(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જાન્યુઆરી મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

જાન્યુઆરી 1, 1983 ઇન્ટરનેટનો જન્મ

ફક્ત યુનિવર્સિટીઝ અને અન્ય સંસ્થાઓના બનેલા આર્પાનેટમાં આજે સત્તાવાર રીતે ઇન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ શરૂ થયો. એમ કહી શકાય કે આજના ઇન્ટરનેટનો આ સાથે જન્મ થયો!

જાન્યુઆરી 1, 1946 પહેલું ફુલ્લી ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર

ENIAC તરીકે ઓળખાતું પહેલું સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક કમ્પ્યૂટર તૈયાર કરવાનું કામ આજે પૂરું થયું. દોઢ મહિના પછી તે લોકો સમક્ષ રજૂ થવાનું હતું.

 જાન્યુઆરી 1, 1985 ડોટ.કોમનો જન્મ

આપણે બ્રાઉઝરમાં કોઈ વેબસાઇટનું યુઆરએલ લખીએ અને ઘડીના છઠ્ઠા ભાગમાં, દુનિયાના કોઈ ખૂણાના સર્વરમાંની તેની ફાઇલ્સ આપણા પીસી/સ્માર્ટફોન પર દેખાય, આ ચમત્કાર ઇન્ટરનેટની ફોનબુક જેવી ‘ડોમેઇન નેઇમ સિસ્ટમ (ડીએનએસ)’થી થાય છે. આજે તેનો પ્રારંભ થયો. આજના દિવસે પહેલું ડોમેઇન રૂટ સર્વર હોસ્ટ કરવા માટે  nordu.net નામનું ડોમેઇન સર્જવામાં આવ્યું. જોકે રજિસ્ટર્ડ થયેલું પહેલું ડોમેઇન symbolics.com હતું,  જે અઢી મહિના પછી રજિસ્ટર્ડ થયું હતું. આ ડોમેઇન પર હવે ઇન્ટરનેટનું મ્યુઝિયમ જોઈ શકાય છે.

જાન્યુઆરી 1, 2000 વાયટુકેની ચિંતા ઓસરી

૨૧મી સદી નજીક હતી ત્યારે ખાસ્સી ચિંતા હતી કે દુનિયાભરનાં કમ્પ્યૂટર વર્ષ ૨૦૦૦ને ઓળખી શકશે નહીં. કારણ એ હતું કે ઘણા કમ્પ્યૂટર પ્રોગ્રામમાં વર્ષને ચાર અંકને બદલે માત્ર છેલ્લા બે અંકથી દર્શાવવામાં આવ્યું હતું. આ કારણે કમ્પ્યૂટરને વર્ષ ૧૯૦૦ અને વર્ષ ૨૦૦૦ વચ્ચેના તફાવતની ખબર ન પડે એવી શક્યતા હતી. જોકે વેલકમ ૨૦૦૦ કહેવાની ઘડી આવી પહોંચી ત્યાં સુધીમાં લગભગ આખી દુનિયાએ આ તકલીફનું સમાધાન શોધી લીધું હતું અને દુનિયાની સાથોસાથ કમ્પ્યૂટર પણ સહેલાઇથી ૨૧મી સદીમાં પ્રવેશ કરી ગયાં.

જાન્યુઆરી 3, 1977 એપલ કમ્પ્યૂટર કંપનીનો પ્રારંભ

આજના દિવસે વિશ્વની પહેલી પર્સનલ કમ્પ્યૂટર કંપની તરીકે ‘એપલ કમ્પ્યૂટર ઇનકોર્પોરેશન’ની સ્થાપના થઈ. કંપનીએ પોતાની ઓળખ તરીકે મેઘધનૂષના રંગોવાળું સફરજન પસંદ કર્યું. આ લોગો ૧૯૯૯ સુધી ઉપયોગમાં લેવાયો, પછી રંગો ગાયબ થયા.

