(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આભાસી વિશ્વમાં કરો ધમાકેદાર એન્ટ્રી

મિક્સ્ડ રિયાલિટીના રોમાંચક ફીલ્ડમાં પ્રવેશ્યા પછી, કોણ શું કામ કરે છે, કેવા સોફ્ટવેર વાપરે છે, તમે તેના કોર્સમાં શું શું શીખી શકો વગેરે બધી વાતો જાણો

(પૂરક માહિતીઃ આકાશ નાણાવટી (https://avnahmedabad.artstation.com/)

હોલીવૂડની ‘કૂંગફૂ પાંડા’, ‘કાર્સ’, ‘ધ એડવેન્ચર્સ ઓફ ટિનટિન’ કે ‘જુરાિસક પાર્ક’, ‘એવેન્જર્સ’ વગેરે મૂવીઝ જોવી તો ગમે, પણ જોયા પછી આ મૂવીઝ કેવી રીતે બનતી હશે એ જાણવાની જિજ્ઞાસા જાગે છે? ‘પબ્જી’ જેવી ગેમનાં ધાંસૂ ગ્રાફિક્સ કેવી રીતે તૈયાર થતા હશે, એમાંના કેરેક્ટર્સ ફિઝિક્સના નિયમોનું બરાબર પાલન કરીને, આપણી આંગળીના ઇશારે કઈ રીતે મૂવ કરતા હશે એ જાણવાનું તમને મન થાય?

સ્પાઇડરમેનની હોમકમિંગ સિરીઝની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ જોતી વખતે અસલી-નકલીની આટલી જબરજસ્ત ભેળસેળ સ્ક્રીન પર કેવી રીતે સર્જાતી હશે એની તમને નવાઈ લાગે છે? ‘કાર્સ’ મૂવીમાં વિવિધ પ્રકારની કારના ‘ચહેરા’ પર કે પછી ‘કૂંગફૂ પાંડા’ જેવી મૂવીમાં પાંડાના ચહેરા પર ભોળપણભર્યા અને વિલન મોરના ચહેરા પર નરી લુચ્ચાઈભર્યા હાવભાવ કેવી રીતે સર્જાતા હશે એવા વિચાર આવે છે?

આ બધી કમ્પ્યૂટરની કમાલ છે એ તો કોઈ પણ સમજી શકે એવી વાત છે. પરંતુ કમ્પ્યૂટર આ બધું કેવી રીતે કરે છે એ જાણવામાં તમને રસ પડે અને એથી પણ વધુ, પોતે પણ આવું કંઈક ક્રિએશન કરવાનો મનમાં સળવળાટ જાગે તો ક્રિએટિવ મિક્સ્ડ રિયાલિટીઝમાં તમે કારકિર્દી ઘડી શકો છો. આગળના લેખમાં આપણે આ ફીલ્ડમાં દાખલ થવા માટે જરૂરી પાયાની બાબતોની વાત કરી.

હવે આ ફીલ્ડમાં પ્રવેશ મેળવ્યા પછી તમે કઈ બાબતોમાં સ્પેશિયલાઇઝેશન કરી શકો છો તેની વાત કરીએ.

આગળ શું વાંચશો?

  • કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં કામની કેવી તક મળશે?
  • એક પ્રોજેક્ટમાં અનેક આર્ટિસ્ટની ભૂમિકા
  • ગેમ ચેન્જર ટૂલ્સ જાણો
  • તમે આ ફીલ્ડના કોર્સમાં શું શીખશો?
  • ઉપયોગી થાય તેવા સોફ્ટવેર

આ ફીલ્ડમાં પ્રવેશ્યા પછી ગેમિંગ, મૂવી મેકિંગ, એડવર્ટાઇઝિંગ, ટીવી એન્ડ બ્રોડકાસ્ટિંગ વગેરે જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની તમને તક મળે છે.

લગભગ આ દરેક ફીલ્ડમાં પ્રોજેક્ટનો ફ્લો વધતા ઓછા પ્રમાણમાં સરખો હોય છે. તેમાં કામ ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય છેઃ

૧. પ્રી-પ્રોડક્શન ,

૨. પ્રોડક્શન, અને

૩. પોસ્ટ પ્રોડક્શન.

