ભારતમાં બેન્કિંગ વ્યવસ્થામાં ટેક્નોલોજી બહુ મોટો ભાગ ભજવવા લાગી છે ત્યારે ભારતની પોતાની ક્રિપ્ટો કરન્સી જેવી આ સીબીડીસી વિશે આ બધા પાયાના સવાલોના જવાબ મેળવીએ.
અત્યારે બહુ ગાજી રહેલ ‘સીબીડીસી’ શબ્દનું ફૂલ ફોર્મ છે – સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી. દુનિયાભરમાં પરંપરાગત ચલણની સામે અથવા તેને સમાંતર ક્રિપ્ટો કરન્સીનું નવું ચલણ સતત ફૂલીફાલી રહ્યું છે (અને હવે તેનું ધોવાણ પણ થઈ રહ્યું છે). તેની જેમ સીબીડીસી માત્ર ડિજિટલ સ્વરૂપનું ચલણ છે. ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) લાંબા સમયથી ડિજિટલ કરન્સી લોન્ચ કરવા વિશે પ્રયત્નશીલ હતી અને નવેમ્બર ૧, ૨૦૨૨થી તે લોન્ચ કરવામાં આવી. આરબીઆઇના ગવર્નરે કહ્યું છે કે ભારત માટે આ એક ઐતિહાસિક અવસર છે અને સીબીડીસીને કારણે ભારતમાં બિઝનેસ અને નાણાંની લેવડદેવડમાં ધરમૂળથી પરિવર્તન આવશે.

હાલના પરંપરાગત ચલણમાં રિઝર્વ બેન્ક અને આપણી વચ્ચે વિવિધ – જાહેર, ખાનગી, સહકારી – બેન્ક્સ છે, જેનું નિયમન આરબીઆઇ કરે છે. આપણા ખાતામાં જેટલા રૂપિયા બોલતા હોય તેટલા રૂપિયાની ચલણી નોટ આપણને મળી શકે છે.
સીબીડીસીમાં આપણો વહેવાર સીધો રિઝર્વ બેન્ક સાથે થશે. આપણે પોતાની ચલણી નોટ આધારિત રકમને સીબીડીસીમાં ફેરવી શકીશું અને પછી તેની મદદથી ડિજિટલ સ્વરૂપે નાણાંની લેવડદેવડ કરી શકીશું. તેમ જ જ્યારે ઇચ્છીએ ત્યારે સીબીડીસીને પરત પરંપરાગત ચલણમાં ફેરવી શકીશું.
હાલમાં સીબીડીસી માત્ર જુદી જુદી બેન્કના એકમેક સાથેના અને રિઝર્વ બેન્ક સાથેના ટ્રાન્ઝેકશન માટે, પ્રાયોગિક ધોરણે લોન્ચ કરવામાં આવી છે. તેને સીબીડીસીનું ‘હોલસેલ વર્ઝન’ પણ કહી શકાય. રિઝર્વ બેન્કના ગવર્નરે જાહેર કર્યું છે કે બહુ ટૂંક સમયમાંં જ સીબીડીસીનું રીટેલ વર્ઝન મારા-તમારા જેવા સામાન્ય યૂઝર્સ માટે પણ લોન્ચ થઈ જશે (વધુ મહિતી નીચે).

હાલમાં વિવિધ બેન્કે એકબીજાને જે કરોડો રૂપિયાની ચૂકવણી થતી હોય અથવા ગવર્નમેન્ટ બોન્ડ્ઝ માટે રિઝર્વ બેન્કને ચૂકવણી કરવાની થતી હોય તેને માટે રિઝર્વ બેન્કમાં સીબીડીસી એકાઉન્ટ ખોલાવવાનું થાય છે. પછી તેની મદદથી નાણાંની આપલે ડિજિટલ સ્વરૂપે થાય છે.
વિશ્વની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦ સુધી માંડ ૩૫ જેટલા દેશો પોતાની સીબીડીસી લોન્ચ કરવાનું આયોજન કરતા હતા, હવે આ સંખ્યા વધીને ૧૦૫ દેશોની થઈ ગઈ છે! જોકે બહુ ઓછા દેશો વાસ્તવમાં સીબીડીસી લોન્ચ કરી શક્યા છેે અને પણ મોટા ભાગે બેન્ક્સના પોતાના વ્યવહાર માટે, સરેરાશ યૂઝર માટે નહીં.
