
કોરોનાની પહેલી લહેર દરમિયાન આપણે સૌ મોટા ભાગે પ્રાથમિક સાવચેતીની બાબતો તરફ બેધ્યાન રહ્યા હતા અને તેના પરિણામે અસાધારણ રીતે ગંભીર બીજી લહેરનો સામનો કરવાનો વારો આવ્યો. આ લહેરને પ્રતાપે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ વારંવાર ધોવા, સેનિટાઇઝરનો ઉપયોગ વગેરે બાબતે સૌ જાગૃત થયા.
તેની સાથોસાથ હોસ્પિટલ્સમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઈ તેના કારણે આપણને ઓક્સિજનનું મહત્ત્વ પણ સમજાયું. કોરોના ન થયો હોય તો પણ હવે લોકો ઓક્સિમીટર સાધન વસાવવા લાગ્યા છે.
તકલીફ એ છે કે લોકમાનસ પર હાવી થતી દરેક બાબતનો લાભ લેવા માટે છેતરપિંડી કરનારા લોકો તરત કામે લાગી જતા હોય છે. જીવન બચાવતી રસી, ઇન્જેક્શન વગેરે બધી બાબતમાં બનાવટ ને છેતરપિંડી કરનારા લોકો પડ્યા છે, તો ઓક્સિમીટર કેમ બાકી રહે?
સ્માર્ટફોનમાંના એપ સ્ટોરમાં ‘ઓક્સિજનનું લેવલ માપી આપતી’ અનેક એપ પણ હવે ‘ફૂટી નીકળી’ છે. તમને આવી એપ અજમાવી જોવાની લાલચ થતી હોય તો કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપશો.
ટેકનોલોજીની દૃષ્ટિએ આ વાત અદભુત હોવા છતાં એ ધ્યાને રાખવા જેવું છે કે આ રીતે મળતા ઓક્સિજનના રીડિંગને સંપૂર્ણ વિશ્વસનીય ગણવામાં આવતાં નથી.
પહેલો સવાલ એ થાય કે સ્માર્ટફોનમાંની એપ આપણા લોહીમાંનું ઓક્સિજન લેવલ માપી શકે ખરી? જવાબ છે હા. એન્ડ્રોઇડ કે આઇફોનમાંની ઘણી એપ ખરેખર આપણા લોહીમાં ઓક્સિજનનું લેવલ માપવા સક્ષમ હોય છે. પરંતુ આવો દાવો કરતી બધી એપ સાચી જ હોય એવું નથી. પહેલી વાત એ છે કે માત્ર હાઇએન્ડ ફોનમાં આ પ્રકારે ઓક્સિજનનું લેવલ માપવા માટે જરૂરી સેન્સર હોય છે (આ વાત એન્ડ્રોઇડને ખાસ લાગુ પડે છે).
જોકે હજી આ રીતે ઓક્સિજનનું લેવલ માપવાની પદ્ધતિ મેડિકલ સંસ્થાઓ દ્વારા પ્રમાણિત નથી. આથી ટેકનોલોજીની દૃષ્ટિએ આ વાત અદભુત હોવા છતાં એ ધ્યાને રાખવા જેવું છે કે આ રીતે મળતા ઓક્સિજનના રીડિંગને સંપૂર્ણ વિશ્વસનીય ગણવામાં આવતાં નથી.
ઉપરાંત, ખાસ કરીને એન્ડ્રોઇડ માટેના ગૂગલ પ્લે સ્ટોરમાં સંખ્યાબંધ બિલકુલ નકલી ઓક્સિમીટર એપ જોવા મળે છે.
સામાન્ય રીતે આપણા ફોનમાંના હાર્ડવેર આ પ્રકારની એપની કામગીરીને સપોર્ટ ન કરતા હોય કે એ માટે જરૂરી સેન્સર્સ ફોનમાં ન હોય તો પ્લે સ્ટોરમાં એ એપના પેજ પર આપણને જણાવવામાં આવે કે આપણો ફોન આ એપને સપોર્ટ કરી શકે તેમ નથી.
પરંતુ અહીં તો ઇરાદો જ બનાવટનો હોવાથી આવી ફેક એપના પેજ પર આપણને આવી કોઈ સ્પષ્ટતા જોવા મળતી નથી.
ઘણી એપ એવો દાવો કરે છે કે તેને ઇન્સ્ટોલ કર્યા પછી ફોનના ફિંગરપ્રિન્ટ સ્કેનર પર કે કેમેરાના લેન્સ પર આંગળી મૂકવાથી આપણા લોહીમાં ઓક્સિજનનું લેવલ જણાઈ આવશે. જો ફોનમાં જરૂરી સેન્સર્સ હોય તો તેમાં પણ આ જ રીતે ઓક્સિજન માપવામાં આવે છે, પણ સેન્સર્સની ગેરહાજરીમાં, ફેક એપનો ઇરાદો ફક્ત બેકગ્રાઉન્ડમાં કળાકારીગરી કરીને આપણો અન્ય ડેટા ચોરવાનો હોઈ શકે છે.

એ સિવાય, ફેક એપ આપણા કોન્ટેક્ટ્સની એક્સેસ મેળવીને તેમને વ્યાપક પ્રમાણમાં મેસેજ મોકલતી હોય છે. આથી ઓક્સિજન માપવાનો દાવો કરતી એપ ઇન્સ્ટોલ કરતી વખતે તે આપણા કોન્ટેક્ટ્સ એક્સેસ કરવાની કે એસએમએસ મોકલવાની મંજૂરી માગે તો પણ ચેતી જવું. ઓક્સિજન માપવા માટે એપને આવી મંજૂરીની જરૂર હોતી નથી.
મોટા ભાગે આવી બનાવટી એપના ફેલાવા માટે ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા કે ઇમેઇલ/એસએમએસ દ્વારા તેની લિંક વ્યાપક પ્રમાણે શેર કરવામાં આવતી હોય છે. માત્ર ઓક્સિજન માપી આપવાનો દાવો કરતી એપ જ નહીં, કોઈ પણ પ્રકારની એપ સોશિયલ મીડિયા કે અન્ય રીતે મળેલી લિંક ક્લિક કરી એપ ઇન્સ્ટોલ કરવી હિતાવહ નથી.
વોટ્સએપમાં કે બીજી કોઈ રીતે આવી લિંક મળી હોય તો તેના પર ક્લિક કરશો નહીં. આવી લિંક અન્યોને ફોરવર્ડ પણ કરશો નહીં. તમારા એન્ડ્રોઇડ ફોનમાં પ્લે સ્ટોર સિવાય અન્ય કોઈ રીતે એપ્સ ઇન્સ્ટોલ ન થઈ શકે એવું સેટિંગ સામાન્ય રીતે ઓન હોય છે. જો તે ઓન ન હોય તો આવી લિંક પર ક્લિક કરશો તો તમને ચેતવવામાં આવશે. ત્યારે સમયસર અટકી જવું બહેતર છે!