આપણે ગેમ કે મૂવીમાં જોવા મળતી બધી કમાલ ‘વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આર્ટિસ્ટ’ કરતા હશે એવું માની લઇએ છીએ. પરંતુ ખાસ કરીને મૂવી પૂરી થયા પછી જોવા મળતી તેની લાંબીલચક ક્રેડિટ્સ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે કે તેના પ્રોડક્શનમાં જુદા જુદા સંખ્યાબંધ પ્રકારના આર્ટિસ્ટનો ફાળો હોય છે.

પ્રોજેક્ટની શરૂઆત સામાન્ય રીતે કન્સેપ્ટ અને સ્ટોરીલાઇન ડેવલપમેન્ટથી થાય છે. પ્રોજેક્ટનો કન્સેપ્ટ અને સ્ટોરીફ્લો નક્કી થઈ ગયા પછી કન્સેપ્ટ આર્ટિસ્ટ પ્લોટ અને સ્ટોરી મુજબ વિવિધ કેરેકટર્સ ડ્રો કરવાનું કામ શરૂ કરે છે. આ માટે ‘ફોટોશોપ’ કે તેના જેવા બીજા લેયર્સ આધારિત સોફ્ટવેર ઉપયોગ કરવામાં આવે છે.

ટુડી ડ્રોઇંગ તૈયાર થઈ ગયા પછી તેનું થ્રીડી મોડેલિંગ કરવામાં આવે છે. આ માટેના આર્ટિસ્ટ જુદા હોય છે. આ આર્ટિસ્ટ ‘માયા’ અથવા ઓપનસોર્સ ‘બ્લેન્ડર’ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. (‘માયા’ સોફ્ટવેરનો ફેશન ડિઝાઇનિંગમાં પણ ઉપયોગ છે!) કેરેકટરના થ્રીડી મોડેલ્સ તૈયાર થઈ જાય એ પછી તેનું સ્મૂધ એનિમેશન કરવા માટે તેમાં સજીવ શરીર જેવા સ્કેલેટન એડ કરવામાં આવે છે. આ કામ રીગિંગ આર્ટિસ્ટ કરે છે. બીજી તરફ કેરેક્ટર્સનાં કપડાં ‘સીવવા’નું કામ થાય છે. આ કામ ‘માર્વેલસ ડિઝાઇનર’ નામના અન્ય એક સોફ્ટવેરમાં કરવામાં આવે છે.

બીજી તરફ, પ્રોજેક્ટના કન્સેપ્ટ અનુસાર, મૂળ કેરેક્ટર્સ ઉપરાંત સ્ક્રીન પર જે કંઈ દેખાવાનું હોય તે બધાનાં ડ્રોઇંગ્સ -૩ડી મોડેલ્સ કમ્પ્યૂટરમાં તૈયાર થાય છે. તેનાં ટેક્સ્ચર્સ ડિઝાઇન કરવા માટે ‘સબસ્ટન્સ પેઇન્ટર’ કે ‘ઝેડબ્રશ’ કે ‘મારી’ જેવા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે.

આ બધું કામ અલગ અલગ સોફ્ટવેરમાં પૂરું થયા પછી એક્ચ્યુઅલ એનિમેશનનું કામ હાથ ધરવામાં આવે છે. તેના માસ્ટર આર્ટિસ્ટ અલગ હોય છે. મોટા ભાગે તે ‘માયા’ જેવા સોફ્ટવેરમાં આ કામ કરે છે. એ સાથે કેરેક્ટર પરની વિવિધ ઇફેક્ટ્સ (વાવાઝોડા કે વંટોળમાંથી પેદા થતો વિલન!) કે સ્ક્રીન પરની લાઇટિંગ ઇફેક્ટસ પર કામ કરનારા આર્ટિસ્ટ અલગ હોય છે. એ મોટા ભાગે ‘માયા’ કે ‘હૂડીની’ જેવા સોફ્ટવેરમાં આ કામ કરે છે.

