તમારી પાસે કાર છે? તો તેમાં ફાસ્ટેગ હશે. જો ફાસ્ટેગ હશે તો તમારું ફાસ્ટેગ વોલેટનું એકાઉન્ટ હશે અને તે મોટે ભાગે તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક્ડ હશે. હવે એક અણિયાળો સવાલ – તમે તમારા ફાસ્ટેગ એકાઉન્ટનું બેલેન્સ તપાસતા રહો છો? જવાબ લગભગ ના હશે.
હાઈવે પરના ટોલટેક્સ ચૂકવવા માટે હવે ફાસ્ટેગ અનિવાર્ય છે. તેનો ઉપયોગ અન્ય પાર્કિંગ સ્થળોએ પણ ફી ચૂકવવા માટે વિસ્તરી રહ્યો છે. કેટલાંક શહેરોમાં પેટ્રોલ પંપ પર પણ ફાસ્ટેગથી પેમેન્ટ શક્ય બનવા લાગ્યું છે. તેમ છતાં ફાસ્ટેગ એકાઉન્ટ તરફ આપણે ખાસ ધ્યાન આપતા નથી.
હવે ધ્યાન આપવા જેવું છે. કેમ કે દિલ્હીની એક ઠગટોળકીએ ફાસ્ટેગને પોતાનું હથિયાર બનાવી લીધું.

બન્યું એવું કે થોડા સમય પહેલાં દિલ્હી પોલીસ એક મર્ડર કેસની તપાસ ચલાવી રહી હતી ત્યારે એ કેસના એક આરોપીની સાથે રહેતી બીજી એક વ્યક્તિ પર પોલીસને જુદી રીતે શંકા ગઈ. કારણ એ હતું કે એ વ્યક્તિ પાસે પોલીસને લેપટોપ, મોબાઇલ ફોન, કાર્ડ સ્વાઇપ કરવાનું મશીન અને ખાસ તો ઢગલાબંધ સિમકાર્ડ મળી આવ્યાં.
ઢગલાબંધ સિમ કેમ હતાં તેનો એ માણસ સંતોષજનક ખુલાસો કરી શક્યો નહીં. પોલીસે તેને અટકમાં લીધો અને એ પછી મર્ડર કેસની તપાસ તેની રીતે ચાલતી રહી પણ પોલીસના હાથમાં એક નવો કેસ આવી ગયો.
પેલા આરોપીએ કબૂલ્યું કે તેણે બીજા કેટલાક સાગરિતોની મદદથી સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવ્યું હતું અને ફક્ત એક મહિનામાં જુદા જુદા લોકોના ખાતામાંથી રૂપિયા ૮૦ લાખ જેટલી રકમ સેરવી લીધી હતી.
આ ટોળકીમાંથી કેટલાક લોકો અગાઉ ટેલિકોમ કંપનીમાં કામ કરી ચૂક્યા હતા અને ત્યાંથી તેમણે કેટલોક ડેટા તફડાવ્યો હતો. એ જ રીતે તેઓ વિવિધ બેન્કમાંથી નવી ક્રેડિટ કાર્ડ મેળવનારા લોકોનો ડેટા પણ ચોરી શક્યા હતા. પોલીસ તપાસમાં ફ્રોડની પદ્ધતિ આવી કંઈક હોવાનું બહાર આવ્યું…
ઠગ લોકો એક તરફ બેન્ક અધિકારીઓ તરીકે ઓળખ આપીને નવા ક્રેડિટ કાર્ડ મેળવનારા લોકોનો સંપર્ક કરતા હતા અને કાર્ડનું એક્ટિવેશન કે ટ્રાન્ઝેકશનની લિમિટ વધારવા કે ઘટાડવા જેવા બહાને તેમની પાસેથી ક્રેડિટ કાર્ડની વિગતો મેળવતા હતા.
બીજી તરફ ટોળકીના કેટલાક લોકો બનાવટી ફાસ્ટટેગ એકાઉન્ટ ઊભાં કરતા હતા અને તેને, તેમણે મેળવેલી વિગતોના આધારે ક્રેડિટ કાર્ડ સાથે કનેક્ટ કરતા હતા. આ રીતે તેઓ જુદા જુદા લોકોના ક્રેડિટ કાર્ડમાંથી પોતે બનાવેલા બનાવટી ફાસ્ટેગ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હતા!
આવું કૌભાંડ હજી માત્ર દિલ્હીમાં થયું હોવાનું બહાર આવ્યું છે. પરંતુ સાવધાની તરીકે આપણે તેમાંથી બે બોધપાઠ લેવા રહ્યા.
એક, પોતાનાં બેન્કિંગ કાર્ડસ કે બેન્ક એકાઉન્ટની બધી વિગતો કોઈ પણ અજાણી વ્યક્તિને આપવી નહીં. એ વ્યક્તિ બેન્ક ઓફિસર હોવાનો દાવો કરે તો પણ નહીં.
બીજી વાત, ફાસ્ટેગ કે અન્ય કોઈ પણ રીતે જે કોઈ એકાઉન્ટ આપણા બેન્ક એકાઉન્ટ સાથે કનેક્ટેડ હોય તેમાં થતા ટ્રાન્ઝેકશન પર નિયમિત નજર રાખવી અને કંઈ પણ અસાધારણ ટ્રાન્ઝેકશન ધ્યાનમાં આવે તો તરત બેન્કનો સંપર્ક સાધવો.

