આપણા કોઈ પણ ઓનલાઇન એકાઉન્ટને સલામત રાખવા માટે અત્યારનો સૌથી કારગત ઉપાય છે ટુ સ્ટેપ વેરિફિકેશન અને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી). પરંતુ આપણી પોતાની ગફલતને કારણે આ સલામત રસ્તો પણ જોખમી બની શકે છે. હેકર્સ માટે પણ ટુ સ્ટેપ વેરિફિકેશન તોડવું સહેલું નથી, એટલે તે આપણને મળતા ઓટીપી પર તરાપ મારે છે.
હમણાં બહાર આવેલી વિગતો પ્રમાણે ભારતનાં વિવિધ શહેરોમાં ઓટીપી હેક કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડ કંઇક આ રીતે ચલાવવામાં આવે છે…

પોતાને બેંકનો કર્મચારી ગણાવતી કોઈ વ્યક્તિ આપણને ફોન કરે છે અને આપણા હાલના ડેબિટ/ક્રેડિટ કાર્ડને રીન્યૂ કે અપગ્રેડ કરવા વિશે વાત શરૂ કરે છે.
એ વ્યક્તિ હળવેકથી આપણા વર્તમાન ડેબિટ/ક્રેડિટ કાર્ડનો નંબર, સીવીવી અને એક્સપાયરી ડેટ પૂછે છે, જેથી આપણા ‘કાર્ડ’ને અપગ્રેડ કરી શકાય.
વિવિધ બેંક દ્વારા હંમેશાં કહેવામાં આવે છે તેમ કોઈ બેંક તરફથી આ વિગતો ફોન પર પૂછવામાં આવતી નથી, તેમ છતાં જો આપણે સચેત ન હોઇએ તો તેની વાતોમાં ભોળવાઈને આ વિગતો આપી બેસીએ છીએ.
એ પછી પેલી વ્યક્તિ તમને કહે છે કે હવે કાર્ડ અપગ્રેડ કરવાની મંજૂરી માટે એક એસએમએસ મળશે, જેમાંની લિંક પર ક્લિક કરીને આપણે મંજૂરી આપવાની રહેશે.
જો આપણે એસએમએસમાંની લિંક પર ક્લિક કરીએ તો આપણા ફોનમાં એક માલવેર ઇન્સ્ટોલ થાય છે અને તેને કારણે આપણા પર આવતા, અસલી બેંકના અસલી ઓટીપી પેલા છેતરપિંડી કરનારાના ફોનમાં પહોંચવા લાગે છે.
હવે પેલી વ્યક્તિ પાસે આપણ કાર્ડની બધી જ વિગતો છે. હવે તે કોઈ સાઇટ પર ખરીદી કરે છે, આપણા કાર્ડની વિગતો આપે છે અને તેને ઓથોરાઇઝ કરવા માટે આપણા પર આવતો ઓટીપી પણ મેળવે છે. પરિણામે પેમેન્ટ સફળ થાય છે!
સામાન્ય રીતે, આવી સ્થિતિમાં પેલી શોપિંગ સાઇટ તરફથી આપણને પણ ઓર્ડર મૂકાયો હોવાનો અને પેમેન્ટ થયું હોવાનો મેસેજ મળે છે. એ ધ્યાનમાં આવે અને આપણે પોતે કોઈ ઓર્ડર કર્યો ન હોય, તો આપણને ખબર પડે છે કે આપણી સાથે ફ્રોડ થયો છે. આવું થાય ત્યારે બધી બાબતોના શક્ય એટલા સ્ક્રીનશોટ્સ લઈને પોલીસનો સંપર્ક કરવો જરૂરી છે.

