(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ફોટોઝનો લાભ લો, મોડું થઈ જાય તે પહેલાં!

કોરોનાથી મગજ થાકી ગયું હોય તો એક મજાની પ્રવૃત્તિ તરફ મન વાળી જુઓ - જૂના ફોટોઝ યોગ્ય રીતે મેનેજ કરી જુઓ.

વર્ષ ૨૦૧૫માં ગૂગલે ‘ગૂગલ ફોટોઝ’ નામે, આપણા ડિજિટલ ફોટો અને વીડિયોના સ્ટોરેજ અને મેનેજમેન્ટ માટેની સર્વિસ લોન્ચ કરી છેક ત્યારથી આપણે આ સર્વિસ વિશે અવારનવાર વાત કરી છે. ખરેખર તો એ પહેલાં, જ્યારે ગૂગલ પીસીમાં ડાઉનલોડ કરી શકાય તેવું પિકાસા નામનું સોફ્ટવેર આપ્યું હતું ત્યારથી આપણે ફોટો સ્ટોરેજ અને મેનેજમેન્ટ વિશે વાત કરતા આવ્યા છીએ. કારણ એટલું જ કે તસવીરો આપણા જીવનનો એક અભિન્ન અને મજાનો હિસ્સો છે.

આપણામાંના મોટા ભાગના લોકો રોજિંદી ભાગદોડથી થાકે ત્યારે જૂની  વાતો વાગોળવા જૂની તસવીરોનો આશરો લેતા હોય છે.

આજે જુવાન થઈ ગયેલો દીકરો કેજીમાં ડ્રેસ કોમ્પિટીશનમાં ક્રિકેટર બન્યો હતો ત્યારનો ફોટો, આજે મમ્મી બની ગયેલી દીકરી પોતે ઢીંગલી જેવી હતી ત્યારના ફોટો, આજે જોઈને હસવું આવે એવા પોતાના મેરેજ સમયના ફોટા કે પછી બે-ચાર વર્ષ પહેલાં માણેલી કોઈ ટુર કે પારિવારિક પ્રસંગના ફોટા…

આ બધી ભૂતકાળની કે નજીકના સમયની તસવીરો મોટા ભાગે આપણા મનને અનેરી હળવાશ આપતી હોય છે.

પરંતુ પોતાના ફોટોઝ સાચવવા એ મોટી મથામણનું કામ છે. અગાઉના ફોટોઝ જૂના કેમેરાથી લીધા હોય તો રોલ ‘ધોવડાવી’ ફોટોગ્રાફની હાર્ડ કોપી આપણે આલબમમાં સાચવતા હતા. ત્યાર પછી ડિજિટલ કેમેરા આવ્યા ને પછી સ્માર્ટફોનમાં જ કેમેરા મળતાં ફોટોઝ લેવાનું પ્રમાણ જબરજસ્ત વધ્યું પણ પછી એને યોગ્ય રીતે સાચવવાનું બહુ મુશ્કેલ બન્યું છે.

આવતા મહિનાથી ફોટોઝમાં આપણને અનલિમિટેડ સ્ટોરેજ મળવાની નથી.

આ ‘યોગ્ય  રીતે’ શબ્દો બહુ મહત્ત્વના છે. ગૂગલ ફોટો સર્વિસ આવી જ એક ખરેખર યોગ્ય રીત છે.

અચ્છા, હવે એ કહો કે ઉપર લખેલું વર્ણન વાંચીને તમને પણ તમારા પોતાના એવા ફોટોઝ જોવાની મનમાં કસક ઊઠી હોય, તો તમે ક્યાં શોધશો?

હાર્ડ કોપીવાળા ફોટોઝ કદાચ માળિયા પડેલા કોઈ આલબમમાં હશે અને ડિજિટલ ફોટો કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્કમાં, અગાઉ બેકઅપ લેવાની ઝંઝટ કરી હોય તો કોઈ સીડી-ડ્રાઇવમાં કે પછી  પેન ડ્રાઇવમાં, સ્માર્ટફોનમાં…ને ત્યાંથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરેમાં શેર થયા હોય…

આજની ડિજિટલ લાઇફની આ બધી દેન છે, પણ એમાં આપણી મજાની યાદો વિખરાયેલી રહી જાય છે.

