વર્ક-ફ્રોમ-હોમ અને સ્કૂલિંગ-ફ્રોમ-હોમ હવે આપણે માટે ‘ન્યૂ નોર્મલ’ છે, તો લર્ન-ફ્રોમ-હોમ કેમ નહીં? સ્કૂલની જેમ કોલેજ સ્ટુડન્ટ્સે પણ એમનું આખું વર્ષ ઘરેથી જ ભણવામાં વીતાવ્યું છે, પણ આપણે અહીં જે લર્ન-ફ્રોમ-હોમની વાત કરીએ છીએ એ જુદી છે.
‘સાયબરસફર’ના ઓક્ટોબર ૨૦૨૦ના અંકમાં આપણે કોલેજની ડિગ્રી વિના, ટોચની ટેક કંપનીઝમાં નોકરી મેળવવાની વાત કરી હતી. ગૂગલની એ પહેલે હવે નક્કર આકાર લઈ લીધો છે – ગૂગલે કોર્સેરા સાઇટ પર પાંચ સર્ટિફિકેટ પ્રોગ્રામ લોન્ચ કર્યા છે.
માત્ર છ મહિનામાં મેળવી શકાતા આ સર્ટિફિકેટને ગૂગલ સહિતી ૧૩૦ જેટલી ટોચની ટેક કંપની, ચાર વર્ષ પછી મળતી ડિગ્રી જેટલું જ મહત્ત્વનું ગણશે. એટલે કે અગાઉ જે પોસ્ટ માટે ‘નોકરી ખાલી છે’ની જાહેરાતમાં ડિગ્રી હોવી અનિવાર્ય હતી, ત્યાં હવે આ સર્ટિફિકેટના જોરે પણ ઇન્ટરવ્યૂ કોલ મેળવી શકાશે!
તમે ઇચ્છો તો તમે પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકો છો – કોઈ ડિગ્રી વિના, કોઈ અનુભવ વિના અને કોઈ પણ ઉંમરે! કોર્સની ફી ખાસ્સી નજીવી છે અને આ સર્ટિફિકેટ કોર્સ ઉપરાંત, બીજા સંખ્યાબંધ કોર્સ બિલકુલ મફત પણ ઉપલબ્ધ છે. આ વાત હાલ પૂરતી માત્ર અમેરિકાની ટેક કંપનીઝને લાગુ પડે છે, પણ તેમાં ભારતીય કંપનીઓ પણ સામેલ હોવાથી, તેમનો અનુભવ સારો રહેશે તો આ ટ્રેન્ડ ભારતમાં પણ શરૂ થાય તો નવાઈ નહીં.
આ સર્ટિફિકેટ મેળવ્યા પછી, અમેરિકામાં જે નોકરી મળી શકે તેના પગારના આંકડા આપણી આંખો પહોળી કરી નાખે એવા છે. એન્ટ્રી લેવલે વાર્ષિક ૪૮ લાખ રૂપિયા જેટલો પગાર અમેરિકાના સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ જેવો તેવો નથી.
પરંતુ આખી વાતમાં રૂપિયા સિવાયનો બીજો એક એંગલ પણ ધ્યાનમાં રાખવા જેવો છે.
‘સાયબરસફર’માં આપણે વારંવાર વાત કરી છે તેમ, કરિયરમાં આગળ વધવા માટે ડિગ્રી ચોક્કસ મહત્ત્વની જ છે, પરંતુ એથી વધુ મહત્ત્વની વાત, સતત નવું શીખવા માટેની આપણી તૈયારી અને ધગશની છે.
અને જે નવું શીખવા માગે છે, એના માટે હાલના કરતાં વધુ સારો સમય અગાઉ ક્યારેય નહોતો! આ માત્ર પેલો ‘મોટિવેશનલ’ ક્વોટ નથી – હકીકત છે. ઇન્ટરનેટને પ્રતાપે આખી દુનિયા ખરેખર આપણી મુઠ્ઠીમાં આવી ગઈ છે અને ‘માસિવ ઓનલાઇન ઓપન કોર્સ’ના કન્સેપ્ટ પ્રમાણે દુનિયાભરની અનેક જાણીતી યુનિવર્સિટી અને કંપનીના કોર્સનો આપણે બિલકુલ ઘેરબેઠાં લાભ લઈ શકીએ છીએ.
ગૂગલે લોન્ચ કરેલા સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ અત્યારે માત્ર યુએસમાં જોબ માટે કામના છે, પરંતુ તમે ભારતમાં હો, ભારતમાં જ જોબ કરવા માગતા હો તો પણ આ કોર્સ અને તેના જેવા બીજા કેટલાય કોર્સ તમને તમારી ઇન્ડસ્ટ્રીની આજની જરૂરિયાતો માટે વધુ તૈયાર કરી શકે છે.
ઉપરાંત, આ વાત માત્ર આઇટી સેક્ટર પૂરતી સીમિત નથી. લગભગ તમામ વિદ્યાશાખાઓ માટે હવે ઓનલાઇન કોર્સીઝ ઉપલબ્ધ છે, જેમાં જોડાઈને આપણે પોતાની અનુકૂળતાએ, પોતાની ફુરસદના સમયે પોતાની સ્કિલ્સ અને સમજ વધુ ધારદાર બનાવી શકીએ છીએ.
જો તમે કોઈ પણ વિષયની ડિગ્રી માટે આભ્યાસ કરી રહ્યા હો, તો હવે સમય કોલેજના અભ્યાસની સાથોસાથ આ પ્રકારના વિવિધ ઓનલાઇન કોર્સમાં જોડાવાનો છે. તમને પબ્જી-ફૌજી અને મૂવીઝ, ટાઇમપાસ વીડિયોમાં જ રસ હોય તો જુદી વાત છે!
– હિમાંશુ

