બેંકમાં ખાતું ખોલાવવાનું હોય, ખાતાનું રી-કેવાયસી કરવાનું હોય, સ્કૂલ-કોલેજમાં એડમિશન મેળવવાનું હોય, લોન કે વીમો મેળવવાનો હોય, નવો પાસપોર્ટ કઢાવવાનો હોય… વગેરે કોઈ પણ પ્રકારનાં કામકાજ માટે આપણે કેટલીય જાતના દસ્તાવેજોની ઓરિજિનલ બતાવવાની અને નકલો સુપ્રત કરવાની હોય છે. દુનિયા આખી પેપરલેસ બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતમાં પણ દસ્તાવેજોના કાગળિયાની આ કડાકૂટ ઘટાડવાના પ્રયાસ થઈ રહ્યા છે.
ભારત સરકારે ‘ડિજિલોકર’ નામની એક વ્યવસ્થા વિકસાવી છે, જેમાં આપણે વિવિધ સંસ્થાઓ તરફથી મળતા સત્તાવાર દસ્તાવેજોને લિંક કરી શકીએ છીએ (‘સાયબરસફર’ના ઓક્ટોબર ૨૦૧૯ અંકમાં તેના િવશે આપણે વિગતવાર વાત કરી ગયા છીએ). મૂળભૂત રીતે આ વ્યવસ્થા એવી રીતે વિકસાવવામાં આવી રહી છે કે આપણે જે કોઈ નવી સંસ્થામાં દસ્તાવેજોના કાગળિયાં આપવાના થતાં હોય ત્યાં આપણે માત્ર પોતાનું ડિજિલોકરમાં એકાઉન્ટ ‘સુંઘાડી’ દઈએ એટલે એ સંસ્થા તેને જોઇતા દસ્તાવેજ આપણા ડિજિ લોકરમાંથી મેળવી લે.
હમણાં ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે પાસપોર્ટ ઇસ્યુ કરવાની સુવિધાને પણ ડિજિ લોકર સાથએ સાંકળી લેવામાં આવી છે. ભવિષ્યમાં આપણા પાસપોર્ટને પણ ડિજિ લોકરમાં સાચવી શકાય એવી વ્યવસ્થા પર પણ કામ ચાલી રહ્યું છે.

