ઈ-મેઇલ વિના આપણને કોઈને ચાલતું નથી અને એટલે જ આપણા પર મહત્ત્વના મેઇલ્સની સાથે વણજોઈતા મેઇલ્સનો મારો થતો રહે છે!
જીમેઇલ, યાહુ વગેરે ઈ-મેઇલ પ્રોગ્રામ સામાન્ય રીતે આપણા ઈનબોક્સમાં વણજોઈતા ઈ-મેઇલ્સનો ભરાવો અટકાવવા માટે, આપણા પર આવતા ઈ-મેઇલ્સને બહુ ઝીણી ચાળણીમાંથી પસાર કરે છે. પરંતુ તેને કારણે ક્યારેક એવું બને છે કે આપણે કામના ઈ-મેઇલ પણ સીધે સીધા સ્પામ ફોલ્ડરમાં જતા રહે છે.
આવું થતું અટકાવવાના એક બે સહેલા ઉપાય છે.
સ્પામાં ગયેલા કામના મેઇલને ‘નોટ-સ્પામ’ કહો
જ્યારે પહેલી વાર તમને કોઈ કામનો ઈ-મેઇલ સ્પામ ફોલ્ડરમાં ચાલ્યો ગયો હોવાની જાણ થાય તો ઈ-મેઇલ પ્રોગ્રામમાં ડાબી પેનલમાંથી સ્પામ ફોલ્ડર ઓપન કરીને એ મેઈલ સિલેક્ટ કરો અને ઉપરની પેનલમાં ‘નોટ સ્પામ’ પર ક્લિક કરી દો.
ઈ-મેઇલ પ્રોગ્રામ સમજી જશે કે આ એડ્રેસ પરથી આવતા ઈ-મેઇલને ભવિષ્યમાં સીધા સ્પામ ફોલ્ડરમાં મોકલવા નહીં.
મહત્ત્વના મેઇલ એડ્રેસ માટે ફિલ્ટર ક્રિએટ કરો

આપણા કામના મેઇલ્સ સ્પામ ગણાઈ ન જાય એ કામ આપણે બિલકુલ પાકે પાયે કરવા માગતા હોઈએ તો આપણે માટે મહત્ત્વના ઈ-મેઇલ એડ્રેસ માટે એક ફિલ્ટર ક્રિએટ કરી લેવું જોઈએ.
કોઈ એક ઈ-મેઇલ એડ્રેસ કે એકથી વધુ ઈ-મેઇલ એડ્રેસ અથવા કોઈ એક જ ડોમેઈન ધરાવતાં જુદા જુદા એડ્રેસ પરથી આવતા ઈ-મેઇલને સ્પામ ન ગણવાની સૂચના આપવાની રીત નીચે સમજાવી છે (ટેકનિકલ ભાષામાં આને ‘ઈ-મેઇલ એડ્રેસ વ્હાઈટ લિસ્ટ’ કર્યું કહેવાય).
જીમેઇલમાં ફિલ્ટર ક્રિએટ કરવા માટે જમણી તરફના ગિયર આઇકન પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ અને તેમાં ‘ફિલ્ટર્સ એન્ડ બ્લોક્ડ એડ્રેસિસ’માં જાઓ. આ પેજના તળિયે આપેલ ‘ક્રિએટ ન્યૂ ફિલ્ટર’ બટન પર ક્લિક કરો.
હવે…
- એક ચોક્કસ ઈ-મેઇલ એડ્રેસ વ્હાઈટ લિસ્ટ કરવા માટે ‘ફ્રોમ’ ફીલ્ડમાં એ આખું એડ્રેસ લખો. જેમ કે client@xyz.com
- એકથી વધુ ઈ-મેઇલ એડ્રેસ વ્હાઈટ લિસ્ટ કરવા માટે ફ્રોમ ફીલ્ડમાં એ દરેક એડ્રેસ લખો અને દરેક ઈ-મેઇલ એડ્રેસ વચ્ચે or લખો.
- કોઈ ચોક્કસ ડોમેઈનના બધા ઈ-મેઇલ એડ્રેસ વ્હાઈટ લિસ્ટ કરવા માટે (જેમ કે client@xyz.com, info@xyz.com વગેરે માટે) ‘ફ્રોમ’ ફીલ્ડમાં ફક્ત @xyz.com લખો.
- આટલું કર્યા પછી ફિલ્ટરના બોક્સમાં નીચે આપેલ ‘ક્રિએટ ફિલ્ટર વીથ ધીસ સર્ચ’ લિંક પર ક્લિક કરો અને તેમાં ‘નેવર સેન્ડ ઇટ ટુ સ્પામ’ પર ક્લિક કરી ‘ક્રિએટ ફિલ્ટર’ના બ્લ્યુ બટન પર ક્લિક કરી દો.
અહીં આપેલા બીજા વિકલ્પો પર નજર ફેરવશો તો તમારે ન જોઈતા છતાં ધરાર ટપકી પડતા ઈ-મેઇલ્સને બારોબાર ડિલીટ કરવાનો વિકલ્પ અને તેમને કોઈ ચોક્કસ લેબલ કે સ્ટાર લગાવવાનો કે અગત્યના મેસેજ તરીકે નોંધવાનો વિકલ્પ પણ અહીંથી મળશે.

