તમે ગૂગલના ઓફિશિયલ પ્લેસ્ટોર સિવાય અન્ય સ્રોતમાંથી એપ ઇન્સ્ટોલ કરતા હો તો તમારે માટે એપીકે જાણીતી વાત હશે. જ્યારે કોઈ ડેવલપર ગૂગલ પ્લે સ્ટોર કે અન્ય કોઈ પણ જગ્યાએ પોતાની એપ ડાઉનલોડ માટે ઓફર કરે ત્યારે સમગ્ર એપની બધી ફાઇલ્સ એપીકે નામના ફોર્મેટમાં ઉપલબ્ધ થતી હોય છે.
હવે ગૂગલે આ એપીકેને બદલે ‘એન્ડ્રોઇડ એપ બંડલ્સ (એએબી)’ નામે નવા ફોર્મેટને ઉપયોગ શરૂ કર્યો છે. ૨૦૧૮થી ઉપયોગમાં લેવામાં આવી રહેલા આ ફોર્મેટને કારણે નવી એપની સાઇઝ એપીકે કરતાં લગભગ ૧૫ ટકા ઓછી થાય છે. તેમાં વિવિધ બાબતો કંટ્રોલ કરવી પણ સહેલી બને છે. ગૂગલ પ્લેસ્ટોર પર અત્યારે ઉપલબ્ધ ઘણી એપ આ નવા એએબી ફોર્મેટનો ઉપયોગ કરે છે. આવતા મહિનાથી એટલે કે ઓગસ્ટ ૨૦૨૧થી ગૂગલ તેના ડેવલપર્સ તરફથી માત્ર આ નવા ફોર્મેટમાં એપ્સ સ્વીકારવાનું શરૂ કરશે.
