કોરોના કાળમાં સ્કૂલ-કોલેજ, ઓફિસ બધે કાયમ વેકેશન જેવી સ્થિતિ હતી. એ દરમિયાન ખરેખરું વેકેશન આવે તોય એનો આગવો આનંદ રહ્યો નહોતો. હવે બધું ફરી ઓફલાઇન થઈ ગયું છે અને ફરી વેકેશન નજીકમાં છે ત્યારે એનો આનંદ લૂંટવાની એક જૂની રીત અજમાવીએ.
કેટલીક ક્લાસિક ગેમ્સની યાદો તાજી કરીએ! ભમરડા કે ગિલ્લીદંડા જેવી ખરેખરી ક્લાસિક ગેમ્સ તો હવે સાવ ભૂલાવા લાગી છે. અત્યારે વાત કમ્પ્યૂટર ગેમ્સની કરીએ.

તમે વાય કે ઝેડ જનરેશનના હશો તો આગળ આપેલી ગેમ્સ કદાચ ક્યારેય રમ્યા પણ નહીં હો! આ બધી ખાસ્સી જૂની ગેમ્સ છે, છતાં હજી પણ પોપ્યુલર છે. અમુક ગેમ એવી છે જે તમામ ઓફિસ-ગોઅર્સ બોસની નજર ચુકાવીને અચૂક રમ્યા હશે. કોઈ ગેમથી કમ્પ્યૂટર પર ‘આર્કેડ’ (ખાસ પ્રકારના કોન્સોલ પર રમાય એવી) ગેમ્સનો આખો યુગ શરૂ થયો. અમુક ગેમ્સ એટલી પોપ્યુલર થઈ કે કમાણીની બાબતે હજી પણ ટોચની ગેમ્સમાં એ સામેલ છે. મજા એ છે કે તમે આ ગેમ્સ અગાઉ પીસીમાં રમ્યા હો ને ફરી હાથ સાફ કરવા માગતા હો કે જૂના જમાનાની ગેમ્સ કેવી હતી એ પહેલી જ વાર જોવા માગતા હો તો આ બધી ગેમ્સ હવે સીધી જ બ્રાઉઝરમાં રમી શકાય એવી છે. અહીં આપેલી બધી ગેમ્સ ગૂગલ સર્ચ એન્જિનમાં જ સામેલ છે એટલે કશું ઇન્સ્ટોલ કર્યા વિના, પીસી કે મોબાઇલમાં રમી શકાશે.
ક્લાસિક ગેમ્સની સાથે, આવનારા સમયમાં કેવી ગેમ્સ રમવા મળશે એનો અનુભવ કરાવતી, ઓગમેન્ટેડ રિયાલિટી આધારિત ગેમ્સની પણ આગળ વાત કરી છે. તમારા સ્માર્ટફોનમાં આ પ્રકારની ગેમ્સ ન ચાલે એવું બની શકે (પ્લે સ્ટોરમાં એઆર ગેમ્સને નામે કેટલીય તદ્દન નકામી ગેમ્સ પણ મળશે) પરંતુ આવનારા સમયમાં એન્ટરટેઇન્મેન્ટ અને એજ્યુકેશન બંને આ જ દિશામાં આગળ વધવાનાં છે, તેનો થોડો પરિચય અત્યારથી કરી લેવા જેવો છે.
અગાઉ ‘વર્ક-ફ્રોમ-ઓફિસ’નો જમાનો હતો ત્યારે મોટા ભાગના લોકોની જેમ, ક્યારેક ને ક્યારેક તમે પણ ઓફિસ કામથી કંટાળો (અને તમારા ટેબલ પર પીસી હોય) તો બીજાની નજર ન પડે એ રીતે સ્ક્રીન ગોઠવીને પીસીમાં પત્તાંની ક્લાસિક ગેમ ‘સોલિટેર’ રમ્યા જ હશો!

