
અમેરિકના ટેક્સાસ સ્ટેટમાં ગયા મહિને (મે ૨૦૨૧) એક કાર એક વૃક્ષ સાથે જોશભેર અથડાઈ. કાર જોતજોતામાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. ગણતરીની પળોમાં તદ્દન ખાક થઈ ગયેલી કારમાં મુસાફરી કરી રહેલી બે વ્યક્તિ પણ મૃત્યુ પામી.
પહેલી નજરે સામાન્ય કાર અકસ્માત જેવો લાગતો આ અકસ્માત ખરેખર સામાન્ય નહોતો. કારમાં સવાર બે વ્યક્તિમાંથી એક આગળની બાજુએ પેસેન્જર સીટમાં બેઠી હતી અને બીજી વ્યક્તિ પાછળની સીટમાં હતી.
પ્રાથમિક તપાસ પછી પોલીસના કહેવા અનુસાર તેને ‘‘૯૯.૯ ટકા ખાતરી છે કે અકસ્માત સમયે કારમાં ડ્રાઇવરની સીટ પર કોઈ વ્યક્તિ નહોતી’’.
આ કાર ટેસ્લા કંપનીની હતી અને ‘ઓટોપાઇલોટ’ નામની સુવિધાથી સજ્જ હતી. ટેસ્લાના સ્થાપક એલન મસ્કના કહેવા અનુસાર અત્યાર સુધી મળેલા ડેટા લોગ બતાવે છે કે અકસ્માત સમયે કારની ઓટોપાઇલટ સિસ્ટમ ઇનેબલ નહોતી. હવે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ અકસ્માત સાથે ઓટોનોમસ વ્હિકલ્સની સલામતીનો મુદ્દો ફરી એક વાર ચર્ચામાં આવી ગયો છે.
અત્યારે આખી દુનિયાની ઓટો ઇન્ડસ્ટ્રી, ટેકનોલોજી કંપનીઓના સાથમાં, ત્રણ દિશામાં દોડી રહી છે.
પહેલી દિશા ડિઝલ અને પેટ્રોલ પરનું ભારણ ઘટાડીને વાહનો ઇલેક્ટ્રિસિટીથી દોડતાં કરવાની છે.
બીજી દિશા, હાઇપરલૂપ જેવા માસ ટ્રાન્સપોર્ટેશનના બિલકુલ નવા વિકલ્પો શોધવાની છે.
ત્રીજી દિશા, વાહનમાંથી ડ્રાઇવરને જ રજા આપી દેવાની છે!
પહેલી દિશામાં દુનિયાએ ખાસ્સી ગતિ પકડી લીધી છે. આપણા રસ્તાઓ પર પણ ઇલેક્ટ્રિક કાર દેખાવા લાગી છે. રીયલ એસ્ટેટના નવા કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં હવે પાર્કિંગમાં ચાર્જિંગ પોઇન્ટને એક ખાસ સુવિધા તરીકે હાઇલાઇટ કરવામાં આવે છે. હાઇપરલૂપમાં ગતિ થોડી ધીમી છે, પરંતુ તેમાં પણ માનવ સહિતની યાત્રાનાં ટેસ્ટિંગ થવા લાગ્યાં છે. ફક્ત ડ્રાઇવરલેસ કારની બાબતમાં ગાજ્યા મેઘ હજુ બહુ વરસ્યા નથી.
હોન્ડા કંપનીની કાર નિશ્ચિત સ્થિતિમાં કારનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ શકે છે અને ત્યારે ડ્રાઇવર નિશ્ચિંત બનીને બીજું કોઈ પણ કામ કરી શકે છે.
છેલ્લાં પાંચ સાત વર્ષથી ડ્રાઇવરલેસ કાર વિકસાવવાનો મુદ્દો બહુ ગાજી રહ્યો છે પરંતુ આ દિશામાં હજુ ધારી પ્રગતિ થઈ નથી.
હોન્ડા, ઓડી, ટોયોટા, મર્સિડિઝ વગેરે પરંપરાગત ઓટો કંપની ઉપરાંત ગૂગલ અને ઉબર જેવી ટેકનોલોજી કંપની તથા ટેસ્લા જેવી ઓટો-ટેકની ભેળસેળ જેવી કંપની આ દિશામાં સતત મથી રહી છે. કારની સિસ્ટમ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય એ બાબતમાં પ્રગતિ થઈ ગઈ છે, પણ કારને સાવ ડ્રાઇવરલેસ બનાવવાની વાત જુદી છે.
આ વર્ષની શરૂઆતમાં જાપાનની હોન્ડા કંપનીએ આ દિશામાં ખાસ્સી પ્રગતિ કરીને ત્રીજા લેવલની ઓટોનોમસ કાર માર્કેટમાં મૂકી. આપણે આ લેવલ શું છે તથા ગૂગલ જેવી અન્ય કંપનીના પ્રોજેક્ટ કેટલે પહોંચ્યા છે તે વિશે જાણીએ.
