આઇપીએલની લાંબી ટુર્નામેન્ટની સાથોસાથ, રૂપિયા દાવ ભર મૂકીને ‘રમી’ શકાય તેવી ગેમ્સ પણ મોટા પાયે જાહેરાતો કરવા લાગી છે. આઇપીએલ અને આવી ગેમ્સ યુપીઆઇ વ્યવસ્થાને નડી રહી છે!
આઇપીએલની લાંબી ઇનિંગ શરૂ થઈ ગઈ છે એ સાથે ટીવી પર અને ઇન્ટરનેટ પર ચારે તરફ ઓનલાઇન ક્રિકેટ ગેમિંગ એપ્સની જાહેરાતો પણ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ પ્રકારના ગેમિંગથી હજી અજાણ રહેલા લોકોની જાણ માટે – ક્રિકેટ કે અન્ય ગેમ્સની મોટી મેચ કે ટુર્નામેન્ટ ચાલતી હોય ત્યારે આવી ઓનલાઇન ગેમિંગ એપ પર એ વાસ્તવિક મેચની સાથોસાથ લોકો પોતાની ટીમ બનાવીને રમી શકે છે. અને વાસ્તવિક મેચ અનુસાર ઓનલાઇન ગેમમાં હાર-જીત નક્કી થાય છે અને લોકો પોતે દાવ પર મૂકેલા રૂપિયા ગુમાવે છે કે વધુ રૂપિયા જીતે છે. એક રીતે જોઇએ તો આ જૂના જમાનાના સટ્ટા અથવા જુગારનું નવા પ્રકારનું ઓનલાઇન સ્વરૂપ છે. પરંતુ આ બાબતને, આપણા દેશમાં છેક ૧૮૬૭માં ઘડાયેલો જુગાર સંબંધિત કાયદો લાગુ પડે છે. એ કાયદા અનુસાર, માત્ર નસીબથી હારજીત નક્કી થાય તે જુગાર ગણાય છે, પરંતુ જેમાં સ્કિલ, આવડત પણ જરૂરી હોય તેને જુગાર કહેવો કે નહીં તે બાબત રાજ્યો પર છોડવામાં આવી છે.
અત્યારે તમે આઇપીએલની મેચ દરમિયાન, આપણા વિવિધ સ્પોર્ટ્સ હીરોને ચમકાવતી આવી ઓનલાઇન ગેમિંગ એપ્સની જાહેરાતો તરફ ધ્યાન આપતા હશો તો તમે નોંધ્યું હશે કે હવે તેમાં છેલ્લે કહેવામાં આવે છે કે આ પ્રકારની ગેમ રમવાની આદત પડી શકે છે, તેમાં નાણાકીય જોખમ પણ છે, તમે પોતે સમજી-વિચારીને રમજો, વગેરે વગેરે. આવી ગેમ્સ સામે વિવિધ પ્રકારે વિરોધ ઊભો થયા પછી ‘ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ પ્રકારની આ ચેતવણી જાહેરાતો પાછળ ઉમેરાઈ છે. વાસ્તવામાં આવી એપ્સને એમ કરવાની ફરજ પડી છે.
દરમિયાન, આ વાતમાં એક નવો વળાંક પણ આવ્યો છે, યુપીઆઇની બાબતે.
આ વર્ષે આઇપીએલની લાંબી ટુર્નામેન્ટ દરમિયાન, ઓનલાઇન ગેમિંગ એપ્સ ઇન્ડસ્ટ્રી ચોક્કા-છક્કાની ફટકાબાજી કરી જંગી નફાનો સ્કોર કરી લેવાના મૂડમાં હતી, ત્યાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ ગૂગલી બોલ નાખીને ઇન્ડસ્ટ્રીનું પ્લાનિંગ બગાડી નાખ્યું છે. આપણે ‘સાયબરસફર’માં અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ તેમ, મેચ દરમિયાન, તેને સમાંતર રૂપિયા દાવે લગાડીને રમી શકાતી ગેમ્સથી ગેમિંગ એપ્સ ખાસ્સી કમાણી કરતી હોય છે ને બહુ મોટા પ્રમાણમાં લોકોને તેનું વ્યસન થવા લાગ્યું છે.
આઇપીએલની દરેક મેચ દરમિયાન દેશભરના લાખો-કરોડો યૂઝર્સ યુપીઆઇ વ્યવસ્થાની મદદથી આવી એપ્સ પર રૂપિયા દાવે મૂકવા લાગ્યા છે. રીયલ મની ગેમ્સમાં એક રૂપિયા જેવી નજીવી રકમ ચૂકવવા માટે પણ યુપીઆઇનો ઉપયોગ થઈ શકે છે. આથી આઇપીએલની મેચ દરમિયાન દેશભરમાં યુપીઆઇ પેમેન્ટ્સમાં અચાનક તીવ્ર ઉછાળો જોવા મળવા લાગ્યો. યુપીઆઇની દરેક લેવડદેવડ વખતે આપણા એકાઉન્ટની ખાતરી માટે યુપીઆઇ અને બેન્કના સર્વર્સ વચ્ચે ખાસ્સી માહિતીની લેવડદેવડ કરવી પડતી હોય છે, તેના પર વધારાનો બોજો આવી પડે છે.
આમ પણ, કોરોનાને પગલે ઓનલાઇન પેમેન્ટ્સનું ચલણ વધ્યું છે અને વિવિધ બેન્ક્સની સિસ્ટમ આ ભાર સામે પાંગળી પૂરવાર થઈ રહી છે. ત્યારે આઇપીએલ દરમિયાન ગેમિંગને કારણે યુપીઆઇ વ્યવસ્થા પર વધતી ભીંસ ટાળવા, એનપીસીઆઇએ ગેમિંગ સાઇટ્સ પર ૫૦ રૂપિયા સુધીની લેનદેન માટે યુપીઆઇના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવાનું વિચાર્યું છે. ગેમિંગના રસિયાઓ નેટ બેન્કિંગ જેવા બીજા રસ્તા અજમાવી શકે છે. એનપીસીઆઇના મતે, તદ્દન ઓછી રકમ માટે યુપીઆઇનો ઉપયોગ એ આ વ્યવસ્થાનો દુરુપયોગ છે અને તેના કારણે અન્ય જરૂરી કારણોસર પેમેન્ટ કરવા માગતા લોકોનાં ટ્રાન્ઝેક્શન્સ નિષ્ફળ જઈ શકે છે.
આ પ્રતિબંધથી ગેમિંગ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડે તેમ છે, કેમ કે તેમની મોટા ભાગની આવક ૧૦૦ રૂપિયાથી ઓછી રકમ દાવે લગાવતા ‘પ્લેયર્સ’થી જ થાય છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ગેમિંગ એપ્સ આ પ્રતિબંધ સામે થર્ડ અમ્પાયર (ટેલિકોમ અને ઉદ્યોગોની ટોચની સંસ્થાઓ)ને અપીલ કરવાની તૈયારી કરી રહી છે.

