(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ટેલિગ્રામમાં નવાં ફીચર્સ
  • વોટ્સએપમાં જ પેન્શન સ્લિપ મેળવાની સુવિધા
  • ફેસબુકનો પ્રોફાઇલ ડેટા બદલાયો
  • ટ્વિટરનો નવો વિકલ્પ – માસ્ટોડોન

વોટ્સએપ અને ટેલિગ્રામ – બંને એપ લગભગ એક સરખાં ફીચર્સ આપે છે, ફક્ત જે તે ફીચરના સંખ્યા પ્રમાણમાં બહુ મોટો ફેર છે. જેમ કે હજી હમણાં સુધી વોટ્સએપમાં ગ્રૂપ્સમાં મેમ્બર્સની સંખ્યા માત્ર ૨૫૬ સુધી મર્યાદિત હતી, જ્યારે ટેલિગ્રામમાં અમુક શરતો સાથે ગ્રૂપ જેવી ચેનલમાં બે લાખ જેટલા સભ્યો પણ હોઈ શકે છે!

વોટ્સએપની આ મર્યાદા હવે વધારીને ૧૦૨૪ કરવામાં આવી અને તેની સાથોસાથ સંખ્યાબંધ ગ્રૂપ્સને એકમેક સાથે સાંકળતું ‘કમ્યૂનિટિઝ’ ફીચર્સ પણ લોન્ચ કરવામાં આવ્યું. આ ફીચર હવે સમગ્ર વિશ્વમાં તમામ યૂઝર્સ માટે રોલઆઉટ થઈ ગયું છે (જુઓ જૂન ૨૦૨૨ની કવરસ્ટોરી) લાગ્યું છે. આ ફીચરને કારણે લોકો જુદા જુદા ટોપિક મુજબ એકમેક સાથે કનેક્ટ થઈ શકે છે. હવે ટેલિગ્રામમાં પણ કંઇક આ જ પ્રકારનું ફીચર આવી રહ્યું છે.

  • ટોપિક્સ ઇન ગ્રૂપ્સ : ટેલિગ્રામમાં ૨૦૦થી વધુ મેમ્બર્સ ધરાવતા ગ્રૂપમાં હવે ગ્રૂપના એડમિન વિવિધ ટોપિક ઇનેબલ કરી શકશે. એ પછી ગ્રૂપમાંના સભ્યો ફક્ત જે તે ટોપિક મુજબ એકબીજા સાથે ચેટિંગ કરી શકશે.
  • કલેક્ટેબલ યૂઝરનેમ્સ : વિવિધ સોશિયલ મીડિયામાં જોવા મળતાં હેન્ડલ મુજબ ટેલિગ્રામમાં પણ @ સાઇન સાથે પોતાના એકાઉન્ટ માટેનું યૂઝરનેમ પસંદ કરી શકાય છે. લોકો તેને સર્ચ કરી શકે છે. હવે ટેલિગ્રામમાં ઉમેરાયેલા નવા ફીચરની મદદથી યૂઝર્સ પોતાના એકાઉન્ટ માટે એકથી વધુ યૂઝરનેમ પસંદ કરી શકશે. આ દરેક યૂઝરનેમ માટે અલગ લિંક ક્રિએટ થશે અને તેનો ટેલિગ્રામની બહાર પણ શેરિંગ માટે ઉપયોગ કરી શકાશે. આ પ્રકારના કલેક્ટેબલ યૂઝરનેમ્સને બ્લોકચેઇન નેટવર્કથી સુરક્ષિત રાખવામાં આવશે.
  • વીડિયો માટે ટેકસ્ટ ટ્રાન્સસ્ક્રિપ્ટ : થોડા સમય પહેલાં ટેલિગ્રામમાં જનરલ ફ્રી વર્ઝન ઉપરાંત પ્રીમિયમ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. એ સમયે પ્રીમિયમ વર્ઝનમાં વોઇસ મેસેજને ટેકસ્ટમાં ફેરવવાની સુવિધા આપવામાં આવી હતી. હવે વીડિયો મેસેજને પણ ઇન્સ્ટન્ટલી ટેકસ્ટમાં ફેરવવાની સુવિધા મળી છે. અલબત્ત આ સુવિધા પણ પ્રીમિયમ વર્ઝનના યૂઝર્સને મળશે.
  • પ્રીમિયમ વર્ઝનના સબસ્ક્રિપ્શનમાં ઘટાડો : પ્રીમિયમ વર્ઝનને સંબંધિત એક નવો ફેરફાર પણ છે. ભારતમાં અગાઉ ટેલિગ્રામના પ્રીમિયમ વર્ઝન માટે રૂ.૪૬૯નું સબસ્ક્રિપ્શન રાખવામાં આવ્યું હતું, તે હવે ઘટાડીને રૂ.૧૭૯ કરી દેવામાં આવ્યું છે. પ્રીમિયમ યૂઝર્સ માટે ટેલિગ્રામમાં ઇમોજીસના નવા ૧૨ પેક પણ ઉમેરવામાં આવ્યા છે.

