આપણે જાણીએ છીએ કે ગૂગલ તેની સર્વિસિસમાં સ્ટોરેજ કેપેસીટીની બાબતે ફેરફાર કરી રહી છે. હમણાં થયેલી નવી સ્પષ્ટતાઓ મુજબ, આ ફેરફારોમાં પણ નવા ફેરફાર આવી રહ્યા છે. આપણે તેના પર એક ઉડતી નજર ફેરવી લઇએ.
હાલમાં ગૂગલના ફ્રી એકાઉન્ટમાં જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ એ ત્રણેય સર્વિસમાં સાથે મળીને કુલ ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ મળે છે.- હાલમાં ગૂગલ ડ્રાઇવમાં ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ્સ પ્રકારની ફાઇલ્સ સ્ટોરેજ માટે ગણતરીમાં લેવામાં આવતી નથી. એટલે કે આ પ્રકારની ફાઇલ્સ આપણે અનલિમિટેડ સંખ્યામાં પોતાના એકાઉન્ટમાં સ્ટોર કરી શકીએ છીએ.
- હાલમાં ગૂગલ ફોટોઝમાં આપણા ફોટોગ્રાફને તેના રો ફોર્મેટ (ફુલ રેઝોલ્યુશન)ને બદલે હાઇ ક્વોલિટી ફોર્મેટ ( રો કરતાં થોડી ઉતરતી ક્વોલિટી)માં સ્ટોર કરવાનું પસંદ કરીએ તો અનલિમિટેડ ફોટોગ્રાફ્સ અને વીડિયો સ્ટોર કરી શકીએ છીએ.
- જૂન ૧, ૨૦૨૧થી ગૂગલ પોતાની આ સ્ટોરેજ પોલિસી બદલી રહી છે.
- એ તારીખ પછી ગૂગલ ડ્રાઇવમાં ડોક, શીટ અને સ્લાઇડ પ્રકારની ફાઇલ્સ પણ સ્ટોરેજ માટે ગણતરીમાં લેવાશે.
- ગૂગલ ફોટોઝમાં હાઇ ક્વોલિટી ફોર્મેટના ફોટોઝ પણ અનલિમિટેડ સ્ટોર કરી શકાશે નહીં. એ પણ ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજમાં ગણતરીમાં લેવાશે.
- ગૂગલે કરેલી સ્પષ્ટતા અનુસાર જૂન ૧, ૨૦૨૧ સુધીમાં આપણે વધુ ફોટોગ્રાફ ફોટોઝ સર્વિસમાં અપલોડ કરીશું તો એ ફ્રીમાં જ ગણાશે. ૧૫ જીબીની મર્યાદા જૂન ૧, ૨૦૨૧ પછી અપલોડ થતા ફોટોઝ માટે ગણતરીમાં લેવાનું શરૂ થશે. આવી છૂટછાટ ન હોત અને તમે જીમેઇલ, ડ્રાઇવ અને ફોટોઝનો ભરપૂર ઉપયોગ કરતા હો તો ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ બહુ ઝડપથી પૂરી થઈ જાય એવી શક્યતા હતી. પરંતુ હાલ પૂરતું બહુ ચિંતાજનક સ્થિતિ નથી.
- જો જૂન ૧ ૨૦૨૧ પછી તમને ૧૫ જીબીની સ્ટોરેજ ઝડપથી પૂરી થઈ જવાની ચિંતા હોય તો તમારી પાસે બે વિકલ્પ છે. કાં તો ગૂગલ વનની મેમ્બરશીપ ખરીદીને વાર્ષિક રકમ ચૂકવીને વધુ સ્પેસ મેળવો. હાલમાં આ માટેની ફી ૧૦૦ જીબી માટે વાર્ષિક રૂપિયા ૧૩૦૦+ટેક્સ જેટલી છે. આ સર્વિસ જો આપણા પર્સનલ એકાઉન્ટ માટે (એટલે કે yourname@gmail.com પ્રકારનું ઇમેઇલ એડ્રેસ) ખરીદવામાં આવે તો તેમાં પરિવારના પાંચ સભ્યો સુધી આ સ્પેસ વહેંચી શકાય છે.