જૂની ‘મહાભારત’ સિરિયલમાં રણમેદાનમાં સૈનિકોની પાંખી હાજરી અને હાલની ‘બાહુબલી’માં નજર ન પહોંચે એટલા સૈનિકોના તફાવતે તમારું ધ્યાન ચોક્કસ ખેંચ્યું હશે. આ માટે ‘ગોલેમ ક્રાઉડ સિમ્યુલેટર’ જેવા સોફ્ટવેરની મદદ લેવામાં આવે છે.

હાલના સમયમાં, ‘અનરિઅલ એન્જિન’ કે ‘યુનિટી’ જેવાં ટૂલ્સ આ ફિલ્ડ માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યાં છે. આ પ્રકારના ટૂલ્સમાં સમગ્ર પ્રોજેક્ટનું એન્વાયર્નમેન્ટ તૈયાર કરવામાં આવે છે.

તમને આ ફીલ્ડમાં રસ હોય તો ક્યારેક અનરિયલ એન્જિન (unrealengine.com) કે યુનિટી (unity.com) જેવી સાઇટમાં લટાર મારી જોજો. તમે ગેમ ડેવલપમેન્ટ કે એનિમેશન કે વીએફએક્સ જેવા ફીલ્ડમાં આગળ વધી રહ્યા હશો તો આ નામ તમારે માટે અજાણ્યાં નહીં હોય. તમે ગેમના રસિયા હશો તો પણ આ નામ તમારે માટે અજાણ્યાં નહીં હોય.

વાસ્તવમાં આ બંને ગેમ ડેવલપમેન્ટ માટે જ સર્જાયેલાં પ્લેટફોર્મ છે. દુનિયાની લગભગ તમામ, બહુ જાણીતી ગેમ્સ આ બંનેમાંથી કોઈ એક પ્લેટફોર્મ પર ડેવલપ થયેલી છે. આમાંથી અનરિયલ એન્જિન પ્લેટફોર્મ ડેવલપ કરનારી એપિક કંપનીએ તો હવે એટલું કાઠું કાઢ્યું છે કે તે કમાણીમાં ભાગના મુદ્દે એપલ અને ગૂગલ જેવી કંપની સામે શિંગડાં ભરાવી શકે છે.

અત્યારે હોલીવૂડના મોટા મોટા સ્ટુડિયો આ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે અને છતાં, ઇચ્છો તો તમે પણ એના પર હાથ અજમાવી શકો છો, કેમ કે તમારે માટે આ વર્લ્ડ બેસ્ટ ટૂલ્સ બિલકુલ મફત છે!

જેમ કે અનરિયલ એન્જિનનું બિઝનેસ મોડેલ એવું છે કે એની મદદથી બનાવેલ ક્રિએશનથી તમે ૧૦ લાખ ડોલરથી વધુ કમાણી કરો તો તમારે કંપનીને રોયલ્ટી આપવી પડે છે, બાકી નહીં! સાઇટ પર બિગિનર્સ માટે પાર વગરનું લર્નિંગ મટિરીયલ પણ ઉપલબ્ધ છે.

પ્રોજેક્ટની તૈયારી માટેની આખી પ્રક્રિયા દરમિયાન જે તે પ્રોજેક્ટને સંબંધિત ફાઇલ્સ જુદા જુદા સોફ્ટવેરમાં તૈયાર થઈ હોય છે. તેનો ટ્રેક રાખવાની જવાબદારી અન્ય એક આર્ટિસ્ટ સંભાળે છે. પ્રોજેક્ટના કનસેપ્ટને રિઅલાઇઝ કરવા સંબંધિત બધું કામ અલગ અલગ સોફ્ટવેરમાં થઈ જાય એ પછી અનરિઅલ, યુનિટી કે ન્યૂક જેવા સોફ્ટવેરમાં તેનું કમ્પોઝિશન કરવામાં આવે છે. આ આખી વાતમાં પ્રોજેક્ટની જરૂરિયાત અનુસાર મોશન કેપ્ચર ટેકનોલોજી પણ કામે લગાડવામાં આવે છે.

