(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મે મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!
મે 4, 2000 દુનિયાને મોંઘો પડ્યો લવલેટર

આજના દિવસે ફક્ત છ કલાકમાં, વિન્ડોઝ પર ચાલતાં દુનિયાભરનાં ૨૫થી ૩૦ લાખ કમ્પ્યૂટર્સમાં એક ઈ-મેઇલ ફરી વળ્યો.

તેની સબ્જેક્ટ લાઇન એવી હતી કે મોટા ભાગના લોકો તેને ઓપન કરવા લલચાયા – આઇ લવ યુ! ઈ-મેઇલ ઓપન કરતાં તેમાંનો વાઇરસ કમ્પ્યૂટરને લાગ્યો. ફક્ત આ એક વાઇરસે દુનિયાને ૮.૭ અબજ ડોલરનું નુક્સાન કર્યું.

મે 6, 1998 એપલમાં ‘આઇ’ યુગની શરૂઆત

આજના દિવસે, સ્ટીવ જોબ્સે ‘આઇમેક’ રેન્જનાં કમ્પ્યૂટર્સ લોન્ચ કર્યાં (મેક કમ્પ્યૂટર્સ ૧૯૮૪માં રજૂ થઈ ગયાં હતાં). જોબ્સના મતે, આ ‘ઇન્ટરનેટ-એજનાં કમ્પ્યૂટર્સ હતાં’ એટલે તેને નામ મળ્યું આઇમેક. આ કમ્પ્યૂટરની ડિલિવરી શરૂ થાય એ પહેલાં તેને માટે દોઢ લાખ ઓર્ડર મળી ગયા હતા! આઇમેક એટલાં ચાલ્યાં કે તેણે એપલનું સામ્રાજ્ય ઊભું કર્યું અને એપલે પછી તેની લગભગ દરેક પ્રોડક્ટમાં ‘આઇ’નો ઉપયોગ શરૂ કર્યો.

મે 10, 1894 વાયરલેસનો જન્મ

આજે રેડિયો વેવ્ઝ આધારિત વાયરલેસ ટેક્નોલોજીએ જીવન ઘણું સહેલું બનાવી દીધું છે, તેનાં મૂળ ૧૮૯૪માં આજે નખાયાં હતાં. ગૂગ્લીએલ્મો માર્કોની નામના ઇટાલિયન સંશોધકને આજના દિવસે એકાદ કિલોમીટર જેટલે દૂર સુધી વાયરલેસ સિગ્નલ્સ મોકલવામાં સફળતા મળી. પછીનાં બે વર્ષમાં તેમણે વાયરલેસ ટેલિગ્રાફી માટે વિશ્વની પહેલી પેટન્ટ મેળવી અને ૧૮૯૯માં તેમણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે વાયરલેસ સિગ્નલ્સની આપલે કરી બતાવી. ૧૯૦૯માં તેમને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પણ મળ્યું.

મે 12, 1941 પહેલું ફુલ્લ ફંક્શનલ કમ્પ્યૂટર

વર્ષ ધ્યાનથી વાંચજો – ૧૯૪૧! દુનિયાનું પહેલું ફુલ્લ ફંક્શનલ, પ્રોગ્રામેબલ, ફુલ્લી ઓટોમેટિક, ડિજિટલ કમ્પ્યૂટર આ વર્ષે, આજના દિવસે રજૂ થયું હતું! ઝેડથ્રી નામનું આ કમ્પ્યૂટર કોનરેડ ઝૂસ (Konrad Zuse) નામના એક જર્મન સિવિલ એન્જિનીયર (ધ્યાન આપજો – સિવિલ એન્જિનીયર!) અને સંશોધકે વિક્સાવ્યું હતું.

તેમણે ઝેડ-વન મશીન ૧૯૩૫માં વિક્સાવ્યું હતું,પણ એ મિકેનિકલ રીતે ગણતરી કરતું હતું. ત્યાર પછી તેમણે ટેક્નોલોજી બદલી, ઝેડ-ટુ મશીન આવ્યું અને પછી ઝેડ-થ્રી આવ્યું.

જોકે એ સમયગાળો બીજા વિશ્વયુદ્ધનો હોવાથી ઝેડ-થ્રી વિશે વધુ વિગતો યુદ્ધ પૂરું થયા પછી જ પ્રકાશમાં આવી.

