આગળ શું વાંચશે?
- હવે લેપટોપના સ્ક્રીનમાં પણ ઇનોવેશન
- ટૂંક સમયમાં બધાં સ્માર્ટ ડિવાઇસમાં ટાઇપ-સી ચાર્જર ફરજિયાત
- સ્માર્ટ ડિવાઇસિસ માટે અનિવાર્ય સ્ટાન્ડર્ડાઇઝેશન – મેટર!
- આરોગ્ય વિષયક ડેટા, હવે સાચવી શકાશે ડિજિલોકરમાં
આપણા સ્માર્ટફોનમાં ફોલ્ડેડ સ્ક્રીન ધીમે ધીમે મેઇન સ્ટ્રીમમાં આવવા લાગ્યા છે. ટચ સ્ક્રીનના જમાનામાં ફોલ્ડેબલ ફોન ખાસ્સા પોપ્યુલર હતા, પરંતુ તેમાં વચ્ચેની હિંજિસમાંથી ફોનને અનફોલ્ડ કરીએ ત્યારે ઉપરના ભાગમાં સ્ક્રીન અને નીચે કીપેડ હોય એવો ટ્રેન્ડ પોપ્યુલર થયો હતો. ટચ સ્ક્રીન ધરાવતા સ્માર્ટફોનમાં ફોનને મોટા ભાગે પુસ્તકની જેમ ઓપન કરી શકાય છે. સ્માર્ટફોનની સાથોસાથ લેપટોપમાં પણ ડિસ્પ્લે સ્ક્રીનમાં વિવિધ પ્રકારનાં ઇનોવેશન આવી રહ્યાં છે.
ત્રણેક વર્ષ પહેલાં એસસ કંપનીએ લેપટોપના સામાન્ય સ્ક્રીન ઉપરાંત કીબોર્ડના ભાગમાં પણ લગભગ અડધોઅડધ ભાગમાં સ્ક્રીન એક્સ્ટેન્ડ થયો હોય તેવું મોડેલ લોન્ચ કર્યું. પીસીમાં બે મોનિટર પર કામ કરતા લોકો બરાબર જાણતા હોય છે કે આ રીતે ડબલ મોનિટર કામને ઘણું વધુ સહેલું બનાવી શકે છે.
ઘણા લોકો પોતાના લેપટોપને બીજા મોનિટર સાથે કનેક્ટ કરીને બંને સ્ક્રીનનો લાભ લેતા હોય છે. એસસના મોડેલની જેમ હવે લેપટોપમાં આ રીતે સ્ક્રીનને ‘કોઈક રીતે’ એક્સ્ટેન્ડ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.
તાજેતરમાં લિનોવો કંપનીએ પણ આ રીતના ફ્લેક્સિબલ અને એક્સ્ટેન્ડેબલ ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોન અને લેપટોપ રજૂ કર્યાં છે. બંને ડિવાઇસમાં ડિસ્પ્લે સ્ક્રીન એકમેક પર રોલ થઈ શકે, પરિણામે એકને બદલે દોઢા કે બમણા સ્ક્રીનનો લાભ મળી શકે!
એસસના ડ્યુઅલ સ્ક્રીન લેપટોપનો વીડિયો જુઓ
લીનોવોના રોલેબલ સ્ક્રીન લેપટોપનો ડેમો જુઓ
લાંબા સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી તે હવે ટૂંક સમયમાં અમલી બની જાય તેવી શક્યતા છે. ભારતમાં વેચાતા તમામ સ્માર્ટફોનમાં યુએસની ટાઇપ-સી ચાર્જર ફરજિયાત બની જશે. થોડા સમય પહેલાં યુરોપિયન યુનિયને આવો નિર્ણય કર્યો હતો અને સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ વગેરે દરેક પ્રકારના ડિવાઇસ માટે એકસરખાં ચાર્જર પોર્ટ અને કેબલનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો હતો.
એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં નવાં મોડેલ ટાઇપ-સીનો ઉપયોગ કરવા લાગ્યાં છે. પરંતુ એપલના આઇફોન તથા અન્ય ડિવાઇસમાં હજી પણ અલગ પ્રકારના ચાર્જર પોર્ટ અને કેબલનો ઉપયોગ થાય છે. એ નોંધવા જેવું છે કે ભારતમાં સમાન ચાર્જર પોર્ટ-કેબલનો નિયમ માત્ર સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટને લાગુ પડશે. ઓછી કિંમતના ફીચર ફોન માટે આ અંગે હજી નિર્ણય લેવાયો નથી.
અત્યારે વિવિધ ટેક કંપની જુદાં જુદાં સ્માર્ટ હોમ ડિવાઇસિસ બનાવી રહી છે. આ બધાં ડિવાઇસની પોતપોતાની આગવી ઇકોસિસ્ટમ છે. એટલે કે એક પ્રકારના ડિવાઇસ માટે ડેવલપ કરેલી એપ કે સિસ્ટમ બીજી કંપનીના સ્માર્ટ હોમ ડિવાઇસમાં ચાલે નહીં!
