આ વર્ષની શરૂઆતમાં જ આપણને સૌને જોરદાર ઝાટકો મળ્યો – આપણો દિવસ જેના દર્શનથી ઊગે છે અને રાત્રે ઊંઘતાં પહેલાં પણ જેનાં દર્શન અનિવાર્ય છે એ વોટ્સએપે પોતાની શરતો બદલી! એ તો ઠીક, એની સાથોસાથ ધમકી આપી કે આ શરતો કબૂલ-મંજૂર ન હોય તો વોટ્સએપનું એકાઉન્ટ ડિલીટ કરો – બીજો કોઈ રસ્તો જ નથી. એ સાથે લોકો પ્રાઇવસીની બાબતે ભડકી ઊઠ્યા અને વોટ્સએપના વિકલ્પ રૂપે સિગ્નલ જેવી એપ તરફ દોડ્યા. ઘણાં પારિવારિક ગ્રૂપ્સે પણ વોટ્સએપમાંથી ઊચાળા ભર્યા.
પછી હવે શી સ્થિતિ છે? આપણામાંથી ઘણા ખરા લોકોના ફોનમાં સિગ્નલ એપ તો ઉમેરાઈ, પણ વોટ્સએપ ડિલીટ ન થઈ કેમ કે તેના વિના ચાલે તેમ નથી!
પ્રાઇવસીની આપણને ચિંતા જાગી એ બહુ સારી વાત છે, પણ હવે છેક એ ચિંતા કરવાનો અર્થ નથી. જો આપણે વોટ્સએપ ઉપરાંત ફેસબુક પર પણ સક્રિય હોઈએ તો આપણો જાતભાતનો ડેટા ફેસબુકને આપી બેઠા છીએ અને હજી રોજેરોજ આપીએ જ છીએ. વોટ્સએપ મારફત હજી વધુ ડેટા ફેસબુકને મળશે એટલા પૂરતી આપણી અત્યારની ચિંતા વાજબી છે.
મુશ્કેલી એ છે આપણને બધું મફત જોઈએ છે અને કોઈ સર્વિસ ખરેખર મફત ચાલી શકતી નથી. ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર લગભગ એવા મોડેલ પર જ વિકસ્યું છે કે લોકોને મફત આપો અને બીજા કોઈ પાસેથી કમાણી કરો.
બિઝનેસની દૃષ્ટિએ વિચારીએ તો આ બહુ સ્માર્ટ મોડેલ છે. મફત હોય એટલે યૂઝર્સ વધતા જ જવાના છે અને યૂઝર્સ વધે એટલે એ પ્લેટફોર્મ પર જાહેરાતો આપનારા પણ દોડતા આવવાના છે.
તકલીફ એ થઈ કે આ બિઝનેસ સ્માર્ટનેસ આટલેથી અટકી નથી. ટેકનોલોજી પ્લેટફોર્મને સમજાયું કે જો જાહેરાત આપનારને તેના રોકાણનું વધુમાં વધુ વળતર મળે તો એ કંપનીઓ વધુ જાહેરાતો આપવા લલચાશે.
આવું ત્યારે શક્ય બને જ્યારે, જાહેરાત જોઈને તેના પર ક્લિક થવાની અને ખરીદી થવાની વધુમાં વધુ શક્યતા હોય એવા જ લોકોને જાહેરાત બતાવવામાં આવે. આવું ત્યારે શક્ય બને જ્યારે, જાહેરાત જેને બતાવવાની છે એના વિશે વધુમાં વધુ જાણી શકાય… આખું વિષચક્ર અહીંથી શરૂ થયું. ટેક્નોલોજી કંપનીઝને તેના યૂઝર્સ વિશે વધુમાં વધુ જાણવાની એટલી જબરી લાલસા જાગી છે કે તે શક્ય એટલી બધી જ રીતે આપણું ટ્રેકિંગ કરવા લાગી છે.
એવું નથી કે ઇન્ટરનેટ પર બીજાં કોઈ બિઝનેસ મોડેલ છે જ નહીં. યૂઝર પોતે વધુ સારા અને એડ-ફ્રી એક્સ્પિરિયન્સ માટે નાણાં ચૂકવવા તૈયાર હોય તો તેને એ મળી શકે છે. સંખ્યાબંધ કંપની આવા મોડેલમાં આગળ વધી રહી છે.
આપણે પોતાની પ્રાઇવસીનું મૂલ્ય સમજીને આવા પેઇડ મોડેલને અપનાવીશું તો આગળ જતાં ઇન્ટરનેટ પર સિક્યોરિટી સાથે પ્રાઇવસી પણ જળવાશે. બાકી આ અંકમાં ઓનલાઇન જોબ ફ્રોડની વાત કરી છે એવા જુદા જુદા ઘણા ફ્રોડ માટે તૈયાર રહેવું પડશે. આપણા ડેટાને આધારે આપણને જે જાહેરાતો બતાવવામાં આવે છે એ બધી સાચી, યોગ્ય પ્રોડક્ટ કે સર્વિસની જ હોય એવું નથી. તેમાંની કેટલીક આપણને ફસાવવા માટેનાં છટકાં હોય છે.
આ બધું એકમેક સાથે બહુ ગાઢ રીતે સંકળાયેલું છે, જેટલું વધુ સમજીશું એટલા વધુ લાભમાં રહીશું!
– હિમાંશુ