વોટ્સએપની યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ બિલકુલ વેગ પકડી શકી નહીં, પરંતુ વિવિધ બેન્ક વોટ્સએપ પર અલગ અલગ જાતની સર્વિસ આપવાની દિશામાં ખાસ્સી આગળ વધી રહી છે. સંખ્યાબંધ બેન્ક હવે વોટ્સએપ પર ચેટબોટની મદદથી કેટલાય પ્રકારની સર્વિસ આપવા લાગી છે. આ બધી સર્વિસ મુખ્યત્વે નોન- ટ્રાન્ઝેકશન પ્રકારની હોય છે એટલે કે જેમાં રૂપિયાની સીધી લેવડદેવડની વાત ન હોય. આ કારણે લોકોને પણ વોટ્સએપ પર પોતાના બેન્ક ખાતા સંબંધિત વિવિધ કામ કરી લેવાની ફાવટ આવવા લાગી છે.

હમણાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના સિનિયર સિટિઝન ખાતાધારકો માટે વોટ્સએપ પર એક નવી સર્વિસ શરૂ કરી છે. વડીલો આ સર્વિસની મદદથી ઘેરબેઠાં તેમની પેન્શન સ્લિપ મેળવી શકે છે. અત્યાર સુધી પેન્શન સ્લિપ મેળવવા માટે બેન્કની બ્રાન્ચમાં રૂબરૂ જવું પડતું હતું.

આ સર્વિસ વિશે ટ્વીટર પર જાણ કરતાં એસબીઆઈએ લખ્યું છે કે આ સર્વિસનો લાભ લેવા માટે પેન્શનર્સે +૯૧૯૦૨૨૬૯૦૨૨૬ નંબર પોતાના મોબાઇલમાં સેવ કરીને વોટ્સએપમાંથી તેના પર ‘Hi’ મેસેજ મોકલવાનો રહે છે. એ પછી બેન્ક વિવિધ સૂચના મળશે અને બેલેન્સ ઇન્ક્વાયરી, મિનિ સ્ટેટમેન્ટની સાથે મોર ઓપ્શન્સમાં પેન્શન સ્લિપ મેળવવાનો વિકલ્પ મળશે. સ્ક્રીન પર સૌથી ઉપર, ઉપર બતાવ્યા મુજબ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામની જમણી બાજુ ગ્રીન ટિક સાથે, એકાઉન્ટ વેરિફાઇડ અને અસલી હોવાની ખાતરી કરી લેશો!

લોકોનો ડેટા વિવિધ પ્રકારે એકઠો કરવા માટે ફેસબુક હંમેશા વિવાદાસ્પદ રહી છે. જો તમે ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ, લિંક્ડઇન વગેરેમાંના તમારા પ્રોફાઇલને ફેસબુકમાંના તમારા પ્રોફાઇલને ઝીણી નજરે સરખાવો તો તમારું તરત ધ્યાન પડે કે ફેસબુક આપણી કેટલી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે.

અત્યાર સુધી ફેસબુકના પ્રોફાઇલમાં યૂઝર કેવી ધાર્મિક વિચારસરણી ધરાવે, કઈ રાજકીય વિચારધારામાં તેને રસ છે તથા જાતીય રીતે તેને કઈ બાબતોમાં રસ છે એ પણ પૂછવામાં આવતું હતું. તમે ઇચ્છો તો આ માહિતી ન આપો, પરંતુ ફેસબુક પૂછે જરૂર. આવી માહિતી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પૂછવામાં આવતી નથી.

અલબત્ત હવે ફેસબુકે યુટર્ન લીધો છે. ડિસેમ્બર ૧, ૨૦૨૨થી ફેસબુકના પ્રોફાઇલમાં આ વિગતો પૂછવાનું બંધ કરવામાં આવશે. ફેસબુક જે યૂઝર્સે પોતાના પ્રોફાઇલમાં આ વિગતો આપી હોય તેમને ઇમેઇલ દ્વારા જાણ કરી રહી છે કે તેમના પ્રોફાઇલમાંથી આ ડેટા દૂર કરવામાં આવશે. લોકો ઇચ્છે તો ફેસબુક પર અન્ય કોઈ પણ રીતે આ માહિતી શેર કરી શકશે પરંતુ પ્રોફાઇલમાં એ વિગતો સચવાશે નહીં.

ચૂંટણી જેવા સમયે ફેસબુકે પોતે અને તેમાં જાહેરાત કરતા રાજકીય પક્ષોએ પ્રોફાઇલમાં આપવામાં આવેલી આ વિગતોનો અત્યાર સુધી ભરપૂર લાભ લીધો છે.