મે 9, 1996 લિનક્સને ઓળખ મળી

કમ્પ્યૂટર્સ માટેની એક ખાસ્સી લોકપ્રિય અને ઘણી બધી રીતે અનોખી ઓપરેટિંગ સિસ્ટમ ‘લિનક્સ‘ના ડેવલપર લિનસ ટોરવેલ્ડ્સે આજના દિવસે લિનક્સના મેસ્કોટ  (ઓળખચિહ્ન, લોગો કરતાં આ જુદી વાત છે) તરીકે ‘ટક્સ’ નામના પેન્ગ્વિન પર પસંદગી ઢોળી.  લિનક્સની શરૂત ૯૦ના દાયકાની મધ્યમાં થઈ અને હવે તો ફોન, કાર, રેફ્રિજરેટર, ટીવી વગેરે બધામાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થવા લાગ્યો છે. વિશ્ર્વનાં ટોચનાં સુપર કમ્પ્યૂટર્સ અને સ્ટોક એક્સચેન્જ્સ પણ લિનક્સ પર ચાલે છે. એન્ડ્રોઇડ પણ લિનક્સ આધારિત છે!

મે 13, 1980 કમ્પ્યૂટર્સના ‘ગઠબંધન’ની શરૂઆત

આજે એકમેક સાથે કનેક્ટેડ કમ્પ્યૂટર્સ વિનાના જગતની કલ્પના કરવી મુશ્કેલ છે, આ શક્ય બન્યું ઇધરનેટ નેટવર્કિંગ ટેક્નોલોજીથી. આજના દિવસે, ડિજિટલ ઇક્વિપમેન્ટ, ઇન્ટેલ અને ઝેરોક્સ એમ ત્રણ કંપનીએ સાથે મળીને આ પ્રકારના નેટવર્ક સ્પેસિફિકેશન્સની સંયુક્ત રીતે જાહેરાત કરી. ઇધરનેટને કારણે એકથી વધુ કમ્પ્યૂટર્સને એકબીજા સાથે જોડવાનું અને તેમની વચ્ચે ડેટાની આપલે કરવાનું શક્ય બન્યું!

મે 17, 1971 પહેલું વેબ સર્વર

યુરોપમાં ‘સર્ન’ (યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યૂક્લીયર રિસર્ચ) નામની સંસ્થામાં કામ કરતા ટીમ બર્નર્સ લીને એક વાતની ભારે અકળામણ થતી હતી – સંસ્થાનાં જુદાં જુદાં કમ્પ્યૂટર્સમાં સ્ટોર કરેલી ઇન્ફર્મેશન શોધવામાં પડતી અગવડ તેમને અકળાવતી હતી.

આ અકળામણમાંથી જન્મ થયો વર્લ્ડ વાઇડ વેબનો. માર્ચ ૧૨, ૧૯૮૯માં તેમણે ‘વેબ’ શબ્દનો ઉપયોગ કરીને જુદાં જુદાં કમ્પ્યૂટર્સને જોડતી વ્યવસ્થા માટે ‘‘ઇન્ફર્મેશન મેનેજમેન્ટઃ એ પ્રમોઝલ’’ની રજૂઆત કરી. જેણે આગળ જતાં, આજના દિવસે  દુનિયાના પહેલા વેબ સર્વરનું સ્વરૂપ લીધું.


મે 19, 1980 એપલ-3ની નિષ્ફળ રજૂઆત

આજના દિવસે રજૂ થયેલું એપલ ૩ કમ્પ્યૂટર એ બિઝનેસ કમ્પ્યૂટર રજૂ કરવાનો એપલનો પહેલો પ્રયાસ હતો, પણ કંપનીએ જાહેર કરેલા સમય કરતાં અડધા વર્ષ પછી છેક કંપની તેને સ્ટોર્સ સુધી પહોંચાડી શકી. એ પછી પણ તેમાં સંખ્યાબંધ ખામીઓ સર્જાતી રહી અને કંપનીએ  મોટા પ્રમાણમાં કમ્પ્યૂટર્સ પાછાં ખેંચવાં પડ્યાં.

