આજે ‘ટ્રાન્ઝિસ્ટર’ શબ્દ વાંચીએ કે સાંભળીએ ત્યારે આપણા મનમાં એક ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટનો જ વિચાર ઝબકે છે કારણ કે આજે રેડિયો સાથે ‘એફએમ’ શબ્દ વણાઈ ગયો છે, પરંતુ એક સમયે રેડિયો ‘ટ્રાન્ઝિસ્ટર’ તરીકે પણ ઓળખાતો હતો.
કારણ એ હતું કે એ પોર્ટેબલ રેડિયોમાં ટ્રાન્ઝિસ્ટર આધારિત સર્કિટનો ઉપયોગ થતો હતો. આજના દિવસે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ એન્જિનિયરિંગ એસોસિએટ (આઇડીઇએ-આઇડિયા) અને ટેકસાસ ઇન્સ્ટ્રુમેન્ટ નામની બે કંપનીઓએ સાથે મળીને ‘રિજન્સી ટીઆર-૧’ નામના ટ્રાન્ઝિસ્ટર રેડિયોનું વેચાણ શરૂ કર્યું. ત્યાર સુધી ટ્રાન્ઝિસ્ટર્સનો ઉપયોગ માત્ર લશ્કરી કે ઔદ્યોગિક ઉપયોગ માટેનાં સાધનોમાં જ થતો હતો. રેડિયોમાં તેના ઉપયોગ સાથે કન્ઝ્યુમર ઇલેકટ્રોનિક્સમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ શરૂ થયો. એ સમયની ટેકનોલોજી અનુસાર આ રેડિયોનું પર્ફોર્મન્સ ખાસ્સું નબળું હતું છતાં તેનાં દોઢ લાખ જેટલાં યુનિટ્સ વેચાયાં હતાં.
ગૂગલની શરૂઆત પીએચડીના બે સ્ટુડન્ટના કોલેજ એસાઇમેન્ટના ભાગરૂપે થઈ હતી એ તો આપણે જાણીએ જ છીએ. પરંતુ ઇન્ટરનેટ નેટવર્કને હાનિ પહોંચાડતા કમ્પ્યૂટર વર્મની શરૂઆત પણ રિસર્ચ પ્રોજેક્ટ માટે થઈ હતી એવું કોઈ કહે તો માનવું મુશ્કેલ બને! થયું એવું કે રોબર્ટ મોરિસ નામના યુનિવર્સિટીના એક રિસર્ચરે ૧૯૮૦ના દાયકામાં ઇન્ટરનેટનો વ્યાપ માપવાનો એક પ્રોજેક્ટ હાથ ધર્યો.

એ માટે તેણે ‘સેલ્ફ રેપ્લિકેટિંગ’ એટલે આપોઆપ જેનું પુનર્સર્જન થાય એવો એક કમ્પ્યૂટર કોડ લખ્યો. આ કોડ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ કમ્પ્યૂટર્સમાં ફેલાતો જાય તેમ તેમ કનેક્ટેડ કમ્પ્યૂટર્સની સંખ્યા જાણવા મળે એવી તેની ગણતરી હતી. પરંતુ પ્રોગ્રામિંગ ગરબડ થતાં ‘મોરિસ વોર્મ’ તરીકે જાણીતો થયેલો એ કોડ એકના એક કમ્પ્યૂટરમાં વારંવાર રીપીટ થવા લાગ્યો. મશીન ક્રેશ થવા લાગ્યાં અને નેટવર્કનો ટ્રાફિક જામ થવા લાગ્યો. એ સમયે લગભગ છ હજાર મશીનને તેની અસર થઈ અને યુનિવર્સિટી તથા સરકારની સિસ્ટમ બે દિવસ માટે ખોરવાઈ ગઈ. રોબર્ટ મોરિસને યુનિવર્સિટીમાંથી પાણીચું અપાયું, ત્રણે વર્ષનો પ્રોબેશન (જેલથી જરા હળવી સજા) અને દસ હજાર ડોલરનો દંડ પણ થયો!
આજના દિવસે કોમ્પેક કંપનીએ તેના ‘કોમ્પેક’ પોર્ટેબલ પીસીની જાહેરાત કરી. આ પીસી શરૂઆતનાં પોર્ટેબલ કમ્પ્યૂટર્સમાંનું એક હતું અને ખાસ તો એ પહેલું કમ્પ્યૂટર હતું જે સફળતાપૂર્વક આઇબીએમ કમ્પેટિબલ પીસીની નકલ કરી શક્યું.

