(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્માર્ટફોનમાંની એપ્સ આપણું કેટલી રીતે અને કેટલી હદે ટ્રેકિંગ કરે છે?

યૂઝર્સની પ્રાઇવસીનો મુદ્દો અત્યારે બરાબર ગરમ છે કેમ કે એપલે વિવિધ એપ્સ આપણું કેટલું ટ્રેકિંગ કરે છે તે સ્પષ્ટ રીતે બતાવવાનું શરૂ કર્યું છે

ઇન્ટરનેટનું મોટા ભાગનું અર્થતંત્ર યૂઝરને મફત સર્વિસ આપવી અને કમાણી જાહેરખબરમાંથી કરવી એવા મોડેલ પર ચાલે છે. આવું અર્થતંત્ર ઊભું કરવામાં ફેસબુક અને ગૂગલની સૌથી મોટી ભૂમિકા છે. ફેસબુકનું આખેઆખું તંત્ર જાહેરાતો પર આધારિત છે, જ્યારે ગૂગલ એડવર્ટાઇઝિંગનું વિશાળ નેટવર્ક ઊભું કરવા ઉપરાંત, અનેક જાતની સર્વિસ આપે છે અને તેમાં ‘ફ્રીમિયમ’ મોડેલનો ઉપયોગ કરે છે, એટલે કે અમુદ હદ સુધી બધંુ મફત વાપરવા મળે અને પછી વધુ સુવિધાઓ જોઈતી હોય તો નાણાં ચૂકવવાં પડે.

આ ‘ફ્રીમિયમ’ મોડેલ ઘણે અંશે વાજબી છે અને ઇન્ટરનેટ પર તે સારું એવું લોકપ્રિય પણ થઈ રહ્યું છે. પરંતુ યૂઝર્સને જ પ્રોડક્ટ બનાવવાનું મોડેલ ધીમે ધીમે ઉધઈની જેમ આપણી અંગત જિંદગી કોરી ખાવા લાગ્યું છે.

આપણે સ્માર્ટફોનમાં જે કોઈ એપ્સનો દિવસરાત ઉપયોગ કરીએ છીએ, લગભગ એ બધી જ એપમાં ટ્રેકર્સ સામેલ હોય છે. એક એપમાં સરેરાશ 6 ટ્રેકર હોય છે. એન્ડ્રોઇડ અને આઇઓસની મોટા ભાગની પોપ્યુલર એપ્સમાં ટ્રેકર હોય છે.

આપણે કોઈ પણ બ્રાઉઝરમાં કોઈ પણ વેબસાઇટ કે વેબસર્વિસનો ઉપયોગ કરીએ ત્યારે બ્રાઉઝર મારફત કૂકીની મદદથી આપણું પગેરું દબાવવામાં આવે છે. એ જ રીતે, સ્માર્ટફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ તો તેમાં વિવિધ પ્રકારનાં ટ્રેકર હોય છે. બધી કૂકીઝ અને બધાં ટ્રેકરનો ઇરાદો આપણી જાસૂસી કરવાનો જ હોય એવું નથી, પણ આપણી અંગત જિંદગીમાં ખણખોદ કરી, તે માહિતી બીજી કંપનીઓને વેચવાની એડ નેટવર્ક્સ અને એપ ડેવલપર્સને એવી જબરી ટેવ પડી છે કે ન પૂછો વાત. આખરે એપલે તેના પ્લેટફોર્મ પર ઇન્સ્ટોલ કરાતી એપ આપણું કેટલું ટ્રેકિંગ કરે છે તે બતાવવું ફરજિયાત કરતાં જબરો વિવાદ થયો.

એપ્સમાંના આ ટ્રેકર્સથી, એપની ડેવલપર કંપની ઉપરાંત,
થર્ડ પાર્ટી એપ્સને પણ આપણને ટ્રેક કરવાની તક મળે છે.

આ અનુસંધાને એપલે હમણાં એક કાલ્પનિક, પણ વાસ્તવિકતાની તદ્દન નજીક એવી એક સ્ટોરી ડેવલપ કરીને, સ્માર્ટફોનથી થતું ટ્રેકિંગ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અહીંથી આગળની વાત એપલની છે, એ બરાબર માર્ક કરજો કે એપલે ફેસબુક કે ગૂગલનું નામ લીધા વિના એ બંને આપણું કેટલું ટ્રેકિંગ કરે છે તેના પર સ્પષ્ટ ઇશારા કર્યા છે!

