(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ફોટોઝ એપ ફ્રી અનલિમિટેડ સ્ટોરેજ નહીં આપે! જાણો ગૂગલ એકાઉન્ટ કેવી રીતે ખાલી કરી શકાય

પાર વગરની સુવિધા મફત વાપરવાની ટેવ પાડ્યા પછી, હવે ગૂગલ વિવિધ સર્વિસને અમુક અંશે પેઇડ બનાવી રહી છે. એકાઉન્ટને ફ્રી લિમિટમાં કેવી રીતે રાખી શકાય એ જાણો.

જો તમે તમારા ડિજિટલ ફોટોઝ સાચવવા માટે ગૂગલની અત્યાર સુધી બહુ વખણાયેલી ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમારા માટે નિરાશાના સમાચાર છે.

અત્યાર સુધી ગૂગલ આપણને આ સર્વિસમાં ફોટોગ્રાફની ક્વોલિટીનો કોઈ બાંધછોડ કર્યા વિના અનલિમિટેડ ફોટો સ્ટોર કરવાની સગવડ મળતી હતી. હવે ગૂગલે કરેલી જાહેરાત અનુસાર આવતા વર્ષની પહેલી જૂનથી આ સર્વિસનો અનલિમિટેડ સ્ટોરેજનો લાભ મળશે નહીં. આ જાહેરાતમાં કેટલાંક નોંધપાત્ર પાસાં અને આપણને તે કેવી રીતે અસર કરશે તેની વાત કરીએ.

ગૂગલના કહેવા અનુસાર અત્યારે ગૂગલ ફોટોઝમાં ચાર ટ્રિલિયન (બિલિયન-અબજ નહીં ટ્રિલિયન!) ફોટોઝ સ્ટોર થયેલા છે. દર અઠવાડિયે તેના પર ૨૮ અબજ નવા ફોટો અને વીડિયો અપલોડ થાય છે.

અત્યાર સુધી આ સર્વિસમાં બે પ્રકારે સ્ટોરેજનો લાભ મળતો હતો. જો ફોટોગ્રાફ કે વીડિયો તેના અસલી ફોર્મેટમાં સ્ટોર કરવા હોય તો એવા ફોર્મેટમાં કુલ ૧૫ જીબી સુધીની સ્ટોરેજ ફ્રી મળતી હતી પરંતુ જો ફોટોગ્રાફને થોડા કમ્પ્રેસ્ડ ફોમમાં સ્ટોર કરીએ (આપણે માત્ર આ વિકલ્પ પસંદ કરવાનો હોય છે ફોટો કમ્પ્રેશન આપોઆપ થાય છે) તો અનલિમિટેડ સ્ટોરેજ મળતી હતી.

હવે ગૂગલે અનલિમિટેડ સ્ટોરેજ સદંતર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અલબત્ત ગૂગલના પોતાના પિકસેલ સ્માર્ટફોનમાં આ સર્વિસનો લાભ લેતા લોકોને અનલિમિટેડ સ્ટોરેજ મળવાનું ચાલુ રહેશે (જોકે ગૂગલની સ્પષ્ટતા અનુસાર ભવિષ્યમાં પિક્સેલ ફોનમાં પણ આ લાભ મળશે નહીં!).

વચ્ચે એક આડ વાત, અત્યાર સુધી ગૂગલ ડ્રાઇવ સર્વિસમાં ડોક્સ, સ્પ્રેડશીટ અને સ્લાઇડ્સ (સાદા શબ્દોમાં કહીએ તો માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ પ્રોગ્રામની ફાઇલ્સ માટેનું ગૂગલનું ફોર્મેટ)ની ફાઇલ ગૂગલ ડ્રાઇવમાં સ્ટોર કરવામાં આવે ત્યારે તે પણ અનલિમિટેડ પ્રમાણમાં સેવ કરી શકાતી હતી. હવે તેમાં પણ અનલિમિટેડ સ્ટોરેજ મળશે નહીં.

અત્યાર સુધી ગૂગલના દરેક એકાઉન્ટ સાથે કુલ ૧૫ જીબી સ્ટોરેજ ફ્રી મળતી હતી જેમાં જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ ત્રણેય સર્વિસમાંની ફાઇલ્સનો સમાવેશ થતો હતો. હવે છેલ્લી બે સર્વિસમાં જેટલો અનલિમિટેડ લાભ મળતો હતો તે દૂર થવાને કારણે આપણા ગૂગલ એકાઉન્ટમાંની ૧૫ જીબીની સ્પેસ વધુ ઝડપથી ભરાશે.

