(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માણો અનોખા ફ્લાઇટ સિમ્યુલેટરની મજા

હિમાલય પર કે નાયગ્રા ફોલ્સ પર જાતે પ્લેન ઊડાડવાની મજા માણવી છે? એ શક્ય છે!

ઉત્તરાયણમાં ધાબે ચઢીને તમે પતંગ ચગાવો ત્યારે ક્યારેક તો એવો વિચાર આવતો જ હશે કે પતંગ સાથે આપણને પણ આકાશમાં ઊડવા મળે તો કેવું? પતંગની આંખે દુનિયા જોવા મળે તો કેવું? તમે આવો અનુભવ કરી શકો છો!

એટલું જ નહીં, અમદાવાદના કાંકરિયા (જુઓ આગળનો સ્ક્રીનશોટ, આપણે જેની વાત કરવાના છીએ તે સર્વિસ પર પેરાગ્લાઇડિંગ કરતાં જ લીધેલો સ્ક્રીનશોટ છે) કે આબુના નખી લેક પર પેરાગ્લાઇડિંગની મજા માણી શકો, હોટ એર બલૂનમાં મરીન ડ્રાઇવ પરથી મુંબઈની સ્કાયલાઇન જોઈ શકો, હેલિકોપ્ટરમાંથી રુદ્રપ્રયાગના ત્રિવેણી સંગમનાં દર્શન કરી શકો, ચાહો તો પર્સનલ બોઇંગ જેટ પ્લેનમાં પેરિસના એફિલ ટાવર, સિડનીના ઓપેરા હાઉસ કે નાયગ્રા ફોલ્સ ઉપર પણ લટાર મારી શકો!

યસ, તમારું અનુમાન સાચું છે, વાત ગૂગલ અર્થ જેવી જ છે, પણ એની નથી!

ગૂગલ અર્થ હવે તો સ્માર્ટફોનમાંની એપ અને વેબ વર્ઝન સ્વરૂપે પણ ઉપલબ્ધ છે એટલે આપણે પીસીમાં કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યા વિના, ફક્ત ગૂગલ અર્થની વેબસાઇટ પર જઈને કે તેની એપમાં કંઈક અંશે ઉપર લખ્યા એવા અનુભવ માણી શકીએ છીએ. ગૂગલ અર્થ પ્રોગ્રામ આ પહેલાં એક ડાઉનલોડેબલ સોફ્ટવેર તરીકે ઉપલબ્ધ હતો. તમે તમારા પીસીમાં એ પ્રોગ્રામ ડાઉનલોડ કરીને તેનાં બધાં પાસાં તપાસ્યાં હશે તો તમને કદાચ યાદ હશે કે તેમાં ‘ફ્લાઇટ સિમ્યુલેટર’ નામનું એક ફીચર હતું. તેની મદદથી આપણે ગૂગલ અર્થમાં, પૃથ્વીનાં વિવિધ સ્થળો પર પ્લેન ઊડાડી રહ્યા હોઇએ એવો અનુભવ માણી શકતા હતા.

પરંતુ ગૂગલ અર્થ સોફ્ટવેરમાંનું એ ફીચર બહુ મર્યાદિત હતું. દુનિયાના એક ખૂણે, નેધરલેન્ડ્સમાં બેઠેલા ઝેવિયર તસીન નામના એક ડેવલપરને એટલાથી સંતોષ નહોતો.

તેણે ગૂગલના પાર વગરના એન્જિનીયર્સે જે વિચાર્યું નહોતું એ કર્યું – તેણે ૨૦૧૦માં, ગૂગલ અર્થ પર જ, જુદા જુદા પ્રકારના એરક્રાફ્ટ પસંદ કરી, પૃથ્વી પરનું કોઈ પણ લોકેશન પસંદ કરી તેના પર ઉડાનની મજા માણી શકાય અને આકાશમાંથી, ગૂગલ અર્થની મદદથી પૃથ્વીદર્શન કરી શકાય એવી વેબસર્વિસ વિક્સાવી. નામ આપ્યું GEFS (ગૂગલ અર્થ ફ્લાઇટ સિમ્યુલેશન). આપણે ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૩ અંકમાં એ વિશે વાત કરી ગયા છીએ).