ભારતે યુપીઆઇની મદદથી નાની રકમની આપલે ડિજિટલ સ્વરૂપે કરવામાં એકદમ હરણફાળ ભરી અને હવે હોલસેલ (ઇન્ટરબેન્ક્સ) અને રીટેલ (સરેરાશ યૂઝર્સ) બંને માટે લોન્ચ સાથે ભારત સીબીડીસીના ક્ષેત્રે પણ વિશ્વના અન્ય દેશો કરતાં સરસાઈ મેળવી લેશે.
સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ વધ્યો છે. નાણાંની પરંપરાગત વ્યવસ્થામાં બજારમાં જે કંઈ નાણાં ફરતાં હોય તેના પર વિવિધ દેશોની સરકારોનો પૂરેપૂરો અંકુશ હોય છે. કેટલાક ભેજાબાજોને લાગ્યું કે આવા અંકુશ વિનાનું ચલણ પણ હોવું જોઇએ. તેમાંથી ક્રિપ્ટો કરન્સીનો જન્મ થયો, તેનો મૂળ સર્જક કોણ એ હજી પણ સ્પષ્ટ નથી.

ક્રિપ્ટો કરન્સીમાં આપણે માટે સૌથી જાણીતું નામ બિટકોઇન છે. પરંતુ ક્રિપ્ટો કરન્સીના અલગ અલગ અનેક પ્રકાર છે. નામમાં ‘કોઇન’ છે અને તેની ઇમેજમાં હંમેશા ‘બી’ લખેલો સિક્કો જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં બિટકોઇન કે અન્ય ક્રિપ્ટો કરન્સીનું કોઈ ભૌતિક, નક્કર સ્વરૂપ છે જ નહીં! ‘માઇનિંગ’ તરીકે ઓળખાતી જટિલ પદ્ધતિથી ક્રિપ્ટો કરન્સી માઇન કરી શકાય છે, પછી તેની લેવડદેવડ થાય છે અને આ લેવડદેવડનો રેકોર્ડ બ્લોકચેઇન ટેકનોલોજીની મદદથી, ‘ડિસ્ટ્રિબ્યુટેડ લેજર’ સ્વરૂપે રાખવામાં આવે છે.
બ્લોકચેઇન એવી પદ્ધતિ છે, જે એકબીજા સાથે સંકળાયેલા સંખ્યાબંધ કમ્પ્યૂટરની ચેઇન દ્વારા મેનેજ થાય છે. કોઈ એક વ્યક્તિ કે સંસ્થા તેનું સંચાલન કરતી નથી. બ્લોકચેઇન પોતે બહુ સલામત પદ્ધતિ છે, પરંતુ કોઈ નિયંત્રણ વગરની ક્રિપ્ટો કરન્સી સલામત નથી . તેના ભાવમાં અત્યંત ઊંચનીચ થતી રહે છે. આમ, ઉપયોગ કે સંચાલનની રીતે સીબીડીસી એક પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે, પણ તે સરકાર દ્વારા નિયંત્રિત છે અને તેનું મૂળ મૂલ્ય નિશ્ચિત જ રહેશે.
સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નું રીટેલ વર્ઝન પણ હવે લોન્ચ થવાની તૈયારીમાં છે. આ વર્ઝનમાં આપણા જેવા સામાન્ય યૂઝર્સ પણ ઇચ્છે તો પોતાના સાદા, પરંપરાગત રૂપિયાને ડિજિટલ કરન્સીમાં ફેરવી શકશે. યુપીઆઇનું સંચાલન કરતા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ને જ સીબીડીસીના રીટેલ વર્ઝનની જવાબદારી સોંપવામાં આવી છે.

મળતા સમાચાર મુજબ, શરૂઆતમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, આઇસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, યસ બેન્ક તથા આઇડીએફસી ફર્સ્ટ બેન્ક જેવી બેન્ક્સ સીબીડીસીના પાયલોટ પ્રોજેક્ટમાં સામેલ થઈ રહી છે. શરૂઆતમાં દરેક બેન્ક દસ હજારથી પચાસ હજાર યૂઝર્સને આવરીને તેમને રીટેલ સીબીડીસીનો લાભ આપશે.
મહત્ત્વની વાત એ છે કે સીબીડીસી હાલનાં બધાં પ્લેટફોર્મ્સ સાથે ઇન્ટરઓપરેબલ રહેશે. એટલે કે આપણે નેટબેન્કિંગ કે યુપીઆઇ દ્વારા રૂપિયાને ઇ-રૂપીમાં ફેરવી શકીશું. ડિજિટલ રૂપી ડિજિટલ વોલેટમાં સચવાશે. જોકે રીટેલ યૂઝર્સમાં સીબીડીસી કેટલી લોકપ્રિય થશે એ એક સવાલ છે. કેમ કે ઉપયોગની દૃષ્ટિએ યુપીઆઇ એક પ્રકારે ડિજિટલ કરન્સી જ છે. તેમાં આપણને પોતાની બેન્કના સેવિંગ્સ એકાઉન્ટમાં રહેલા રૂપિયાનું થોડું ઘણું પણ વ્યાજ મળે છે, જ્યારે સીબીડીસીમાં વ્યાજ મળવાની શક્યતા નથી!