માર્કેટમાં પહોંચેલી લેવલ-3 કાર કેવી છે?
હોન્ડા કંપનીએ, જાપાન સરકારની મંજૂરી સાથે લોન્ચ કરેલી ત્રીજા લેવલની ઓટોનોમસ કાર માત્ર રિસર્ચ પ્રોજેક્ટ નહીં, માર્કેટમાં એટલે કે વેચાઈને રોડ પર પહોંચનારી, આ લેવલની વિશ્વની પહેલી ઓટોનોમસ કાર છે.
એ નોંધવા જેવું છે કે હોન્ડાની પહેલાં ૨૦૧૭માં ઓડી કંપનીએ એ૮ સેદાન કારમાં ત્રીજા લેવલની ઓટોનોમસ ટેકનોલોજી રજૂ કરી હતી પરંતુ કાયદાકીય અવરોધોને કારણે આવી કાર માર્કેટમાં પહોંચી નથી. ઓડીની જેમ મર્સિડિઝ કંપનીએ પણ હાઇવે પર એક્ટિવ કરી શકાય એવી ત્રીજા લેવલની ઓટોનોમસ સિસ્ટમ ડેવલપ કરી લીધી છે.
હોન્ડા એવી પહેલી કંપની છે જે ત્રીજા લેવલની ઓટોનોમસ ટેકનોલોજી સાથે માર્કેટમાં પણ આવશે, અલબત્ત મર્યાદિત સંખ્યામાં.

હોન્ડા કંપનીએ અત્યારે આ પ્રકારની માત્ર ૧૦૦ કાર માર્કેટમાં મૂકવાનો નિર્ણય કર્યો છે અને એ પણ લીઝ પર, જેથી કારનું મેઇન્ટેનન્સ અને સપોર્ટ કંપની પોતે સંભાળી શકે. હોન્ડા પોતાની ઓટોનોમસ ટેકનોલોજીને ‘હોન્ડા સેન્સિંગ’ તરીકે ઓળખાવે છે.
હોન્ડાએ લોન્ચ કરેલી કાર પૂરેપૂરી ઓટોનોમસ નથી એટલે કે તેમાં ડ્રાઇવરે ડ્રાઇવિંગ સીટ પર હોવું જરૂરી છે. નિશ્ચિત સ્થિતિ ઊભી થાય એ પછી કારમાંની ઓટોમેશન સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને કારનો કંટ્રોલ તે પોતાના હાથમાં લે છે. અલબત્ત અણધારી સ્થિતિ ઊભી થાય ત્યારે કારની સિસ્ટમ ડ્રાઇવરને ચેતવે છે અને ગણતરીની સેકન્ડસમાં ડ્રાઇવરે કારનો કંટ્રોલ પોતાના હાથમાં લેવો પડે છે.
ગૂગલ કંપનીએ મર્યાદિત વિસ્તારમાં કામ કરતી એવી ટેક્સી સર્વિસ લોન્ચ કરી છે, જે એપથી બોલાવી શકાય છે અને ટેક્સી આવે ત્યારે તેમાં ડ્રાઇવર હોતો જ નથી!
હોન્ડાની નવી કારમાં ‘ટ્રાફિક જામ પાયલોટ’ નામની સિસ્ટમ છે. તમારો અનુભવ હશે કે મોકળાશભર્યા હાઇવે પર કાર ડ્રાઇવ કરવાનું કામ કંટાળાજનક નહીં, બલ્કે આનંદભર્યું હોય છે, પણ હાઇવે પર જ્યારે ખાસ્સો ટ્રાફિક હોય, કાર કલાકના ૫૦ કિલોમીટરથી ઓછી ગતિએ દોડી રહી હોય ત્યારે ડ્રાઇવિંગ બહુ કંટાળાજનક બની જાય છે.
બરાબર આ સ્થિતિમાં હોન્ડાની કારની સિસ્ટમ કારનો કંટ્રોલ પોતાના હાથમાં લઇ લે છે.
કારમાંનાં પાર વગરનાં સેન્સર તથા ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમને આધારે કાર તેની આસપાસની સ્થિતિ બરાબર જાણે છે અને તે મુજબ જેવી જરૂર હોય તે અનુસાર કારની સ્પીડ વધારે કે ઘટાડે છે. બ્રેક લગાવે છે તથા જરૂર મુજબ કારને વળાંક પણ આપે છે.
આ દરમિયાન કાર ડ્રાઇવર ઇચ્છે તે કામ કરી શકે છે. તેણે કાર પર ધ્યાન આપવાની જરૂર હોતી નથી.

ફક્ત હાઇવે પરનો ટ્રાફિક જામ ઓછો થાય અને કાર કલાકના ૫૦ કિલોમીટરથી વધુ ગતિ પકડી શકે ત્યારે ડ્રાઇવરના સીટ બેલ્ટમાં હળવા વાઇબ્રેશનથી તેને એલર્ટ મળે છે અને એ ક્ષણથી કારનો કંટ્રોલ ડ્રાઇવરે પોતાના હાથમાં લઈ લેવો પડે છે.
