તમે તમારાં વિવિધ ઓનલાઇન એકાઉન્ટ્સ સલામત રાખવા માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન સગવડનો ઉપયોગ કરો છો? ન કરતા હો, તો તેના તરફ અચૂક ધ્યાન આપવા જેવું છે. સામાન્ય રીતે, ટુ-સ્ટેપ-વેરિફિકેશનનો ઉપયોગ કરતા હોઈએ તો વિવિધ સર્વિસમાં તેને એક્ટિવેટ કર્યા પછી, આપણે પોતાનું યૂઝરનેમ અને પાસવર્ડ આપીએ, એ પછી જુદી જુદી રીતે સેકન્ડ સ્ટેપનું વેરિફિકેશન કરી શકીએ છીએ.

એવી એક રીત, ગૂગલની ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ કરવાની છે. તેમાં આપણે ગૂગલ સિવાયનાં ફેસબુક કે અન્ય એકાઉન્ટ માટે પણ વેરિફિકેશન કોડ મેળવી શકીએ છીએ. આ સર્વિસની મજા એ છે કે તે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ચાલે છે!
આ સર્વિસની એપ આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરીએ તે પછી તેમાં વિવિધ એકાઉન્ટ સેટ કરી શકાય છે અને પછી તેમાં એ દરેક એકાઉન્ટનો વેરિફિકેશન કોડ મેળવી શકીએ. અગાઉ આપણે ‘સાયબરસફર’માં તેના વિશે વાત કરી છે, અત્યારે જે લોકો તેનો ઉપયોગ કરે જ છે તેમને કામની વાત કરીએ.
તમે એક ફોનમાં ઓથેન્ટિકેટર એપ ઇન્સ્ટોલ કરી હોય અને તેમાં વિવિધ એકાઉન્ટ્સ સેટ કર્યાં હોય, પછી તમે નવો ફોન લો તો શું થાય? જો જૂના ફોનમાંની ઓથેન્ટિકેટર એપ ઉતાવળે અનઇન્સ્ટોલ કરી દો તો સેકન્ડ સ્ટેપનું વેરિફિકેશન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.

તેના બદલે…
- નવા ફોનમાં પણ આ એપ ઇન્સ્ટોલ કરો.
- ત્યાર બાદ જૂના ફોનમાં એપ ઓપન કરો.
- તેના મેનૂમાં ‘ટ્રાન્સફર એકાઉન્ટ્સ’નો વિકલ્પ શોધી કાઢો.
- અહીંથી તમે જૂના ફોનમાંના બધા એકાઉન્ટ્સ માટે એક ક્યૂઆર કોડ જનરેટ કરી શકશો.
- પછી નવા ફોનમાંની ઓથેન્ટિકેટર એપથી આ કોડ સ્કેન કરતાં, જૂના ફોનમાંનાં બધાં એકાઉન્ટ્સની વિગત નવા ફોનમાં આવી જશે!
