નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મ પર તમે મૂવી કે વેબસિરીઝ ડાઉનલોડ કરીને પછી જોવાની સુવિધાનો લાભ લો છો?
ફોનમાં અનલિમિટેડ નેટ કનેક્શન હોય તો આ સુવિધાની કદાચ જરૂર ન રહે, પણ નેટ કનેક્શન ક્યારેક પકડાય અને ક્યારેક નહીં એવી સ્થિતિ હોય તો ડાઉનલોડની સુવિધા બહુ કામની સાબિત થાય. નેટફ્લિક્સે ભારતમાં એન્ટ્રી કરી ત્યારે ભારતમાં નેટ કનેક્ટિવિટીની સ્થિતિ જોઈને કંપનીને લાગ્યું કે અહીં ડાઉનલોડની સુવિધા આપવી પડશે!

અત્યારે તમે આઇફોન, આઇપોડ, એન્ડ્રોઇડ ફોન કે ટેબલેટ, એમેઝોન ફાયર ટેબલેટ, ક્રોમબૂક અને વિન્ડોઝ ૧૦ કે ૧૧ ટેબલેટ કે કમ્પ્યૂટરમાં નેટફ્લિક્સમાં કન્ટેન્ટ ડાઉનલોડ કરવાની સુવિધાનો લાભ લઈ શકો છો. અલબત્ત, બધાં ડિવાઇસમાં અને બધું જ કન્ટેન્ટ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હોતું નથી. મોબાઇલમાં નેટફ્લિક્સ એપમાં તમે મૂવી કે કોઈ સિરીઝ જોતા હશો તો તેમાં ડાઉનલોડના આઇકન પર તમારું ધ્યાન ખેંચાયું હશે. તમે ઇચ્છો તો ઓફિસમાં વાઇ-ફાઇમાં કોઈ મૂવી ડાઉનલોડ કરી, ઘરે આવીને મોબાઇલ ડેટા ખર્ચ્યા વિના એ મૂવી જોઈ શકો છો.
જોકે લેપટોપમાં પણ તમે બ્રાઉઝરમાં નેટફ્લિક્સ.કોમ પર લોગ-ઇન થઈને મૂવી ડાઉનલોડ કરવાનો પ્રયાસ કર્યો હશે તો તેમાં નિષ્ફળતા મળી હશે. કારણ સાદું છે – નેટફ્લિક્સના બ્રાઉઝર વર્ઝનમાં આ સુવિધા મળતી નથી. તમારે લેપટોપમાં માઇક્રોસોફ્ટ સ્ટોરમાં જઈ, નેટફ્લિક્સની ફ્રી એપ ઇન્સ્ટોલ કરી, પછી તેમાં લોગ-ઇન થઈને કન્ટેન્ટ ડાઉનલોડ કરવું પડશે.

બીજી વાત – નેટફ્લિક્સ ‘સ્માર્ટ ડાઉનલોડ્સ’ની સુવિધા પણ આપે છે. આપણે કોઈ વેબસિરીઝ જોતા હોઈએ તો ‘સ્માર્ટ ડાઉનલોડ્સ’ સુવિધાથી તેનો નેકસ્ટ એપિસોડ ડાઉનલોડ થઈ જાય છે અને જે એપિસોડ જોવાઈ ગયો હોય તે ડિલીટ થાય છે – આ બંને કામ આપોઆપ થાય છે.
એ ઉપરાંત, ‘ડાઉનલોડ્સ ફોર યુ’ સુવિધાથી આઇફોન, આઇપેડ, એન્ડ્રોઇડ ફોન/ટેબલેટ અને અમુક ક્રોમબુક કે ક્રોમબોક્સમાં, આપણી હિસ્ટ્રીને આધારે નેટફ્લિક્સને લાગે કે આપણને જે કન્ટેન્ટમાં રસ પડી શકે છે તે કન્ટેન્ટ આપોઆપ ડાઉનલોડ થાય છે. આ કામ માત્ર વાઇ-ફાઇ પર થાય છે અને એપના સેટિંગ્સમાં જઈને આપણે બંને પ્રકારના ડાઉનલોડ ઓન કે ઓફ કરી શકીએ છીએ.

