હમણાં આવેલા એક અહેવાલ અનુસાર આ વર્ષે ભારતના લગભગ ૭૭ ટકા ટેકનોલોજી પ્રોફેશનલ તેમની હાલની જોબ સ્વેચ્છાએ છોડીને નવી જોબ મેળવવા માટે પ્રયાસ કરશે.
આ પ્રોફેશનલ્સ ગ્રોથની નવી તકો, વધુ પગાર અને પોતાની સ્કિલ્સના વધુ સારા ઉપયોગ માટે નવી જોબની તલાશ કરશે. જે સેકટરમાં એમ્પ્લોઇઝનું આવું ઊંચું ટર્નએરાઉન્ડ રહેતું હોય તેમાં દેખીતી રીતે નવા ઉમેદવારોને પણ પ્રવેશ મેળવવાની તકો વધે.
ટેકનોલોજી કંપનીઓ પોતાના હાલના ટેલેન્ટને જાળવી રાખવા બધા પ્રયાસ કરશે પરંતુ તેની સાથોસાથ નવા ટેલેન્ટને વિકસાવવાની પણ તૈયારી કરશે. કોરોનાને કારણે ટેક દુનિયામાં પણ ખાસ્સી ઉથલપાથલ થઈ હોવા છતાં ટેક પ્રોફેશનલ્સની ડિમાન્ડ સતત વધી રહી છે.
ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સેકટરના નિષ્ણાતોની ડિમાન્ડ વધી રહી છે. મોટી પબ્લિક અને પ્રાઇવેટ કંપની ક્લાઉડમાં માઇગ્રેટ કરવા તરફ વળી રહી છે તથા નાની-મોટી કંપનીઓ ઓટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ આગળ વધી રહી છે. એ બધું જોતાં આઇટી સેકટરમાં નજીકના ભવિષ્યમાં હાલની સેલેરીના ધોરણોમાં ૧૫ થી ૨૫ ટકાનો વધારો થાય એવી પણ શક્યતા છે!