જાન્યુઆરી 3 અને 9, 2009 બિટકોઇનની શરૂઆત

હજી સુધી જેની સાચી ઓળખ છતી થઈ નથી એવા સાટોષી નાકામોટો નામના ડેવલપરે આજે ‘જિનેસિસ બ્લોક’ તરીકે ઓળખાતા પહેલા ૫૦ બિટકોઇન ‘માઇન’ કર્યા. છ દિવસ પછી બિટકોઇન સોફ્ટવેર અને ક્રિપ્ટોકરન્સી પણ લોન્ચ થયું. જગતવ્યાપી આર્થિક વ્યવસ્થાને બિલકુલ સમાંતર આ નવું વૈશ્વિક ચલણ બન્યું. બિટકોઇન પર કોઈ એક સરકાર કે સંસ્થાનો કોઈ અંકુશ નથી, તેની લેવડદેવડ અત્યંત ખાનગી અને સલામત રહી શકે છે. બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને હવે ફેસબુક અને ચીનની સરકારને પણ પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવામાં રસ જાગ્યો છે. તમે ક્યાંય પણ બિટકોઈનની તસવીર જોતા હશો તે પ્રતીકાત્મક હોય છે કેમ કે બિટકોઇન ડિજિટલ કરન્સી છે, તેનું કોઈ ભૌતિક સ્વરૂપ છે જ નહીં!

જાન્યુઆરી 4, 1972 પહેલું હેન્ડહેલ્ડ કેલ્ક્યુલેટર

હેવલેટ-પેકાર્ડ કંપનીએ એચપી-૩૫ નામે પહેલું હાથમાં ઉપાડી શકાય એવું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લોન્ચ કર્યું. આ કેલ્ક્યુલેટર એ સમયનાં મોટા ભાગનાં મેઇનફ્રેમ કમ્પ્યૂટર કરતાં વધુ ચોકસાઇથી ગણતરી કરી શકતું હતું.

જાન્યુઆરી 5, 1984 ફ્રી, લાઇસન્સ્ડ સોફ્ટવેરની શરૂઆત

લોકો જે કમ્પ્યૂટર સોફ્ટવેરનો ઉપયોગ કરે તેમાં પોતાની રીતે ફેરફાર કરી શકવા જોઇએ – આ એક વિચારમાંથી આજના દિવસે રિચર્ડ સ્ટોલમેન નામના એક ડેવલપરે ‘જીએનયુ ઓપરેટિંગ સિસ્ટમ’ વિકસાવવાનું શરૂ કર્યું. આજે જીએનયુ અનેક ફ્રી સોફ્ટવેરનું કલેકશન છે અને હવે મોટા ભાગના ફ્રી સોફ્ટવેર જીએનયુ જનરલ પબ્લિક લાયસન્સ (જીએનયુ જીપીએલ) હેઠળ વિતરિત થાય છે.

જાન્યુઆરી 6, 1838 ટેલિગ્રાફનો પહેલો ડેમો

આજના દિવસે પહેલી વાર સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફ સિસ્ટમનો ડેમો આપ્યો. સમય જતાં તારને બદલે ટેલિફોન, ફેક્સ,ઇ-મેઇલ અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ આવી ગયાં તેમ છતાં ભારતમાં છેક ૨૦૧૩ સુધી ટપાલ ખાતા દ્વારા ટેલિગ્રામ સેવા આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું!

જાન્યુઆરી 6, 1984 એક એમબીની મેમરી ચિપ

હિટાચી કંપનીએ આજના દિવસે જાહેર કર્યું કે તેણે વિશ્વની એવી પહેલી મેમરી ચિપ વિકસાવી છે, જે પૂરા એક એમબીનો ડેટા સ્ટોર કરી શકતી હતી!


જાન્યુઆરી 9, 2001 આઇટ્યૂન્સ

એપલે શરૂઆતમાં ફક્ત મ્યૂઝિક ફાઇલ્સના સ્ટોરેજ અને પ્લેઇંગ માટે, મેકિન્ટોશ કમ્પ્યૂટર માટે આઇટ્યૂન્સની શરૂઆત કરી. પછી તો આઇટ્યૂનનો ઉપયોગ ઘણો વિસ્તર્યો. અને આગળ જતાં તેણે અલગ સ્ટોરનું સ્વરૂપ લઈ લીધું.