લાંબા સમય સુધી ડિજિટલ ફોટોઝ યોગ્ય રીતે સાચવવાની આપણી પાસે કોઈ પરફેક્ટ સગવડ નહોતી. પછી ૨૦૧૫માં ગૂગલ ફોટોઝ સર્વિસ લોન્ચ થઈ. એનો ઉપયોગ શરૂ કરનારા લોકો અને ટેકનોલોજીના નિષ્ણાતો – સૌએ એક અવાજે કહ્યું કે આપણા તમામ ડિજિટલ ફોટોઝ સાચવવા માટે આખરે એક પરફેક્ટ સર્વિસ મળી!


તમે આ સર્વિસનો લાભ લેવાનું શરૂ કર્યું હશે તો તમે પણ આ વાતમાં  સંમત થશો. જો તમે હજી તેનો લાભ ન લેતા હો, તો મોડું થાય તે પહેલાં આ સર્વિસ તરફ નજર નાખવા જેવી છે.

બસ, આટલું વિચારો…
  • આપણા ડિજિટલ ફોટોઝ સાચવવા અને મેનેજ કરવા માટે અત્યારે ગૂગલ ફોટોઝ સૌથી સારો વિકલ્પ છે.
  • જૂન મહિનાથી, તેની અનલિમિટેડ સ્ટોરેજ પર ૧૫ જીબીની મર્યાદા આવી રહી છે, તે પણ જીમેઇલ, ડ્રાઇવની સાથે ગણાશે.
  • તમે આ સર્વિસનો ઉપયોગ કરતા હો કે કરવા માગતા હો, તો આ નવી મર્યાદાથી બચવાના કેટલાક ઉપાય અત્યારથી કરી લો.

એટલે જ, આપણે ગૂગલ ફોટોઝની ખૂબીઓ વિશએ વાત કરી હોવા છતાં, હમણાં થોડું પુનરાવર્તન જરૂરી છે. એટલા માટે કે જૂન ૧, ૨૦૨૧થી આ સર્વિસમાં સ્ટોરેજ બાબતે મહત્ત્વના ફેરફાર થઈ રહ્યા છે. હાલ મળતી અનલિમિટે઼ડ સ્ટોરેજ આ તારીખ પછી મળતી બંધ થશે અને જીમેઇલ, ડ્રાઇવ સાથે ફોટોઝમાં કુલ ૧૫ જીબીની સ્પેસ મળશે.

તમે આગળ તેની વિગતો વાંચશો, પણ ગૂગલનું એનાલિસિસ કહે છે કે ફોટોઝનો ઉપયોગ કરતા હાલના ૮૦ ટકા લોકો હજી આવતાં ત્રણેક વર્ષ સુધી આ સર્વિસમાં નવા ફોટોઝ ઉમેરશે તો પણ તેમની ૧૫ જીબીની ફ્રી સ્પેસની મર્યાદા વટાવશે નહીં.

મતલબ કે તમારે ખાસ ચિંતા જેવું નથી, છતાં, આ સર્વિસ તમારે ખરેખર કામની છે કે નહીં, તેનો પૂરો લાભ લેવા શું થઈ શકે અને કેવા વિકલ્પો છે વગેરે બાબતો જાણી લઈએ.


તમારા ડિજિટલ ફોટોઝ સાચવવા માટે આ બાબતો તપાસી જુઓ

૧. આ સર્વિસ તમારે કામની છે?

અહીંથી આગળ વધતાં પહેલાં, એ નક્કી કરી લો કે તમારે માટે આ ગૂગલ ફોટોઝ સર્વિસમાં ખરેખર કામની છે ખરી? જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય અને પરિવારના કે અન્ય ફોટોઝ તમને અવારનવાર જોવા ગમતા હોય તો  હાલની સ્થિતિમાં, આનાથી બહેતર વિકલ્પ મળવો મુશ્કેલ છે. કેમ? કેમ કે  તેમાં આપણા માથે લગભગ કોઈ જ ચિંતા રહેતી નથી. અમુક નિશ્ચિત સેટિંગ પછી, સ્માર્ટફોનથી ફોટો ક્લિક કરતા રહો, તેમનો બેકઅપ આપોઆપ ગૂગલ એકાઉન્ટમાં થતો જશે.