વાંચો એપલની એ ‘સ્ટોરી’!

પ્રેરકભાઈ અને એમની દીકરી પાર્કમાં ફરવા ગયાં

પ્રેરકભાઈએ તેમની સાત વર્ષની દીકરી પ્રિશા સાથે આજે આખા દિવસનો મજાનો પ્લાન બનાવ્યો છે. સવારે ઊઠીને પ્રેરકભાઈ પોતાના કમ્પ્યૂટર પર આજનું હવામાન કેવું છે એ ચેક કરે છે, સમાચાર વાંચે છે અને પછી દીકરીને સ્કૂલમાંથી સીધી પાર્કમાં લઈ જવાની હતી એટલે એ ટાઇમે ટ્રાફિક કેવો રહેશે તે પોતાના સ્માર્ટફોન પર ચેક કરે છે.

એ સાથે જ તેમના ફોન પર ચાર એપ્સ પોતાનું કામ કરવા માંડે છે. આ ચારેય એપ્સ ફોન પર તેમનું લોકેશન સમયાંતરે ટ્રેક કરી રહી છે અને ડેટા કલેક્ટ કરી રહી છે. તેમના ફોનમાંથી ડેટા મેળવી લીધા પછી એપ ડેવલપર્સ એ ડેટા કોઈ અજાણ્યા જ થર્ડ પાર્ટી ડેટા બ્રોકર્સને વેચી દે છે જેનું નામ પણ પ્રેરકભાઈએ કદી સાંભળ્યું નથી.

જે લોકેશન ડેટા મેળવાયો તે આમ તો અનામી છે પણ યૂઝરના ટ્રેકિંગની મદદથી ડેટા બ્રોકર્સ આ એપ્સના લોકેશન હિસ્ટ્રીને પ્રેરકભાઈએ બીજી એપનો ઉપયોગ કર્યો હોય તેની માહિતી સાથે સરખાવી શકે છે. આનો સીધો અર્થ એ થાય કે જુદી જુદી એપ્સ અને મલ્ટીપલ સોર્સથી જે માહિતી ટ્રેક કરવામાં આવે છે તે કોઈ પણ કંપની કે સંસ્થાને ખરીદવી હોય તો આસાનીથી ઉપલબ્ધ છે અને તેનાથી પ્રેરકભાઈની સંપૂર્ણ પ્રોફાઇલ તૈયાર કરી શકાય છે, જેમાં તેમની રોજેરોજની બધી જ હિલચાલ, રજેરજની માહિતી હોય.

દરરોજ દરેક કલાકે યૂઝર્સને અબજો ડિજિટલ જાહેરખબરો ઓનલાઇન બતાવાય છે, જેમાંથી ઘણી જાહેરાતો અંગત માહિતી ટ્રેક કરીને તેમાંથી બનાવેલી પ્રોફાઇલની મદદથી ગ્રાહકોને ટાર્ગેટ કરે છે. પણ એમાંય વિકલ્પો છેઃ સંદર્ભ પ્રમાણે બતાવાતી જાહેરખબર યૂઝરની અગાઉની વર્તણૂકને બદલે યૂઝર જે પેજ જોઈ રહ્યો હોય, તેના કન્ટેન્ટના આધારે ખરીદવામાં આવેલી હોય છે. કેટલીક કંપનીઓને આવા યૂઝરની પ્રાઇવસી જાળવતા વિકલ્પોને અમલમાં મૂકવાનાં પોઝિટિવ પરિણામો મળ્યાં છે.

પાર્કમાં જતી વખતે પ્રિશા રસ્તામાં ગેમ રમે છે

બગીચે જતી વખતે પ્રેરકભાઈ કાર ચલાવતા હતા અને બાજુમાં બેઠેલી દીકરી પપ્પાના ટેબલેટમાં ગેમ રમતી હતી. પ્રિશાને મજા પડી ગઈ, પણ ગેમ રમતાં રમતાં સ્ક્રીન પર નાનાં બાળકોના સ્કૂટરની એડ ટપકી પડે છે. જોકે એ એડ કંઈ એમ જ નહોતી ટપકી પડી!

કંપનીએ જાણીજોઈને આ એડ સ્ક્રીન પર બતાવી કેમ કે તેને પ્રેરકભાઈ જેવા જ લોકોને ટાર્ગેટ કરવા હતા જેઓ એ જ શહેરમાં રહેતા હોય, અમુક નિશ્ચિત આવક ધરાવતા હોય અને જેમને નાનું બાળક હોય. આ એડ હવે પ્રેરકભાઈ અને પ્રિશાનો પીછો નહીં છોડે. દિવસો સુધી, જુદી જુદી એપ પર, કમ્પ્યૂટર અને ફોન પર જુદી જુદી વેબસાઇટ્સ પર એ સતત ટપક્યા જ કરશે.


એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 20 ટકા જેટલી બાળકોની એપમાંથી ડેવલપર્સે વેરિફાય કરી શકાય એવી અંગત માહિતી, માબાપની સંમતિ વગર જ ભેગી કરી અને શેર કરી હતી.

પાર્કમાં ‘સેલ્ફી તો બનતી હૈ’!

પાર્કમાં ધમાલમસ્તી કર્યા પછી એક સેલ્ફી લીધા વગર કેમ ચાલે! પ્રેરકભાઈએ દીકરી સાથે મજાની સેલ્ફી લે છે. પછી એ ફોટામાં ફોનમાંની એક ફિલ્ટર એપથી થોડાં અટકચાળાં કર્યા પછી બંનેના માથા પર સસલાનાં કાન બનાવે છે. આ દરમિયાન ફિલ્ટરિંગ એપનું કામ છાનેખૂણે ચાલુ જ છે. જેના દ્વારા, સસલાનાં કાનવાળી સેલ્ફી ઉપરાંત ફોનમાં જેટલા પણ ફોટા છે તે બધા અને તેની સાથે જોડાયેલો બધો ડેટા ટ્રેક થઈ રહ્યો છે.

પ્રેરકભાઈ સોશિયલ મીડિયા એપ પર એ ફોટો પોસ્ટ કરે છે. એ એપ પ્રેરકભાઈની અત્યારની બધી જ ઓનલાઇન એક્ટિવિટીને બીજી એપ્સે જેટલો ડેટા ભેગો કર્યો છે તેની સાથે લિંક કરી દે છે. જેમ કે, ઇમેલ એડ્રેસ કે ફોન નંબર કે એડવર્ટાઇઝિંગ આઇડેન્ટિફાયરની મદદથી તેમની ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન, તેમની ખરીદી કરવાની ટેવ એ બધો ડેટા કલેક્ટ કરી લેવાય છે.

હજારો ડેટા બ્રોકર્સ ઓનલાઇન અને ઓફલાઇન ડેટા ભેગો કરે છે. આવી એક જાણીતી બ્રોકર કંપની દુનિયાભરના 70 કરોડ ગ્રાહકોનો ડેટા ભેગો કરે છે અને 5000 જેટલી લાક્ષણિકતાઓ સુધીની ગ્રાહકોની આખેઆખી કુંડળી એટલે કે પ્રોફાઇલ તૈયાર કરે છે.

ઘરે જતાં રસ્તામાં આઇસક્રીમની દુકાન પર ઉજાણી

પ્રેરકભાઈ પાર્કમાંથી ઘરે જતી વખતે રસ્તામાં દીકરીને આઇસક્રીમ ખવડાવવા એક દુકાન પર રોકાય છે. આઇસક્રીમના પૈસા પ્રેરકભાઈ પોતાના ક્રેડિટ કાર્ડથી ચૂકવે છે. તેમની જાણ બહાર જ, ઇન્ટરનેટ પર તૈયાર થઈ રહેલા તેમના સંપૂર્ણ પ્રોફાઇલમાં બીજી થોડી બાબતો ઉમેરાય છે, જેમ કે દુકાનનું લોકેશન, કેટલા રૂપિયા ખર્ચ્યા. બધી એપમાંથી એક એપે પ્રેરકભાઈ અને પ્રિશા રસ્તામાં રમકડાંની દુકાનમાં ગયાં એ પણ જાણી લીધું.

આખા દિવસ દરમ્યાન પ્રેરકભાઈએ પરિવાર સાથે શું શું કર્યું એ બધી માહિતી ડેટા બ્રોકર્સને મળી ગઈ. ડેટા બ્રોકર્સને હવે એ પણ ખબર પડી ગઈ છે કે પ્રેરકભાઈને એક નાની દીકરી છે. હવે એ બધા પ્રેરકભાઈના કમ્પ્યૂટર અને સ્માર્ટફોનમાં આઇસ્ક્રીમ, કેક કે એવી બીજી જાતભાતની ખાવાની ચીજો અને રમકડાંની જાહેરખબરોનો મારો ચલાવશે.