આ ગેમને ૨૫-૨૫ વર્ષ વીતી જવા હતાં હજી પણ થોડો સમય ‘ટાઇમપાસ’ કરવા માટે લોકોની ફેવરિટ રહી છે. પીસી-લેપટોપમાં વિન્ડોઝ સાથે હજી સોલિટેર કલેક્શન સામેલ હોય છે, તમે ખરેખર સાવ થોડા સમય પૂરતી આ ગેમ રમવા માગતા હો તો મોબાઇલમાં (કે પીસીમાં) solitaire સર્ચ કરી જુઓ. કશું ઇન્સ્ટોલ કર્યા વિના સીધા બ્રાઉઝરમાં આ સિંગલ-પ્લેયર ગેમની મજા માણી શકાશે.
તમે નવી જનરેશનના હો અને આ ગેમ રમ્યા ન હો તો થોડું જાણી લો, ગોલ સિમ્પલ છે – પત્તાં ગોઠવાઇને આવે એટલે બ્લેક-રેડ પત્તાં એક પછી એક ક્રમબદ્ધ રીતે ગોઠવો અને ચારેય પ્રકારનાં પત્તાં અલગ તારવો.
ઇઝી અને હાર્ડ બે લેવલમાં ગેમ રમી શકાશે.
૧૯૮૦ના અરસામાં (આજની જેમ!) મોટા ભાગની વીડિયો ગેમ્સ મારધાડવાળી હતી, ત્યારે જાપાનમાં મહિલાઓને પણ રસ પડે એવી એક હલ્કીફૂલ્કી ગેમ લોન્ચ થઈ.
પિઝામાંથી એક સ્લાઇસ કાઢી નાખી હોય એવા દેખાતા એક કેરેક્ટર – પેક-મેન – ની મદદથી સ્ક્રીન પર એક મેઝ (ભુલભુલામણી)માં દોડમદોડ કરતા ડોટ્સનો ખાત્મો કરવાનો, એ આ ગેમનો ગોલ.

આ ગેમ ઇતિહાસની પહેલી મેગાહિટ વીડિયો ગેમ બની. જાપાનથી આગળ, આખી દુનિયામાં આ ગેમ જબરી પોપ્યુલર થઈ અને આજ સુધી, સૌથી વધુ કમાણી કરનારી ગેમ્સમાં તે સામેલ છે. ગૂગલે તેને થોડું જુદું સ્વરૂપ આપીને ‘ગૂગલ’ આલ્ફાબેટ્સમાંથી ભુલભુલામણી બનાવી છે (મૂળ એ ગૂગલ ડૂડલ સ્વરૂપે બની હતી). એટલે ટર્ન્સ નજીક નજીક અને ખાસ્સા શાર્પ બન્યા છે.
આ ગેમ પણ પીસી અને મોબાઇલ બ્રાઉઝરમાં સીધું pac-man સર્ચ કરીને રમી શકાય છે. આ ગેમ પીસીની જેમ મોબાઇલ બ્રાઉઝરમાં પણ મળે, પણ તેમાં રમવું થોડું મુશ્કેલ બનશે.
પીસી અને મોબાઇલ બંનેમાં ઇન્ટરનેટ કનેક્શન દુર્લભ હતું એ સમયે તમે બંને સાધનનો ઉપયોગ કર્યો હશે તો તેમાં ‘સ્નેક’ ગેમ રમ્યા જ હશો. મૂળ સ્વરૂપમાં સ્ક્રીન પર બે ચોરસ ડોટ દેખાય, એકને આપણે કી-બોર્ડથી મૂવ કરી શકીએ અને તેનાથી પેલો બીજો ચોરસ ‘ખાવાનો’.

એક પછી એક ચોરસ ખવાતા જાય તેમ તેમ સ્ટ્રાઇકર ચોરસ સાપની જેમ લંબાતો જાય અને આપણે એનાથી પણ બચવાનું!
છેક ૧૯૭૬માં પહેલી વાર આવેલી આ ગેમે ૯૦ના દાયકામાં નોકિયાના મોબાઇલ્સમાં પણ ધૂમ મચાવી હતી. નોકિયાની એક એડમાં અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન (કે તેમના હમશકલ?) આ ગેમ રમતા દેખાયા હતા!
આ ગેમ પણ અત્યારે પીસી કે મોબાઇલમાં ફક્ત snake સર્ચ કરીને, કશું ડાઉનલોડ કર્યા વિના રમી શકાય છે. આ વર્ઝનમાં ડોટને સ્થાને સાપ અને જુદાં જુદાં ફળ છે.
ક્લાસિક ગેમનાં અનેક વર્ઝન થયાં છે, તમને રસ પડે તો ડાઉનલોડ કરવા ઘણી એપ્સ મળશે.
સ્કૂલની બેક બેન્ચ પર ફ્રેન્ડસ સાથે રફનોટનાં પેજ પર પેન્સિલથી આ ગેમ તમે અચૂક રમ્યા હશો! એ જ ક્લાસિક ગેમ ‘ટિક-ટેક-ટો’ (એનું ગુજરાતી નામ યાદ છે?!).