મે 11, 1979 સ્પ્રેડશીટ સોફ્ટવેરનો જન્મ

બિઝનેસ, ગણતરી અને એક્સેલ! આ ત્રણેય આજે એકમેકના પર્યાય બની ગયા છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં આજે તમે ધારો તો કુલ ૧૬,૩૮૪ કોલમ અને ૧૦,૪૮,૫૭૬ રોમાં ડેટા પાથરીને ગણતરીની માયાજાળ રચી શકો છો. એક્સેલનાં મૂળ આજે પહેલી વાર રજૂ થયેલા ‘વિઝિકેલ્ક’ નામના પ્રોગ્રામમાં હતાં, જેમાં ૫ કોલમ અને ૨૦ રો હતી! હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી ડેનિયલ બ્રિકલિન અને પ્રોગ્રામર રોબર્ટ ફ્રેન્કસ્ટોને બનાવેલ વિઝિકેલ્ક દુનિયાનો પહેલો, ઓરિજિનલ સ્પ્રેડશીટ પ્રોગ્રામ ગણાયો! એપલ-ટુ કમ્પ્યૂટર માટે બનેલા આ સોફ્ટવેરને કારણે લોકોને લાગ્યું કે કમ્પ્યૂટર ખરેખર તેમના કામની ચીજ છે! લોકો માત્ર વિઝિકેલ્કને કારણે એપલ-ટુ ખરીદવા લાગ્યા, ખુદ સ્ટીવ જોબ્સ એપલની સફળતાનું શ્રેય વિઝિકેલ્સને આપતા હતા.

મે 19, 2001, એપલ સ્ટોર્સની શરૂઆત

આજે એપલની દરેક પ્રોડક્ટ એકદમ આગવી હોવાની જબરજસ્ત છાપ છે. આ પ્રોડક્ટ્સ જ્યાં વેચાય છે તે એપલ કંપનીના પોતાના સ્ટોર્સ પણ બીજાથી કંઈક અનોખા હોય છે. કંપનીએ આજના દિવસે તેના પહેલા સ્ટોર્સ અમેરિકાના વર્જિનિયા અને વોશિંગ્ટનમાં ઓપન કર્યા. પાંચ વર્ષ પછી, આજના જ દિવસે કંપનીએ ન્યૂ યોર્કમાં ૨૦,૦૦૦ ચોરસ ફૂટનો સ્ટોર ઓપન કર્યો. આખો સ્ટોર અન્ડરગ્રાઉન્ડ, પણ સ્ટ્રીટ લેવલે ૩૨ ફૂટના વિશાળ કાચના ક્યૂબથી આ સ્ટોર સૌનું ધ્યાન ખેંચે છે. આ સ્ટોર ખુદ સ્ટીવ જોબ્સે ડિઝાઇન કર્યો હતો. એપલ નિષ્ફળતાઓમાંથી સફળતા તરફ વળી તેમાં તેના સ્ટોર્સનો સિંહફાળો ગણાય છે.

મે 22, 1980 પેક-મેન વીડિયો ગેમનું પબ્લિક ટેસ્ટિંગ

૯૦ના દાયકામાં જેનું કુલ વેચાણ ૨.૫ અબજ ડોલરના આંકે પહોંચી ગયું, એ જબરી લોકપ્રિય ગેમ ‘પેક-મેન’નું આજે જાપાનના એક મૂવી થિયેટરમાં પહેલું પબ્લિક ટેસ્ટિંગ થયું. એ સમયે મોટા ભાગની વીડિયો ગેમ વોર કે સ્પોર્ટ્સની થીમ પર હતી, એટલે આ ગેમ મહિલાઓ માટે બનાવાઈ, પણ છેવટે સ્ત્રી-પુરુષ બંનેમાં પોપ્યુલર થઈ. હવે તમે ફક્ત pacman સર્ચ કરીને બ્રાઉઝરમાં જ આ ગેમ રમી શકો છો.

મે 24, 1844 ટેલિગ્રાફની શરૂઆત

આજની પેઢીને, કોઈ જમાનામાં ટપાલી મહત્ત્વના સંદેશા ‘તાર’થી પહોંચાડતા એની ખબર પણ નહીં હોય! એ મૂળ ટેલિગ્રાફ સર્વિસ દોઢસોથી વધુ વર્ષ જૂની છે! બે સ્ટેશન વચ્ચે નાખેલા વાયર (તાર!) મારફત ચોક્કસ રીતે ડોટ અને ડેશના કોડ ઇલેક્ટ્રિકલ સિગ્નલ તરીકે મોકલવાની આ પદ્ધતિના શોધક સેમ્યુઅલ મોર્સ હતા (અન્યોનું પણ તેમાં યોગદાન હતું), જેણે આજના દિવસે તેનું પહેલું ટેસ્ટિંગ કર્યું હતું. સ્માર્ટફોનના યુગમાં ભારતે ૨૦૧૩માં સત્તાવાર રીતે આ સેવા સમેટી લીધી.

