સર્ચ એન્જિન તરીકે ગૂગલ આપણા સૌના જીવનનો અભિન્ન હિસ્સો છે. આપણે ભલે એમ માનીએ કે ગૂગલ બધું જ જાણે છે પરંતુ તેની એક મોટી મર્યાદા છે. થોડા સમય પહેલાં સુધી ગૂગલ સર્ચ એન્જિન માત્ર એ જ બાબતો વિશે આપણને વધુ માહિતી આપી શકતું હતું જેના વિશે આપણે કંઇક જાણતા હોઇએ. જેમ કે સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને લંબાઈ કેટલી છે એ આપણે ગૂગલ પાસેથી જાણી શકીએ પરંતુ એ માટે દુનિયામાં ‘સરદાર સરોવર ડેમ જેવું કંઈક છે’ એ આપણને ખબર હોવી જોઈએ!

જેના વિશે આપણે કંઈ જ જાણતા ન હોઈએ એ ગૂગલને કેવી રીતે પૂછવું? જેમ કે બગીચામાં સુંદર ફૂલ જોવા મળે અને આપણે તેના વિશે વધુ માહિતી જોઈતી હોય તો ગૂગલને કેવી રીતે પૂછવી?
‘ગૂગલ લેન્સ’ નામની સર્વિસ તેનો ઉપાય આપે છે (‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૮ અંકમાં આપણે તેના વિશે વિગતવાર વાત કરી ગયા છીએ). આપણે શબ્દોમાં આપણે જે બાબત પૂછી શકીએ તેમ ન હોઇએ તેનો ફોટોગ્રાફ લઇને એ બાબત વિશે ગૂગલને પૂછી શકાય છે. જેમ કે ફૂલનો ફોટોગ્રાફ લઇને ગૂગલ ફોટોઝ એપમાં કે ગૂગલ આસિસ્ટન્ટમાં લેન્સ બટનની મદદથી આપણે ગૂગલને એ ફૂલ વિશે વધુ માહિતી આપવા કહી શકીએ.
અત્યાર સુધી આ સગવડ માત્ર મોબાઇલમાં હતી. ગૂગલ આસિસ્ટન્ટ એપ લોન્ચ કરી, ફોનના કેમેરાથી કોઈ પણ બાબત કેપ્ચર કરીને તેના વિશે ગૂગલને પૂછી શકાય. બીજો રસ્તો કોઈ પણ બાબતનો ફોટોગ્રાફ લઇને તેને ગૂગલ ફોટોઝમાં ઓપન કરી પછી લેન્સ બટનથી સ્કેન કરવાનો હતો.

હવે આ સગવડ પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં ઉ મેરાઈ રહી છે, ઉપરાંત તે ફોટોઝ સર્વિસ (http://photos.google.com/)માં પણ મલશે. હવે આપણે ક્રોમ બ્રાઉઝરમાં કોઈ પણ ઇમેજ દેખાય ત્યારે તેના પર કર્સર રાખી માઉસથી રાઇટ ક્લિક કરતાં એક મેનૂ ખૂલશે અને તેમાં ‘સર્ચ ઇમેજ વિથ ગૂગલ લેન્સ’ એવો વિકલ્પ જોવા મળશે. એ વિકલ્પ પસંદ કરતાં આપણને ‘lens.google.com/search’ પેજ પર લઈ જવામાં આવશે. અહીં આપણે ઇમેજનો યુઆરએલ આપીને અથવા પીસીમાંથી કોઈ ફોટો અપલોડ કરીને પણ ગૂગલને એ ઇમેજ વિશે વધુ માહિતી આપવા કહી શકીશું.
પીસીમાં આ રીતે સર્ચ કરતાં આપણને ત્રણ રીતે વધુ માહિતી આપવામાં આવશે. એક, ‘ટોપ મેચ’ સેકશન’ જેમાં એ જ ઇમેજનાં અન્ય વર્ઝન્સ બતાવવામાં આવશે. બીજી રીતમાં, એ ઇમેજને સૌથી વધુ મળતી આવતી અન્ય ‘સિમિલર ઇમેજિસ’ બતાવવામાં આવશે અને ત્રીજી રીતમાં એ ઇમેજને ‘રિલેટેડ કન્ટેન્ટ’ બતાવવામાં આવશે.