તેમાં લાઇબ્રેરીમાં બધા ફોટો આપોઆપ તારીખ-મહિના-વર્ષ મુજબ ગોઠવાય છે (આપણે દરેક ફોટો માટે તારીખ આપવી પડતી નથી). ફોનમાં સ્ક્રીનમાં જમણી ધારે આંગળી લસરાવી  મહિના-વર્ષ મુજબ ફોટોઝ જોઈ શકો છો. વ્યક્તિઓના ચહેરા ઓળખી સર્વિસ આપોઆપ તેમનાં અલગ આલબમ બનાવે છે, જે અોટોમેટિકલી અપડેટ થતાં જાય છે (ક્યારેક સિસ્ટમ આપણને જે તે વ્યક્તિને ઓળખવાનું કહેશે). સ્થળ અને અનેક પ્રકારની જુદી જુદી બાબતો (ફોરેસ્ટ, સનસેટ, રેઇન, પાર્ક, કાર, ફૂડ, સેલ્ફી, બર્થડે, વેડિંગ…) મુજબ ફોટોઝ આપોઆપ સોર્ટ થાય છે. જૂની યાદો વર્ષ મુજબ આપોઆપ તાજી પણ થાય છે.

આપણે કોઈ ફોટો વિશે કોઈ પ્રકારની માહિતી આપી ન હોય તો પણ ધારીએ તે રીતે ફોટોઝ સર્ચ કરી શકીએ છીએ (‘‘પિંકી સ્કૂલ યુનિફોર્મ’’) આમાં ક્યારેક ગોટાળા થઈ શકે છે, પણ પોઇન્ટ એ છે કે કમ્પ્યૂટર વિઝન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે, આપણે કોઈ ફોટો વિશે કોઈ લખાણપટ્ટી કરવાની જરૂર રહેતી નથી, છતાં સર્ચ ઇઝી રહે છે. આપણે ઇચ્છીએ તે ફોટોઝ તારવી તેનાં અલગ આલબમ પણ બનાવી શકીએ.

આ સર્વિસમાં ફોટો સ્ટોરેજ ઉપરાંત એડિટિંગ અને શેરિંગ પણ ઇઝી છે. કાળા ધબ્બ જેવા ફોટોમાં લાઇટિંગ ખાસ્સું સુધારી શકાય અને બીજું ઘણું એડિટિંગ પણ થઈ શકે. તેમ અન્ય સ્વજનો સાથે છૂટક ફોટો કે આખાં આલબમ શેર કરી શકીએ. લાઇવ શેરિંગ પણ શક્ય છે, જેથી અન્ય લોકો તેમાં ફોટો ઉમેરતા રહી શકે છે (આ બધા કન્સેપ્ટ આખરે ગૂગલ ડ્રાઇવ જેવા કોલાબોરેટિવ વર્કમાં પણ કામ લાગે તેવા છે!)

ટૂંકમાં, તમે ફોટોઝ લીધા પછી ભૂલી જવા માગતા હો તો જુદી વાત છે, પણ મન થાય ત્યારે ગમતા ફોટો ફરી ફરી જોવા હોય, તેમાં કંઈક કંઈક કરામત કરીવી હોય કે ફોટોઝ અનોખી રીતે જોવા હોય તો આનાથી સહેલી અને સ્માર્ટ સગવડ મળવી મુશ્કેલ છે.

૨. સ્ટોરેજમાં કેવા ફેરફાર થશે?

ગૂગલની ફોટોઝ સર્વિસમાં સ્ટોરેજના વિકલ્પો બદલાઈ રહ્યા છે. એ ફેરફાર જાણતાં પહેલાં, અત્યારે સ્ટોરેજ કેવી રીતે ગણાય છે તે સમજી લઈએ.