સીબીડીસી દ્વારા સરકાર એક તીરથી બે કે વધુ શિકાર કરવા માગે છે. તેના પહેલા નિશાન પર અનિયંત્રિત અને દેશ માટે જોખમી બની શકે તેવી ક્રિપ્ટો કરન્સી છે.
ક્રિપ્ટો કરન્સીની જેમ સીબીડીસીનું સ્વરૂપ માત્ર ડિજિટલ છે. પરંતુ સૌથી મોટા બે તફાવત છે. ૧) સીબીડીસી પર સરકારનો સીધો અંકુશ છે. અને ૨) તેનું સ્થિર નિશ્ચિત મૂલ્ય છે.

ખાનગી ક્રિપ્ટો કરન્સીમાં વિવિધ પરિબળોને આધારે તેના મૂલ્યમાં શેરબજારની જેમ સતત વધ-ઘટ થતી રહે છે અને એ પણ અત્યંત ઊંચા પ્રમાણમાં. આ વધુ પડતી અસ્થિરતાને કારણે ક્રિપ્ટો કરન્સીમાં સામાન્ય લોકોનો વિશ્વાસ ડગી રહ્યો છે. ક્રિપ્ટો કરન્સી પર કોઈનો અંકુશ ન હોવાથી તેમાં સ્કેમ પણ થઈ રહ્યાં છે.
તેના ઉપાય તરીકે હવે ‘સ્ટેબલકોઇન’ નામે એક નવો કન્સેપ્ટ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોની જેમ ભારત સરકાર પણ ક્રિપ્ટો કરન્સીના ફાયદા લેવા માગે છે અને તેનાં જોખમોને અંકુશમાં રાખવા માગે છે.
વાસ્તવમાં સીબીડીસી લોન્ચ કરવા પાછળ રિઝર્વ બેન્કના કેટલાક સ્પષ્ટ ઉદ્દેશ છે ઃ ૧) તે ભારતભરમાં ખાનગી ક્રિપ્ટો કરન્સીના પ્રસારને અટકાવવા માગે છે, અને ૨) ભારતમાં આંતરિક સ્તરે અને લાંબા ગાળે વૈશ્વિક સ્તરે નાણાંની લેવડદેવડ અત્યંત ઝડપી અને ઓછી ખર્ચાળ બનાવવા માગે છે.
કાળાં નાણાં, ભ્રષ્ટાચાર અને ટેરર ફંડિંગ – આ ત્રણેય બાબતમાં સરકાર માટે ડિજિટલ કરન્સી મોટું હથિયાર બની શકે છે.
હાલમાં પરંપરાગત ચલણ તરીકે ચલણી નોટોનું પ્રિન્ટિંગ કરવા પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. સીબીડીસીમાં શરૂઆતમાં આખું ઇન્ફ્રાસ્ટ્રકચર ગોઠવવા માટે મોટો ખર્ચ થશે પરંતુ પછી ઓપરેશનલ કોસ્ટ ઘટતી જશે.
બીજો મુદ્દો વધુ મહત્ત્વનો છે – એક વાર નક્કર ચલણી નોટો બેન્કમાંથી કોઈ વ્યક્તિના હાથમાં પહોંચે ત્યાર પછી તેના પર સરકારનો કોઈ અંકુશ રહેતો નથી. એ નોટોનો ઉપયોગ હોસ્પિટલ બાંધવા થઈ શકે અને ત્રાસવાદીઓનાં હથિયાર ખરીદવા પણ થઈ શકે. ડિજિટલ કરન્સીના ઉપયોગ પર સરકારની નજર રહી શકે. તેનો ઉપયોગ માત્ર નિશ્ચિત હેતુ માટે મર્યાદિત પણ કરી શકાય. (થોડા સમય પહેલાં લોન્ચ થયેલ ઈ-રૂપી સિસ્ટમમાં આ હેતુ છે – સરકાર ખેડૂતોને ખાતર માટે સબસિડી આપે અને તે ઇ-રૂપી સ્વરૂપે હોય તો ખેડૂત તેમાંથી ખાતર જ ખરીદી શકે, ટ્રેકટર નહીં). કાળાં નાણાં, ભ્રષ્ટાચાર અને ટેરર ફંડિંગ – આ ત્રણેય બાબતમાં સરકાર માટે સત્તાવાર ડિજિટલ કરન્સી મોટું હથિયાર બની શકે છે.
