ઓનલાઇન જોબ ફ્રોડનો ભોગ બન્યા પછી આ જાણીતાં ટીવી પત્રકારે પોતે પોતાનો આખો અનુભવ વર્ણવ્યો છે – એમાંથી ઘણું શીખવા જેવું છે.
ભારતની એક જાણીતી ન્યૂઝ ચેનલનાં ટોચનાં એન્કર અને પત્રકાર નિધિ રાઝદાન હમણાં ઓનલાઇન જોબ ફ્રોડ સ્કેમનો ભોગ બન્યાં.
સામાન્ય રીતે નાનાં શહેરના, ઓછું અંગ્રેજી જાણતા અને ઓછો અનુભવ ધરાવતા લોકો આ પ્રકારના કૌભાંડનો સહેલાઈથી ભોગ બનતા હોય છે – આમાંથી કોઈ બાબત નિધિને લાગુ પડતી નથી. આપણા દેશમાં બેરોજગારી કે સારી નોકરી મેળવવાનું દિવસે દિવસે મુશ્કેલ બનતું જાય છે તેમ તેમ લોકોને કાં તો ઇન્ટરનેટ પર ઇન્સ્ટન્ટ લોનને નામે અથવા સારી નોકરીની લાલચમાં ફસાવવાનું પ્રમાણ પણ સતત વધતું જાય છે.
નિધિ જેવી સારું ભણેલ-ગણેલ, વર્ષોની અનુભવી (અનુભવ પણ પાછો પત્રકાર તરીકેનો, જે બીજાનાં કૌભાંડ બહાર લાવતા હોય!), ફાંકડું ઇંગ્લિશ બોલી-વાંચી-લખી-સમજી શકનાર વ્યક્તિ સાથે પણ આવું થઈ શકે તો એમાંથી આપણને તો કેટલું શીખવા મળે?! નિધિ રાઝદાને આ ફ્રોડ તેમની સાથે કેવી રીતે થયો તેની વિગતો જાન્યુઆરી ૧૬, ૨૦૨૧ના રોજ અપડેટ થયેલા એક બ્લોગમાં લખી છે. વાંચો એમના જ શબ્દોમાં…
‘‘જૂન ૨૦૨૦માં મેં ટ્વીટર પર જાહેર કર્યું હતું કે હું એનડીટીવીમાં ૨૧ વર્ષની કારકિર્દી પછી, હાર્વર્ડ યુનિવર્સિટીમાં પત્રકારત્વ શીખવવા માટે એસોસિએટ પ્રોફેસર તરીકે જોડાઈ રહી છું. મને ખરેખર લાગ્યું હતું કે આ એક જબરજસ્ત તક હતી. પણ હવે, લગભગ આઠ મહિના પછી મને સમજાયું છે કે મને ‘હાયર’ કરવાની આ આખી પ્રક્રિયા, હાર્વર્ડમાં મારી ‘એપોઇન્ટમેન્ટ’ વગેરે બધું જ મારું બેન્ક એકાઉન્ટ, પર્સનલ ડેટા, મારા ઈ-મેઇલ્સ, મારા મેડિકલ રેકોર્ડ્સ, પાસપોર્ટ અને મારા કમ્પ્યૂટર-ફોન જેવાં મારાં સાધનોની એક્સેસ મેળવવા માટેનો એક બહુ વ્યાપક અને સમજી-વિચારીને અમલમાં મૂકાયેલો ફિશિંગ એટેક હતો. સૌને આમાંથી શીખવા મળે એ માટે હું આ વિગતો લખી રહી છું
તો આ બધું કેવી રીતે બન્યું? નવેમ્બર ૨૦૧૯માં, મને ૨૦૨૦ની શરૂઆતમાં હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં યોજાયેલી એક ઇવેન્ટમાં પ્રવચન આપવા માટે આમંત્રણ મળ્યું હતું. એ ઇવેન્ટની આયોજક લાગતી એક વ્યક્તિએ મારો અલગથી સંપર્ક કર્યો અને કહ્યું કે મને રસ હોય તો ટીચિંગ પોઝિશન માટે એક જગ્યા છે. મેં મારો સીવી આપ્યો, મને હતું કે ટ્રાય કરવામાં મારે કંઈ ગુમાવવાનું નથી, મને ખરેખ એવી આશા નહોતી કે આમાંથી કંઈક નક્કર વાત બનશે. થોડાં અઠવાડિયાં પછી ૯૦ મિનિટ સુધી મારો ઓનલાઇન ‘ઇન્ટરવ્યૂ’ લેવામાં આવ્યો. બધું જ એકદમ બરાબર લાગતું હતું, પ્રશ્નો ઊંડાણભર્યા અને પ્રોફેશનલ હતા. મેં થોડું ગૂગલ કર્યું અને જાણ્યું કે હાર્વર્ડ એક્સ્ટેન્શન સ્કૂલમાં જર્નાલિઝમ ડિગ્રી પ્રોગ્રામ ઓફર કરવામાં આવતો હતો. એ પ્રોગ્રામમાં ઘણા ફેકલ્ટી વર્કિંગ જર્નાલિસ્ટ્સ હતા. મને લાગ્યું કે હું આ પ્રોફાઇલ માટે યોગ્ય છું.