કંપનીએ પોતાના કામમાં એટલી કાળજી લીધી હતી કે આઇબીએમ કંપનીએ તેની સામે કોપીરાઇટના કેસનો ભંગ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો. આ જ કારણે આગળ જતાં માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલ જેવી કંપની પ્રગતિ કરવા લાગી અને પીસીના માર્કેટ પરનો આઇબીએમનો ઇજારો તૂટવા લાગ્યો.
ગૂગલ કંપનીએ લિન્ક્સ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત સેલફોન માટેની મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમની રજૂઆત કરી અને તેને નામ આપ્યું એન્ડ્રોઇડ. જોકે પહેલો એન્ડ્રોઇડ આધારિત ફોન આવવાને હજી એકાદ વર્ષની વાર હતી.

આજે આપણે ભલે એન્ડ્રોઇડને સ્માર્ટફોન માટે ઓળખીએ, પરંતુ તેનો ઉપયોગ ત્યાંથી ઘણો વિસ્તરી ગયો છે. હવે ટીવી, વેરેબલ ડિવાઇસ, કાર્સ વગેરેમાં પણ એન્ડ્રોઇડનો ઉપયોગ થવા લાગ્યો છે. સ્માર્ટફોનને ખાસ્સા સસ્તા બનાવવામાં પણ એન્ડ્રોઇડનો સિંહફાળો છે.
આજના દિવસે મોઝિલા ફાઉન્ડેશને ‘ફાયરફોક્સ’ વેબ બ્રાઉઝરનું પહેલું વર્ઝન રીલીઝ કર્યું. એ સાથે વર્ષોથી ચાલ્યો આવતો માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઇનો ઇજારો તૂટવાની શરૂઆત થઈ. એ સમયે લગભગ ૯૦ ટકા લોકો ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે આઇઇનો ઉપયોગ કરતા હતા.

જુદી જુદી ટેબમાં અલગ અલગ વેબસાઇટ કે વેબપેજ ખોલી શકાય એવી સગવડ ફાયરફોક્સ પહેલાં મળી ચૂકી હતી, પણ એ રીતે બ્રાઉઝિંગ ચોક્કસપણે ફાયરફોક્સથી લોકપ્રિય બન્યું. મજા એ છે કે વર્ષો અગાઉ ‘નેટસ્કેપ’ નામના બ્રાઉઝરને માઇક્રોસોફ્ટે પછાડ્યું હતું, એ જ નેટસ્કેપના કોડના આધારે ફાયરફોક્સનો જન્મ થયો એટલે શરૂઆતમાં તેનું નામ રાખમાંથી બેઠા થતા પક્ષી તરીકે ‘ફિનિક્સ’ રાખવામાં આવ્યું હતું.
માઇક્રોસોફ્ટે જાહેરાત કરી કે તે માઇક્રોસોફ્ટ ‘ડોસ’ આધારિત સિસ્ટમ માટે ‘ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસ’ની શરૂઆત કરશે જેને આપણે ‘વિન્ડોઝ’ તરીકે ઓળખીએ છીએ.

બિલ ગેટ્સે ત્યારે પ્રોમિસ આપ્યું હતું કે એપ્રિલ ૧૯૮૪માં વિન્ડોઝ લોકોને મળવાનું શરૂ થઈ જશે પરંતુ એ હકીકત બની છેક નવેમ્બર ૧૯૮૫માં. વિન્ડોઝનાં પહેલાં બે વર્ઝન ખાસ ન ચાલ્યાં પરંતુ ત્રીજા વર્ઝનથી વિન્ડોઝે કમ્પ્યૂટર જગતમાં પોતાનું રાજ સ્થાપી દીધું.
એપલ કંપનીએ આજના દિવસે પહેલા આઇપોડની ડિલિવરી કરવાની શરૂઆત કરી. આ ટચૂકડા સાધને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી બિલકુલ બદલી નાખી.

આજના દિવસે બે કમ્પ્યૂટર ને કેબલથી જોડતા ઇથરનેટ નેટવર્કે પહેલી વાર કામ કરવાની શરૂઆત કરી. આજે ઓફિસ અને ઘરના નેટવર્કિંગમાં અચૂકપણે ઇથરનેટ નેટવર્કિંગનો ઉપયોગ થાય છે.