આ ગેમ કાગળ પર ત્રણ બાય ત્રણનાં નવ ચોકઠાં દોરીને રમી શકાતી હતી. બે પ્લેયર રમે, બંને વારાફરતી એક એક ખાનામાં ચોકડી કે વર્તુળ બનાવે. જે આડી, ઊભી કે ત્રાંસી હરોળમાં પોતાનાં ત્રણ નિશાન મૂકી બતાવે એ જીતે! પોતે જીતવા મહેનત કરવાની ને બીજાને જીતતાં અટકાવવાના!
આ ગેમ પણ પીસી કે મોબાઇલમાં બ્રાઉઝરમાં માત્ર tic-tac-toe સર્ચ કરીને તરત રમી શકાય છે. ચાહો તો કોઈ મિત્ર સાથે રમો અથવા એકલા હો તો ગૂગલની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સામનો કરો. ગેમ તમે ઇઝી, મીડિયમ કે ઇમ્પોસિલ મોડમાં રમી શકશો. આ ગેમ રોમન સામ્રાજ્યમાં પણ રમાતી હોવાનું નોંધાયું છે. ૧૯૫૨માં તેનું પહેલું કમ્પ્યૂટર વર્ઝન તૈયાર થયું.
તમને કોડિંગમાં રસ હોય તો આ ગેમ જાતે કોડ કરી જુઓ!
‘માઇનસ્વીપર’ સાવ સિમ્પલ ગેમ નથી. આ પહેલાં લખેલી ગેમ્સ રમવા તેના રૂલ્સ સમજવાની જરૂર નથી, પણ માઇનસ્વીપર રમતાં પહેલાં, સમજવા માટે તમારે ગૂગલ પર થોડાં ખાખાંખોળાં કરવાં પડશે!
૧૯૮૯માં લોન્ચ થયેલી આ ગેમ અગાઉ વિન્ડોઝમાં સામેલ રહેતી હતી, હવે અલગથી ડાઉનલોડ કરવી પડે છે, અલબત્ત મફત. એમ ન કરવું હોય તો સીધું જ બ્રાઉઝરમાં સર્ચ કરીને, પીસી કે મોબાઇલમાં કશું ઇન્સ્ટોલ કર્યા વિના રમી શકાશે.

આ લેખની અન્ય કેટલીક ગેમ્સની સરખામણીમાં આ ગેમ મોબાઇલ પર સહેલાઈથી રમી શકાય છે.
ગૂગલનું વર્ઝન દેખાવમાં વિન્ડોઝ કરતાં થોડું જુદું છે, પણ મૂળ ગેમ એ જ છે. ગેમ સ્ટાર્ટ કરતાં, એક ગ્રિડ જોવા મળેે. ગમે તે ખાનું ક્લિક કરતાં ખાનાંમાં નંબર્સ જોવા મળે. દરેક નંબર તેની તદ્દન નજીકનાં કેટલાં ખાનામાં માઇન છે તે બતાવે છે.
આપણે લોજિક ચલાવીને નક્કી કરવાનું કે કયા ખાનામાં માઇન હશે. નિર્ધારિત સમયમાં બધી માઇન્સ શોધી કાઢો તો જીતો!
આગલી બધી ગેમ્સ પીસી કે મોબાઇલમાં ફક્ત સર્ચ કરીને રમી શકાશે, એ બધી ગેમ્સની જેમ આ ગેમ ગૂગલ સર્ચ એન્જિનમાં જ સામેલ હોવા છતાં, તેને શોધવી ટ્રીકી છે.

પીસીમાં વાત થોડી સહેલી છે – google.com પર જાઓ, સર્ચ બોક્સમાં atari breakout લખો અને પછી સીધું સર્ચ કરવાને બદલે ‘આઇ એમ ફીલિંગ લકી’ ક્લિક કરો. ગૂગલનું ઇમેજિસ સર્ચ પેજ ઓપન થશે, આ ગેમના સ્ક્રીનશોટ્સ દેખાશે અને પછી એ બધી ઇમેજ જ નાની-નાની બ્રિક્સમાં ફેરવાઈ જશે. સ્ક્રીન પર એક બાર રહેશે, જેને માઉસથી ડાબે-જમણે ખસેડી શકાશે. એ સાથે સ્ક્રીન પર એક બોલ પણ દેખાશે, તેને બારની મદદથી બાઉન્સ કરતા રહેવાનું અને બોલથી ઉપરની બ્રિક્સ તોડવાની.
આ ગેમ્સનાં પણ પાર વગરનાં વર્ઝન લોન્ચ થયાં છે અને એપ્સ તરીકે પણ ડાઉનલોડ કરી રમી શકાય છે. અચ્છા, પીસીમાં કે મોબાઇલમાં ઉપરની રીતે ગેમ શોધવી મુશ્કેલ લાગી? https://elgoog.im/breakout/ પેજ પર સીધા જ પહોંચી જાઓ (સાઇટનું નામ ફરી વાંચો)!