ગૂગલ અર્થનો પ્રકાર બદલાયો એ અરસામાં ઝેવિયરે પોતાની વેબસર્વિસને બીજા એક ઓપનસોર્સ પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરી. આ પ્લેટફોર્મ ગૂગલ અર્થની જેમ, આખી દુનિયાની ફોટો-રિયલિસ્ટિક ઇમેજરી પૂરી પાડે છે. ઝેવિયરે એ સાથે બીજા કેટલાક ફેરફાર પણ કર્યા. હવે તેની સાઇટનું નામ છે સાઇટ છે www.geo-fs.com. મેપ માટે તેણે ઓપનસ્ટ્રીટમેપ સર્વિસ પસંદ કરી અને બીજાં ફીચર્સ પણ ઉમેર્યાં. એ સાથે સર્વિસને ફ્રી અને પેઇડ એમ બે વર્ઝનમાં વહેંચી.

જિઓ-એફએસના ફ્રી વર્ઝનમાં, પૃથ્વી પરનો ૧૦ મીટરનો વિસ્તાર સ્ક્રીન પર એક પિક્સેલમાં દેખાય એવું રેઝોલ્યુશન મળે છે. જ્યારે પેઇડ વર્ઝનમાં માઇક્રોસોફ્ટ બિંગની મદદથી, એક મીટર કરતાં પણ ઓછો વિસ્તાર એક પિક્સેલમાં સમાય એવું હાઇ-રેઝોલ્યુશન મળે છે. આ ફર્ક બહુ મોટો છે. તમારું પીસી પાવરફુલ હોય તો એચડી વર્ઝન એક દિવસ પૂરતું મફતમાં ટ્રાય કરવા જેવું છે!  ગૂગલ સર્ચમાં તમે geo-fs સર્ચ કરશો તો તેની ઓળખ એક ‘વીડિયો ગેમ’ તરીકે આપવામાં આવેલી જોશો, પણ તેને સાદી વીડિયો ગેમ સમજવાની ભૂલ કરવા જેવી નથી.

આ સિમ્યુલેટરમાં આપણે જુદા જુદા પ્રકારનાં એરક્રાફ્ટ જુદાં જુદાં લોકેશન પર ઊડાડવાની મજા માણી શકીએ છીએ.

કેમ? આ રહ્યાં કારણો… જિઓ-એફએસમાં તમે વીસ જેટલાં વિવિધ પ્રકારનાં એરક્રાફ્ટ (પાઇપર કે ગ્લાઇડરથી લઈને હેલિકોપ્ટર અને બોઇંગ જેટ સુધીની રેન્જ)માંથી કોઈ પણ પસંદ કરી શકો છો. પછી દુનિયાનું કોઈ પણ લોકેશન સર્ચ કરી એ જગ્યા પર એ એરક્રાફ્ટ ઊડાડવાનો અનુભવ કરી શકો છો.

કેવાં એરક્રાફ્ટમાં ઉડાન ભરી શકાય?
  • આ સિમ્યુલેટર વેબ વર્ઝન તથા મોબાઇલ એપ્સ સ્વરૂપે ઉપલબ્ધ છે. બંનેમાં ફ્રી અને પેઇડ વર્ઝન છે. હાઇ-રેઝોલ્યુશન ઇમેજીસ માત્ર પેઇડ વર્ઝનમાં ઉપલબ્ધ છે. ફ્રી વર્ઝનમાં પણ, એપ કરતાં વેબ વર્ઝનમાં વધુ ફીચર્સ છે! અલબત્ત, પીસી કે સ્માર્ટફોન બંને પાવરફુલ જોઈશે!
  • વેબ વર્ઝનમાં કશું જ ડાઉનલોડ કરવાની જરૂર નથી. પીસી/લેપટોપમાં www.geo-fs.com પર જઈ, સીધા જ મથાળેના ‘ફ્લાય’ બટન પર ક્લિક કરી, પ્લેન ઉડાવવાનું શરૂ કરી શકો છો.
  • બાજુમાં બતાવ્યા મુજબનાં, વીસેક પ્રકારનાં એકક્રાફ્ટમાંથી કોઈ પણ પસંદ કરી શકો છો.
  • એ સાથે પૃથ્વીનું કોઈ પણ લોકેશન પસંદ કરી શકો છો અથવા ૩૦,૦૦૦ જેટલા રનવેમાંથી કોઈ પણ પસંદ કરી, તેના પર માઉસના ઇશારે પ્લેનને દોડતું કરી ટેક-ઓફ કરી શકો છો!
  • ટચૂકડું પાઇપર પ્લેન, હેલિકોપ્ટર, પેરાગ્લાઇડર, હોટ એર બલૂન કે વિરાટ બોઇંગ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે!