મહાકાય ગોરિલાના ચહેરા પર માણસ જેવા હાવભાવ લાવવાનું કામ કમ્પ્યૂટર પર કરવામાં આવે તો એ કદાચ ધારી અસર ઊભી ન કરી શકે. એ માટે જીવતા જાગતા એકટર પાસે ગોરિલા જેવી એક્ટિંગ કરાવવામાં આવે છે. એ સમયે તેના સમગ્ર શરીર પર અસંખ્યા નોડ્સ લગાવવામાં આવે છે, જેની મદદથી એ એકટરની દરેક મૂવમેન્ટ કમ્પ્યૂટરમાં કેપ્ચર કરવામાં આવે છે. પછી તેના પર કેરેકટરના થ્રીડી મોડેલ્સ ઇમ્પોઝ કરવામાં આવે છે! આ બધું કામ પૂરું થાય એટલે પ્રી-પ્રોડક્શનનું કામ લગભગ પૂરું થાય છે.

આપણે જોયું તેમ ગેમિંગ કે મૂવી અથવા અન્ય પ્રકારના એનિમેશન કે વિઝ્યુઅલ ઇફેક્ટ ધરાવતા પ્રોજેક્ટમાં જુદા જુદા અનેક પ્રકારના આર્ટિસ્ટની ભૂમિકા હોય છે. હવે આપણા દેશની કોલેજ અને યુનિવર્સિટિઝમાં પણ આ માટેના સ્પેશિયલાઇઝ્ડ ડિગ્રી કોર્સિસ શરૂ થયા છે. એ સિવાય તમે કોઈ પણ સ્ટ્રીમમાં ડિગ્રી મેળવ્યા પછી કે તેની સાથોસાથ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં આ પ્રકારના કોર્સ કરી શકો છો.

સામાન્ય રીતે આવા કોર્સમાં શરૂઆતના તબક્કામાં એડોબ ફોટોશોપ, કોરલ ડ્રો, એડોબ ઇલેસ્ટ્રેટર વગેરે પ્રોગ્રામમાં ટુડી ગ્રાફિક્સ શીખવવામાં આવે છે.

ત્યાર પછીના તબક્કામાં ટુડીમાંથી થ્રીડી ડ્રોઇંગ્સ અને કેરેકટર્સ કેવી રીતે તૈયાર કરવા તેની સમજ આપવામાં આવે છે તથા માયા, હૂડીની વગેરે સોફ્ટવેરનો પરિચય કરાવવામાં આવે છે. આ સાથે ઉપર વર્ણવ્યા મુજબના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટેના અન્ય વિવિધ પ્રકારના સોફ્ટવેરની સમજ પણ આપવામાં આવે છે. ત્રીજા તબક્કામાં વિદ્યાર્થી પોતાના રસ અને ફાવટ અનુસાર કોઈ ચોક્કસ પ્રકારના કામ પર ફોકસ કરીને તેમાં સ્પેશિયલાઇઝેશન કેળવી શકે છે.

ગેમ્સ ડેવલપ કરતી મોટી કંપની કે મૂવીઝ માટેના મોટા સ્ટુડિયોમાં દરેક પ્રકારનાં કામ તથા સોફ્ટવેરની માસ્ટરી ધરાવતા અલગ અલગ આર્ટિસ્ટ માટે જોબની તક હોય છે.

આ ફીલ્ડના સ્ટુડન્ટ પોતાના અભ્યાસ દરમિયાન જે જે ક્રિએશન તૈયાર કરે તેને આર્ટસ્ટેશન (www.artstation.com), ડેવિયનઆર્ટ (www.deviantart.com) કે બીહેન્સ (www.behance.net) પોર્ટલ પર રજૂ કરી શકે છે. આ રીતે તેમનો પોતાનો એક પોર્ટફોલિયો ડેવલપ થતો જાય છે. આ ફીલ્ડમાં વિવિધ કંપની કે સ્ટુડિયોમાં જોબ ઉપરાંત માર્કેટ પ્લેસ જેવા પોર્ટલ્સ પર પોતાની સ્કિલ અને ક્રિએશન્સ સેલ કરવાની તક પણ હોય છે.

જો ભારોભાર કલ્પનાશક્તિ હોય તો આ ફિલ્ડમાં તમારી કલ્પનાથી પણ આગળ વધી શકો છો!

ક્રિએટિવ ટૂલ્સ/સોફ્ટવેર

કમ્યુનિટી પ્લેટફોર્મ્સ/માર્કેટપ્લેસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!