આ સર્વિસમાં આપણે બે રીતે ફોટોગ્રાફ્સ અને વીડીયો સાચવી શકીએ છીએ. એક રીત, ફોટો કે વીડિયોનાે તેમના ઓરિજિનલ, ફુલ રેઝોલ્યુશનમાં સાચવવાની રીત છે. એ રીતમાં આપણને અનલિમિટેડ સ્ટોરેજ મળતી નથી. બીજી રીત, ક્વોલિટીમાં નજીવી બાંધછોડ સાથે સ્ટોર કરવાની રીત છે, જેમાં આપણને અત્યાર સુધી અનલિમિટેડ સ્ટોરેજ મળતી હતી.

તમે જાણતા જ હશો કે આપણા ગૂગલ એકાઉન્ટમાં મફતમાં કુલ ૧૫ જીબી સ્ટોરેજ મળે છે, જે આપણા જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ફોટોઝ વચ્ચે વહેંચાયેલી છે.

જૂન ૧, ૨૦૨૧થી આ સ્થિતિ બદલાશે. આપણને અનલિમિટેડ સ્ટોરેજ મળશે નહીં.

અલબત્ત, એક બહુ રાહતની વાત એ છે કે એ તારીખ પહેલાં જેટલા ફોટો-વીડિયો આપણા ગૂગલ એકાઉન્ટમાં અપલોડ કરી દીધા હશે તે એકાઉન્ટ સ્ટોરેજની મર્યાદામાં ગણાશે નહીં. એટલે કે એ તારીખ પછી જે ફોટો-વીડિયો અપલોડ થશે તેને કુલ ૧૫ જીબીની લિમિટ લાગુ થશે. એ પૂરી કરી દીધા પછી આપણે વધારાની સ્પેસ ખરીદવી પડશે. જો તમે જીમેઇલ અને ડ્રાઇવનો ખાસ્સો ઉપયોગ કરતા હશો તો ફોટોઝ માટે ૧૫ જીબીની મર્યાદા ઘણી ઓછી પડશે.

૩. આપણી પાસે કેવા વિકલ્પ છે?

ગૂગલે પહેલાં અનલિમિટેડ સ્ટોરેજ આપી અને હવે મર્યાદા બાંધી દીધી એ વાત ઘણા લોકોને ખૂંચી રહી છે.

હવે કાં તો, તમે પોતાના ફોટોઝ સાચવવા માટે આ સર્વિસ પર આધાર રાખવાનું બંધ કરો. તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા હશો તો મોટા ભાગે તેમાં ગેલેરી તરીકે બાય ડિફોલ્ટ ગૂગલ ફોટોઝ એપનો જ ઉપયોગ થતો હશે અને તમારા ફોટોઝ તમારા ગૂગલ એકાઉન્ટમાં અપલોડ થતા હશે. જો તમે તેનો ઉપયોગ બંધ કરવા માગતા હો તો takeout.google.com સાઇટ પર જઈ, તમારા ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થઈને બધા ફોટો-વીડિયો ડાઉનલોડ કરી શકો છો.

જો તમે લાંબા સમયથી ફોટો ગેલેરી તરીકે આ સર્વિસનો ઉપયોગ કરતા હશો તો આ કામ મુશ્કેલ થશે અને પછી આપણા મોંઘેરા ફોટોઝને યોગ્ય રીતે, લાંબા સમય માટે સાચવવાની જવાબદારી આપણા માથે આવી પડશે! બીજો રસ્તો એ કે તમારા હાલના ગૂગલ એકાઉન્ટમાં અત્યારથી જ શક્ય એટલા વધુ ફોટો-વીડિયો અપલોડ કરી દો. અત્યારે ગૂગલ ફોટોઝ વિશે પુનરાવર્તન કરવાનો આશય આ જ છે, હજી આપણી પાસે થોડો સમય છે!

પરંતુ જો તમે ગૂગલના એકાઉન્ટમાં જીમેઇલ અને ડ્રાઇવનો સારો એવો ઉપયોગ કરતા હો, તો ફોટોઝ સર્વિસમાં હજી વધુ ફોટો-વીડિયો અપલોડ કરવાથી તમારું એકાઉન્ટ બહુ ઝડપથી ભરાઈ જશે.