અલબત્ત ગૂગલે કરેલી જાહેરાત અનુસાર પહેલી જૂન ૨૦૨૧ સુધી આપણે ગૂગલ ફોટોઝમાં જેટલા ફોટો સ્ટોર કર્યા હશે એ ફ્રી જ રહેશે. ત્યાર પછી જેટલા નવા ફોટો અપલોડ કરશું તેને માટે ૧૫ જીબી સ્ટોરેજની મર્યાદા લાગુ થશે.

અત્યાર સુધી આ સર્વિસનો સ્ટોરેજની કોઈ ચિંતા ન હોવાથી આપણે તેમાંના ફોટોઝ ડિલીટ કરવાની કોઈ પરવા કરતા ન હતા. આ કારણે ફોટો બ્લર થઈ ગયા હોય કે હવે બિનજરૂરી બનેલા સ્ક્રીનશોટ કે બિલ, હોમવર્ક વગેરેના ફોટો પણ આ સર્વિસ પરનો ભાર વધારતા હતા. ફોટોઝ સર્વિસ આવું ક્લટર અલગ તારવીને તેને દૂર કરવાની સગવડ આપે છે પરંતુ લોકો તેનો ખાસ ઉપયોગ કરતા નહોતા. પરંતુ આપણે તેનો ઉપયોગ કરવો પડશે. આ સર્વિસમાં ડિલીટ કરવા જેવા ફોટો આપણને સામેથી બતાવવામાં આવશે જેથી આપણે સ્ટોરેજમાં સ્પેસ બચાવી શકીએ.

જો તમે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ફોટોઝ સર્વિસનો ભરપૂર ઉપયોગ કરતા હો અને ૧૫ જીબીની ફ્રી સ્પેસની મર્યાદા વટાવી જતા હો તો પછી તમારે ગૂગલ વન ક્લાઉડ સ્ટોરેજ સર્વિસનું સબસ્ક્રિપ્શન લેવું પડશે. તેનો ખર્ચ ૧૦૦ જીબી સ્પેસ માટે હાલમાં વર્ષે રૂ.૧૩૦૦ જેટલો થાય છે. પર્સનલ એકાઉન્ટ માટે આટલી સ્પેસ આપણે એક પરિવારના કુલ પાંચ સભ્યો વચ્ચે વહેંચી શકીએ છીએ.


ખાલી કરો ગૂગલ એકાઉન્ટ સ્ટોરેજ

અત્યાર સુધી, ગૂગલના એકાઉન્ટમાં આપણે સ્પેસની ખાસ ચિંતા કરવી પડે તેવું નહોતું. તેના મફત એકાઉન્ટમાં પણ મળતી ૧૫ જીબી સ્પેસ મોટા ભાગના યૂઝર માટે પૂરતી થાય, જીમેઇલમાં વર્ષો જૂના ઈ-મેઇલ્સ પડ્યા રહે તો ઉલટાનું સારું રહેતું કેમ કે ધારીએ ત્યારે તેને પળવારમાં સર્ચ કરી શકાય છે.

પરંતુ હવે બે કારણસર ગૂગલના એકાઉન્ટમાં બિનજરૂરી બાબતોનો ભરાવો ન થાય તેની કાળજી રાખવી પડે તેમ છે.

એક તો, ગૂગલ આપણને જે ૧૫ જીબીની મફત સ્પેસ આપે છે તે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ એમ ત્રણ સર્વિસમાં સહિયારી ગણાય છે. જો તમે આ ત્રણેય સર્વિસનો સારો એવો ઉપયોગ કરતા હો, તો આપણે ડિજિટલી જેમ વધુ વ્યસ્ત થતા જઈએ તેમ તેમ ૧૫ જીબીની સ્પેસ પણ હવેના સમયમાં ઓછી પડે તેમ છે.