જાન્યુઆરી 9, 2007 આઇફોન લોન્ચ થયો

આજના દિવસે સ્ટીવ જોબ્સે નવા પ્રકારનો આઇફોન આવી રહ્યો હોવાની જાહેરાત કરી. અલબત્ત તેનું વેચાણ જૂન મહિનાથી શરૂ થયું. એપલે ૨૦૦૭ના વર્ષમાં ૧૪ લાખ આઇફોન વેચ્યા હતા. આ સાથે એપલ કમ્પ્યૂટર્સ કંપનીએ તેના નામમાંથી કમ્પ્યૂટર શબ્દ પડતો મૂક્યો.

જાન્યુઆરી 10, 2006 એપલમાં ઇન્ટેલ

એપલે તેના મેકિન્ટોશ કમ્પ્યૂટરમાં ઇન્ટેલ પ્રોસેસર્સનો ઉપયોગ શરૂ કર્યો. આ બહુ મહત્ત્વપૂર્ણ કદમ હતું કેમ કે તેને કારણે એપલ મેકમાં વિન્ડોઝ સોફ્ટવેરનો ઉપયોગ શક્ય બન્યો.

જાન્યુઆરી 12, 1970 જમ્બો જેટની પહેલી ઊડાન

‘જમ્બો જેટ’ તરીકે જગવિખ્યાત બનેલ બોઇંગ ૭૪૭ પ્લેને પહેલી ઊડાન ભરી. આ એવું પહેલું પ્લેન હતું, જેમાં સીટ વચ્ચે અવરજવર માટે બે પેસેજ હતા.

જાન્યુઆરી 13, 1874 કેલ્ક્યુલેટર, કમ્પ્યૂટરનો પૂર્વજ

આજના દિવસે અમેરિકાની પેટન્ટ ઓફિસે ‘સ્પેલ્ડિંગ એડિંગ મશીન’ તરીકે ઓળખાતા એક સાધન માટે પેટન્ટ આપી. મિકેનિકલ રીતે, સાદી ગણતરી કરી શકતું આ મશીન આગામી સમયના કેલ્ક્યુલેટર્સ અને કમ્પ્યૂટર્સનું પૂર્વજ હતું તેમ કહી શકાય.

જાન્યુઆરી 13, 2000 બિલ ગેટ્સ ‘નિવૃત્ત’

માઇક્રોસોફ્ટ કંપની સ્વરૂપે ટેકનોલોજી જગતમાં ઇતિહાસ સર્જ્યા પછી આજના દિવસે બિલ ગેટ્સે કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ પદેથી વિદાય લીધી. જોકે તેમણે કંપનીના ચેરમેન તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું.

જાન્યુઆરી 14, 1914 કારનું ફટાફટ મેન્યુફેક્ચરિંગ

આજના દિવસે ‘મોડેલ-ટી ફોર્ડ’ તરીકે જાણીતી થયેલી પહેલી કાર પૂરેપૂરી તૈયાર થઈ. કારની વિશેષતા એ હતી કે કારના મેન્યુફેક્ચરિંગ માટે પહેલી વાર એસેમ્બલી લાઇનનો ઉપયોગ થયો હતો.

જાન્યુઆરી 15, 1968 વીડિયો ગેમનો જન્મ

રાલ્ફ બેર નામની વ્યક્તિને તમે બિલકુલ ઓળખતા નહીં હો પણ આ વ્યક્તિ વીડિયો ગેમ ઇન્ડસ્ટ્રીના પિતા ગણાય છે! આજના દિવસે તેમણે પોતે ડિઝાઇન કરેલી ટીવી ગેમ સિસ્ટમ માટે પેટન્ટની અરજી ફાઇલ કરી હતી.