- જો તમે આ રીતે ગૂગલની પેઇડ સ્ટોરેજ ખરીદવા માગતા ન હો, તો બીજો ઉપાય ગૂગલના એક જ એકાઉન્ટનો ઉપયોગ કરવાને બદલે એકથી વધુ ફ્રી એકાઉન્ટ ખોલાવવાનો હોઈ શકે. આ પદ્ધતિમાં ફોટોગ્રાફના સ્ટોરેજ માટે નવું એકાઉન્ટ ખોલાવી લો અને તમારા હાલના ગૂગલ એકાઉન્ટમાંથી તમામ ફોટો આ નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લો એવું થઈ શકે. જોકે આ કામ જૂન ૧, ૨૦૨૧ પહેલાં કરી લો તો વધુ ફાયદામાં રહેશો.
- હવે વાત કરીએ આ ફેરફારોમાં આવેલા હજી વધુ ફેરફારની વાત.
- તમે જાણતા હશો કે ગૂગલની ફ્રી સર્વિસ ઉપરાંત ગૂગલ વર્કસ્પેસ નામે, ગૂગલની બધી સર્વિસનો આપણી પોતાની કંપનીના ડોમેઇન પર અને ટીમ માટે લાભ લઈ શકીએ છીએ. ગૂગલે હમણાં કરેલી જાહેરાત અનુસાર ૧૫ જીબી સ્ટોરેજની મર્યાદા ફ્રી એકાઉન્ટમાં જૂન ૧, ૨૦૨૧થી લાગુ થઈ જશે. પરંતુ વર્કસ્પેસ એકાઉન્ટમાં ફેબ્રુઆરી ૧, ૨૦૨૨ સુધી આ મર્યાદાઓ લાગુ થશે નહીં.
- અલબત્ત વર્કસ્પેસ એકાઉન્ટમાં આ લાભ માત્ર ડોક્સ, શીટ્સ, સ્લાઇડ્સ, ડ્રોઇંગ્સ, ફોર્મ અને જેમબોર્ડ પ્રકારની ફાઇલ્સ પર લાગુ થશે. તમે વર્કસ્પેસ એકાઉન્ટમાં ફોટોઝ પણ સ્ટોર કરતા હો તો જૂન ૧, ૨૦૨૧થી તેમાં મર્યાદા લાગુ થઈ જશે.
- જો તમે તમારા પર્સનલ, ફ્રી એકાઉન્ટ સાથે ગૂગલ ડ્રાઇવનો ભરપૂર ઉપયોગ કરતા હો અને તમને લાગતું હોય કે ૧૫ જીબીની ફ્રી સ્ટોરેજ બહુ જ ઓછી પડશે તો ગૂગલના વાર્ષિક રૂ. ૧૩૦૦ (વત્તા ટેક્સ)ના ૧૦૦ જીબી પ્લાનની સરખામણીમાં માઇક્રોસોફ્ટ વન ડ્રાઇવનો વાર્ષિક પ્લાન ઘણો વધુ સારો રહેશે. તેમાં વાર્ષિક રૂ. ૫૨૯૯/-માં છ વ્યક્તિ માટે એક-એક ટીબીની સ્ટોરેજ મળી શકે છે. એ ઉપરાંત આ છએ છ વ્યક્તિ પોતપોતાના પાંચ ડિવાઇસ (સ્માર્ટફોન કે પીસી)માં આઉટલૂક, વર્ડ, એક્સેલ તથા પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામ્સના લેટેસ્ટ વર્ઝનનો લાભ લઈ શકે છે. અલબત્ત તમારા પરિવારમાં ઓફિસ પ્રોગ્રામ્સનો ભરપૂર ઉપયોગ હોય તો આ પ્લાન તમારે માટે સારો રહેશે.
