
અમેરિકન ટેકનોક્રેટ ઇલોન મસ્કે ટ્વીટર કંપની ધરાર ખરીદી લીધી ત્યારે જ એવી વાત ચાલી હતી કે તેઓ કંપનીના ૭૫ ટકા કર્મચારીઓને છૂટા કરી દેશે. અત્યારે લગભગ ૫૦ ટકાથી વધુ લોકોને પાણીચું મળી ગયું છે.
ઇલોન મસ્ક તો તુક્કાબાજ ગણાય છે, એ ક્રેઝી આઇડિયાઝ અમલમાં મૂકતાં બહુ વિચારતા નથી, પણ તેમણે ટ્વીટરમાં આવતાંવેંત જે સપાટો બોલાવ્યો તેને કારણે બીજી અનેક કંપનીની હિંમત ખૂલી ગઈ છે. અમેરિકાની લગભગ બધી દિગ્ગજ ટેક કંપનીઓમાં – અભૂતપૂર્વ કહેવાય એવા પ્રમાણમાં – એમ્પ્લોઇને છૂટા કરવામાં આવી રહ્યા છે.
કોવિડ પહેલાંથી જબરી કમાણી કરવા લાગેલી કંપનીઓને કોવિડને કારણે જાણે જેકપોટ લાગ્યો હતો. આખી દુનિયા અચાનક ઓનલાઇન તરફ વળી એટલે ટેક કંપનીની ડિમાન્ડ જબરી વધી અને એટલે હાયરિંગ પણ બેફામ વધ્યું. કમનસીબે, કોવિડથી વધેલી ડિમાન્ડ ટકી નહીં, હવે બધી કંપનીઓ કોસ્ટ કટિંગના રસ્તા શોધવા લાગી છે.
જે કંપનીઓ અબજોની આવક માટે જાણીતી હતી એ બધી અચાનક કોસ્ટ કટિંગ કરવા લાગી છે. દુનિયાએ આ અગાઉ મંદી જોઈ છે, પણ ટેક ઇન્ડસ્ટ્રી માટે આ નવી વાત છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ કઈ કંપની કેટલા પ્રમાણમાં એમ્પ્લોઇને છૂટા કરવા લાગી છે તેને ટ્રેક કરતી layoffs.fyi અને layoffstracker.com જેવી વેબસાઇટ્સ પણ ખૂલી ગઈ છે!
આ બધાને લગતા સમાચાર તો આપણે રોજ વાંચીએ છીએ, પણ આવું કેમ થયું એનાં કારણોમાં થોડા ઊંડા ઊતરીએ અને ખાસ તો, ભારતમાં તેની શી અસર થશે, ભારતીય ટેક વર્કર્સ અને ટેક સ્ટુડન્ટ્સે હવે શું કરવું એની પણ વાત કરીએ.

‘‘મારે એટલું જ કહેવાનું છે કે કંપની રોજના ૪૦ લાખ ડોલર (આશરે ૩૨ કરોડ રૂપિયા)નું નુક્સાન કરી રહી હોય, ત્યારે ક્મનસીબે, લોકોને છૂટા કરવા સિવાય કોઈ છૂટકો જ ન રહે. જે લોકોને છૂટા કરવામાં આવ્યા છે, એ તમામને ૩ મહિનાનો પગાર આપવામાં આવ્યો છે. અમે અમારા ટેલેન્ડ ફ્રેન્ડ્સને ગુડબાય કહ્યું છે, પણ કંપનીની ક્ષમતા યથાવત રહે છે.’’
-ઇલોન મસ્ક, ટ્વીટરના નવા માલિક

‘‘ટ્વીટરમાં અગાઉ કામ કરી ચૂકેલા અને અત્યારે કામ કરતા લોકો બહુ દૃઢ મનોબળના લોકો છે. ગમે તેવી મુશ્કેલી સ્થિતિમાં પણ તેમણે હંમેશા માર્ગ શોધી લીધો છે. હું સમજું છું કે આજે તેમાંના ઘણા બધા લોકો મારા પર ગુસ્સે છે. આજે તમામ લોકો જે સ્થિતિમાં મુકાયા છે તેની જવાબદારી હું સ્વીકારું છું. મેં કંપનીને બહુ ઝડપથી વિસ્તારી એ માટે હું માફી માગું છું.’’
– જેક ડોર્સી, ટ્વીટરના સ્થાપક