જાન્યુઆરી 18, 1995 યાહૂ.કોમ રજિસ્ટર્ડ થયું

ઇન્ટરનેટ પરની વિવિધ વેબસાઇટ્સની ડિરેકટરી જેવી એક વેબસાઇટ આજના દિવસ સુધી ‘ડેવિડ એન્ડ જેરીઝ ગાઇડ ટુ વર્લ્ડ વાઇડ વેબ’ તરીકે ઓળખાતી હતી,  આજથી તેને નવું નામ મળ્યું – યાહૂ.કોમ! ઇન્ટરનેટના ઇતિહાસમાં યાહૂનું એક બહુ મોટું પ્રકરણ લખાય તેવું છે, પણ હવે આ કંપની તદ્દન પાછળ રહી ગઈ છે.

જાન્યુઆરી 19, 1983 એપલનું લિસા કમ્પ્યૂટર

એપલ કંપનીએ ‘એપલ લિસા’ નામ સાથે એવું પહેલું કમર્શિયલ પર્સનલ કમ્પ્યૂટર લોન્ચ કર્યું જેમાં ગ્રાફિકલ યૂઝર ઇન્ટરફેસ અને માઉસનો ઉપયોગ થયો હતો. આ કમ્પ્યૂટર જોકે નિષ્ફળ ગયું પરંતુ તેણે સફળ મેકિન્ટોશ કમ્પ્યૂટરનો પાયો તૈયાર કર્યો.

જાન્યુઆરી 19, 1999 બ્લેકબેરી ડિવાઇસ આવ્યું

રીમ કંપનીએ બ્લેકબેરી ડિવાઇસ લોન્ચ કર્યા. યાદ રહે એ ફોન નહોતો. આ સાધનનો ઉપયોગ ઇ-મેઇલની આપ-લે માટે થતો હતો. આજે તો હવે ફોન તરીકે પણ બ્લેકબેરી ભૂલાઈ ગયેલ છે. જો તમને બ્લેકબેરીના બટનનો આકાર યાદ હોય તો તમને કદાચ જાણવું ગમશે કે આ આકારને કારણે ડિવાઇસને ‘બ્લેકબેરી’ નામ આપવામાં આવ્યું હોવાનું મનાય છે!જાન્યુઆરી 21, 2000 ટ્વીટર ડોમેઇન રજિસ્ટર્ડ

આજે ટ્વીટર.કોમ ડોમેઇન રજિસ્ટર્ડ થયું હતું. જોકે ટ્વીટર સોશિયલ સાઇટ શરૂ છેક ૨૦૦૬માં થઈ હતી!

જાન્યુઆરી 23, 1996 જાવાનો જન્મ

આજના દિવસે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજનું પહેલું વર્ઝન લોન્ચ થયું. જાવા ઇન્ટરનેટ આધારિત એપ્લિકેશન્સ માટે અત્યાર સુધી લોકપ્રિય રહેલી લેંગ્વેજ છે.

જાન્યુઆરી 24, 1984 એપલ મેકિન્ટોશ કમ્પ્યૂટર આવ્યાં

એપલ કમ્પ્યૂટર કંપનીએ આજે મેકિન્ટોશ કમ્પ્યૂટર લોન્ચ કર્યું. મેકિન્ટોશનું પહેલું વર્ઝન ખાસ સફળ ન રહ્યું પણ, આગળ જતાં તેણે જ કંપનીને નવી ઓળખ અપાવી.

જાન્યુઆરી 26, 1983 લોટ્સ 1-2-3નું વેચાણ શરૂ

આજે તો સ્પ્રેડશીટ એટલે તો એક્સેલ એવો જમાનો આવી ગયો છે, પરંતુ એક્સેલની પહેલાં એ જ પ્રકારનું કામ આપતો લોટ્સ ૧-૨-૩ નામનો  સોફ્ટવેર આજના દિવસે લોન્ચ થયો હતો. મજા જુઓ કે ‘વિસીકેલ્ક’ નામના પહેલા સ્પ્રેડશીટ પ્રોગ્રામના ડેવલપર્સે પોતાના સોફ્ટવેર માટે પેટન્ટ લીધી નહોતી, આથી તેને જ આધારે લોટ્સ ૧-૨-૩ સોફ્ટવેર ડેવલપ કરીને લોન્ચ કરવામાં આવ્યો! એ જ વર્ષે વિસીકેલ્ક કરતાં લોટસનું વેચાણ વધી ગયું અને છેવટે લોટસ કંપનીએ વિસીકેલ્ક કંપની ખરીદી લીધી.