વર્ષો પહેલાં મોબાઇલમાં આવી સ્થિતિ હતી. બધા મોબાઇલમાં ચાર્જિંગ માટેના પોર્ટ અલગ પ્રકારના હોય એટલે આપણે દરેક ફોન માટે અલગ ચાર્જિંગ કેબલ સાચવવો પડે. પછી તેમાં ચાર્જિંગ કેબલની બાબતે ઘણું સ્ટાન્ડર્ડાઇઝેશન થયું.

સ્માર્ટ હોમ ડિવાઇસ ડેવલપ કરતી કંપનીઓ પણ સોફ્ટવેર કે એપ્સની દૃષ્ટિએ આ પ્રકારનું સ્ટાન્ડર્ડાઇઝેશન લાવવાના પ્રયાસ કરી રહી હતી. આખરે તેમાં સફળતા મળી હોય તેવું લાગે છે. સ્માર્ટ ડિવાઇસિસ ડેવલપ કરતી ૩૦૦ જેટલી કંપનીઓએ સાથે મળીને ‘મેટર’ નામે એક સિંગલ સ્ટાન્ડર્ડ ડેવલપ કર્યું છે. મેટર હેઠળ ઓપન સોર્સ ટેકનિકલ સ્પેશિફિકેશન્સ વિકસાવવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ કરીને કોઈ પણ કંપની જુદી જુદી કંપનીના સ્માર્ટ ડિવાઇસમાં કોઈ ફેરફાર વિના ઉપયોગી થઈ શકે તેવાં સોફ્ટવેર વિકસાવી શકશે.
અત્યાર સુધી એમેઝોન, એપલ, ગૂગલ, સેમસંગ વગેરે કંપનીએ પોતપોતાની માલિકીની સોફ્ટવેર ઇકોસિસ્ટમ વિકસાવી હતી, હવે મેટરના નેજા હેઠળ એક કોમન બેઝ પ્લેટફોર્મ તૈયાર થવાને કારણે આવી વાડાબંધી નહીં રહે. આપણે ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ એટલે કે ઘરના લાઇટિંગથી માંડીને રેફ્રિજરેટર, એસી, વોશિંગ મશીન વગેરે બધાં જ સાધનો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તેવી દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ ત્યારે આવું સ્ટાન્ડર્ડાઇઝેશન સૌ માટે લાભદાયી છે.
મેટર વિશે વધુ જાણો https://csa-iot.org/all-solutions/matter/.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી હેઠળ ડિજિલોકર સર્વિસની મદદથી આપણે અગત્યનાં સર્ટિફિકેટ્સ ડિજિટલ સ્વરૂપે સાચવી શકીએ છીએ. વિવિધ સરકારી કે બિનસરકારી સંસ્થા તરફથી ઇસ્યૂ થતા સર્ટિફિકેટ્સ ડિજિલોકરમાં સ્ટોર કરીએ તો તે આઇટી એક્ટ મુજબ કાયદેસરની માન્યતા ધરાવે છે. એટલે કે કોઈ જગ્યાએ આપણી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે આધાર કાર્ડની હાર્ડ કોપી માગવામાં આવે તો તે તેને બદલે આપણે જે તે સંસ્થા તરફથી ડિજિલોકરમાં ઇસ્યૂ થયેલ તેની ડિજિટલ કોપી બતાવી શકીએ છીએ.

ડિજિલોકરમાં હવે વધુ ને વધુ વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્થાઓનું જોડાણ થઈ રહ્યું છે. તાજેતરમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનું પણ ડિજિલોકર સાથે ઇન્ટિગ્રેશન થઈ ગયું છે. હવે આપણા કોવિડ ઉપરાંત અન્ય પ્રકારના વેક્સિનેશન રેકોર્ડ, ડોક્ટર્સનાં પ્રિસ્ક્રિપ્શન્સ, લેબોરેટરી રિપોર્ટ્સ, હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરી વગેરે વિગતો ડિજિલોકરમાં સ્ટોર કરી શકાશે. વિવિધ હોસ્પિટલ્સ, ડોક્ટર્સ, લેબોરેટરીઝ વગેરે આયુષ્માન મિશન સાથે સંકળાય તે પછી તેમના રિપોર્ટ્સ ડિજિટલ સ્વરૂપે સહેલાઈથી સ્ટોર અને શેર કરી શકાય છે.
હવે આ રિપોર્ટ્સ આયુષ્યમાન મિશન ઉપરાંત ડિજિલોકરમાં પણ સ્ટોર કરી શકાશે. મતલબ કે આપણા જીવનને સંબંધિત વિવિધ બાબતો અલગ અલગ જગ્યાએ સ્ટોર કરવાને બદલે એ બધું જ માત્ર એક સર્વિસ – ડિજિલોકરમાં સ્ટોર કરી શકાશે.

