
એક-દોઢ મહિના પહેલાં, કર્ણાટક પોલીસને એક રેલવે ટ્રેક પરથી એક મૃતદેહ મળ્યો. તેની સાથે હાથે લખેલી એક ચીઠ્ઠી પણ મળી આવી. ચીઠ્ઠીમાં લખ્યું હતું કે એ વ્યક્તિએ કોઈ લોન એપની મદદથી લોન લીધી હતી અને પછી એપ તરફથી ત્રાસદાયી રીતે ઉઘરાણી કરવામાં આવતી હતી. મૃતકની પત્નીએ ચીઠ્ઠીના અક્ષર તેના પતિના જ હોવાનું કહ્યું.
પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે મરનાર વ્યક્તિ એક કો-ઓપરેટિવ બેન્કનો કર્મચારી હતો અને તેની ઉંમર ૫૨ વર્ષની હતી. લોન એપમાંથી લીધેલી લોન એ ભરપાઈ કરી રહ્યો હતો, પણ હપ્તો ભરવામાં કોઈ વાર મોડા-વહેલું થતું હતું ત્યારે લોન એપના એજન્ટ્સ તરફથી ધાકધમકીભર્યા ફોન કોલ્સ આવતા હતા અને તેના ફોટોગ્રાફ્સને અશ્લીલ તસવીરો સાથે મોર્ફ કરી તેને અને તેના પરિવારજનોને મોકલવામાં આવતા હતા. આખરે એ માણસ ભાંગી પડ્યો ને તેણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો.
આ ફક્ત એક કિસ્સો છે અને આવા કિસ્સા વધુ ને વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. ભારતમાં લોન એપ્સનું દૂષણ અત્યંત ચિંતાનજક હદે વધી રહ્યું છે. રિઝર્વ બેન્ક અને વિવિધ રાજ્યોની પોલીસને આવી એપ્સ તરફથી ધાકધમકી વિશે હજારો ફરિયાદ મળી રહી છે, પોલીસ અવારનવાર વિવિધ લોકોની ધરપકડ કરે છે, જે એપ્સ સામેની ફરિયાદો સાબિત થાય તેના અંગે ગૂગલ પ્લે સ્ટોરને જાણ કરી, એ એપ્સ પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવે છે, ગૂગલ આવી એપ્સ દૂર પણ કરે છે (આ એક જ વર્ષમાં આવી ૨૦૦૦ એપ્સ સ્ટોર પરથી દૂર કરાઈ હોવાનો ગૂગલનો દાવો છે), પરંતુ પછી એવી ને એવી એપ્સ નવા નવા નામે પ્લે સ્ટોરમાં આવી જાય છે અને આ વિષચક્ર ચાલતું જ રહે. આવી મોટા ભાગની એપ્સનાં મૂળ ચીનમાં હોવાનું બહાર આવ્યું છે.

હવે એવી શક્યતા ઊભી થઈ છે કે ભારત સરકાર અન્ય ચાઇનીઝ એપ્સની જેમ, ફટાફટ લોન આપીને પછી પઠાણી ઉઘરાણી કરતી ૩૦૦ જેટલી એપ્સ પર સદંતર પ્રતિબંધ મૂકશે. દરમિયાન, આવી એપ્સના દુષ્ચક્ર વિશે થોડું વધુ જાણી લઈએઃ
- ભારતમાં લોન એપ્સ પાસેથી લોન લેનારી દર બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ લોન ભરપાઈ કરવા માટે ધાકધમકીનો અનુભવ કરી રહી હોવાનું બહાર આવ્યું છે.
- ભારતમાં સરેરાશ જેટલા સાયબરક્રાઇમ નોંધાઈ રહ્યા છે તેમાંથી દસમા ભાગના કેસ લોન એપ્સ સંબંધિત હોય છે.
- ભારતમાં અત્યારે વિવિધ એપ્સ સ્ટોર પર ઓછામાં ઓછી એક હજાર લોન એપ હોવાનું નોંધાયું છે. ભારત ઉપરાંત હવે આવી એપ્સ બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન જેવા ગરીબ દેશમાં પણ ફૂલીફાલી રહી છે.
- આવી એપ્સ ડાઉનલોડ થવાની સંખ્યા ૫૦,૦૦૦થી ૧૦-૨૦ લાખની રેન્જમાં રહે છે.
- ભારતમાં રિઝર્વ બેન્કની મંજૂરીથી નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની ચલાવી શકાય છે. ચાઇનીઝ કંપનીઓ ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સાધીને આવી કંપની ચલાવવાનું લાઇસન્સ મેળવે છે. જોકે મોટા ભાગની એપ્સ આવા લાઇસન્સ વિના જ લોન આપતી હોવાનું બહાર આવ્યું છે.
- સમગ્ર ભારતમાં આવી એપ્સ તરફથી કુલ કેટલા રૂપિયાની લોન આપવામાં આવી છે તેનો આંકડો મળવો મુશ્કેલ છે, પણ હૈદરાબાદ પોલીસના એક રિપોર્ટ અનુસાર, ચીનના એક નાગરિકે ચાર બનાવટી કોર્પોરેશન્સ ઊભાં કરી, તેમના નામે એપ્સ લોન્ચ કરી, તેની મદદથી ૧.૪ કરોડ ટ્રાન્ઝેક્શન્સ કર્યાં છે અને આ રીતે તેણે કુલ રૂ.૨૧,૦૦૦ કરોડની લોન આપી છે.
- કોઈ એક વ્યક્તિ કે એપ આ રીતે લોન આપતી જ રહે તો તેનો ધંધો કેવી રીતે ચાલે, એવો વિચાર આવ્યો? આવી એપ્સ તેના સકંજામાં આવતી વ્યક્તિ પાસેથી, ઘણા કિસ્સામાં લોનની મૂળ રકમ કરતાં પાંચથી દસ ગણી રકમ વસૂલ કરે છે. નજીવી રકમની લોન હોય તો પણ તેના પર તોતિંગ પ્રોસેસિંગ ચાર્જ ઉમેરવામાં આવે અને પછી એ રકમ પર પર વ્યાજ ચડાવવામાં આવે… આમ લોન લેનાર વ્યક્તિ પર દબાણ વધતું જાય છે અને એ સતત રકમ ચૂકવતો રહે છે.
- આવી લોન એપ્સ ભારતમાં બસો-ત્રણસો લોકો હોય તેવાં કોલ સેન્ટર્સ ચલાવે છે અને તેની મદદથી વસૂલી માટે ધાકધમકીના કોલ્સ થતા રહે છે.
- ભારતમાંથી આ રીતે તોતિંગ રકમ ઉઘરાવવામાં આવે છે અને તે પછીથી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જની મદદથી ચીનમાં પગ કરી જાય છે.
આશા રાખીએ કે ભારત સરકાર ગેરકાયદે ચાલતી લોન એપ્સ પર ઝડપથી પ્રતિબંધ મૂકે અને એ અસરકારક પણ નીવડે.