આ ફ્લાઇટ સિમ્યુલેશન પ્લેનના ટેક-ઓફ અને લેન્ડિંગનો પણ અનુભવ આપે છે. ઇચ્છો તો પૃથ્વીનાં ત્રીસ હજાર જેટલાં એરપોર્ટમાંથી કોઈ પણ પસંદ કરતાં, તેના રનવે પર તમે પસંદ કરેલું પ્લેન ગોઠવાઈ જાય છે. પ્લેનનું થ્રોટલ (આપણું એક્સિલરેટર!) ઓન કરતાં પ્લેન રનવે પર દોડવા લાગે છે, પૂરતી ગતિ મળ્યા પછી, પાઇલટ પ્લેનનું હેન્ડલ (પાઇલટની ભાષામાં ‘યોક’, આપણી ભાષામાં પ્લેનનું હેન્ડલ કે સ્ટીઅરિંગ વ્હીલ!)  પોતાની બાજુ ખેંચે એ રીતે આપણે માઉસને હળવેથી પાછળની બાજુ ખેંચીએ એ સાથે પ્લેન જમીનથી અદ્ધર થઈને હવામાં તરતું થઈ જાય છે. (મોબાઇલમાં થોડી જુદી વિધિ છે, પરંતુ ફલાઇટ સિમ્યુલેશનની મજા મોટા સ્ક્રીન પર જ છે).


આ ફ્લાઇટ સિમ્યુલેટર ભૌતિકશાસ્ત્રના બધા નિયમોનું પૂરેપૂરું પાલન કરે છે એટલે પ્લેનના વજન અનુસાર તેને પૂરતી ગતિ મળી નહીં હોય તો એ ટેક-ઓફ થશે નહીં.

ઉડાનની મજા કેવી રીતે માણશો?

જિઓ-એફએસની એન્ડ્રોઇડ-આઇઓએસ એપ્સ છે, પણ તેની મજા પીસીના મોટા સ્ક્રીન પર છે. અલબત્ત, ફ્રી વર્ઝનમાં સેટેલાઇટ ઇમેજીસનું નબળું રેઝોલ્યુશન આપણી મજા ઓછી કરે છે. તમે ક્રોમ, ફાયરફોક્સ જેવા કોઈ પણ બ્રાઉઝરમાં www.geo-fs.com પર જઈ, ‘ફ્લાય’ બટન ક્લિક કરીને પ્લેન ઊડાવવાની શરૂઆત કરી શકો છો.

તમે ઇચ્છો તો સાઇટ પર તમારું એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો, જોકે ફ્રી વર્ઝન માટે પણ એ જરૂરી નથી. સિમ્યુલેટર લોડ થતાં શરૂઆતમાં કોઈ સ્થળે હવામાં પ્લેન ઊડતું દેખાશે અને તમે તેને માઉસથી કંટ્રોલ કરી શકશો (શરૂઆતમાં કંટ્રોલ નહીં જ થાય અને પ્લેન ક્રેશ થશે!).