‘‘બધી બાબતોની હું જવાબદારી લઉં છું. હું સમજું છું કે આ આપણા સૌ માટે મુશ્કેલ સમય છે. ખાસ કરીને જેમને અસર થઈ છે એમની હું માફી માગું છું. મેં કંપનીના ઇન્વેસ્ટમેન્ટ્સ નોંધપાત્ર રીતે વધારવાનો નિર્ણય લીધો હતો. કમનસીબે મેં જે રીતે ધાર્યું હતું એ પ્રમાણે બધું પાર ઉતર્યું નહીં. છતાં, લોકોને છૂટા કરવાનો નિર્ણય ટ્વીટર કરતાં મેટાએ ઘણો વધુ વિચારપૂર્વક લીધો છે.’’
– માર્ક ઝકરબર્ગ, ફેસબુકના સ્થાપક
‘‘સેલ્સ અને જનરલ પ્રોડક્ટ્વિટી તપાસવામાં આવશે અને જો આવતા ક્વાર્ટરનાં પરિણામ સારાં નહીં આવે તો… ધેર વિલ બી બ્લડ ઓન ધ સ્ટ્રીટ્સ… (‘રસ્તાઓ પર લોહી વહેશે’ મતલબ કે મોટા પાયે લોકો નોકરી ગુમાવશે).’’
– ગૂગલ ક્લાઉડ
(ગૂગલની ક્લાઉડ સર્વિસની સેલ્સ ટીમને કંપનીના ટોપ એક્ઝિક્યૂટિવ્સ તરફથી આવો મેસેજ મોકલાયો હોવાનું કહેવાય છે, અલબત્ત તેની કોઈ સ્પષ્ટતા નથી)

‘‘આપણે અસાધારણ મેક્રો-ઇકોનોમિક એન્વાયર્નમેન્ટનો સામનો કરી રહ્યા છીએ અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપનીના હાયરિંગ અને ઇન્વેસ્ટમેન્ટ્સને બેલેન્સ કરવાં પડશે. આમ છતાં, કંપની વર્ષ ૨૦૨૩માં વધુ લોકોને હાયર કરવા માગે છે.’’
– બેથ ગેલેટી
એમેઝોનનાં સિનિ. વા. પ્રેસિડેન્ટ (આ લખાય છે ત્યારે એમેઝોન પણ ૧૦,૦૦૦ લોકોને છૂટા કરવા લાગી છે)

‘‘અમેરિકામાં વર્ષ ૨૦૨૨માં જે રીતે ટેક લેઓફ થયા છે (૫૨,૦૦૦થી વધુ) એ જોતાં, ઇન્ડિયન એમ્પ્લોઇઝ (ખાસ કરીને જેમને વિઝાની સમસ્યા છે)ને જાણ કરો કે તેઓ ભારત પાછા આવે અને ઇન્ડિયન ટેક કંપનીઓમાં જોડાઈને આવતા દસકામાં તીવ્ર વિકાસની ભારતની ક્ષમતાને શક્ય બનાવે…’’
– હર્ષ જૈન
ડ્રીમ સ્પોર્ટ્સ ગ્રૂપ (ડ્રીમ ૧૧) ના સીઇઓ અને સહ-સ્થાપક, ટ્વીટર પર શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં
બે વર્ષ પહેલાં, કોવિડને કારણે આખી દુનિયામાં જે ફફડાટ ફેલાયો હતો એવો જ ફફડાટ અત્યારે ટેક વર્લ્ડમાં ફેલાઇ ગયો છે. ત્યારે જીવ બચાવવાની ચિંતા હતી, હવે નોકરી રહેશે કે નહીં એની ચિંતા છે, પણ કારણ એ જ છે – કોવિડ!

