
કોવિડને કારણે આપણા સૌનો વોટ્સએપનો વપરાશ વધી ગયો છે. વડીલો તો વોટ્સએપ પર બહુ પહેલેથી સક્રિય હતા અને હવે ઓફિસના કામકાજ તેમજ ઓનલાઇન સ્કૂલિંગ માટે પણ પરિવારમાં વોટ્સએપનો વપરાશ વધ્યો છે!
અગાઉ વિદ્યાર્થીઓ દસમા ધોરણ કે બારમા ધોરણમાં પહોંચે તે પછી તેમના હાથમાં પોતાનો મોબાઇલ ફોન આવતો હતો. હવે તેમને આગવો ફોન આપ્યા વગર છૂટકો રહ્યો નથી. આ સ્થિતિમાં નાના મોટા સૌ કોઈ પોતાના નંબર સાથે વોટ્સએપ પર એક્ટિવ થઈ ગયા છે.
આપણા દેશમાં વોટ્સએપ એપ અન્ય કોઈ પણ એપ કરતાં વધુ સંખ્યામાં લોકો સુધી પહોંચી છે અને વોટ્સએપમાં એકાઉન્ટ માટે માત્ર મોબાઇલ નંબર હોવો જરૂરી છે. મતલબ કે કોઈને કોઈ મોબાઇલ નંબર સાથે વોટ્સએપ એકાઉન્ટ જોડાયેલું હોય તેવી પૂરી શક્યતા છે. જેમ, ફોન નંબર હોય તેને એસએમએસ મળે જ, કંઈક એવું જ વોટ્સએપનું થવા લાગ્યું છે. આ વાતનો વોટ્સએપ પર માર્કેટિંગ કરનારા અમુક લોકો ગેરલાભ લઈ રહ્યા છે. હમણાં ધ્યાનમાં આવ્યું છે કે ઘણા લોકો વોટ્સએપમાં ગ્રૂપ બનાવીને તેમાં બિલકુલ રેન્ડમ રીતે ફોન નંબર એડ કરી રહ્યા છે (ચૂંટણીઓ વખતે પણ આવું ધમધોકાર રીતે થતું હોય છે!) અમુક કિસ્સાઓમાં તો વોટ્સએપમાં બનાવેલા ગ્રૂપમાં સિરિયલાઇઝ્ડ નંબર ઉમેરવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું છે!
સામાન્ય રીતે વોટ્સએપમાં મિત્રો, સ્વજનોના ગ્રૂપ ઉપરાંત પોતાને ગમતું કન્ટેન્ટ આપતા ગ્રૂપમાં લોકો સ્વેચ્છાએ જોડાતા હોય છે. અનેક લોકો વોટ્સએપની ગ્રૂપ સુવિધાનો લાભ લઇને અમુક ચોક્કસ વિષયનું અથવા તો વિવિધ વિષયોનું પરંતુ ખરેખર સારું અને ઉપયોગી કન્ટેન્ટ શેર કરતા હોય છે. આ રીતે વોટ્સએપ ગ્રૂપનો યોગ્ય ઉપયોગ કરતા લોકો એ વાતની તકેદારી રાખતા હોય છે કે અન્ય યૂઝર્સ તેમાં સ્વેચ્છાએ જોડાય.