આમ હોન્ડા કંપનીના દાવા મુજબ અત્યારે ડ્રાઇવિંગનું કામ ડ્રાઇવર અને સિસ્ટમ બંને વચ્ચે વહેંચાયેલું છે.
હોન્ડાએ આ કાર માર્કેટમાં લોન્ચ કરતાં પહેલાં રસ્તા પરની લગભગ એક કરોડ જેટલી સ્થિતિઓ સિમ્યુલેટ કરીને એ સ્થિતિઓમાં કારની સિસ્ટમ કેવો રિસ્પોન્સ આપે છે તે તપાસ્યું છે. હાઇવે પર કુલ ૧૩ લાખ કિલોમીટર જેટલી ટેસ્ટ ડ્રાઇવ કર્યા પછી કાર માર્કેટ લોન્ચ માટે તૈયાર હોવાનું માનવામાં આવ્યું છે.
જાપાનની સરકાર પણ ઓટોનોમસ ડ્રાઇવિંગને વેગ આપવા માગે છે. આ કારણે ત્યાંની સરકારે ગયા વર્ષે એપ્રિલ ૨૦૨૦માં કાયદાઓમાં ફેરફારી કરીને કારના ડ્રાઇવિંગ માટે ડ્રાઇવરને બદલે કારની સિસ્ટમને જવાબદાર ગણી શકાય એવા કાયદા ઘડ્યા છે!
ગૂગલની સાવ ડ્રાઇવર વિનાની ટેક્સી!
અત્યારે આપણે ઘરઆંગણે ટેક્સી બોલાવવી હોય તો ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢી, આપણા શહેરમાં આવી સર્વિસ આપતી એપ ઓપન કરીએ, ટેક્સી બુક કરીએ અને નક્શા પર ટેક્સી આપણી નજીક આવતી જાય તે જોઈએ…
હવે કલ્પના કરો કે આપણે આવી રીતે એપથી ટેક્સી બોલાવીએ, ટેક્સી આવેય ખરી, પણ આપણી પાસે આવીને ઊભી રહે ત્યારે ખબર પડે કે તેમાં કોઈ ડ્રાઇવર જ નથી, તો? તમે એ ટેક્સીનો દરવાજો ખોલીને તેમાં બેસવાની હિંમત કરો ખરા?
અમેરિકાના એરિઝોના સ્ટેટના અમુક વિસ્તારોમાં લોકો આવી હિંમત કરી રહ્યા છે!
ગૂગલ બાર વર્ષથી ડ્રાઇવરલેસ કાર વિક્સાવી રહી છે. હવે કંપની ‘વેમો’ નામથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને ગયા વર્ષે, ઓક્ટોબર ૨૦૨૦થી કંપનીએ ‘વેમો વન’ નામે મર્યાદિત વિસ્તારોમાં ફુલ્લી ડ્રાઇવરલેસ, હા, બિલકુલ ડ્રાઇવર વિનાની ટેક્સી સર્વિસ પબ્લિક માટે લોન્ચ કરી દીધી છે.
કંપની કહે છે કે તમારે તમારા વિસ્તારમાં જ્યાં જવું હોય ત્યાં ‘‘વિશ્વના સૌથી અનુભવી ડ્રાઇવર’’ની મદદથી જઈ શકો છો, પણ એપથી કાર બોલાવશો ત્યારે કારમાં માણસ જોવા નહીં મળે!
તમે ભારતમાં મોબાઇલમાં પ્લે સ્ટોરમાં વેમોની એપ શોધશો તો નહીં મળે, પણ પીસીમાં પ્લે સ્ટોરમાં ‘વેમો’ શોધી જુઓ. એપનું વર્ણન કહે છે કે ‘‘તમે જે કાર બોલાવશો તેને રસ્તા પર તથા સિમ્યુલેટેડ સિનારિયોમાં ડ્રાઇવિંગનો ‘અનેક જીવકાળ’નો અનુભવ છે. એ તમારા શહેરના રસ્તા બરાબર જાણે છે અને પોતે જે જોશે તે તમને પણ જણાવશે. તમે કારની બેકસીટમાં નિશ્ચિંત મને બેસી શકો છો. ચાહો તો ફ્રેન્ડ સાથે મોબાઇલ પર ગપસપ કરો અથવા એક મજાની ઊંઘ ખેંચી લો…’’
અત્યારે આ સર્વિસની બધી કાર ડ્રાઇવરલેસ નથી, પણ દાવો છે કે નજીકના ભવિષ્યમાં બધી જ રાઇડ ફુલ્લી ડ્રાઇવરલેસ બની જશે! વેમો કંપની તોતિંગ ટ્રેલર ટ્રકને પણ ડ્રાઇવરલેસ બનાવી રહી છે.
Topics covered in this article: Self-driving car, driver-less car, autonomous car, google waymo, honda, tesla