જાન્યુઆરી 27, 2010 આઇપેડની રજૂઆત

આજે એપલ કંપનીએ આઇપેડ લોન્ચ કર્યા. આઇપેડના આગમન સાથે પીસીનો યુગ પૂરો થઈ જશે એવું માનવામાં આવતું હતું. એવું તો ન થયું પરંતુ કમ્પ્યૂટરના ઇતિહાસમાં આઇપેડે પોતાનું આગવું સ્થાન ચોક્કસ મેળવ્યું.

જાન્યુઆરી 15, 2001 વિકિપીડિયાનો પ્રારંભ

આજના દિવસે અનોખા ઓનલાઇન જ્ઞાનકોષ તરીકે વિકિપીડિયાનો જન્મ થયો. કોઈ પણ વિષય અંગે કોઈ પણ વ્યક્તિ વિકિપીડિયા પર લેખ મૂકી શકે અને બીજી કોઈ પણ વ્યક્તિ આ લેખમાં ફેરફાર કરી શકે તેવું મુક્ત સ્વરૂપ હોવા છતાં વિકિપીડિયાએ સારી એવી વિશ્વસનીયતા ઊભી કરી છે. તેના આગમન સાથે દળદાર ગ્રંથો તરીકે પ્રકાશિત થતા એનસાયક્લોપીડિયાનો મૃત્યુઘંટ વાગી ગયો. વિકિપીડિયાની કેટલી ખાસિયતો જાણી લો…

  • વિકિપીડિયા પર હવે કુલ  ૩૦૦થી વધુ ભાષાઓમાં લેખો ઉપલબ્ધ છે.
  • વિકિપીડિયા પર ઇંગ્લિશ લેખોની સંખ્યા ૬ કરોડથી વધી ગઈ છે.
  • દરેક બાબત, કોઈ પણ એડિટ કરી શકે, ફક્ત કરેલા ફેરફાર માટે યોગ્ય માહિતીસ્રોત આપવો જરૂરી છે. એ ન હોય, તો વિકિપીડિયાના અન્ય સક્રિય સ્વયંસેવક તમે કરેલો ફેરફાર દૂર કરે છે.
  • વિકિપીડિયા પર થતા દરેક ફેરફારનો રેકોર્ડ રાખવામાં આવે છે. જરૂરી બને તો દૂર કરાયેલો ફેરફાર ફરી ઉમેરી શકાય!
  • વિકિપીડિયા પર ઇમેજીસ માટે વિકિમીડિયા કોમન્સ, વિક્શનરી, વિકિસોર્સ, વિકિબુક્સ, વિકિન્યૂઝ, વિકિક્વોટ, વિકિસ્પીસીસ, વિકિવોયેજ વગેરે અલગ પ્રોજેક્ટ પણ ચાલે છે.
  • વિકિપીડિયાના લેખોને અસંખ્ય લોકો એક સાથે એડિટ કરતા હોવાથી તેનું વર્ષોજૂનું માળખું બદલી શકાતું નથી. તમને એ બોરિંગ લાગતું હોય તો બ્રાઉઝરમાં ‘વિકિવેન્ડ’ (www.wikiwand.com) એક્સ્ટેન્શન ઉમેરીને તેને મોડર્ન રૂપ આપી શકો છો (એ વિશે ‘સાયબરસફર’ના જૂન-૨૦૧૫ અંકમાં આપણે વિગતવાર વાત કરી ગયા છીએ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!