ડેટા બ્રોકર્સ યૂઝર્સનો જે ડેટા ભેગો કરે છે તેના પરથી તેમની વિશેષતાઓ કે ગુણધર્મોના આધારે તેમનો અત્યંત ઝીણવટભર્યો પ્રોફાઇલ તૈયાર કરે છે જેમ કે, એવી વ્યક્તિઓ ‘‘જે વજન ઘટાડવા પ્રયત્ન કરે છે પણ તેમને બેકરી આઇટમ્સ બહુ જ ભાવે છે.’’ પણ આ પ્રોફાઇલ્સ મોટા ભાગે ખોટી પણ હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે આવા 40 ટકાથી વધુ વિગતો સાવ ખોટી હોય છે!

પછીના દિવસોમાં…

દિવસ પૂરો થયા પહેલાં તો પ્રેરકભાઈએ કદી નામેય નહીં સાંભળ્યું હોય એવી દુનિયાભરની કંપનીઓએ તેમના વિશે અને તેમની દીકરી વિશેની માહિતી ભેગી કરીને તેમનો પ્રોફાઇલ અપડેટ કરી લીધો. આ કંપનીઓને હવે તેમનું ઘર ક્યાં છે, કયા પાર્કમાં ગયા, કઈ ન્યૂઝ વેબસાઇટ પર સમાચાર વાંચ્યા, કઈ કઈ પ્રોડક્ટ્સ બ્રાઉઝ કરી, કઈ જાહેરખબર જોઈ, તેમની ખરીદી કરવાની આદતો, જે દુકાન કે સ્ટોરની મુલાકાત લીધી એ બધી ખબર છે.

પ્રેરકભાઈને અને એમની દીકરીએ આખા દિવસમાં જે જે એપનો ઉપયોગ કર્યો તેનાથી અને બીજા બધા સોર્સથી આ બધી જ માહિતી ભેગી કરીને ટ્રેક કરવામાં આવી. પ્રેરકભાઈને એ પણ ખબર નહોતી કે આખા દિવસ દરમ્યાન તેમનો કેટલો ડેટા ભેગો કરવામાં આવ્યો, કેમ કે તેના પર હંમેશાં તેમનો કંટ્રોલ પણ નહોતો અને એવું કરવા માટે તેમણે સ્પષ્ટપણે કોઈ પરવાનગી પણ નહોતી આપી.

હવે પ્રેરકભાઈ તેમના સ્માર્ટ ટીવી પર સાંજે દીકરી સાથે બાળકો માટેનું કયું પિક્ચર જોવું તે નક્કી કરવા એક એપ પર સર્ચ કરે છે. આ સમયે પણ તેમની જાણ બહાર, તેમનો ડેટા ટ્રેક કરવાનો, તેને શેર કરવાનો અને તેમને સતત જુદી જુદી પ્રોડક્ટ્સ માટે ટાર્ગેટ કરવાનો સિલસિલો ચાલુ રહે છે.

આ રીતે મળતો આપણો ડેટા જાતભાતની કંપનીઓને વેચવા માટે ડેટા બોકર્સનું એક વિશાળ તંત્ર ઊભું થયું છે. આ કારણે આપણો જેની સાથે સીધો કોઈ સંબંધ ન હોય એવી કંપનીઓ સુધી આપણો ડેટા પહોંચી જાય છે.

એપલના દાવા અનુસાર…

એપલનાં પ્રાઇવસી ફીચર્સથી, જો પ્રેરકભાઈ એપલનો સ્માર્ટફોન અને એપલનું ટેબલેટ યૂઝ કરી રહ્યા હોય તો તમને પોતાનો ડેટા ક્યાં, કઈ રીતે ટ્રેક થઈ રહ્યો છે તે વિશેની પારદર્શક માહિતી મળે છે અને પોતાના ડેટા પર નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.

પ્રેરકભાઈ અને દીકરી પ્રિશાની આખા દિવસની વાત પરથી, આપણા સૌની પ્રાઇવસી કેવી રીતે જોખમાઈ રહી છે અને આ સમસ્યા ઉકેલવા માટે એપલ કેવા પ્રયાસ કરી રહી છે, તે એપલ કહે છે. જેમ કે…

કેટલીક એપ્સ પોતાની સર્વિસ આપવા માટે જરૂરી હોય તેના કરતાં વધુ ડેટા એક્સેસ કરવાની રિકવેસ્ટ કરે છે, જેમ કે કી-બોર્ડ એપ યૂઝરના ચોક્કસ લોકેશનને એક્સેસ કરવા દેવાની રિકવેસ્ટ કરે.
બગીચે જતી વખતે…

પ્રેરકભાઈએ જો હવામાનના ખબર જાણવા તેમના કમ્પ્યૂટર પર સફારી બ્રાઉઝરનો ઉપયોગ કર્યો હોત તો ઇન્ટેલિજન્ટ ટ્રેકિંગ પ્રિવેન્શને તેમની આ એક્ટિવિટીને ટ્રેક થતી રોકી હોત.