ટીમ બર્નર્સ લીએ આજના દિવસે એક પ્રોજેક્ટ માટેની પ્રપોઝલ રજૂ કરી જેમાં તેમણે દુનિયાભરની માહિતીને એકમેક સાથે સાંકળતા ‘વર્લ્ડવાઇડ વેબ’નો કન્સેપ્ટ રજૂ કર્યો. પછીના ત્રણેક મહિનામાં તેમણે વેબ બ્રાઉઝર બનાવી નાખ્યું અને પછીના ત્રણેક મહિનામાં પહેલું વેબ સર્વર પણ શરૂ કર્યું.
આજના દિવસે બિલ ગેટ્સે પીસીની ડિઝાઇન અને ઉપયોગ ધરમૂળથી બદલી નાખે એવા એક સાધનનો પ્રોટોટાઇપ રજૂ કર્યો જે ત્યારે ટેબલેટ પીસી તરીકે ઓળખાતો હતો. જોકે આ કન્સેપ્ટને ખરેખર લોકપ્રિય બનાવવાનું શ્રેય એપલને ફાળે ગયું, જ્યારે તેણે ૨૦૧૦માં આઇપેડ લોન્ચ કર્યા.

તમે ‘આઇપોડ’ નામ હંમેશા સાંભળ્યું હશે પરંતુ ‘ઝૂન’ નામ ક્યારેય સાંભળ્યું છે? એક સમયે ‘આઇપોડ કિલર’ ગણાવાયેલું આ સાધન માઇક્રોસોફ્ટે આજના દિવસે લોન્ચ કર્યું હતું. જોકે આ મ્યુઝિક પ્લેયર આઇપોડ સામે ટકી શક્યું નહીં અને પાંચ વર્ષમાં માઇક્રોસોફ્ટે તેને બજારમાંથી પાછુ ખેંચી લીધું. એપલે આઇફોન અને આઇપેડ રજૂ કર્યા પછી પીસી માર્કેટ પરનો માઇક્રોસોફ્ટનો દબદબો પણ તૂટ્યો.
આજે લગભગ તમામ ઇલેક્ટ્રોનિક સાધનો જેની મદદથી ચાલે છે એ માઇક્રો પ્રોસેસર આજના દિવસે કમર્શિયલી ઉપલબ્ધ થયા. ઇન્ટેલનું ૪૦૦૪ નામનું આ માઇક્રો પ્રોસેસર શરૂઆતમાં માત્ર કેલ્ક્યુલેટરના ઉપયોગમાં લેવાતું હતું. પછી તો માઇક્રોપ્રોસેસરે ઇલેક્ટ્રોનિક્સની દુનિયા જ બદલી નાખી.

આજના દિવસે બ્લિઝાર્ડ એન્ટરટેઇન્મેન્ટ નામની કંપનીએ ‘વર્લ્ડ ઓફ વોરક્રાફ્ટ’ નામની એક ગેમ લોન્ચ કરી, જે આજની તારીખે પણ દુનિયાની સૌથી લોકપ્રિય ‘મલ્ટિપ્લેયર ઓનલાઇન રોલ-પ્લેઇંગ’ ગેમ્સમાંની એક ગણાય છે. ઇન્ટરનેટની દુનિયામાં સંખ્યાબંધ ગેમ્સ એવી છે, જેમાં યૂઝર ગેમમાંની કોઈ કાલ્પનિક દુનિયાના કોઈ કેરેક્ટરનું સ્થાન લઈ શકે છે અને પોતે એ કેરેક્ટર હોય એ રીતે ગેમ રમી શકે છે. આવી ગેમ્સ અનેક લોકો એક સાથે રમી શકતા હોય છે. આ ગેમે વર્ષ ૨૦૧૭ સુધીમાં ૯.૩ અબજ ડોલરની કમાણી કરી લીધી હતી!

ઇન્ટરનેટની દુનિયામાં અમેરિકા ઓનલાઇન (એઓએલ) અને નેટસ્કેપ કોમ્યુનિકેશન આ બંને નામ આજે ભૂલાઈ ગયેલાં નામ છે, પરંતુ આજના દિવસે એઓએલ કંપનીએ અંદાજે ૪.૨ અબજ ડોલરમાં નેટસ્કેપ કંપની ખરીદી લીધી. બંને કંપની માટે માઇક્રોસોફ્ટ સામેની હારેલી બાજી જીતવાનો આ પ્રયાસ હતો, જે સફળ ન થયો. નેટસ્કેપ એક ઇન્ટરનેટ બ્રાઉઝર હતું, જે માઇક્રોસોફ્ટના ઇન્ટરનેટ એક્સપ્લોરરના આક્રમણ સામે ટકી ન શક્યું. બીજી બાજુ એઓએલ કંપની એક સમયની ટોચની ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપની હતી અને તેણે પણ સમય સાથે પોતાની બધી ચમક ગુમાવી દીધી.
કમ્પ્યૂટર યૂઝર્સમાં એમપી૩ મ્યુઝિક ફાઇલ્સે ધૂમ મચાવી એ જ અરસામાં ‘નેપસ્ટર’ નામની એક સર્વિસ પણ જબરી લોકપ્રિય થઈ. કારણ દેખીતું હતું – આ સર્વિસની મદદથી લોકો બહુ સહેલાઈથી એમપી૩ સોંગ્સ ફાઇલ્સની આપલે કરી શકતા હતા! એ પણ દેખીતું હતું કે એ સમયની મ્યુઝિક કંપનીઓએ આ સર્વિસ સામે કોપીરાઇટના ભંગના કેસ દાખલ કર્યા અને છેવટે આ સર્વિસને તાળાં વાગ્યાં.