તો ત્રીજો રસ્તો અપનાવો. ફક્ત ફોટોઝના બેક-અપ માટે એક નવું ગૂગલ એકાઉન્ટ ક્રિએટ કરી, તેનો જીમેઇલ અને ડ્રાઇવ માટે જરા પણ ઉપયોગ કરવાને બદલે માત્ર ફોટોઝ સ્ટોરેજ માટે ઉપયોગ કરવો. તમારા બધા ડિજિટલ ફોટોઝ-વીડિયો જ્યાં જ્યાં વેરવિખેર પડ્યા હોય ત્યાંથી વાળી-ઝૂડીને એકઠા કરો અને આ સર્વિસમાં અપલોડ કરી દો. જૂન ૧, ૨૦૨૧ પહેલાં એ કામ પૂરું કરશો તો પછી ૧૫ જીબીની મર્યાદા ઓળંગતાં વાર લાગશે. તમારા મનગમતા ફોટોઝ શોધીને આ નવા એકાઉન્ટમાં અપલોડ કરતી વખતે મજાની યાદોમાં ખોવાઈ જવાનો જે અનુભવ હશે એ અદભુત હશે – અત્યારના માહોલમાં એ લ્હાવો લૂંટવા જેવો છે!

૪. ફોટોઝ સલામત રહેશે?

આપણી પારિવારિક તસવીરો કોઈ પણ સર્વિસને સોંપતી વખતે પહેલો વિચાર સલામતીનો આવે તે સ્વાભાવિક છે. પરંતુ જેમ રૂપિયા ઘર કરતાં બેન્કમાં વધુ સલામત રહે છે એમ ડિજિટલ ફોટા જાતે સાચવવા કરતાં ગૂગલ કે તેના જેવી કોઈ પણ મોટી, વિશ્વસનીય સર્વિસને સોંપવા વધુ હિતાવહ છે.

જાતે સાચવવા જતાં, સ્માર્ટફોનમાં સ્પેસ ઓછી પડે અને પીસી/લેપટોપ બદલાતાં પણ રહે. એમાં નિયમિત બેકઅપ લેવો બહુ મુશ્કેલ બની શકે. ઉપરાંત આપણે ગમે તેટલું ધ્યાન રાખીએ, મોટી ટેક કંપની જેટલી સચોટ રીતે આપણે બેકઅપ રાખી શકીશું નહીં.

હવે મુદ્દો એ રહે કે ગૂગલને ફોટોઝ સોંપાય? ગૂગલ એટલી સ્પષ્ટતા કરે છે કે તે આપણા ફોટોઝને આધારે આપણને જાહેરાતો બતાવતી નથી કે એ માટે ફોટોઝ થર્ડ પાર્ટીને વેચતી નથી. તેમ છતાં, ગૂગલની બીજી બધી સર્વિસની જેમ, ગૂગલ ફોટોઝને કારણે એક જ કંપનીને આપણા વિશે પાર વગરની વિગતો જાણવાની તક મળે છે એ ધ્યાને લેશો.

૫. ફોટોઝ અપલોડ કેમ કરવા?

તમે આ સર્વિસનો ઉપયોગ કરવાનું નક્કી કરો કે ઉપયોગ ચાલુ રાખો તો તેમાં ફોટોઝ અપલોડ કરવાનું કામ બહુ સહેલું છે. સ્માર્ટફોનમાં, આ એપના સેટિંગ્સમાં જઈ, તમારા ફોટો તમારા કયા ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ થાય તે નક્કી કરી લો. આ પછી સ્માર્ટફોનના કેમેરાથી લીધેલા ફોટોઝ-વીડિયો આ એપમાં સ્ટોર થશે અને તેમાંથી તમારા ગૂગલ એકાઉન્ટમાં આપોઆપ તેનો બેકઅપ લેવાશે (નેટ કે વાઇ-ફાઇ મળશે ત્યારે). ત્યાર પછી એપમાં ‘ફ્રી અપ ડિવાઇસ સ્ટોરેજ’માં  જઈ, જેનો બેકઅપ લેવાઈ ગયો હોય તે ફોટો-વીડિયો સ્માર્ટફોનની લોકલ સ્ટોરેજમાંથી ડિલીટ કરી શકો છો.