વાસ્તવમાં કોવિડ પહેલાંથી ટેક ઇન્ડસ્ટ્રીનો સુવર્ણ દાયકો શરૂ થઈ ગયો હતો. દુનિયાની તમામ પ્રકારની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં ટેક કંપનીઓ છવાઈ ગઈ હતી. ટેક્નોલોજી, ખાસ કરીને સોફ્ટવેરના બિઝનેસમાં સૌથી વધુ મોંઘી અને સૌથી વધુ ડિમાન્ડમાં એક જ બાબત હોય છે – ટેલેન્ટ.
દરેક મોટી ટેક કંપની સારામાં સારા સોફ્ટવેર પ્રોગ્રામર્સ અને એન્જિનીયર્સને મોં માગ્યા પગારે પોતાની તરફ ખેંચવા આતુર રહેતી હોય છે. દોમ-દોમ કમાણી કરવા લાગેલી કંપનીઓ, જરૂર હોય કે ન હોય તો પણ સારા ટેલેન્ટને પોતાની તરફ ખેંચવા લાગી હતી.
– અને પછી કોવિડની મહામારી આવી. આખી દુનિયા રીતસર થંભી ગઈ, પણ ટેકવર્લ્ડમાં તેજીએ હજી વધુ સ્પીડ પકડી. મોટા ભાગની ટેક કંપની કોવિડના કારણે એકદમ જોરમાં આવી ગઈ હતી – આખી દુનિયા એક ઝાટકે ઓનલાઇન થઈ. લોકોએ ઘરેથી કામ કર્યું, પણ એ પહેલાં ઓનલાઇન મજા જ કરી – સોશિયલ મીડિયા, ગેમિંગ સાઇટ્સ, એપ્સ, વીડિયો પ્લેટફોર્મ્સ, ઇ-શોપિંગ વગેરે દરેકના ઉપયોગમાં ધરખમ વધારો થયો.
બધી ટેક કંપની કોવિડને કારણે તેમની ડિમાન્ડમાં આવેલો ઉછાળો કાયમ રહેશે એવી આશામાં હતી, જે ઠગારી નીવડી.
ટેક કંપનીઓએ તેમની સર્વિસની ડિમાન્ડમાં આવેલા આ તીવ્ર ઉછાળાને પહોંચી વળવા આડેધડ નવા લોકોને હાયર કર્યા. કોવિડ અને ત્યાર પછીના સમયગાળામાં ઘણી કંપનીએ પોતાના એમ્પ્લોઇની સંખ્યા બમણી, ત્રણ ગણી કે છ ગણી કરી નાખી. હાલના એમ્પ્લોઇ પાસેથી વધુ કામ લેવું મુશ્કેલ હોય, પણ ટીમને મોટી કરવાનું થોડું સહેલું હોય – જ્યારે તોતિંગ આવક થતી હોય ત્યારે તો ખાસ.
આ કંપનીઓએ માન્યું કે કોવિડ પછી આવેલો જુવાળ કાયમ ટકી રહેશે. પણ, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે કબૂલ કર્યું છે તેમ ટેક ઇન્ડસ્ટ્રીની ગણતરીઓ ખોટી પડી. કોવિડની વિદાય સાથે ઓનલાઇન સર્વિસિસની ડિમાન્ડ પણ ઘટી.
અચાનક પ્રેશરમાં આવી ગયેલી ટેક કંપનીઓ હવે બેફામ રીતે છટણી કરવા લાગી છે. વિદેશમાં ટેક જોબનાં ઘણાં સપનાં તૂટ્યાં છે. કોવિડની આ આડઅસરો ઉપરાંત, સમગ્ર દુનિયામાં અન્ય ઘણી રીતે મહામંદીની શક્યતા છે ત્યારે વિદેશી ટેક ઇન્ડસ્ટ્રી ઝડપથી બાઉન્સ બેક થાય એવી શક્યતા અત્યારે તો દેખાતી નથી.

