(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપની ડેસ્કટોપ એપમાં વોઇસ અને વીડિયો કોલિંગની સુવિધા!

તમે ઓફિસના કામકાજ માટે વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરતા હો, તો તેની ડેસ્કટોપ એપ ઇન્સ્ટોલ કરવાનું એક કારણ ઉમેરાયું છે.

વોટ્સએપની નવી શરતો સામે આપણને ગમે તેટલી ફરિયાદ હોય, તેનો વ્યાપ હવે એટલો વધી ગયો છે કે તેના વિના લગભગ કોઈને ચાલવાનું નથી.

ખાસ તો, હવે વોટ્સએપનો ઉપયોગ માત્ર સવારસવારમાં ગુડમોર્નિંગના મેેસેજીસની આપલે કરવા પૂરતો સીમિત રહ્યો નથી. કામકાજની દૃષ્ટિએ પણ, વોટ્સએપ એપ ઈ-મેઇલનો મોટો વિકલ્પ બની ગઈ છે.

ઓફિસમાંના ઇન્ટર્નલ કમ્યુનિકેશન કે ક્લાયન્ટ સાથેની નાની મોટી વાતચીત માટે હવે મોટા ભાગે વોટ્સએપનો જ ઉપયોગ થાય છે. કાયમી રેકોર્ડ તરીકે સાચવી રાખવી જરૂરી હોય એવી બાબતો, જેમ કે ક્વોટેશન, પરચેઝ ઓર્ડર, ઇનવોઇસ વગેરે માટે હજી ઈ-મેઇલ જોઈએ, બાકીની વાતો ધડાધડ આટોપી લેવા માટે લોકોની આંગળી વોટ્સએપ તરફ જ વળે છે. પીસીમાં સેવ કરેલી ફાઇલ્સને વોટ્સએપ પર શેર કરવા માટે પણ વોટ્સએપનો ડેસ્કટોપ પરનો ઉપયોગ બહુ સરળ બને છે. જે તે વ્યક્તિ કે ગ્રૂપ સાથેની ચેટ ઓપન કરો, શેર કરવાની ફાઇલ પીસીના ફોલ્ડરમાંથી ખેંચી લાવીને તેમાં ડ્રોપ કરો એટલે કામ પત્યું – ઇમેઇલ કરવા કરતાં આ ચોક્કસ વધુ સહેલું છે.

અત્યારે આ સુવિધા માત્ર ડેસ્કટોપ એપમાં છે, બ્રાઉઝરમાંના વેબ વર્ઝનમાં નથી. ઉપરાંત, હાલમાં તે માત્ર વન-ટુ-વન કોલિંગ માટે છે, ગ્રૂપ કોલિંગ માટે નહીં.

આ જ કારણે, લાંબા સમયથી વોટ્સએપે તેની સર્વિસનું ડેસ્કટોપ વર્ઝન પણ આપ્યું છે. અગાઉ, ડેસ્કટોપમાં વોટ્સએપનો ઉપયોગ કરવા માગતા લોકો જાતભાતની થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરતા, પણ પછી વોટ્સએપે જ તેનું વેબ વર્ઝન રજૂ કરતાં એવી કોઈ કડાકૂટ રહી નહીં.

હમણાં વોટ્સએપે તેની ડેસ્કટોપ એપમાં એક નવું અને કામનું ફીચર ઉમેર્યું છે. આમ તો આ ફીચરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.

હવે આપણે જ્યારે પીસી કે લેપટોપમાં વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા હોઇએ ત્યારે તેમાંથી ચેટિંગ અને ફાઇલ શેરિંગ ઉપરાંત વોઇસ અને વીડિયો કોલિંગ પણ થઈ શકશે!

અલબત્ત કેટલીક શરતો લાગુ છે.

તમે કદાચ જાણતા જ હશો કે વોટ્સએપનો પીસી કે લેપટોપમાં આપણે બે રીતે ઉપયોગ કરી શકીએ છીએ.

૧) બ્રાઉઝરમાં તેનું વેબ વર્ઝન એક્સેસ કરીને. આ માટે આપણે બ્રાઉઝરમાં web.whatsapp.com એડ્રેસ પર જવાનું રહે.

૨) બીજો રસ્તો આપણા પીસી કે લેપટોપમાં વોટ્સએપની ઓફિશિયલ એપ ઇન્સ્ટોલ કરી લેવાનો છે, જેથી બ્રાઉઝરમાં વારંવાર જવાની જરૂર ન રહે.


આ બંને બાબત લગભગ સરખી છે.  બંને રીતમાં આપણે વોટ્સએપના મેઇન પેજ પર પહોંચીએ તે પહેલાં સ્ક્રીન પર ક્યૂઆર કોડ જોવા મળે. પછી, સ્માર્ટફોનમાંની વોટ્સએપના મેનૂમાંથી ’વોટ્સએપ વેબ’નો વિકલ્પ પસંદ કરી, ફોનથી પેલો ક્યૂઆર કોડ સ્કેન કરીએ એટલે સ્માર્ટફોનમાંની એપ અને વોટ્સએપનું વેબવર્ઝન કનેક્ટ થાય અને આપણે પીસી કે લેપટોપમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકીએ.

