આપણે સૌ ગૂગલની વિવિધ સર્વિસ તથા જાતભાતની સોશિયલ મીડિયા સાઇટ્સનો દિવસ-રાત ઉપયોગ કરીએ છીએ. શરૂઆતમાં આપણને કુતૂહલ રહેતું કે આ બધું આપણા માટે મફત હોય તો આ કંપનીઓ જંગી કમાણી કેવી રીતે કરે છે? પછી સમજાયું કે જો પ્રોડક્ટ ફ્રી હોય તો પછી એ કંપની માટે આપણે પોતે જ એક પ્રોડક્ટ છીએ. કંપનીઓ આપણા વિશે ડેટા એકઠો કરીને તેમાંથી કમાણી કરે છે.
હવે નવા સમયમાં આપણું આ પ્રકારનું કુતૂહલ જરા વિસ્તર્યું છે.
હવે આપણને એ વાતની નવાઈ લાગે છે કે યુપીઆઇ જેવી વ્યવસ્થાની મદદથી આપણે કોઈ પણ એપ પરથી રૂપિયાની ચૂકવણી કરીએ કે કોઈની પાસેથી રૂપિયા મેળવીએ ત્યારે બંને પક્ષમાંથી કોઇએ રૂપિયા ચૂકવવા પડતા નથી, તો પછી આ યુપીઆઇ એપ્સ કમાણી કઈ રીતે કરે છે?
આપણો અનુભવ છે કે વિવિધ ઇ-કોમર્સ સાઇટ પર ખરીદી કે ઓર્ડર બુકિંગ પછી તેનું પેમેન્ટ કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે ‘પેમેન્ટ ગેટવે’ તરીકે ઓળખાતી વ્યવસ્થાથી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. આવા પેમેન્ટ ગેટવે દરેક પેમેન્ટ પર અમુક નિશ્ચિત ટકાવારીનું કમિશન વેપારી પાસેથી વસૂલ કરે છે (વેપારી ઇચ્છે તો પેમેન્ટ ગેટવેના કમિશનનો ખર્ચ ગ્રાહકના માથે પણ નાખી શકે છે).
પરંતુ યુપીઆઇમાં વાત જુદી છે. તેમાં ક્યૂઆર કોડ સ્કેન કરીને સામેની વ્યક્તિના ખાતામાં રકમ ટ્રાન્સફર થાય ત્યારે વેપારીએ કે ગ્રાહકે કમિશન પેટે કોઈ રકમ ચૂકવવાની થતી નથી.
હવે ચર્ચા જાગી છે કે યુપીઆઇ પેમેન્ટ પર પણ ટ્રાન્ઝેકશન ચાર્જ લેવામાં આવશે. જોકે એ પછી નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે હાલમાં આવી કોઈ વિચારણા નથી. નાણામંત્રાલયે કહ્યું છે કે યુપીઆઇની સર્વિસ પૂરી પાડતી એપ્સને થતાં ખર્ચની ભરપાઈ કરવા માટે અન્ય કોઈ રસ્તો શોધવામાં આવશે પરંતુ આ ખર્ચ સીધે સીધો ગ્રાહક કે વેપારી પર નાખવામાં આવશે નહીં. શરૂઆતથી સરકાર ઓનલાઇન લેવડદેવડને પ્રોત્સાહન આપવા બનતા બધા પ્રયાસ કરી રહી છે. એ માટે યુપીઆઇથી થતા ટ્રાન્ઝેક્શન્સ પર અત્યાર સુધી કોઈ ચાર્જ નાખવામાં આવ્યો નથી.
વાસ્તવમાં, આ વ્યવસ્થા ચલાવવા માટે બેન્ક્સને જે ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે સરકારે ડિસેમ્બર ૨૦૨૧માં, કુલ રૂ. ૧,૩૦૦ કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી.
હવે મજા જુઓ – આ સહાય બેન્ક્સને મળે છે, જેમનો વાસ્તવમાં યુપીઆઇ વ્યવસ્થામાં કોઈ ખાસ હિસ્સો છે જ નહીં!
એક અંદાજ મુજબ, અત્યારે ભારતમાં દર મહિને યુપીઆઇથી જેટલાં ટ્રાન્ઝેક્શન થાય છે તેમાં ૯૫ ટકા ફાળો માત્ર ફોનપે, ગૂગલપે અને પેટીએમ પેમેન્ટ્સ બેન્કનો છે. એકલી ફોનપ એપનો ફાળો ૪૬ ટકા અને ગૂગલપેનો ફાળો ૩૪ ટકા છે.
બીજી તરતફ દેશમાં યુપીઆઇથી પેમેન્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. દર મહિને દેશમાં દસ લાખ કરોડથી રૂપિયાની લેવડદેવડ યુપીઆઇથી થવા લાગી છે અને કુલ ઓનલાઇન લેવડદેવડમાં યુપીઆઇનો ફાળો ૬૦ ટકાથી વધુ છે!
આપણો દેશ કેશલેસ ઇકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સામાન્ય લોકોના માથે યુપીઆઇનો ખર્ચ નાખવાનું સરકારને પોસાય તેમ નથી. એટલે હાલ પૂરતું તો આપણે યુપીઆઇ પર ચાર્જ વિના તેનો લાભ લઈ શકીએ છીએ – પરંતુ વહેલા મોડો તેના પર પણ ચાર્જ આવશે એ નક્કી જ સમજજો!