મે 28, 1987 જિફની શરૂઆત

અમેરિકન કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ સ્ટીવ વિલ્હાઇટ અને કમ્પ્યુસર્વ કંપનીએ આજે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ (જીઆઇએફ-જિફ) નામે કમ્પ્યૂટર ગ્રાફિકનું એક નવું ફાઇલ ફોર્મેટ રીલિઝ કર્યું. આ ફોર્મેટમાં કલર મર્યાદાઓ હોવાને કારણે કલર ફોટોગ્રાફ માટે તે અનુકૂળ નહોતું પરંતુ લોગો કે અન્ય સોલિડ કલર્સ ધરાવતી ઇમેજિસ માટે આ ફોર્મેટ ખાસ્સું લોકપ્રિય થયું. પછી તેના લાયસન્સિંગનો વિવાદ ઊભો થયો અને પરિણામે જિફનો સામનો કરવા માટે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક એટલે કે પીએનજી નામે નવા ફોર્મેટનો ઉપયોગ શરૂ થયો. હવે મજા એ છે જિફની પેટન્ટની મર્યાદા પૂરી થઈ ગઈ છે, જિફ તથા પીએનજી બંને ઇન્ટરનેટ પર અત્યંત લોકપ્રિય છે!

મે 26, 1995 સમય પારખવામાં ગોથાં

પીસી સોફ્ટવેરમાં દુનિયા પર રાજ કરનારા બિલ ગેટ્સે ૧૯૯૩માં એમ કહ્યું હોવાનું કહેવાય છે કે ‘‘ઇન્ટરનેટ? અમને એમાં રસ નથી!’’ પછી બે જ વર્ષમાં તેમને ઇન્ટરનેટનું એવું મહત્ત્વ સમજાયું કે તેમણે માઇક્રોસોફ્ટના કર્મચારીઓને આવનારા સમયમાં ઇન્ટરનેટ કેવી રીતે દુનિયા બદલશે અને માઇક્રોસોફ્ટે આ નવા સમયમાં શું કરવું જોઈશે એ દર્શાવતો એક લાંબો મેમો, આજના દિવસે લખ્યો (નેટ પર સર્ચ કરી જુઓ Bill Gates The Internet Tidal Wave). બિલ ગેટ્સે કહ્યું હતું કે આઇબીએમ કંપનીએ પર્સનલ કમ્પ્યૂટર વિકસાવ્યું એ પછી ઇન્ટરનેટ બીજા ક્રમની સૌથી મહત્ત્વની શોધ છે. આગળ જતાં, સ્માર્ટફોનના વધતા મહત્ત્વને પારખવામાં પણ માઇક્રોસોફ્ટ કંપનીએ થાપ ખાધી અને એપલ તથા એન્ડ્રોઇડની હરીફાઇમાં તેણે ટકવું મુશ્કેલ થઈ પડ્યું. આવું બીજું ઉદાહરણ ગૂગલનું છે. સોશિયલ મીડિયામાં ફેસબુકે જે ધાક જમાવી તેની સામે અનેક રીતે પ્રયાસ કરવા છતાં ગૂગલે ક્યારેય સફળતા મેળવી નહીં!

મે 29, 1992 એપલની વધુ એક નિષ્ફળ પ્રોડક્ટ

શિકાગોમાં યોજાયેલા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો (સીઇએસ)માં આજે એપલ કમ્પ્યૂટરના ત્યારના સીઇઓ જ્હોન સ્કલીએ ‘એપલ ન્યૂટન’ નામનું એક પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ ડિવાઇસ લોન્ચ કરવાની જાહેરાત કરી. એપલનો આઇફોન લોન્ચ થવાને તો હજી પંદરેક વર્ષની વાર હતી. આ નવી પ્રોડક્ટની જાહેરાત કરતી વખતે, તેના પરથી પીઝાનો ઓર્ડર કેવી રીતે આપી શકાય તેનો ડેમો બતાવવામાં આવ્યો હતો. એ જમાનામાં આ ડિવાઇસમાં સ્ક્રીન પર, હાથે લખી શકાય એવો કન્સેપ્ટ રજૂ કરાયો હતો. લોકોમાં જબરી ઉત્સુકતા જાગી, પરંતુ જાહેરાતના પૂરા એક વર્ષ સુધી કંપની આ પ્રોડક્ટ રીલિઝ કરી શકી નહીં. રીલિઝ થયા પછી  તેનું ‘કીલર ફીચર’ સરખું ચાલ્યું જ નહીં અને બીજી ખામીઓ પણ જણાઈ. છેવટે સ્ટીવ જોબ્સે એપલ કંપનીમાં પાછા ફર્યા પછી ૧૯૯૮માં આ પ્રોડક્ટ પાછી ખેંચી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!