જોકે ત્યાં સુધીમાં તે એટલી લોકપ્રિય થઈ ચૂકી હતી કે પછી વિવિધ કંપનીએ તેને ખરીદીને પોતાની રીતે ચલાવવાની કોશિશ કરી. નેપ્સ્ટર સપ્ટેમ્બર ૨૦૦૨માં બંધ થઈ અને એ જ વર્ષે, આજના દિવસે ‘રોક્સિઓ’ નામની એક ડિજિટલ મીડિયા સોફ્ટવેર કંપનીએ નેપ્સ્ટરની તમામ એસેટ્સ ખરીદી લીધી. જોકે વિવિધ કંપનીઓને વેચાવા છતાં, નેપ્સ્ટર આખરે ભૂતકાળ બની ગઈ.

અમેરિકાના ન્યૂ મેક્સિકો સ્ટેટમાં બિલ ગેટ્સ અને પોલ એલનની જોડીએ આજના દિવસે ‘માઇક્રોસોફ્ટ’ કંપનીનું ટ્રેડ નેમ રજિસ્ટર્ડ કરાવ્યું. આ બંને મિત્રો ત્યાં સુધી ‘માઇક્રોકમ્પ્યૂટર’ અને ‘સોફ્ટવેર’ શબ્દોમાંથી બનાવેલ ‘માઇક્રો-સોફ્ટ’ નામ હેઠળ અનૌપચારિક ભાગીદારીથી કામ ચલાવતા હતા. છેવટે જુલાઈ ૧૯૮૧માં તેમણે માઇક્રોસોફ્ટની કંપની તરીકે સ્થાપના કરી. બંનેની મૈત્રી વર્ષો સુધી અતૂટ રહી.
આજના દિવસે જર્મનીના ફ્રોનહોફર ઇન્સ્ટિટ્યૂટને અમેરિકામાં ‘એમઇપીજી ઓડિયો લેયર ૩’ માટેની ડિજિટલ એનકોડિંગ પ્રોસેસ માટે યુએસની પેટન્ટ મળી.

આ પહેલાં ૧૯૮૯માં આ માટે ઇન્સ્ટિટ્યૂટને જર્મનીની પેટન્ટ મળી ગઈ હતી. આ ટેકનોલોજીનું નામ અત્યારે વાંચવામાં ભલે અટપટું લાગે, આપણે વર્ષો સુધી તેનો ‘એમપી૩’ તરીકે ઉપયોગ કરી ચૂક્યા છીએ! આ ટેકનોલોજીથી ડિજિટલ મ્યુઝિકને તેની હાઇક્વોલિટી પ્રમાણમાં યથાવત જાળવી રાખીને ખાસ્સું કમ્પ્રેસ કરવાનું શક્ય બન્યું, જેને કારણે એ સમયની ઓછી સ્ટોરેજની સીડીમાં સંખ્યાબંધ ગીતો સ્ટોર કરી શકાયાં. આ ઇન્સ્ટિટ્યૂટે મ્યુઝિકને કમ્પ્રેસ કરવા પર છેક ૧૯૭૭થી કામ શરૂ કર્યું હતું.
આજના દિવસે માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ માટે ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇ)નું બીજું વર્ઝન લોન્ચ કર્યું.

આજે બ્રાઉઝરમાં એફએસએલ, જાવા સ્ક્રિપ્ટ અને કૂકીઝને સપોર્ટ કરવામાં આવે એ સામાન્ય વાત ગણાય છે, પરંતુ ઇન્ટરનેટ એક્સપ્લોરરનું આ પહેલું વર્ઝન હતું જેમાં આ બાબતોને સપોર્ટ મળ્યો. એ જ રીતે એ સમયના સૌથી વધુ લોકપ્રિય નેટસ્કેપ નેવિગેટર બ્રાઉઝરમાંથી બુકમાર્ક્સ આઇઇમાં ઇમ્પોર્ટ કરવાનું પણ શક્ય બન્યું.
આજે આપણે સ્માર્ટફોનથી કોઈ ફોટોગ્રાફ લઇએ ત્યારે તેનું પરિણામ ડિજિટલ ફોટોગ્રાફ તરીકે તરત ને તરત આપણી નજર સમક્ષ છતું થાય છે, પરંતુ ફોટોગ્રાફીની શરૂઆત પછી બહુ લાંબા સમય સુધી ફોટોગ્રાફ ખેંચવામાં આવે અને તેનું પરિણામ નજર સમક્ષ આવે એ બંને વચ્ચે ખાસ્સી મથામણ અને સમયગાળો રહેતાં હતાં.