સવારના સમાચાર પ્રેરકભાઈએ એપલ ન્યૂઝ પર વાંચ્યા હોત તો એપલે પ્રેરકભાઈને તેમની રુચિ મુજબની માહિતી આપી હોત, એ પણ પ્રેરકભાઈ કોણ છે, શું વાંચે છે એ કશું જ જાણ્યા વગર.

પ્રેરકભાઈએ એપલ મેપ્સ પર ટ્રાફિકની સ્થિતિ ચેક કરી હોત તો તેમનો લોકેશન ડેટા રેન્ડમ આઇડેન્ટિફાયર સાથે લિંક થયો હોત જે નિયમિત રીતે રીસેટ થાય છે અને પ્રેરકભાઈ સાથે લિંક ન થાત. પરિણામે પ્રેરકભાઈ સિવાય બીજા કોઈને તેમના લોકેશનની ખબર ન પડી હોત.

આઇફોન પર પ્રેરકભાઈને કઈ કઈ એપ તેમના લોકેશન અને બેકગ્રાઉન્ડની માહિતી એક્સેસ કરે છે તેની સમયે સમયે જાણકારી મળતી હોત. એપ પર પોતાનું લોકેશન શેર કર્યા પહેલાં પ્રેરકભાઈ તેમનું અંદાજિત લોકેશન શેર કરી શક્યા હોત અથવા તો એક જ વખત તેમનું લોકેશન શેર કરી શક્યા હોત.

યૂઝરને જણાવ્યા હોય તે સિવાયના હેતુ માટે તેની અંગત માહિતીનો ઉપયોગ કરવા બદલ સોશિયલ મીડિયા અને એડ ટેક કંપનીઓએ કરોડો રૂપિયાનો દંડ ભરવાની એવી નોબત આવી છે.
બગીચામાં…

આઇપેડમાં ટૂંક સમયમાં એપ ટ્રેકિંગ ટ્રાન્સપરન્સી ફીચર ઉમેરવાનું છે, જેનાથી પ્રેરકભાઈ એ નક્કી કરી શક્યા હોત કે પ્રિશાની ગેમ રમવાની એક્ટિવિટીને બીજી કંપનીઓની એપ્સ અને વેબસાઇટ્સને ટ્રેક કરવા દેવી કે નહીં.

પાર્કમાં સેલ્ફીની મજા…

આઇફોન પર પ્રેરકભાઈ પાસે એ વિકલ્પ હોત કે ફિલ્ટર એપને ફક્ત સેલ્ફીની જ એક્સેસ આપવાની, નહીં કે પોતાની આખેઆખી ફોટો લાઇબ્રેરીની.

રસ્તામાં આઇસ્ક્રીમની ઉજાણી…

પ્રેરકભાઈએ ક્રેડિટ કાર્ડના બદલે એપલ કાર્ડનો ઉપયોગ કર્યો હોત તો તેમની બેંકે માર્કેટિંગ માટે તેમની ટ્રાન્ઝેક્શનની વિગતોનો ઉપયોગ ન કર્યો હોત. એપલ પેની મદદથી પૈસા ચૂકવ્યા હોત તો એપલે ઓન ડિવાઇસ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હોત જેથી પ્રેરકભાઈ પોતાના આઇફોન પર ટ્રાન્સઝેક્શનની બધી જ માહિતી જોઈ શક્યા હોત અને એપલને તેઓ ક્યાં રોકાયા, શું ખરીદ્યું કે કેટલા પૈસા ખર્ચ્યા એ કશી જ માહિતી મળી ન હોત.

સરવાળે, એપલની પ્રોડક્ટ્સ અને તેનાં પ્રાઇવસી ફીચર્સ પ્રેરકભાઈને તેમના ડેટાના ટ્રેકિંગની પારદર્શક જાણકારી આપે છે અને દિવસ દરમ્યાન પોતે જે પણ કરે તેમાંથી કેટલો ડેટા શેર થાય ને કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તેના પર પોતાનો કંટ્રોલ રાખી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!