વોટ્સએપ પર નવી શરતો તથા સોશિયલ મીડિયા માટેની સરકારની નવી ગાઇડલાઇન્સનો મુદ્દો અત્યારે અદાલતમાં પહોંચી ગયો છે. પરંતુ આ બાબતે સામાન્ય યૂઝર્સને વધુ ગૂંચવવા માટે હેકર્સ પણ મેદાનમાં આવી ગયા છે.
વોટ્સએપ પર એક મેસેજ એવો વાયરસ થઈ રહ્યો છે કે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે ‘‘જો વોટ્સએપમાં કોઈ મેસેજમાં બે બ્લ્યૂ ટિક ઉપરાંત એક રેડ ટિક પણ જોવા મળે તો તેનો અર્થ એ છે કે સરકાર એ મેસેજ બાબતે પગલાં લઈ શકે છે.’’ એ મેસેજમાં હજી આગળ વધીને એવો પણ દાવો કરવામાં આવે છે કે ‘‘જો કોઈ મેસેજ સાથે ત્રણ રેડ ટિક્સ જોવા મળે, તો એનો અર્થ એ છે કે કોર્ટે તમારી પાસે અદાલતી કાર્યવાહી શરૂ કરી દીધી છે!’

વોટ્સએપમાં ફરતા આવા મેસેજનો વિશ્વાસ કરશો નહીં. આ પ્રકારના મેસેજ માત્ર લોકોને વધુ ગૂંચવવાના ઉદ્દેશથી ફોરવર્ડ કરવામાં આવતા હોય છે. વોટ્સએપમાં ત્રણ રેડ કે બ્લ્યૂ ટિકનું કોઈ ફીચર્સ છે જ નહીં. હાલની સ્થિતિ અનુસાર વોટ્સએપમાં ફોરવર્ડ થતા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ હોય છે મતલબ કે વોટ્સએપ, ફેસબુક કે સરકાર આ મેસેજનું કન્ટેન્ટ વાંચી શકતી નથી. વોટ્સએપ પર શેર થતો કોઈ પણ મેસેજ સંપૂર્ણ સાચો હોવાની તમને પોતાને ખાતરી ન હોય તેને આગળ ફોરવર્ડ કરશો નહીં.