યુએસની ટેક ઇન્ડસ્ટ્રીમાં ‘બ્લડ ઓન ધ સ્ટ્રીટ’ છે. યુએસમાં એચ-૧બી વિસા ધરાવતા ભારતીયોએ ૬૦ દિવસમાં બીજી નોકરી શોધવી પડશે અને જો નહીં મળે તો ભારત પરત ફરવું પડશે. એ સમયે ભારતની ડ્રીમ૧૧ કંપનીના સીઇઓએ યુએસમાં નોકરી ગુમાવનારા ઇન્ડિયન્સને ભારત પરત ફરવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે આવતો દસકો ભારતનો જ છે – આ આશાવાદ ગમે એવો છે, પણ તેનો નક્કર આધાર નથી.
કારણ એ કે ભારતની ટેક ઇન્ડસ્ટ્રી બે કારણસર વિદેશો પર નિર્ભર છે – વર્ક અથવા ફંડિંગ. એ બંને વાતે અત્યારે ભીંસ અનુભવાઈ રહી છે.
સમગ્ર ટેક ઇન્ડસ્ટ્રીનું ભાવિ ધૂંધળું છે એવું માની લેશો નહીં – આ ફક્ત એક ફેઝ છે, જે વહેલામોડો પૂરો થશે.
મોટી કંપનીઓ પહેલાં ઓછી કોસ્ટ ધ્યાને લઈ ભારતમાં કામ કરાવે છે અને પછી કામની સારી ક્વોલિટી ધ્યાનમાં લઈને ઓર્ડર્સ રીપીટ કરે છે, પરંતુ આવા આઉટસોર્સિંગમાં અત્યારે વૈશ્ર્વિક મંદી ભાગ ભજવશે. ઉપરાંત સ્ટાર્ટઅપ્સને મળતું ફંડિંગ પણ ઘટશે તેેથી તેમાં પણ નવું હાયરિંગ ઓછું થશે.
અત્યારે બધી જ દેશી કે વિદેશી કંપનીઓ તકનો લાભ લઈને કોસ્ટ કટિંગ પર ફોકસ કરી રહી છે. ભારતની સ્થિતિ વિદેશો જેટલી ખરાબ નથી, પણ બહુ આશાસ્પદ પણ નથી. ટૂંકમાં અત્યારે સ્ટુડન્સ્ટસ અને પેરેન્ટ્સને ચિંતા થાય એવા દિવસો છે!
ટેક વર્કર્સ, સ્ટુડન્ટ્સે શું કરવું?
મેટામાં જોબ મળતાં એક ભારતીય યુવાન ભારતથી કેનેડા શિફ્ટ થયો અને બે જ દિવસમાં તેણે નોકરી ગુમાવી! આવા સમાચારો ટેક કંપનીમાં નોકરી કરતા યુવાનો અને તેમાં જોબ મેળવવા માગતા સ્ટુડન્ટ્સનાં પેરેન્ટ્સને એકદમ ચિંતામાં મૂકી દે એ સ્વાભાવિક છે.
એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે કે સમગ્ર ટેક ઇન્ડસ્ટ્રીનું ભાવિ ધૂંધળું નથી – આ ફક્ત એક ફેઝ છે, જે વહેલામોડો પૂરો થશે. પરંતુ આપણે ‘હાથમાં પિંક સ્લિપ આવે અને કોઈ દિશા સૂઝે નહીં’ એ સ્થિતિનો સામનો કરવા માટે પહેલેથી તૈયાર થવું પડશે. તમે ટેક ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી ગયા હો તો ફક્ત એક સ્કિલ કે એક્સપર્ટાઇઝથી ચાલશે નહીં.
કોલેજમાં હો ત્યારે ડિગ્રીની સાથોસાથ તમારા કોર ફીલ્ડની આસપાસની બાબતો ઓનલાઇન કોર્સની મદદથી સમજવી-શીખવી જ પડશે. એ જ રીતે એક જોબની સાથોસાથ બીજી કંપનીનું કામ – મૂનલાઇટિંગ – ભલે એથિકલ ન ગણાય, પણ મૂળ કંપની ગમે ત્યારે છૂટા કરી દે ત્યારે આપણી પાસે કંઈક કામ તો હોય એવી સ્થિતિ ઊભી કરતાં પણ શીખવું પડશે.

