સર્ફિંગ કરતી વખતે લગભગ સૌ કોઈને એક સમસ્યા કાયમ નડતી હોય છે – આપણે જોતજોતામાં ઘણી ટેબ ખોલી નાખીએ છીએ. આવી સંખ્યાબંધ એપને મેનેજ કરવા માટે વિવિધ બ્રાઉઝર જુદા જુદા પ્રકારની સગવડ આપે છે.
સંખ્યાબંધ ટેબ ઓપન કર્યા પછી કઈ ટેબમાં શું છે તે યાદ રાખવું મુશ્કેલ છે એ માત્ર એક સમસ્યા થઈ. બીજી, વધુ મોટી સમસ્યા એ છે કે આપણી ટેબ્સ લાંબો સમય ઇનએક્ટિવ રહે તો બ્રાઉઝર પર ભાર વધતો જાય છે અને છેવટે કમ્પ્યૂટર ધીમું થતું જાય છે. કમ્પ્યૂટરનું પ્રોસેસર સારી ક્ષમતાનું હોય અને રેમ પણ પૂરતી હોય તોય બ્રાઉઝરમાંની ટેબ્સ કમ્પ્યૂટરને ભારે પડી શકે છે.
માઇક્રોસોફ્ટના નવા એજ બ્રાઉઝરમાં આ સ્થિતિનો સામનો કરવા માટે એક નવી સુવિધા આપવામાં આવી છે, જે ખરેખર કારગત નીવડે તેવી લાગે છે.
માઇક્રોસોફ્ટ આ સુવિધાને ‘સ્લીપિંગ ટેબ્સ’ કહે છે. માઇક્રોસોફ્ટના દાવા મુજબ એજ બ્રાઉઝરમાં સ્લીપિંગ ટેબ્સનો ઉપયોગ કરવાથી કમ્પ્યૂટરની મેમરીનો ઉપયોગ સરેરાશ ૩૨ ટકા ઘટી શકે છે તેમ જ લેપટોપના કિસ્સામાં બેટરી પણ વધુ લાંબો સમય ચાલી શકે છે.
એજ બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે સ્લીપિંગ ટેબ્સનો ઉપયોગ કરવા માટે આપણે ખાસ કશું કરવાનું હોતું નથી. માત્ર એક વાર એજ બ્રાઉઝર ઓપન કરો. જમણી તરફના ત્રણ ડોટ પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ. અહીં ડાબી તરફની પેનલમાં સિસ્ટમમાં જાઓ અથવા સર્ચ બોક્સમાં ‘સ્લીપિંગ ટેબ્સ’ લખો.
એજ બ્રાઉઝરમાં સ્લીપિંગ ટેબ્સનો ઉપયોગ કરવાથી કમ્પ્યૂટરની મેમરીનો ઉપયોગ સરેરાશ 32 ટકા ઘટી શકે છે, લેપટોપમાં બેટરી પણ વધુ લાંબો સમય ચાલી શકે છે.
હવે સ્લીપિંગ ટેબ્સના વિકલ્પ દર્શાવતું પેજ ખુલશે. તેમાં ‘સેવ રિસોર્સિસ વીથ સ્લીપિંગ ટેબ્સ’ માટેનું બટન ઓન કરો.
હવે આપણે એ નક્કી કરવાનું રહેશે કે આપણે કોઈ પણ ટેબ કેટલો સમય ઇનએક્ટિવ રહ્યા પછી સ્લીપ મોડમાં ચાલી જાય. આપણે પાંચ મિનિટથી માંડીને ૧૨ કલાક સુધીનો સમયગાળો પસંદ કરી શકીએ છીએ.
તમને એક સાથે ઢગલાબંધ ટેબ ઓપન કર્યા પછી અમુક ટેબમાંનું કન્ટેન્ટ માટે લાંબો સમય ગાળવાની ટેવ હોય તો બાકીના ટેબ ફકત ૫ કે ૧૫ મિનિટના સમયગાળા પછી સ્લીપ મોડમાં ચાલ્યા જાય એ વિકલ્પ પસંદ કરી શકાય.
એ યાદ રાખવા જેવું છે કે સ્લીપ મોડમાં રહેલા ટેબમાં આપણે ફરી જઇશું તો તેમાંનું કન્ટેન્ટ ધાર્યા મુજબ કદાચ ન દેખાય. એવા સંજોગમાં આપણે પેજ રીફ્રેશ કરવાનું રહેશે.
હવે સવાલ એ છે આ સુવિધા તમારે કામની છે? તેનો આધાર બે બાબતનો છે. તમે કેટલું બ્રાઉઝિંગ કરો છો અને તમારા હાલના ફેવરિટ બ્રાઉઝર (મોટા ભાગે ક્રોમ)ને તમે કેટલું કસ્ટમાઇઝ કર્યું છે.
જો તમે ક્રોમ બ્રાઉઝરના પાવર યૂઝર હશો તો તમે તેને તમારી જરૂરિયાત મુજબ ખાસ્સું કસ્ટમાઇઝ કર્યું હશે. એટલે કે તમે તેમાં તમારા કામકાજ અને અંગત જીવનના બ્રાઉઝિંગને અલગ અલગ રાખવા માટે જુદા જુદા પ્રોફાઇલ સેટ કર્યા હશે, એ મુજબ દરેક પ્રોફાઇલમાં અલગ અલગ એક્સટેન્શન્સ પણ ઉમેર્યાં હોઈ શકે છે. ક્રોમની પાસવર્ડ મેનેજર સર્વિસનો ઉપયોગ કરતા હો તો વિવિધ સર્વિસના પાસવર્ડ પોતે યાદ રાખવાને બદલે એ જવાબદારી તમે ક્રોમને સોંપી દીધી હશે.
આવી સ્થિતિમાં તમે લગભગ ક્રોમ સાથે ભવોભવનો સંબંધ જોડી દીધો છે એવું કહી શકાય! એવું હોય તો બ્રાઉઝર બદલવું મુશ્કેલ છે.
જો તમે આ રીતે તમારા કાયમી બ્રાઉઝર તરીકે ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝરને ખાસ્સું કસ્ટમાઇઝ ન કર્યું હોય, માત્ર તેમાં જોરદાર સર્ફિંગ કરતા હો તો માઇક્રોસોફ્ટ એજની સ્લીપિંગ ટેબ્સની સુવિધા તમને ખરેખર ઉપયોગી થઈ શકે છે.

