(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટેક્નોલોજી ઉપયોગી ખરી, પણ અતિરેક જોખમી

પહેલાં માબાપ બાળકના હાથમાંથી મોબાઇલ ખૂંચવી શકતાં હતાં. હવે સામેથી આપવો પડે છે. આ સ્થિતિમાં આપણે જ વધુ સચેત થવું પડશે.

કોરોના પહેલાં બાળકોના હાથમાંથી મોબાઇલ છીનવીને મા-બાપે કહેવું પડતું હતું કે ‘‘હવે થોડું ભણ!’’. પછી કોરોના આવ્યો અને મા-બાપે બાળકને મોબાઇલ પકડાવીને કહેવું પડ્યું કે ‘‘લે હવે ભણ!’’

બાળકો કોરોના પહેલાં જ સ્માર્ટફોનનાં વ્યસની બની રહ્યાં હતાં અને હવે એ વ્યસન વધુ ને વધુ ઘેરું બની રહ્યું છે. જે મોબાઇલથી આપણે બાળકોને દૂર રાખવા માગતા હતા એ, ધરાર બાળકોના જ હાથમાં રહેવા લાગ્યા અને આજનાં ‘સ્માર્ટ’ ટાબરિયાં લેપટોપમાં ઓનલાઇન ક્લાસ ચાલુ હોય ત્યારે બીજી વિન્ડોમાં યુટ્યૂબના વીડિયો ચાલુ કરી દેવા લાગ્યાં!

આપણે ત્યાં મોબાઇલ અને ઇન્ટરનેટનો અતિરેકભર્યો ઉપયોગ થવા લાગ્યો છે એવું જ અમેરિકામાં પણ થઈ રહ્યું છે. એટલે ત્યાં કેટલાક લોકોએ ભેગા થઈને ‘સેન્ટર ફોર હ્યુમન ટેકનોલોજી’ નામનું એક ગ્રૂપ રચ્યું છે, જે એક ઝુંબેશ ચલાવે છે –  ‘ધ ટ્રુથ એબાઉટ ટેક’ એટલે કે ટેક્નોલોજીની હકીકત.

ઝુંબેશનો હેતુ ટેક્નોલોજીની સારી અને નરસી બંને બાબતો વિશે લોકોમાં, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવાનો છે.

આ ગ્રૂપ કોણે રચ્યું છે એ જાણવું વધુ રસપ્રદ છે. ફેસબુક અને ગૂગલ કંપનીનાં શરૂઆતનાં વર્ષોમાં, આ કંપનીમાં કામ કરનારા લોકોએ!

ફેસબુક અને ગૂગલ જેવી કંપની ઊભી કરવામાં પોતાનું યોગદાન આપનારા આ લોકોને હવે લાગે છે કે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન પર ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગની ગંભીર આડઅસરો છે અને સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને ટીચર્સને તેની સામે ચેતવવા જરૂરી છે.

આ એકલ-દોકલ લોકોને આવેલો વિચાર નથી. અમેરિકન શેરબજારમાં એપલ જેવી ટેક કંપનીમાં રોકાણ કરનારા બે બહુ મોટા રોકાણકારોએ એપલને કહ્યું છે કે કંપનીએ તેની પ્રોડક્ટ્સની સ્વાસ્થ્ય પર શી અસર થાય છે તે તપાસવાની જરૂર છે તથા બાળકોમાં આઇફોન અને આઇપેડ્સનો ઉપયોગ મર્યાદિત કરવાનું કામ માબાપ માટે સહેલું બનાવે તેવાં ફીચર્સ આ પ્રોડક્ટ્સમાં ઉમેરવાની જરૂર છે.

થોડા સમય પહેલાં, ગૂગલે ‘યુટ્યૂબ કિડ્સ’ નામે, ખાસ બાળકો માટે અલગ સર્વિસ શરૂ કરી છે. તેનો હેતુ ચોક્કસ સારો છે અને તેમાં મા-બાપ માટે કન્ટેન્ટ ફિલ્ટર કરવાની ઘણી સગવડો છે, પણ તેમ છતાં, આ સર્વિસમાં બાળકો માટે યોગ્ય ન હોય એવું કન્ટેન્ટ દેખાવા લાગ્યું હોવાની ફરિયાદો ઊઠી રહી છે. યુટ્યૂબ કિડ્સ પછી ફેસબુકની માલિક મેટા કંપનીએ પણ ખાસ બાળકો માટે અલગ મેસેન્જર સર્વિસ લોન્ચ કરી.

મોટી ટેક કંપની ‘કિડ્ઝ વર્ઝન’ આપીને બાળકોને નાનપણથી જ પોતાનાં યૂઝર બનાવી દેવાની ચાલાકી કરી રહી છે.

આ સર્વિસ પણ, બાળકો પોતાના નજીકના મિત્રો અને ફેમિલી સાથે વીડિયો કોલિંગ અને મેસેજિંગ કરી શકે એ માટે ડિઝાઇન કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે, પણ મૂળ હેતુ બાળકો હજી ખરેખર સમજણાં થાય તે પહેલાં તેમને ફેસબુક-ઇન્સ્ટાગ્રામ કે મેસેન્જર માટે તૈયાર કરી દેવાનો પણ હોઈ શકે છે. આ સર્વિસ બંધ કરવાનું મેટા કંપની પર દબાણ વધી રહ્યું છે, પણ કંપની તેને ગણકારતી નથી.

હજી તો મેટા કંપની મેસેન્જરની જેમ જ ઇન્સ્ટાગ્રામનું પણ કિડ્ઝ માટેનું વર્ઝન તૈયાર કરી રહી હતી. તેની સામે ભારે વિરોધ ઊભો થતાં કંપનીએ હાલ પૂરતું એ પ્રોજેક્ટ પર ડેવલપમેન્ટ કામ અટકાવ્યું છે.


એપલના સ્થાપક સ્ટીવ જોબ્સને પોતાનાં બાળકો આઇપેડ વાપરે એ પસંદ નહોતું અને એ જ વાતનું પુનરાવર્તન કરતાં, સીઇઓ ટીમ કૂકે પણ થોડા સમય પહેલાં કહ્યું હતું કે તેમના પરિવારનાં બાળકો સોશિયલ નેટવર્ક્સનો ઉપયોગ કરે નહીં એવું તેઓ ઇચ્છે છે અને ‘‘ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની વાત આવે ત્યારે સીમાઓ જરૂરી છે.’’

આ બધું શું બતાવે છે?

ટેકનોલોજીનો ઉપયોગ ખોટો નથી, તેનો વિરોધ હોઈ પણ ન શકે, પણ અતિરેક અત્યંત જોખમી છે. આપણે પોતે મોબાઇલમાં પરોવાયેલા રહીશું અને તેમાં જે જોશું-કરશું એ જ બધું આપણાં બાળકો પણ કરશે. એમને કઈ દિશામાં લઈ જવાં છે એ આપણે વિચારવાનું છે!

હવે આપણે પોતે બાળકોના હાથમાં મોબાઇલ આપવો પડે છે, ત્યારે તો ખાસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!