
એન્ક્રિપ્શન – દુનિયાના બધા દેશોની સરકાર અને પોલીસ સંસ્થાઓ માટે આ ટેક્નોલોજી માથાનો દુઃખાવો બની ગઈ છે. તેના કારણે જુદા જુદા દેશોમાં પથરાયેલા ગુનાખોરો વચ્ચેની બધી વાતચીત પોલીસથી ખાનગી રહે છે.
અમેરિકાની એફબીઆઇ એ આ જ વાતને પોતાનું હથિયાર બનાવ્યું – ત્રણ વર્ષ ચાલેલા આ ઓપરેશનની સિલસિલાબંધ વિગતો…
આવર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં સોશિયલ મીડિયાને સાણસામાં લેવા માટે ભારત સરકારે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી અને તેના પાલન માટે ત્રણ મહિનાનો સમય આપ્યો ત્યારે જ આપણે ‘સાયબરસફર’માં લખ્યું હતું કે આ ગાઇડલાઇન્સનું પાલન વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ માટે અશક્ય છે. ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ માટે શક્ય છે. પરંતુ પોતાની સર્વિસ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ હોવાનો દાવો કરતી મેસેજિંગ એપ્સ માટે તે અશક્ય છે. આ જ કારણે હવે વોટ્સએપ નવા નિયમો સામે અદાલતમાં ગઈ છે.
સરકાર એવું ઇચ્છે છે કે ગંભીર ગુના સાથે સંબંધિત હોય તેવો કોઈ પણ મેસેજ કે ઇમેજ કે ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયા પર શેર થાય ત્યારે પહેલી વાર તે કોણે શેર કર્યું તે સરકાર જાણવા માગે તો ટેક કંપનીએ જણાવવું પડે. સામી બાજુ, વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ આ ત્રણેય મેસેજિંગ સર્વિસનો દાવો છે કે તેમાં શેર થતા કોઈ પણ મેસેજ, મેસેજ મોકલનાર અને મેળવનાર એ બે છેડા વચ્ચે બીજુ કોઈ વાંચી, જોઈ કે સાંભળી શકતું નથી.

સરકાર પૂછે ત્યારે મેસેજ પહેલી વાર કોણે શેર કર્યો એ શોધવાનું શક્ય બનાવવા માટે કંપનીએ દરેક મેસેજનું ‘ફિંગરપ્રિન્ટિંગ’ કરવું પડે અને દરેક મેસેજમાં શું છે એ તે જાણવું પડે (પછી સરકાર ભલે લાખો-કરોડો મેસેજમાંથી એક જ મેસેજ માટે આવી માહિતી માગતી હોય). આ ત્રણેય મેસેજિંગ કંપની યૂઝર્સની પ્રાઇવસીનો મુદ્દો આગળ ધરીને આમ કરવું અશક્ય હોવાનું કહે છે.
આ ખેંચતાણ માત્ર ભારતની નથી. વિશ્વના જુદા જુદા ભાગમાં આ એક મોટી સમસ્યા થઈ પડી છે – ખાસ કરીને પોલીસ અને અન્ય કાયદાપાલક સંસ્થાઓ માટે. દુનિયાભરનાં ત્રાસવાદી સંગઠનો, ડ્રગ માફિયા ગ્રૂપ્સ અને અન્ય ગુનાખોરો તેમની ઓળખ તદ્દન ગુપ્ત રહી શકે તેવી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસનો મોટા પાયે ગેરલાભ લે છે અને તેમનું કમ્યુનિકેશન આંતરવું પોલીસ માટે અશક્ય બની જાય છે.
આવી તદ્દન ખાનગી મેસેજિંગ એપ્સ સૌની પ્રાઇવસી માટે ભલે સારી હોય પરંતુ સમાજ અને કાયદા પાલન માટે કેવી રીતે જોખમી બની શકે છે અને પોલીસે તેનો કેવો જડબેસલાક તોડ શોધ્યો એ ખરેખર જાણવા જેવું છે.

જૂન મહિનામાં, ગુનાખોરીની દુનિયામાં જબરી હલચલ મચી કેમ કે અમેરિકન ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ની આગેવાની હેઠળ વિવિધ દેશોની પોલીસ સંસ્થાઓના ૯૦૦૦ ઓફિસર્સ, એક જ દિવસે ૧૬ દેશોમાં અનેક ક્રિમિનલ્સ પર એક સાથે ત્રાટક્યા અને ટનબંધ ડ્રગ્સ જપ્ત કર્યાં.
આ કાર્યવાહી એક જ દિવસ, ફક્ત ગણતરીના કલાકો ચાલી, પણ તેની તૈયારીઓ પૂરાં ત્રણ વર્ષથી ચાલતી હતી. આ સિક્રેટ ઓપરેશનમાં અત્યારે જબરી વિવાદાસ્પદ બની રહેલી એન્ક્રિપ્શન ટેકનોલોજીએ સૌથી મોટો ભાગ ભજવ્યો!
હોલીવૂડની કોઈ એકશન થ્રીલર મૂવી બની શકે એવા આ સમગ્ર ઓપરેશનની સિલસિલાબદ્ધ વિગતો જાણીએ.



(આ ઓપરેશનની વધુ વિગતો વાંચો આ લેખમાં)

