સ્માર્ટફોન આપણે ગણિતનાં વિવિધ સમીકરણ ઉકેલવામાં મદદ કરી શકે છે. બસ, એપ ઓપન કરો દાખલો સ્કેન કરો એટલે જવાબ…
નવા સમયમાં આપણે શિક્ષણની નવી રીતો સાથે તાલમેલ બેસાડી રહ્યા છીએ. આવા સમયમાં આપણા હાથમાં રહેલા ફોનને પણ ગુરૂજી બનાવવાની જુદી જુદી રીતો જાણવા જેવી છે. આ અગાઉ ‘સાયબરસફર’માં આપણે ‘ફોટોમેથ’ અને ‘માઇક્રોસોફ્ટ મેથ સોલ્વર’ નામની એપ્સ વિશે જાણી ગયા છીએ. આ એપ્સની મદદથી આપણે કેલ્ક્યુલેટરની મદદથી જેના જવાબ મુશ્કેલ હોય તેવા દાખલા ઉકેલી શકીએ છીએ અને ખાસ તો ઉકેલનાં સ્ટેપ્સ બરાબર સમજી શકીએ છીએ.
આ જ પ્રકારનું કામ ગૂગલ લેન્સની મદદથી પણ થઈ શકે છે.
૧૨+૧૭ જેવી સાદી ગણતરી કરવી હોય તો આપણે કદાચ મનોમન કરી લઇએ અથવા કેલ્ક્યુલેટરમાં ધડાધડ આંકડા લખીને જવાબ મેળવી શકીએ પરંતુ x2 – 5x + 2 પ્રકારના મુશ્કેલ દાખલાનો જવાબ મેળવવો હોય ત્યારે આવું સમીકરણ કેલ્ક્યુલેટરમાં ટાઇપ કેમ કરવું એ જ સમજાય નહીં. આવે સમયે ઉપર લખેલી એપ્સ કે પછી ગૂગલ લેન્સ આપણી મદદે આવી શકે છે. આવું કઈ રીત થઈ શકે એ સમજવા માટે સૌથી પહેલાં તો ગણિતના પાઠ્યપુસ્તકમાં આવો દાખલો શોધી કાઢો. હવે એન્ડ્રોઇડ ફોન કે ટેબલેટ આઇફોન કે આઇપેડમાં હોમસ્ક્રીન બટન જરા લાંબો સમય પ્રેસ કરીને ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરો (ફોનના મોડેલ અને એન્ડ્રોઇડ/ગૂગલ એપના વર્ઝન અનુસાર ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરવાના જુદા જુદા રસ્તા હોઈ શકે છે).
ગૂગલ આસિસ્ટન્ટ ઓપન થયા પછી તમે જોશો તેમ સ્ક્રીન પર નીચેના ભાગમાં ટેકસ્ટ, સર્ચ, હોમવર્ક, શોપિંગ વગેરે વિકલ્પો જોવા મળશે. તેમાં હોમવર્ક પસંદ કરો અને ફોનનો કેમેરા એક્ટિવેટ થાય એટલે તેને તમે પસંદ કરેલા દાખલા તરફ ફોકસ કરો. દાખલો પ્રિન્ટ કરેલો હોઈ શકે અથવા સાદા કાગળ પર તમે હાથે લખેલો પણ ચાલી શકશે. હવે ગ્રેજ્યુએશન કેપ વાળા આઇકન પર ક્લિક કરતાં તમે ફોકસ કરેલા દાખલાનો ફોટોગ્રાફ લેવાશે અને સ્ક્રીન પર ખૂલતાં નાના બોક્સમાં સૌથી ઉપર આ દાખલો ટાઇપ થયેલો જોવા મળશે. દાખલાની સાથે સાથે આજુબાજુનું કંઈ ફોટોગ્રાફમાં આવ્યું હોય તો તેને એડિટ કરી શકાશે.
સ્ક્રીન પર ઓપન થયેલા કાર્ડમાં સૌથી ઉપર માત્ર તમારો દાખલો જોવા મળે ત્યારે ‘સ્ટેપ્સ ટુ સોલ્વ’ નો વિકલ્પ પસંદ કરો. તમારા દાખલાનો જવાબ જોવા મળશે.
ગૂગલ તેની સોક્રેટિક.ગૂગલ નામની એક સરસ મજાન સર્વિસની મદદથી આપણને જવાબ આપે છે. આ જવાબ તમને અધૂરો કે અપૂરતો લાગે તો અહીંથી જ ઇન્ટરનેટ પરની અન્ય સર્વિસિસની મદદથી એ જ દાખલો ઉકેલવા વિશે બીજું માર્ગદર્શન પણ મેળવી શકાશે.