સ્ક્રીન પર નીચેની બાજુએ એરક્રાફ્ટ, લોકેશન અને કેમેરા મોડ પસંદ કરવાના વિકલ્પ મળશે. તેમાં એરબસ જેવું ભારે પ્લેન લેશો તો તેને કંટ્રોલ કરવું સહેલું રહેશે.

સાથે તમે કોઈ પણ રનવે પસંદ કરી તેના પર પ્લેન ગોઠવાય એટલે  પ્લસ કે માઇનસ કી થી પ્લેનને દોડતું કરી શકશો અને સ્પીડ પકડ્યા પછી માઉસ સહેજ પાછળ ખેંચતાં પ્લેન હવામાં તરતું થઈ જશે!

પ્લેન હવામાં તરતું થયા પછી તમે હળવા ઇશારે તેને ઉપર-નીચે લાવી શકશો કે ડાબે-જમણે લઈ જઈ શકશો (પતંગને ઝોલ આપવાની જેમ, ફક્ત હાથ દુઃખશે નહીં!).

હવે બરાબર વાંચજો. એ ક્ષણે, પૃથ્વી પરના એ ભાગ પરના આકાશમાં જેવું હવામાન હશે એ જ અનુભવ તમને મળશે. આ માટે ઓપન વેધર મેપમાંથી રીયલ-ટાઇમ ડેટા મેળવવામાં આવે છે. એટલે એ ક્ષણે, એ સ્થળે ઊડતા કમર્શિયલ પ્લેનના પાઇલટ કે પેસેન્જર પોતાના વિન્ડશીલ્ડ કે વિન્ડોમાંથી વરસાદ જોઈ રહ્યા હોય તો આપણે પણ જોઈ શકીએ!

મેપ પર બીજા યૂઝર્સનાં પ્લેન પણ જોઈ શકાય છે તેમ જ પોતાની ફ્લાઇટ સાથોસાથ પણ બીજાનાં પ્લેન જોઈ શકાય છે

આ સિમ્યુલેટરના દરેક નવા એરક્રાફ્ટમાં વર્ચ્યુઅલ કોકપિટ આપવામાં આવી છે. પ્લેન ઊડાડતી વખતે તમે પીસીના કીબોર્ડમાં ‘સી’ કી પ્રેસ કરી, વિવિધ કેમેરા પસંદ કરી શકો છો, જેથી આપણે પ્લેનની અંદર હોઈએ ત્યારનો કે પ્લેનની બહારથી પ્લેનને જોઈ રહ્યા હોઈએ એવો વ્યૂ પસંદ કરી શકાય છે. કેટલાંક એર-ક્રાફ્ટમાં ઓટોપાઇલટ મોડ પણ છે.

તપાસવા જેવાં અન્ય સિમ્યુલેટર્સ

ફ્લાઇટ સિમ્યુલેશન એટલે કે ઘેરબેઠાં, પ્લેનની કોકપીટમાં બેઠા હોઈએ એ રીતે પ્લેન ઊડાવવાની મજા ઘણા લોકો માટે કાયમી હોબી બની શકે છે, જોકે એ માટે થોડી ધીરજ, સોફ્ટવેર ડાઉનલોડ તથા ઇન્સ્ટોલ કરવા સંબંધિત થોડી જાણકારી જરૂરી છે. મુખ્ય લેખમાં જેની વાત કરી તે જિઓ-એફએસ બ્રાઉઝર બેઝ્ડ હોવાથી તેમાં કશું જ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, પણ અન્ય લગભગ તમામ ફ્લાઇટ સિમ્યુલેટર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવા પડે તેવા સોફ્ટવેર સ્વરૂપે ઉપલબ્ધ છે.

આ ફ્રી સિમ્યુલેટર્સ તપાસી શકાય ઃ www.flightgear.org, ysflight.org

આવા પ્રોગ્રામ ઓપન-સોર્સ અને તદ્દન ફ્રી છે એટલે તમે જાણકાર હો તો તેમાં ફેરફાર પણ કરી શકો છો. જોકે આવા પ્રોગ્રામના બેઝ વર્ઝનમાં કેટલીક પ્રાથમિક અને અનિવાર્ય બાબતો જ સામેલ હોય છે, બાકીની બાબતો જેમ કે દુનિયાના જુદા જુદા ભાગની ઇમેજરી આપણે અલગથી ઇન્સ્ટોલ કરવી પડે છે.

