પોળ હોય કે ફ્લેટ, નજીક નજીકના ઘરમાં રહેતી ગૃહિણીઓમાં હંમેશા વાટકી વ્યવહાર ચાલતો હોય છે. આપલે ચા-ખાંડની થતી હોય કે કોથમીર, ડુંગળી-બટેટાની, એ બધું વાટકી વહેવાર જ ગણાય. દરેક ઘરના રીતરિવાજ અને ખાણીપીણી અલગ અલગ હોય પરંતુ વાટકી વહેવારથી તેઓ એકમેક સાથે જોડાય.
ઇન્ટરનેટ પર આવો, જુદી જુદી સર્વિસ કે સોફ્ટવેર વચ્ચેનો વાટકી વહેવાર ‘એપીઆઇ’ એટલે કે ‘એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ’ તરીકે ઓળખાય છે. આમ તો આખેઆખું ઇન્ટરનેટ આ એપીઆઇના જોરે જ ચાલે છે એમ કહીએ તોય ખોટું નહીં.
છેલ્લાં ૨૦ વર્ષમાં આપણા જીવનમાં ટેકનોલોજીની દૃષ્ટિએ જે કોઈ મહા પરિવર્તનો આવ્યાં એ બધાંમાં આ એપીઆઇનો સિંહફાળો છે. ફેસબુક અને ટ્વીટર જેવી સર્વિસે એપીઆઇની મદદથી સોશિયલ ક્રાંતિ લાવી દીધી. શોપિંગ સાઇટ્સ તથા ઇ-પેમેન્ટ્સમાં એપીઆઇનો રોલ છે. ક્લાઉડ કમ્પ્યૂટિંગમાં પણ એપીઆઇ, અને ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસીસમાં પણ એપીઆઇની મુખ્ય ભૂમિકા છે. ટૂંકમાં આપણે કોઈ ને કોઈ રીતે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપરાંત તેની પાછળ રહેલી વાતો થોડી સમજવી હોય તો આ એપીઆઇ વિશે જાણવું જરૂરી છે.
સાદા શબ્દોમાં એ કહી શકાય કે અલગ અલગ પ્રકારની સિસ્ટમ, સર્વિસ કે સોફ્ટવેર વચ્ચે ડેટાની આપલે શક્ય બનાવતી વ્યવસ્થા એપીઆઇ કહેવાય છે.આપણે એટીએમના ઉદાહરણ સાથે ‘એપ્લિકેશન’, ‘પ્રોગ્રામિંગ’ અને ‘ઇન્ટરફેસ’ એ ત્રણેય શબ્દો સમજવાનો પ્રયાસ કરીએ.
ઇન્ટરનેટ પર જુદા જુદા અનેક પ્રકારની સર્વિસ, જુદી જુદી કંપનીઓએ બનાવી હોય છે. આવી સર્વિસ વચ્ચે ડેટાની આપલે એપીઆઇને કારણે શક્ય બને છે.
એટીએમને આપણે એક એપ્લિકેશન ગણી શકીએ. એટીએમ આપણે કે યૂઝર અને બેન્ક એટલે કે સર્વિસ પ્રોવાઇડર વચ્ચેની કડી તરીકે કામ કરે છે. આવી એપ્લિકેશન યૂઝર ફેસિંગ એપ્લિકેશન હોઈ શકે, જેમ કે ટિકિટ બૂક કરવાની સગવડ આપતી કોઈ એપ. અથવા, એપ્લિકેશન કોઈ સર્વરનો સોફ્ટવેર હોઈ શકે, જે ડેટાબેઝમાંથી વિગતો ખેંચી લાવે.
એ પછી આવે છે પ્રોગ્રામિંગ, જેને કારણે એટીએમ આપણી વિગતો બેન્કને પહોંચાડે છે. એટલે કે આપણે એટીએમને જે ઇનપૂટ આપીએ તેનો આઉટપૂટ એટીએમ દ્વારા બેન્કને પહોંચે છે. પ્રોગ્રામિંગની મદદથી બેન્કની સર્વિસ તપાસે છે કે આપણે એટીએમને કેશની જે રિકવેસ્ટ આપી છે તે પૂરી કરવા માટે પૂરતા રૂપિયા આપણા ખાતામાંથી છે કે નહીં.
હવે રહી વાત ઇન્ટરફેસની. ઇન્ટરફેસ એટલે કે આપણે એપ્લિકેશન સાથે જે રીતે ઇન્ટરએકશન કરી શકીએ તે બાબતો. એટીએમના કિસ્સામાં, આપણો પાસકોડ એન્ટર કરવા માટેનું કીપેડ, વિગતો દર્શાવતો સ્ક્રીન, રૂપિયાની નોટ આપતો કેશ સ્લોટ વગેરેને ઇન્ટરફેસ કહી શકાય.
આમ એપીઆઇથી જુદી જુદી બાબતો વચ્ચે ડેટાનું આદાનપ્રદાન શક્ય બને છે. હજી વધુ એક ઉદાહરણ લેવું હોય તો કહી શકાય કે ભારત સરકારે આરોગ્યસેતુ એપ માટે એપીઆઇ રીલિઝ કરી હતી. મોટી સંખ્યામાં કર્મચારીઓ ધરાવતી કોઈ કંપની કે ફેક્ટરીનું એચઆર ડિપાર્ટમેન્ટ પોતાની કંપનીના એચઆર સોફ્ટવેર આરોગ્યસેતુ એપ સાથે કનેક્ટ કરી શકે છે. આથી કર્મચારીઓમાં ફોનમાંની આરોગ્યસેતુ એપની વિગતો કંપનીના સોફ્ટવેરમાં આવી શકે છે. આ કારણે કંપનીમાં આવતા કર્મચારીઓને કોરોનાનું કેટલું જોખમ છે તે જાણવા માટે કંપનીએ દરેક કર્મચારીનો સ્માર્ટફોન તપાસવો પડતો નથી.
આપણે કોઈ શોપિંગ સાઇટ પર ખરીદી કરીને તેનું પેમેન્ટ કરીએ ત્યારે પેમેન્ટ ગેટવે અને એ શોપિંગ સાઇટ વચ્ચે એપીઆઇ કડીનું કામ કરે છે.
ટૂંકમાં ઇન્ટરનેટ પરની અનેક સર્વિસ, અનેક જુદી જુદી કંપનીઓએ તૈયાર કરી હોવા છતાં, એપીઆઇને કારણે તે એકમેક સાથે કનેક્ટ થઈ શકે છે અને ઇન્ટરનેટને ખરા અર્થમાં નેટ બનાવે છે!