બીજું, આગળ કહ્યું તેમ, અત્યાર સુધી ગૂગલે આપણને જે ૧૫ જીબી મફત સ્પેસ આપી, તેમાં પણ ઘણી બાબતો ગણતરીમાં લેવાતી નહોતી, જે હવે મર્યાદામાં ગણાશે.

જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ, ફોટોઝ વગેરે દરેક સર્વિસમાં આપણી કુલ સ્ટોરેજમાંથી કેટલી વપરાઈ ગઈ છે તે જોવા મળે છે. પરંતુ આ બધું એક સાથે જોવું-તપાસવું હોય તો https://one.google.com/storage/management પેજ પર જાઓ.

અહીં તમારા જીમેઇલ, ડ્રાઇવ અને ફોટોઝ એકાઉન્ટમાં કઈ કઈ રીતે સ્પેસ ખાલી કરી શકાય તેમ છે, જે જોવા મળશે. અહીં ગૂગલ, તેની દૃષ્ટિએ જે વધારાનું હશે એ બધું ડિલીટ કરવાનું સૂચવશે. એ સિવાય, ઉપરનાં ત્રણ બોક્સમાં આપેલી વિગતો અનુસાર, તમે જે તે સર્વિસમાં જઈને, તમારી રીતે સર્ચ કરીને પણ આ કામ કરી શકો.

જીમેઇલમાં…

પીસી કે મોબાઇલ, બંનેમાં સર્ચની સુવિધાને કામે લગાડી શકાય. હવે નકામા બનેલા ન્યૂઝલેટર્સ સર્ચ કરી ડિલીટ કરી શકાય. હવે જે ક્લાયન્ટ માટે કામ કરવાનું બંધ કર્યું હોય, તેના જૂના મેઇલ્સ From: ClientName, ClientEmailId વગેરે રીતે સર્ચ કરી જુઓ. તારીખ મુજબ પણ ઈ-મેઇલ્સ ફિલ્ટર કરી શકાય. ઇચ્છો તો Size: 5m કે Size:10m વગેરે રીતે સર્ચ કરીને, પાંચ કે ૧૦ એમબીથી વધુ સાઇઝનાં એટેચમેન્ટ ધરાવતા ઈ-મેઇલ્સ શોધી કાઢીને જે બિનજરૂરી લાગે તેને ડિલીટ કરી શકાય.

ફોટોઝમાં…

જો તમે ગૂગલ ફોટોઝમાં ખાસ્સા ફોટો-વીડિયો સ્ટોર કરતા હો, તો થોડા થોડા વખતે આ એપમાં તમને ‘Clear the Clutter’ નામે, એપની સિસ્ટમની દૃષ્ટિએ જે બિનજરૂરી હોઈ શકે (જેમ કે નોટબુકનાં પેજીસના ફોટા!) તે ડિલીટ કરવાનું સૂચન કરવામાં આવે છે. તેને અનુસરીને આવા ક્લટર જેવા ફોટો તપાસીને ડિલીટ કરી શકાય. એ સિવાય, એપમાં, નીચેના બારમાં લાઇબ્રેરી અને તેમાં યુટિલિટીઝમાં જઈને ‘ફ્રી અપ સ્પેસ’નો વિકલ્પ શોધી શકાય.

ડ્રાઇવમાં…

ગૂગલ ડ્રાઇવમાં જીમેઇલની જેમ અમુક ચોક્કસ સાઇઝથી વધુ મોટી ફાઇલ્સ સર્ચ કરવાની સગવડ નથી, પણ અહીં જીમેઇલ કરતાં કામ વધુ સહેલું છે. ગૂગલ ડ્રાઇવમાં લોગ-ઇન થયા પછી, https://drive.google.com/drive/quota પેજ પર જતાં, તમારી બધી જ ફાઇલ્સ સૌથી વધુથી સૌથી ઓછી સાઇઝમાં સોર્ટ થયેલી જોવા મળશે. હેવી ફાઇલ્સમાં જે હવે બિનજરૂરી લાગતી હોય તે ડિલીટ કરી શકાય!

એ સિવાય, ડ્રાઇવમાં પીડીએફ કે ફોટો વગેરે ફોર્મેટ ટાઇપની ફાઇલ્સ અલગ તારવવાની સગવડ છે. મોટા ભાગે આ પ્રકારની ફાઇલ્સ હેવી હોય છે. તેને તપાસીને ડિલીટ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!