જાન્યુઆરી ૨૦૨૦માં, મને હાર્વર્ડ હ્યુમન રિસોર્સીઝની કહેવાતી એક વ્યક્તિએ ઈ-મેઇલ કર્યો, જે ઓફિશિયલ હાર્વર્ડ ઈ-મેઇલ આઇડી પરથી હોય તેવું લાગ્યું, સાથે એક ઓફર લેટર અને એગ્રીમેન્ટ પણ હતું. એ બંને જેન્યુઇન લેટરહેડ પર હોય તેવું લાગ્યું, તેના પર યુનિવર્સિટીનું ચિહ્ન હતું તથા હાર્વર્ડ યુનિવર્સિટીના એ તમામ સિનિયર અધિકારીઓની સહી હતી, જે આજે પણ એ જ હોદ્દાઓ પર છે. એ વ્યક્તિ તરફથી આવતા ઈ-મેઇલ્સ યુનિવર્સિટીના ઓફિશિયલ ગ્રૂપ આઇડી લાગતા એક આઇડીને પણ માર્ક કરવામાં આવતા હતા. તેમણે એનડીટીવીના મારા ભૂતપૂર્વ એમ્પ્લોયર્સ તથા અન્યોને પણ ઈ-મેઇલ્સ મોકલીને તેમની પાસેથી ભલામણપત્રો મગાવ્યા અને તેમને ઓફિશિયલ લાગતા એક્નોલેજમેન્ટ લેટર પણ મોકલવામાં આવ્યા. એ કોઈને પણ કંઈ ખોટું થતું હોય એવું લાગ્યું નહીં.
પછીના થોડા મહિના સુધી, મારી અને પેલા હાર્વર્ડના કહેવાતા ઈમેઇલ આઇડીઝ વચ્ચે ઘણા મેઇલ્સની આપલે થઈ, જેમાં તેમણે ‘વર્ક વિસા’ માટે મારી પર્સનલ ઇન્ફર્મેશન માગી. મને માર્ચ ૨૦૨૦માં એક ફેકલ્ટી ઓરિએન્ટેશનમાં ભાગ લેવાનું ‘ઓફિશિયલ’ આમંત્રણ પણ મળ્યું હતું, જે મહામારીને કારણે રદ થયું હતું. સાચું કહું તો એ સમયે અચાનક કોવિડે આપણા સૌની જિંદગી ઘમરોળવાનું શરૂ કર્યું હતું, દુનિયાભરમાં લોકડાઉન થવા લાગ્યાં હતાં એટલે મેં એ વિશે કશું જ વિચાર્યું નહીં.
‘‘બહું જ એકદમ બરાબર લાગતું હતું. ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો ઊંડાણભર્યા હતા. મેં હાર્વર્ડના ડિગ્રી પ્રોગ્રામ વિશે થોડું ગૂગલ કર્યું અને જાણ્યું કે હું આ પ્રોફાઇલ માટે યોગ્ય છું…’’
જૂન ૨૦૨૦માં, મેં એનડીટીવી છોડ્યું અને હાર્વર્ડમાં જોડાવાની જાહેરાત કરી. ત્યાં સુધી જે કંઈ કમ્યુનિકેશન થયું હતું એના આધારે મને આખી વાતની જેન્યુઇનનેસ માટે કોઈ શંકા નહોતી. મને ક્લાસના શિડ્યૂલ, મારે ભણાવવાના વિષયોની વિગતો અને મારા ક્લાસનું ડિટેઇલ્ડ બ્રેકઅપ પણ મોકલવામાં આવ્યું હતું. ક્લાસીસ સપ્ટેમ્બર ૨૦૨૦માં ઓનલાઇન શરૂ થવાના હતા પરંતુ પછી ‘‘કોવિડને કારણે’’ પહેલાં ઓક્ટોબર અને પછી જાન્યુઆરી સુધી ટાળવામાં આવ્યા. ફરી મને આમાં કંઈ ખોટું લાગ્યું નહીં. મને કહેવામાં આવ્યું હતું કે યુએસના મારા વર્ક વિસા જારી કરી દેવામાં આવ્યા છે અને ટ્રાવેલ કરવાનું થશે ત્યારે મને તે મોકલવામાં આવશે. મારે દિલ્હીમાંથી પણ વિસા મેળવવાના હતા પણ તે તબક્કો આવ્યો નહીં.
