આપણે ત્યાં કોરોનાનું રસીકરણ અભિયાન વ્યાપકપણે શરૂ થઈ ગયા પછી આપણને કોરોનાથી છૂટકારો મળશે એવી આશા જાગી હતી. પરંતુ પહેલાં ચૂંટણીની ધમાધમ અને ત્યાર પછી દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પૂરેપૂરું ભરવાની ઉતાવળ અને ખુદ લોકોની બેકાળજીથી કેસ ફરી વધવા લાગ્યા. હજી તો ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણી પણ માથે છે એટલે ભારતમાં કોરોનાની બીજી લહેરની આશંકા જાગી છે. તો યુરોપમાં વળી ત્રીજી લહેરની ચિંતાઓ જાગી છે.
આ સ્થિતિમાં એટલું નક્કી છે કે આપણે લાંબા સમય સુધી કોરોના સાથે પનારો પાડવાનો છે. કોરોનાથી બચવાનો એક સૌથી કારગત રસ્તો શક્ય એટલું વધુ સામાજિક અંતર જાળવવાનો, સંપર્કરહિત જીવનશૈલી અપનાવવાનો છે. આ બાબતમાં ટેકનોલોજી ખાસ્સી મદદરૂપ થઈ રહી છે. કોરોનાને પગલે ભારત અને આખી દુનિયામાં કોન્ટેક્ટલેસ ઓનલાઇન પેમેન્ટમાં ખાસ્સો ઉછાળો જોવા મળ્યો છે.
ફિંગરપ્રિન્ટની જેમ હથેળીની છાપ પણ બે વ્યક્તિ માટે એક સરખી હોતી નથી. એમેઝોને આ વાતનો લાભ લઈને સંપર્ક વિના પેમેન્ટનો વધુ એક રસ્તો શક્ય બનાવ્યો છે.
હવે એમેઝોન કંપની કોન્ટેક્ટલેસ પેમેન્ટને હજી વધુ સરળ બનાવી રહી છે. કંપનીએ પોતાની આ ટેકનોલોજીને ‘એમેઝોન વન’ નામ આપ્યું છે. આ પદ્ધતિમાં ફિઝિકલ સ્ટોર્સમાં પેમેન્ટ કરતી વખતે આપણે માત્ર પોતાની હથેળી બતાવીને આપણી ઓળખ સાબિત કરી શકીએ છીએ.
એમેઝોન વન ટેકનોલોજી કન્સેપ્ટ અને ઉપયોગની રીતે બિલકુલ સરળ છે .
એમેઝોનના દાવા અનુસાર દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ કે આંખની રેટિનાની ડિઝાઇનની જેમ આખે આખા હાથની હથેળી પણ યુનિક હોય છે. હાથમાંની હસ્તરેખાઓ સ્પષ્ટ હોય છે, પણ બારીક ઊંચ-નીચ નરી આંખે કે સાદા કેમેરાથી કદાચ ન પરખાય, પરંતુ વિશેષ સાધનોથી સ્કેન કરવામાં આવે તો હથેળીની પૂરેપૂરી લાક્ષણિકતાઓ ચકાસી શકાય છે તથા તેને પહેલેથી તૈયાર ડેટાબેઝ સાથે સરખાવી શકાય છે.
આથી એમેઝોને હથેળી થોડે દૂરથી સ્કેન કરી શકાય એવું એક ખાસ પ્રકારનું સ્કેનર વિકસાવ્યું છે. આ પદ્ધતિનો લાભ લેવા માગતી વ્યક્તિએ એમેઝોનના ફિઝિકલ સ્ટોરમાં એક વાર આવા સ્કેનર પર પોતાના એક કે બંને હાથની હથેળી સ્કેન કરવાની રહે છે. સાથોસાથ પોતાના ક્રેડિટ કાર્ડનો નંબર તથા મોબાઇલ નંબર આપવાનો રહે છે.
અત્યારે એમેઝોનના ફિઝિકલ સ્ટોર્સમાં આ પદ્ધતિથી પેમેન્ટ કરી શકાય છે, આગળ જતાં, જાહેર સ્થળોએ પ્રવેશ વખતે વ્યક્તિની ઓળખ સાબિત કરવા તેનો ઉપયોગ થઈ શકશે.
ફક્ત એક વારની આ પ્રક્રિયા દરમિયાન વ્યક્તિએ પોતાનું ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ નંબર આપવા માટે ટચસ્ક્રીનને સ્પર્શ કરવો પડે છે. ત્યાર પછીની પેમેન્ટની દરેક પ્રક્રિયા પૂરેપૂરી કોન્ટેક્ટલેસ રહે છે.
આ રીતે પહેલી વાર આપેલી હથેળીની સ્કેન્ડ ઇમેજ, ક્રેડિટ કાર્ડ નંબર તથા મોબાઇલ નંબર, આ ત્રણ વિગતોને આધારે એ વ્યક્તિનું એક એમેઝોન વન આઇડી બને છે તથા કંપનીના સર્વરમાં આ ડેટા સિક્યોરિટીના વિવિધ લેયર્સ સાથે સચવાયેલો રહે છે.
હવે પછી જે કોઈ ફિઝિકલ સ્ટોરમાં એમેઝોન વન સિસ્ટમથી પેમેન્ટ સ્વીકારવામાં આવતું હોય એ બધી જગ્યાએ, આપણી રકમનું બિલ બન્યાપછી આપણે સ્કેનર પર થોડે દૂર આપણી હથેળી બતાવવાની રહે છે. એ સમયે સ્કેન થયેલી હથેળીની ઇમેજનો ડેટા કંપનીના સર્વરમાં પહોંચે છે અને ત્યાં પહેલેથી સ્ટોર થયેલ અનેક લોકોની હથેળીના ડેટાબેઝ સાથે તેને સરખાવવામાં આવે છે. સ્ટોર પર સ્કેનર સામે પોતાની હથેળી બતાવનાર વ્યક્તિની ઇમેજ સર્વરમાંની જે હથેળીના એકાઉન્ટ સાથે મેચ થાય એ એકાઉન્ટ સાથે કનેક્ટેડ ક્રેડિટ કાર્ડમાંથી બિલની રકમ ચૂકવાઈ જાય છે!
અત્યારે એમેઝોન કંપનીના યુએસએ અને યુકેમાંના કેટલાક ફિઝિકલ સ્ટોર્સમાં આ પદ્ધતિનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. એમેઝોન કંપની સ્ટેડિયમ કે મોલ જેવા જાહેર સ્થળોમાં પ્રવેશ વખતે કોરોના તથા અન્ય સલામતીના કારણોસર લોકોની ઓળખ સાબિત કરવાની હોય ત્યારે પણ આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે એ માટે પ્રયત્નશીલ છે. વિવિધ ઓફિસમાં બિનઅધિકૃત લોકોને પ્રવેશતા અટકાવવા માટે ફિંગરપ્રિન્ટ ડોર લોકનો ઉપયોગ થતો હોય છે. આવી જગ્યાઓએ પણ લોકો પોતાની હથેળી બતાવીને ઓળખ સાબિત કરે એવી વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે.