ટ્વીટરને ઇલોન મસ્કે ધરાર ખરીદી લીધા પછી ઘણા લોકોના મતે ટ્વીટરનું ભાવિ ધૂંધળું થઈ ગયું છે. ઇલોન મસ્કે ટ્વીટરનું નુકસાન અટકાવવા માટે તેમાંથી બહુ મોટા પાયે એમ્પ્લોઇને છૂટા કરી દીધા અને બીજી તરફ ઇલોન મસ્કની રીતરસમોથી અકળાયેલા એમ્પ્લોઇ પોતે પણ રાજીનામાં આપવા લાગ્યા છે. આ સ્થિતિમાં ઘણા લોકોને લાગે છે કે ટ્વીટર હવે લાંબું ટકશે નહીં. ટ્વીટર સર્વિસ તરીકે સાવ બંધ થઈ જવાની શક્યતા નથી પરંતુ લોકોના વિચારો જાણવા માટે તથા વિવિધ ફિલ્ડના અપડેટ્સ જાણવા માટેના એક અત્યંત પોપ્યુલર પ્લેટફોર્મ તરીકે ટ્વીટરનું હાલનું મહત્ત્વ ઓસરી જાય એવું બની શકે.

આવી સ્થિતિમાં મોટા ભાગે બનતું હોય છે તેમ લોકો ટ્વીટરના વિકલ્પ શોધવા લાગ્યા છે. ભારતમાં કૂ એપ તેના એક વિકલ્પ તરીકે ઊભરી છે. પરંતુ સમગ્ર વિશ્વમાં હાલમાં એક નામ ખાસ્સું ગાજી રહ્યું છે – માસ્ટોડોન.

આને ટ્વીટરનો વિકલ્પ કહેવો મુશ્કેલ છે કેમ કે એ ખાસ્સું અલગ પ્રકારનું સોશિયલ પ્લેટફોર્મ છે, પરંતુ હાલમાં બહુ મોટા પ્રમાણમાં ટ્વીટર છોડીને માસ્ટોડોન પર એક્ટિવ થવા લાગ્યા છે. વાસ્તવમાં માસ્ટોડોન નેટવર્કના નેટવર્ક જેવું છે અને કંઇક અંશે ટીનેજર્સમાં પોપ્યુલર ડિસ્કોર્ડ જેવું છે. લોકો આ નેટવર્ક પર આખી દુનિયામાં પથરાયેલા સર્વર પર પોતપોતાનાં નેટવર્ક ચલાવે છે. આ આખું કોમન નેટવર્ક કે પ્લેટફોર્મ પાછું ‘ફેડીવર્સ’ તરીકે ઓળખાય છે. આપણે જેમાં રસ પડે તે સર્વરમાં જોડાઈ શકીએ છીએ. લોકો પોતાના ખર્ચે અથવા અન્ય લોકોના ડોનેશનથી ફેડીવર્સ પર પોતાનાં સર્વર ઊભા કરીને ચલાવતા હોય છે. આવા દરેક સર્વર પર એક્ટિવ રહેવાના, મોડરેશનના પોતપોતાના નિયમો હોય છે.

ફેસબુક ગ્રૂપની જેમ અહીં જે તે સર્વરમાં કોણ જોડાઈ શકે અને કેવા પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ થઈ શકે તેના કડક નિયમો હોય છે. તમે ઇચ્છો તો તમારું પોતાનું સર્વર પણ શરૂ કરી શકો. આપણે પોતાના રસના લોકેશન કે ટોપિક મુજબના સર્વરમાં જોડાઈ શકીએ છીએ. આવા સર્વરમાં આપણું એકાઉન્ટ કંઈક અંશે ટ્વીટર અને ઇમેઇલની ભેળસેળ જેવું હોય છે, જેમ કે @yourname@tech22. પહેલો હિસ્સો આપણું યૂઝરનેમ બતાવે અને બીજો હિસ્સો આપણે માસ્ટોડોનના ક્યા સર્વરમાં છીએ તે બતાવે છે. માસ્ટોડોન પર આપણે ટ્વીટ નહીં, ‘ટૂટ’ કરી શકીએ છીએ અને તેની મર્યાદા ૫૦૦ કેરેકટરની છે!

જોકે તમને યાદ હશે જ કે બે ત્રણ વર્ષ પહેલાં વોટ્સએપની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સામે હોબાળો થયો હતો ત્યારે લોકો વોટ્સએપ છોડીને તેના ‘વધુ સલામત’ અને ‘પ્રાઇવેટ’ વિકલ્પ સમા સિગ્નલ તરફ વળવા લાગ્યા હતા. પરંતું ત્યાં તેમના સર્કલમાંનું કોઈ ન દેખાતાં ચૂપચાપ પાછા સૌ વોટ્સએપ પર આવી ગયા હતા! ટ્વીટર અને માસ્ટોડોનના કિસ્સામાં એવું જ થવાની પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!