જોકે પછી હું વહીવટી પ્રક્રિયાઓથી કંટાળવા લાગી હતી અને મેં વારંવાર એ વિશે ઈ-મેઇલમાં જણાવ્યું. મને કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર ૨૦૨૦થી મને પગાર આપવામાં આવશે પરંતુ કોઈ નાણાં આવ્યાં નહીં. એ માટે કોવિડ અથવા આઇટી ફેઇલ્યોરના બહાનાં કાઢવામાં આવ્યાં. એક તબક્કે એમણે મને બેન્ક ટ્રાન્સફર સ્લિપ પણ મોકલી, પરંતુ કોઈ નાણાં ક્યારેય આવ્યાં નહીં.
હવે મને લાગવા માંડ્યું કે કંઈક ખોટું હતું. જોકે આ કોઈ મોટો ફ્રોડ હોય તેવી મને હજી કલ્પના પણ નહોતી. મને લાગતું હતું કે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે કો-ઓર્ડિનેશનની ગરબડ હતી.
ડિસેમ્બરમાં મેં હાર્વર્ડના એચઆર હેડને લખ્યું પરંતુ તેમનો જવાબ આવ્યો નહીં. એ પછી જાન્યુઆરીમાં મેં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સિઝના ડીનને લખ્યું. એ પછી હમણાં મને જવાબ આવ્યો અને કહેવામાં આવ્યું કે મારી એપોઇન્ટમેન્ટનો કોઈ રેકોર્ડ નહોતો અને તેમના એચઆર સ્ટાફ હોવાનો દાવો કરતા લોકો કોઈ છે જ નહીં! મેં આંચકા સાથે હાર્વર્ડને ઈમેઇલ મોકલ્યો અને તેમને આ બાબત ગંભીરતાથી લેવા કહ્યું કેમ કે એ લોકો તેમના સિનિયર સ્ટાફ હોવાનો દાવો કરતા હતા અને બનાવટી લેટરહેડ પર એચઆરના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસરની ખોટી સહીઓ પણ કરતા હતા.
એ પછી તરત, હું જેમની સાથે સંકળાયેલ હતી એ સૌને મેં બન્યું હતું એની જાણ કરી. મારા વકીલે બધા ઈ-મેઇલ્સ વાંચ્યા અને સમજાયું કે આ એક મોટી ફિશિંગ એક્સરસાઇઝ હતી, જેનો ઇરાદો મારા રૂપિયા ચોરવાનો અને મારો પર્સનલ ડેટા મેળવીને તેનો દુરુપયોગ કરવાનો હતો. મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તમામ દસ્તાવેજો પોલીસને આપ્યા છે. આ સ્કેમસ્ટર્સે એવી કરામત કરી હતી કે મેં ટીવીમાં ૨૧ વર્ષની કારકિર્દી છોડી દીધી.
હવે વિચારતાં લાગે છે કે દુનિયામાં મહામારીથી જે અંધાધૂંધી ફેલાઈ એટલે મને આમાં ચેતવા જેવું લાગ્યું નહીં. ઉપરાંત, કોઈએ ક્યારેય મારી પાસે રૂપિયા માગ્યા નહોતા, આ બહુ સોફિસ્ટિકેટેડ એટેક હતો. આ આખી વાતમાં મારા અને સૌ માટે એક બોધપાઠ છે – ઓનલાઇન કોઈ પણ વાતનો ભરોસો કરવો નહીં.’’
અને હવે પાઘડીનો વળ છેડે આવે છે – નિધિએ હાર્વર્ડનો તેમનો અનુભવ લખ્યો, એ બ્લોગના પેજ પર ‘આઇઆઇટી/હાર્વર્ડ’માં ભણનારા લોકો દ્વારા, ૬થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ માટે કોડિંગ ક્લાસની જાહેરાત બતાવવામાં આવી છે, એ સાચી પણ હોય અને ખોટી પણ. આ લખનારને એ જાહેરાત હવે જુદી જુદી ઘણી સાઇટ પર દેખાઈ રહી છે. છટકાં આ રીતે જ ગોઠવાય છે!