જ્યારે ધરાર માર્કેટિંગ માટે વોટ્સએપનો ઉપયોગ કરતા લોકો આવી તકેદારી રાખતા નથી. આગળ કહ્યું તેમ આવા લોકો આપણી મરજી ધ્યાનમાં લીધા વિના આપણને ધરાર વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરી દેતા હોય છે. આવા ગ્રૂપ્સમાં સામાન્ય બિઝનેસ પ્રમોશનનું મટીરિયલ હોય તો હજી સમજી શકાય, પરંતુ છેતરપિંડી કે જોખમી લિંક પર લઈ જતું કન્ટેન્ટ શેર કરવા માટે પણ આવા ગ્રૂપ્સનો ઉપયોગ થઈ શકે છે.
તમારા પરિવારમાં વડીલો કે બાળકોના મોબાઇલમાં વોટ્સએપ હોય તો એવું સેટિંગ કરવું જરૂરી છે કે અમુક વિશ્વાસપાત્ર લોકો જ તેમને પોતાના વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરી શકે.
આ માટે વોટ્સએપ એપના સેટિંગ્સમાં જાઓ. તેમાં એકાઉન્ટમાં પ્રાઇવસીમાં જાઓ અને તેમાં ગ્રૂપ્સમાં માત્ર ફોનમાંના કોન્ટેક્ટ્સ તમને ગ્રૂપમાં ઉમેરી શકે એવું સેટિંગ કરવું હિતાવહ રહેશે!
દરમિયાન, વોટ્સએપનાં બીજાં કેટલાંક સેટિંગ્સ પર પણ નજર ફેરવી લેવા જેવી છે. વોટ્સએપમાં પ્રાઇવસીનો મુદ્દો હજી ચર્ચાઈ રહ્યો છે ત્યારે તો ખાસ.
જો આપણે વોટ્સએપની નવી શરતો સ્વીકારીને વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવાના હોઈએ તો તેની કેટલીક ખાસ બાબતો તરફ ધ્યાન આપવું જોઇએ. ઇન્ટરનેટની બધી સર્વિસની જેમ, વોટ્સએપનો પણ માત્ર ઉપયોગ કરવાને બદલે ક્યારેક ક્યારેક તેનાં સેટિંગ્સમાં પણ ઊંડા ઊતરવા જેવું છે. દરેક બાબતની સીધી ને આડકતરી અસરો સમજીને, આપણી અનુકૂળતા મુજબ સેટિંગ્સમાં ફેરફાર કરતા રહીએ તો તેના લાભ છે.
પછી વોટ્સએપ શું, કોઈ સર્વિસ મોટું જોખમ નહીં બને!

આપણું કોન્ટેક્ટ લિસ્ટ લોકો માટે આપણા વોટ્સએપ એકાઉન્ટનો દરવાજો છે. તમારા કોન્ટેક્ટ લિસ્ટ પર નજર ફેરવતા રહો અથવા વોટ્સએપનાં સેટિંગ્સમાં કોણ તમારી બાબતો પર નજર ફેરવી શકે છે એ તપાસતા રહો. બહુ જૂના નંબર્સ, જેમની સાથે હવે તમારો સંપર્ક કે કામકાજ નથી તેમને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી દૂર કરશો તો એ લોકો વોટ્સએપ મારફત તમારી પર નજર રાખી શકશે નહીં.

આપણો પ્રોફાઇલ ફોટો, જો અમુક ખાસ સેટિંગ્સ આપણે ન કર્યાં હોય તો, આપણા કોન્ટેક્ટ્સ લિસ્ટમાંના તમામ લોકો જોઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી તેમાં ગ્રૂપ ફોટો, તમારા વાહનનો રજિસ્ટ્રેશન નંબર, વગેરે વિગતો દેખાય એવા ફોટો પ્રોફાઇલ પિક્ચર તરીકે મૂકવાનું ટાળવું જોઈએ. અથવા, વોટ્સએપનાં સેટિંગ્સમાં જઈને માત્ર અમુક લોકો તમારું પ્રોફાઇલ પિક્ચર જોઈ શકે એવું સેટિંગ કરી શકાય.

વોટ્સએપનો તમે તમારા બિઝનેસ, પ્રોડક્ટ કે સર્વિસના પ્રમોશન માટે ઉપયોગ કરતા હો તો જુદી વાત છે, બાકી તમે જે સ્ટેટસ મૂકો તે તમામ લોકો જુએ તે ઇચ્છનીય નથી (ફરી, ચાર વર્ષ પહેલાં આપણા ઘરે કામ કરતા ઘાટીનો નંબર પણ આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં હશે તો તમારું સ્ટેટસ એ પણ જોશે!). આથી એક વાર સેટિંગ્સ તપાસી, તમારાં સ્ટેટસ કોણ જોઈ શકે એ નક્કી કરી લેવું ઠીક રહેશે.

સૌ સગાસંબંધી, મિત્રોને આપણી માટે ખરી લાગણી હશે એટલે એ રોજ સવારે ગુડ મોર્નિંગ કે જીવન જીવવાના બોધપાઠ ભલે મોકલે, આપણે એ બધી ઇમેજ જોવી જરૂરી ન હોય તો એ ઓટોમેટિકલી ડાઉનલોડ ન થાય એવું સેટિંગ બહુ કામ લાગશે. ઉપરાંત આપણે જોયેલી (ડાઉનલોડ કરેલી) ઇમેજ આપણી ગેલેરીમાં ન દેખાય એવું સેટિંગ પણ કરી શકાય, બસ સેટિંગ્સ તપાસવાં પડશે!