પીસી/લેપટોપમાંથી અપલોડ કરવા માટે, તેમાં એક જ લોકલ ફોલ્ડરમાં બધા ડિજિટલ ફોટો એક સાથે ભેગા કરો. પછી બ્રાઉઝરમાં ફોટોઝ સર્વિસ (photos.google.com)માં લોગ-ઇન થઈ પેલા ફોલ્ડરમાંના ફોટો એક-પછી એક અપલોડ કરતા જાઓ (પીસીમાંથી અપલોડ થઈ ગયેલા ફોટો અલગ ફોલ્ડરમાં નાખવાનું ભૂલશો નહીં, બાકી ગૂંચવણ થશે!). પીસીમાં આ સર્વિસમાંથી જ ‘બેકઅપ એન્ડ સિન્ક’ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય છે. તેની મદદથી, પીસીમાંનું ફોલ્ડર નક્કી કરી લેવાથી તેમાંના ફોટોઝ આપોઆપ અપલોડ થતા રહેશે.

તમે ઇચ્છો તો ફેસબુકમાંના તમારા ફોટોઝ પણ ગૂગલ ફોટોઝમાં ટ્રાન્સફર કરી શકો છો. મિત્રો-સ્વજનો તેમના ગૂગલ ફોટોઝ એકાઉન્ટમાંથી તમારી સાથે શેરિંગ કરી શકે છે, એ તમારા અેકાઉન્ટમાં દેખાવાનું શરૂ થાય તે પછી તેને તમારી લાઇબ્રેરીમાં સેવ કરી લેવાનું ભૂલશો નહીં.

હા, તમે ઇચ્છો તો તમે તમારી આખેઆખી લાઇબ્રેરી પરિવારની અન્ય વ્યક્તિ સાથે શેર કરી શકો છો, તે માત્ર તમારા સ્ટોરેજમાં કાઉન્ટ થશે, બીજી વ્યક્તિના એકાઉન્ટમાં નહીં.

૬. અન્ય વિકલ્પો ક્યા છે?

બધી જ સર્વિસની જેમ, ગૂગલ ફોટોઝના પણ વિકલ્પો છે – જેમ કે આઇફોનની આઇડ્રાઇવ અને આઇફોટોઝ, માઇક્રોસોફ્ટની વનડ્રાઇવ, એમેઝોનની ફોટોઝ સર્વિસ અને એ ઉપરાંત બીજી ઘણી સર્વિસ આપણને ફોટો સ્ટોરેજ અને શેરિંગની સગવડ આપે છે.

પરંતુ પહેલાં આપણે નક્કી કરવું પડે કે કયા કારણસર આપણે વિકલ્પો તપાસવા છે. ગૂગલ ફોટોઝના ફ્રી એકાઉન્ટની ૧૫ જીબી સ્પેસ ઓછી પડે છે? તો તકલીફ એ છે કે બીજી લગભગ બધી જ સર્વિસ મફતમાં ૫ જીબી સ્ટોરેજ આપે છે, એથી વધુ નહીં. પછી જે પેઇડ પ્લાન છે એ લગભગ ગૂગલની જ હરોળના છે. અમુક સર્વિસ પ્રમાણમાં ઓછા વાર્ષિક ખર્ચે એક-બે ટીબી જેટલી ધરખમ સ્પેસ આપે છે પરંતુ તેમાં મુખ્ય ઝોક સ્ટોરેજ પર છે, ફોટોઝ મેનેજમેન્ટ પર નહીં.

હા, જો તમે પ્રાઇવસીની ચિંતાથી ગૂગલ જેવી એક જ કંપનીને તમારો બધા જ પ્રકારનો ડેટા આપવા ન માગતા હો, તો એક-બે ટીબીની અલગ-અલગ બે હાર્ડ-ડિસ્ક ખરીદીને તેમાં ફોટોઝ સાચવો અથવા એક હાર્ડ-ડિસ્ક વત્તા કોઈ ઓનલાઇન સર્વિસમાં પણ બેકઅપ સાચવી શકાય. પરંતુ ફોટોઝ માત્ર સ્ટોર કરવા માટે નથી હોતા, એ અવારનવાર, સહેલાઈથી, ગમે તે ડિવાઇસમાંથી જોઈ શકાય એ જ વાતમાં ખરી મજા છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!