કેટલાંક ફ્લાઇટ સિમ્યુલેટર્સ પહેલા અને બીજા વિશ્વયુદ્ધના બેકગ્રાઉન્ડ સાથે એ સમયનાં ફાઇટર પ્લેન્સ ઉડાડવાની પણ તક આપે છે. તમે એન્ડ્રોઇડ અને આઇફોનમાં પણ જુદી જુદી ફ્લાઇટ સિમ્યુલેટર એપ્સ શોધી શકો છો.

ફ્લાઇટ સિમ્યુલેટરની વાત નીકળે ત્યારે માઇક્રોસોફ્ટ ફ્લાઇટ સિમ્યુલેટરના ઉલ્લેખ વિના વાત અધૂરી રહે. માઇક્રોસોફ્ટ ઇમેજરી, ક્લાઉડ કમ્પ્યૂટિંગ તથા સંખ્યાબંધ કસ્ટમાઇઝેશન ઓપ્શન તેને ટોપ ચોઈસ બનાવે છે, પણ  એ સારા હાર્ડવેર માટે પણ હેવી સાબિત થઈ શકે છે અને ખાસ તો, પેઇડ છે!

સિમ્યુલેટરના ફ્રી વર્ઝનમાં પણ મલ્ટિ-પ્લેયર સુવિધા છે, એટલે તમે કોઈ સ્થળે પ્લેન ઊડાડી રહ્યા હો ત્યારે એ જ સ્થળે બીજા કોઈ યૂઝર પણ પ્લેન ઊડાડી રહ્યા હોય એ તમને જોવા મળે. એટલું જ નહીં, તમે ફેસબુકથી લોગ્ડ-ઇન હો તો બીજા યૂઝર સાથે વાતચીત પણ કરી શકો.

બીજા યૂઝર ઉપરાંત, બરાબર એ જ ક્ષણે તમારી આસપાસથી કોઈ વાસ્તવિક કમર્શિયલ પ્લેન પસાર થઈ રહ્યું હોય તો એના વિશે પણ તમે જાણી શકો. અહીં ઓપન ડેટા મેળવી એક લાઇવ એર ટ્રાફિક મેપ મેઇન્ટેઇન કરવામાં આવે છે, તેના પર જે તે જિઓ-એફએસના અન્ય યૂઝર્સનાં પ્લેન જોઈ શકાય છે અથવા એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ના વ્યૂ મુજબ, જે તે ક્ષણે આકાશમાં ઊડી રહેલાં લગભગ તમામ વાસ્તવિક પ્લેનનાં લોકેશન જોઈ શકાય છે!

હવે આ ફ્લાઇટ સિમ્યુલેટરે એક કમ્યુનિટીનું સ્વરૂપ લઈ લીધું છે એટલે દુનિયાના જુદા જુદા ખૂણેથી ઉત્સાહી ડેવલપર્સ-ડિઝાઇનર્સ તેમાં પોતાની રીતે નવાં એરક્રાફ્ટ્સ ઉમેરે છે અને તેની કોકપિટને શક્ય એટલું વાસ્તવિક સ્વરૂપ આપવાની કોશિશ કરે છે.

આ સાથે આવાં બીજાં કેટલાંક ફ્લાઇટ સિમ્યુલેટર્સ પણ આપ્યાં છે, પરંતુ જિઓ-એફએસની મજા એ છે કે તેમાં પીસીમાં કશું જ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. તેનો યૂઝર ઇન્ટરફેસ સરળ છે, જોકે શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી શકે છે. ફ્લાઇટ સિમ્યુલેશન ફક્ત બે ઘડીની મજા નથી, એ વ્યક્તિની આંખમાં ઊંચે ઊડવાનાં સપનાં આંજી શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!