આપણને સૌને કોઈ ને કોઈ પ્રકારની સારી-નરસી આદત હોય છે. કોઈને સવારમાં વહેલા ઊઠીને ચાલવા જવાની સારી આદત હોય તો કોઈને મોડે સુધી ઘોરવાની આદત હોય. કોઈને ચાની આદત હોય તો કોઈને બીડી-સિગરેટની તલપ રહે. પણ કોઈને વિકિપીડિયાનું વ્યસન વળગે એ માનવું મુશ્કેલ છે!
ભલે સોએ સો ટકા વિશ્વસનીય નહીં છતાં વિશ્વના અપાર વિષયો વિશે અપાર માહિતી આપતા વિશ્વજ્ઞાનકોષ તરીકે વિકિપીડિયાનું મહત્ત્વ જરાય ઓછું આંકી શકાય તેમ નથી. વિદ્યાર્થીઓને ગણિત કે વિજ્ઞાનના કોઈ કન્સેપ્ટની વધુ ઊંડી સમજ મેળવવી હોય કે કોઈ ખાસ સેકટરમાં કાર્યરત ક્લાયન્ટ સાથેની મિટિંગ પહેલાં તેમના બિઝનેસને સંબંધિત બાબતો વિશે ફટાફટ ખાસ્સી જાણકારી મેળવી લેવી હોય તો વિકિપીડિયા એક હાથવગો સ્રોત છે.
વિકિપીડિયાના લેખો કોઈ પણ વ્યક્તિ ઇચ્છે ત્યારે ફેરફાર કરી શકે છે એટલે તેમાં ક્યારેક ખોટી માહિતી હોય એવું બની શકે, પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા સ્વયંસેવકોની મોટી ફોજ લેખોમાં થતા ફેરફારો પર એવી સચોટ બાજનજર રાખે છે કે ખોટી માહિતી મુકાય તો તેને તરત સુધારી લેવામાં આવે છે.
એટલે જ વિકિપીડિયા વિશ્વની સૌથી વધુ વિઝિટર્સ ધરાવતી વેબસાઇટ્સમાંની એક છે. પરંતુ વિકિપીડિયા વાંચવાનું વ્યસન થઈ જાય એ જરા ‘હજમ ન હો’ એવી વાત થઈ જાય છે. પરંતુ છે હકીકત!
થયું એવું કે દક્ષિણ ભારતમાં એક ચોવીસ વર્ષના યુવાનને રાત-દિવસ વિકિપીડિયા ફંફોસવાની જબરી લત લાગી. એ દિવસના સરેરાશ ૮ થી ૧૦ કલાક વિકિપીડિયા પર વ્યસ્ત રહેવા લાગ્યો. હદ તો એ હતી કે વિકિપીડિયા વાંચવામાં એ ટોયલેટ બ્રેક લેવાનું પણ ભૂલવા લાગ્યો. એ યુવાન મોટા ભાગે પોતાના મોબાઇલમાં વિકિપીડિયા એક્સેસ કરતો હતો. ટૂંક સમયમાં એને ગરદનમાં અને આખા શરીરમાં દુઃખાવો થવા લાગ્યો.આંખોમાં પીડા રોજની વાત બની. રાત્રે ઊંઘવામાં પણ મુશ્કેલી થવા લાગી.
વખત જતાં એ યુવાનનું માતાપિતા સાથેનું કમ્યુનિકેશન લગભગ ખોરવાઈ ગયું. પરિવારની બાબતોમાં અને આઉટડોર એક્ટિવિટીમાં એનો રસ સાવ ઊડી ગયો. મોબાઇલ દૂરથી રહેવાનું કોઈ સૂચવે તો એટલી વાતમાં એ ભડકી જતો હતો. દેખીતું છે કે તેના અભ્યાસ પર પણ આ બધાની ઊંડી અસર થવા લાગી.
છેવટે આ યુવાનને બેંગલુરુના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સિસ (નિમ્હાન્સ)માં લાવવામાં આવ્યો. આ પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં સર્વિસ ઓફ હેલ્ધી યૂઝ ઓફ ટેકનોલોજી (શટ) નામનું ક્લિનિક ચાલે છે (ક્લિનિકનું નામ પણ કેવું સૂચક છે!). આ ક્લિનિકમાં અગાઉ આવા વ્યસનનો કોઈ કિસ્સો નોંધાયો નહોતો!
તબીબોએ બે અઠવાડિયા સુધી તેનું કાઉન્સેલિંગ કર્યું અને ધીમે ધીમે તેનું વિકિપીડિયાનું વ્યસન છોડાવ્યું. નિમ્હાન્સમાં ક્લિનિકલ સાયકોલોજીના એડિશનલ પ્રોફેસર ડો. મનોજ કુમાર શર્માએ પછી તો આ કેસના આધારે ‘વિકિપીડિયા યૂઝઃ રિસ્ક ફોર ડેવલપિંગ ટેકનોલોજી એડિક્શન’ નામે એક પેપર લખ્યું જે મેડિકલ જર્નલ્સમાં પ્રકાશિત થયું.
હવે મુદ્દાની વાત – આ પાંચ વર્ષ પહેલાંનો કિસ્સો છે. એ યુવાનને તો વિકિપીડિયાનું વ્યસન હતું એટલે એણે એ દરમિયાન ઘણું નવું જાણ્યું પણ હશે. હવે સ્માર્ટફોનમાં આપણે કેટલી ગેમ્સ રમીએ છીએ અને નકામા વીડિયો જોઈએ છીએ એ વિચારો. ટેકનોલોજી વરદાન છે એને વ્યસન ન બનવા દેશો!
