સ્માર્ટફોનના આ યુગમાં આમ તો આ બંને શબ્દો આપણે માટે અજાણ્યા નથી. તેનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ, પરંતુ બંને વિશે ખાસ સ્પષ્ટતા ન હોય એ શક્ય છે.
બ્લુટૂથ આપણે માટે વધુ જાણીતી ટેકનોલોજી છે કારણ કે પાસે પાસે રહેલા બે સ્માર્ટફોનમાં બ્લુટૂથ ઓન કરીને તેની મદદથી આપણે ઘણી વાર ગીતો કે અને ફાઇલ્સની આપલે કરી ચૂક્યા છીએ! એનએફસી (નીયર ફિલ્ડ કમ્યુનિકેશન) એના જેવી જ ટેકનોલોજી હોવા છતાં તે આપણે માટે થોડી વધુ અજાણી હોઈ શકે છે.
વાસ્તવમાં આ બંને લગભગ સરખી પણ અલગ અલગ પ્રકારની વાયરલેસ ટેકનોલોજી છે. નવા સમયમાં જુદાં જુદાં સાધનોને વાયરની મદદ વિના એકમેક સાથે કનેક્ટ કરવાનું ચલણ વધ્યું છે. બ્લુટૂથ અને એનએફસી આવી વાયરલેસ ટેકનોલોજી છે જેની મદદથી નજીક રહેલાં બે સાધનો વચ્ચે ઝડપથી અને સલામત રીતે ડેટા ટ્રાન્સફર થઈ શકે છે. આ બંને ટેકનોલોજી શોર્ટ રેન્જ પર કામ કરે છે એટલે કે તેનો ઉપયોગ કરવા માટે સાધનો એકમેકની નજીક હોવાં જરૂરી છે.
બ્લુટૂથ ઘણી જૂની ટેકનોલોજી છે. તેનો ઉપયોગ કરવા માટે આપણે બંને સાધનમાં કેટલાંક સેટિંગ કરીને બંને સાધનનું ‘પેરિંગ’ કરવું પડે એટલે કે બંને સાધન એકમેક સાથે કનેક્ટ કરવાં પડે અને પછી બંને વચ્ચે ડેટા ટ્રાન્સફર શક્ય બને છે. આ ટેકનોલોજી હવે ઘણી આગળ વધી ગઈ છે અને સ્માર્ટફોન, લેપટોપ, સ્પીકર, ગેમિંગ સાધનો, વાયરલેસ હેડફોન્સ, કારની ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. આ ટેકનોલોજીમાં એક સાધન માસ્ટર ડિવાઇસ તરીકે કામ કરી છે અને તેને એક સાથે બીજાં સાત ડિવાઇસ સાથે બ્લુટૂથથી એક જ સમયે કનેક્ટ કરી શકાય છે. બ્લુટૂથથી એકમેકથી ૧૦ મીટર કરતાં ઓછા અંતરે રહેલ સાધન વચ્ચે વાયરલેસ ડેટા ટ્રાન્સફર કરી શકાય છે.
બ્લુટૂથની સરખામણીમાં એનએફસી ખાસ્સી નવી અને વધુ ઝડપી પ્રક્રિયા છે. બ્લુટૂથની જેમ તેમાં બે સાધનો વચ્ચે પેરિંગ કરવું પડતું નથી.માત્ર એક સાધનને બીજા સાધનની તદ્દન નજીક લાવતાં બંને આપોઆપ કનેક્ટ થાય છે.
આનું સૌથી સાદું ઉદાહરણ એનએફસીની સગવડ ધરાવતાં બેન્ક કાર્ડ છે. આપણી પાસે આવું કાર્ડ હોય અને પેમેન્ટ લેનાર દુકાનદાર પાસે એનએફસી કાર્ડ રીડ કરી શકે તેવું સાધન હોય તો આપણે પોતાનું કાર્ડ એ મશીનમાં સ્વાઇપ કરવાની પણ જરૂર નહીં.
આપણું કાર્ડ સામેના સાધનની નજીક લઈ જતાં બંને વચ્ચે જોડાણ સ્થાપિત થાય અને પેલું સાધન કાર્ડમાંથી જરૂરી ડેટા મેળવી લે. ફોનનાં સ્પેસિફિકેશન ધ્યાનથી વાંચો તો તેમાં અમુકમાં એનએફસીનું ફીચર જોવા મળશે.
એનએફસી ડિવાઇસ બે પ્રકારનાં હોય છે. પેસિવ અને એક્ટિવ. પેસિવ પ્રકારના સાધનમાં માત્ર ડેટા સ્ટોર થાય છે અને તે પોતાનો ડેટા એક્ટિવ ડિવાઇસને મોકલી શકે છે. જ્યારે એક્ટિવ ડિવાઇસ ડેટા મોકલી પણ શકે છે અને વાંચી પણ શકે છે. બેન્કના કાર્ડ ઉપરાંત ઓફિસ બિલ્ડિંગમાં એન્ટ્રી માટેના કાર્ડ, સ્માર્ટફોન, સ્માર્ટવોચ વગેરેમાં એનએફસી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
હવે બ્લુટૂથ અને એનએફસી બંનેના તફાવતની વાત કરીએ તો બ્લુટૂથમાં પેરિંગ થવામાં વાર લાગે છે જ્યારે એનએફસીમાં એ કામ ઝડપથી થાય છે. બીજો તફાવત બે સાધન વચ્ચેના અંતરનો છે. બ્લુટૂથમાં દસેક મીટર સુધીનાં સાધન કનેક્ટ થઈ શકે, જ્યારે એનએફસીમાં દસેક સેન્ટીમીટરથી વધુ અંતર હોય તો વાત ન બને.
પરંતુ ડેટા ટ્રાન્સફર કરવાની ઝડપ બાબતે બ્લુટૂથ એનએફસી કરતાં આગળ છે. આ જ કારણે હવે એવી ટેકનોલોજી પણ વિકસી છે જેમાં બ્લુટૂથ અને એનએફસી બંનેનો ઉપયોગ થાય છે. એનએફસીની મદદથી બે સાધન ઝડપથી કનેક્ટ થાય છે અને પછી બ્લુટૂથની મદદથી ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે.
આથી બંને સાધનને નજીક લાવી એનએફસીથી ઝડપથી કનેક્ટ કર્યા પછી, બ્લુટૂથનો ઉપયોગ થતો હોવાથી બંને સાધન પ્રમાણમાં વધુ દૂર પણ લઈ જઈ શકાય છે!