જોકે આજના દિવસે ‘પોલરોઇડ લેન્ડ કેમેરા’ મોડેલ ૯૫ નામના એક કેમેરાનું વેચાણ શરૂ થયું, તેણે આ સ્થિતિ બદલી. આ કેમેરાની ખાસિયત એ હતી કે તે ફોટોગ્રાફ ખેંચ્યાની એકાદ મિનિટમાં જ સેપિયા ટોનનો ફોટોગ્રાફ હાજર કરી દેતો હતો. આ કેમેરા લોન્ચ થયો એ સમયે ક્રિસમસની શોપિંગ સિઝન શરૂ થઈ ગઈ હતી અને કેમેરા જોત જોતામાં ફટાફટ વેચાવા લાગ્યો. પછીનાં બે વર્ષમાં કંપનીએ બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્સ્ટન્ટ ફિલ્મ રજૂ કરી અને ૧૯૬૩માં કલર ફિલ્મ પણ મળવાની શરૂ થઈ ગઈ.

અટારી નામની એક કંપનીએ આજે ‘પોંગ’ નામની એક સર્વિસ લોન્ચ કરી. આપણે માટે આ બંને નામ અજાણ્યાં છે, પણ પ્રોડક્ટનો પ્રકાર બિલકુલ અજાણ્યો નથી. પોંગ એક વીડિયો ગેમ હતી, જે વિશ્વની પહેલી કમર્શિયલી સફળ વીડિયો ગેમ ગણાઈ. આ ગેમ એટલું ચાલી કે તેને પગલે આખી વીડિયો ગેમ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ અને અટારી કંપની તેમાં વર્ષો સુધી ટોચ પર રહી.

કમ્પ્યૂટરને આજના સ્વરૂપ સુધી પહોંચવામાં વર્ષો લાગ્યાં છે અને તેની આ આખી યાત્રામાં આઇબીએમ કંપનીનો સિંહફાળો રહ્યો છે. આજના દિવસે કંપનીએ પહેલાં બે આઇબીએમ ૭૦૯૦ મેઇનફ્રેમ કમ્પ્યૂટર ડિલિવર કર્યાં, જે પૂરેપૂરાં ટ્રાન્ઝિસ્ટર આધારિત હતાં. નાસાએ તેની સ્પેસ ફ્લાઇટ્સ કંટ્રોલ કરવા માટે આ કમ્પ્યૂટર્સનો ઉપયોગ કર્યો હતો. ૭૦૯૦ કમ્પ્યૂટર છેક ૧૯૮૦ના દાયકા સુધી ઉપયોગમાં લેવાયાં હતાં.
ઇ-બુક રીડર્સની વાત આવે એટલે આપણા મનમાં પહેલું નામ એમેઝોન ‘કિન્ડલ’નું ઝબકે, પણ એવું જ બીજું એક નામ છે ‘નૂક’. બે વર્ષ પહેલાં લોન્ચ થઈ ગયેલ કિન્ડલની હરીફાઇમાં આજે ‘નૂક’ ઇ-રીડર લોન્ચ થયાં. અત્યારે વેચાતા નૂક ગ્લોલાઇટ પ્લસ મોડેલમાં ૮ જીબી મેમરી હોવાથી, તેમાં આશરે છ હજાર પુસ્તકો ડાઉનલોડ કરી શકાય છે! જોકે આ કંપની ધીમે ધીમે સમેટાઇ રહી હોય તેવું લાગે છે, કંપની હવે યુએસની બહાર તેનું કન્ટેન્ટ વેચતી નથી. અચ્છા, ‘નૂક’ એટલે મજાનો ખૂણો, જ્યાં બેસીને પુસ્તકો વાંચી શકાય! તમને હજી પુસ્તકો ગમતાં હોય તો પિન્ટરેસ્ટમાં કે ગૂગલ ઇમેજીસમાં ‘રીડિંગ નૂક’ સર્ચ કરી જુઓ! ‘કિન્ડલ’નો અર્થ શો હશે?, જાતે સર્ચ કરી જુઓ!