સીબીડીસી વિશે થોડું ઘણું જાણતા લોકોને અત્યારે આ જ પ્રશ્ન સતાવી રહ્યો છે – આપણને શું ફેર પડશે?
પહેલાં મોબાઇલ વોલેટ અને એ પછી હજી તો માંડ યુપીઆઇનો ઉપયોગ શીખ્યા ત્યાં વળી આ શું નવું આવ્યું?!
આપણને કોઈ ફાયદો ખરો?
અત્યારે આપણે યુપીઆઇથી ક્યૂઆર કોડ સ્કેન કરીને કે અન્ય વ્યક્તિ/કંપનીના યુપીઆઇ આઇડી પર ફટાફટ રૂપિયા મોકલીએ છીએ, તેમાં ક્યાંય ચલણી નોટનો ઉપયોગ થતો નથી. એટલે આ પણ એક પ્રકારની ડિજિટલ કરન્સી જ છે. તો આપણે સીબીડીસીની જરૂર ખરી?
રિઝર્વ બેન્કે સીબીડીસી વિશે જે કન્સેપ્ટ નોટ તૈયાર કરી છે, તેમાં આ સવાલનો જવાબ કંઈક અંશે મળે છે.

સરકાર કે આરબીઆઇનો સીબીડીસી લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ ખરેખર તો બેન્ક્સ અને મોટાં કોર્પોરેટ્સ વચ્ચે અત્યંત મોટી રકમની આપલે બહુ ઝડપી ને ઓછી ખર્ચાળ બનાવવાનો છે.
અત્યારે આઇએમપીએસ, નેફ્ટ કે આરટીજીએસથી રકમ ઓનલાઇન ટ્રાન્સફર થઈ શકે છે, પરંતુ ૨૫ લાખથી મોટી રકમ માટે ટ્રાન્સફરની વિધિ ઝંઝટભરી છે. સીબીડીસીથી તે રીયલ ટાઇમમાં થઈ શકશે, મોટા બિઝનેસને તેના મોટા લાભ છે.
બીજી તરફ, મારા-તમારા જેવા સરેરાશ યૂઝર માટે પણ સીબીડીસી લોન્ચ થઈ રહી છે, પરંતુ સરકાર તેને યુપીઆઇ જેવી વ્યવસ્થાની પૂરક તરીકે જુએ છે, યુપીઆઇનું સ્થાન સીબીડીસી લઇ લે તેવું લક્ષ્ય નથી.
જો તમને યુપીઆઇથી રૂપિયાની ડિજિટલ આપલે કરવાનું ફાવી ગયું હોય તો નવી ડિજિટલ કરન્સીનો કોઈ વિશેષ ફાયદો નથી.
અત્યારે ભારતમાં યુપીઆઇની મદદથી લેવડદેવડ સતત જંગી પ્રમાણમાં વધી રહી છે, પણ તકલીફ એ છે કે આ વ્યવસ્થામાં હાલમાં મુખ્ય ભૂમિકા અમેરિકન વોલમાર્ટ કંપનીની માલિકીની ફોનપે અને ગૂગલની માલિકીની ગૂગલપે જેવી એપની છે. ઉપરાંત યુપીઆઇ પર ભાર સતત વધી રહ્યો હોવાથી તેનું ભારણ હળવું કરવાની પણ જરૂર છે.
સીબીડીસીનું રીટેલ વર્ઝન લોન્ચ થશે એ પછી આપણે સાદી બેન્કના એકાઉન્ટ વિના, ડાઇરેક્ટ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે કનેક્ટેડ સીબીડીસી એકાઉન્ટ ખોલાવી શકીશું. પછી યુપીઆઇની જેમ જ ડિજિટલ કરન્સીથી જરૂર પડે ત્યાં સામાન્ય રૂપિયાની જેમ ચૂકવણી કરી શકીશું.
ખાસ નોંધવા જેવી વાત એ કે સીબીડીસી એકાઉન્ટમાં રહેલી રકમ માટે આપણને કોઈ વ્યાજ મળશે નહીં. એ જોતાં સામાન્ય લોકો યુપીઆઇને બદલે સીબીડીસી તરફ વળે તેવી શક્યતા હાલમાં ઓછી દેખાય છે.