વોટ્સએપની એપમાં જોવા મળતા વીડિયો/વોઇસ કોલિંગની સુવિધા વેબ વર્ઝનમાં હજી નથી

વચ્ચે એક આડ વાત. આ રીતે તમે વોટ્સએપના વેબવર્ઝનનો ઉપયોગ કરતા હો તો તમે જોયું હશે કે થોડા સમયથી તેમાં સલામતીનું એક ફીચર ઉમેરાયું છે.

અગાઉ એવું બનતું કે આપણે ઓફિસમાં પોતાના સ્માર્ટફોનથી થોડો સમય દૂર હોઇએ અને ફોનને લોક્ડ ન રાખ્યો હોય તો કોઈ પણ વ્યક્તિ આપણા ફોનમાં વોટ્સએપ એપ ઓપન કરી તેને પોતાના પીસી સાથે કનેક્ટ કરીને આપણા બધા મેસેજ જોઈ શકે તેવું હતું. હવે સ્માર્ટફોનમાંથી વોટ્સએપને પીસી સાથે કનેક્ટ કરવામાં આવે ત્યારે ફિંગરપ્રિન્ટ કે ફોનનો પાસવર્ડ આપવો જરૂરી છે. આગળ વાત કરી તેમ બ્રાઉઝરમાંના વોટ્સએપ અને ડેસ્કટોપમાંની વોટ્સએપ વચ્ચે લગભગ કોઈ ફેર નથી, માત્ર ડેસ્કટોપ એપ નેટિવ એપ હોવાથી તેમાં કેટલાક શોર્ટકટનો ઉપયોગ કરી શકાય છે. જો તમારે પીસીમાં વોટ્સએપનો ભારે ઉપયોગ રહેતો હોય તો તેની ડેસ્કટોપ એપ પીસીમાં ઇન્સ્ટોલ કરી લેવા જેવી ખરી.

વોટ્સએપની ડેસ્કટોપ એપ માટે આપણા પીસીમાં વિન્ડોઝ ૮ કે તેનાથી ઉપરનું ૩૨ અથવા ૬૪ બિટનું વર્ઝન હોવું જરૂરી છે. મેકના કિસ્સામાં ઓએસ એપનું ૧૦.૧૦ કે તેથી ઉપરનું વર્ઝન હોવું જરૂરી છે.

હવે વાત કરીએ હમણાં ઉમેરાયેલા વોઇસ અને વીડિયો કોલિંગ ફીચરની. એ ધ્યાને રાખશો કે પીસી કે લેપટોપમાં આ સગવડનો લાભ લેવા માટે બ્રાઉઝરમાંના વેબવર્ઝનથી કામ ચાલી શકશે નહીં. આપણે વોટ્સએપની ડેસ્કટોપ એપ જ ઇન્સ્ટોલ કરવી પડશે. ઉપરાંત આ લેટેસ્ટ ફીચરનો લાભ લેવા માટે પીસી કે લેપટોપમાં વિન્ડોઝ ૧૦નું ૬૪ બિટ ૧૯૦૩ કે તેનાથી ઉપલું વર્ઝન હોવું જરૂરી છે (જો તમે નવું લેપટોપ ખરીદ્યું હશે તો આ વાતની ચિંતા કરવાની જરૂર નથી). મેક ઓએસનું ૧૦.૧૩ કે નવું વર્ઝન હોવું જરૂરી છે.

ડેસ્કટોપમાં અત્યારે આ સુવિધા વન-ટુ-વન કોલિંગ/વીડિયો માટે છે, ટૂંક સમયમાં ગ્રૂપ કોલિંગ/વીડિયો પણ ઉમેરાઈ જશે.

વાત વોઇસ કે વીડિયો કોલિંગની છે એટલે આપણા પીસીમાં માઇક્રોફોન અને કેમેરાની સુવિધા હોવી જરૂરી છે. ફરી, લેપટોપ હોય તો આ વાતની ચિંતા કરવાની જરૂર નથી!

હવે તમે એક વાર વોટ્સએપ ઇન્સ્ટોલ કરી લેશો એ પછી કોઈ પણ વ્યક્તિ સાથેની ચેટ ઓપન કરશો ત્યારે ઉપર જમણી બાજુએ વીડિયો કોલ અને વોઇસ કોલના આઇકન ઉમેરાયેલા જોવા મળશે. પછીની વાત સાવ સહેલી છે. તેના પર ક્લિક કરો અને વીડિયો કે વોઇસ કોલ શરૂ કરો. સામેની વ્યક્તિ પોતાના મોબાઇલ પર આપણો કોલ રીસિવ કરી શકે છે. એ જ રીતે કોઈ વ્યક્તિ પોતાના મોબાઇલમાંથી આપણને વોઈસ કે વીડિયો કોલ કરે તે આપણે લેપટોપમાં વોટ્સએપની ડેસ્કટોપ એપમાં રીસિવ કરી શકીએ છીએ.

હાલમાં આ સુવિધા માત્ર વન-ટુ-વન વોઇસ અને વીડિયો કોલિંગ માટે ઉપલબ્ધ છે. વોટ્સએપના કહેવા અનુસાર થોડા સમયમાં ગ્રૂપ કોલિંગની સુવિધા પણ ડેસ્કટોપ એપમાં ઉમેરાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!