(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જુલાઈ મહિનામાં બનેલી ટેક ઘટનાઓ

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

આઇબીએમ કંપનીએ સ્પ્રેડશીટ સોફ્ટવેરનો યુગ લાવનાર લોટસ ડેવલપમેન્ટ કંપની આજે ખરીદી લીધી. એ માટે કંપનીએ કિંમત ચૂકવી ૩.૫ અબજ ડોલર! આઇબીએમને આશા હતી કે તે લોટસ ૧-૨-૩ સોફ્ટવેરની મદદથી માઇક્રોસોફ્ટ એક્સેલની વધતી માગનો સામનો કરી શકશે. જોકે સ્પ્રેડશીટ બાબતે એક્સેલે એવી ધાક જમાવી કે લોટસની ડિમાન્ડ સતત ઘટતી ગઈ અને છેવટે ૨૦૧૩માં આઇબીએમ કંપનીએ તેને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું.

અમેરિકામાં કંટ્રોલ ડેટા કોર્પોરેશન (સીડીસી) નામની એક કંપનીની રચના થઈ, જેણે સુપર કમ્પ્યૂટર્સના ક્ષેત્રે પાયાનું કામ કર્યું. આ કંપની સાથે સંકળાયેલા સેમોર ક્રે નામના એક સંશોધકે ૧૯૬૦ના દાયકામાં સીડીસી માટે એ સમયના દુનિયાનાં સૌથી ઝડપી કમ્પ્યૂટર્સ વિકસાવ્યાં. જોકે ૧૯૭૨માં તેમણે એ કંપની છોડીને ‘ક્રે રીસર્ચ’ નામની પોતાની કંપની સ્થાપી અને જગતના સૌથી ઝડપી કમ્પ્યૂટર્સ સર્જવાનું સન્માન આ નવી કંપનીને શીરે ગયું!

સ્માર્ટફોન આવ્યા એ પહેલાંના સમયમાં જે લોકોને ઓફિસ કે ઘરમાં કમ્પ્યૂટર સામે લાંબો સમય ગાળવાની તક મળી હશે એ સૌ ‘મારિયો’ નામની સમયની અત્યંત લોકપ્રિય ગેમ અચૂક રમ્યા હશે. આજના દિવસે એ ગેમ ‘નાઇન્ટેન્ડો’ નામની જાપાનીઝ કંપનીએ રીલિઝ કરી. ગેમના વિલન ગોરિલાને નામે ગેમને ‘ડોંકી કોંગ’ નામ આપવામાં આવ્યું અને ગેમના હીરોનું નામ હતું ‘મારિયો’. જાપાનીઝ કંપનીએ અમેરિકાને ધ્યાનમાં રાખીને આ ગેમ બનાવી હતી. પરંતુ ‘કિંગ કોંગ’ના સર્જક યુનિવર્સલ સ્ટુડિયોએ ટ્રેડ માર્કના ભંગને મામલે નાઇન્ટેન્ડો સામે દાવો માંડ્યો. જોકે જાપાનમાં ગોરિલા માટે કોંગ શબ્દ સામાન્ય હોવાથી નાઇન્ટેન્ડો કંપની કેસ જીતી ગઈ અને એ સાથે વીડિયો ગેમ માર્કેટમાં પણ તેણે બાજી મારી લીધી.

એપલ કંપનીના એ સમયના સીઇઓ ગિલ એમિલિયો પાસેથી કંપનીએ આજના દિવસે રાજીનામું લઈ લીધું. તેમની વિદાયને કારણે સ્ટીવ જોબ્સને એપલ કંપનીમાં પરત ફરવાની તક મળી અને આપણને આઇફોન મળ્યા! મજાની વાત એ હતી કે ખુદ એમિલિયોએ સ્ટીવ જોબ્સની ‘નેક્સ્ટ’ નામની કંપની ખરીદીને સ્ટીવ જોબ્સ માટે એપલમાં પરત આવવાનો માર્ગ મોકળો કર્યો હતો. મેક ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરવામાં નેક્સ્ટ કંપનીનો સિંહફાળો હતો.

આજના દિવસે વિશ્વનો પહેલો ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન સેટેલાઇટ ટેલ્સ્ટાર-વન ઓરબિટમાં લોન્ચ કરાયો. આ સેટેલાઇટ યુએસ, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રીતે તૈયાર કર્યો હતો. આ સેટેલાઇટને કારણે ટ્રાન્સએટલાન્ટિક વીડિયો ફીડનું પ્રસારણ શક્ય બન્યું અને કમ્યુનિકેશનના એક નવા યુગનાં મંડાણ થયાં.

૧૯૭૦ના દાયકામાં અમેરિકાના સ્પેસ સ્ટેશન ‘સ્કાયલેબ’એ આખી દુનિયામાં જબરો રોમાંચ જગાવ્યો હતો. ખાસ તો એ વાતે કે સ્કાયલેબને અવકાશમાં તરતી રાખવાનાં આયોજનો નિષ્ફળ ગયા પછી તે ગમે ત્યારે પૃથ્વી પર ગમે તે ખૂણે પડે તેવી આશંકાઓ હતી. જોકે આજના દિવસે સ્કાયલેબ પૃથ્વીના વાતાવરણમાં પરત ફરી ખરી, પણ એ સાથે એ સળગી ઊઠી. અલબત્ત તેના કેટલાક ભાગ ઓસ્ટ્રેલિયામાં પડ્યા પરંતુ એક ગાય સિવાય કોઈ જાનહાની થઈ નહીં.

આજના દિવસે દુનિયાને કમ્પ્યૂટર વાયરસનો વધુ એક વાર વસમો પરચો મળ્યો. અલબત્ત આ વખતે ‘કોડ રેડ’ નામના આ કમ્પ્યૂટર વોર્મે માઇક્રોસોફ્ટના વેબ સર્વર્સને નિશાન બનાવ્યાં હતાં. જે ઝડપ અને અસરકારકતાથી કોડ રેડ ફેલાયો તેને કારણે સમગ્ર ઇન્ટરનેટ પર તેની ભારે અસર વર્તાઈ.

રોબર્ટ નોઇસ ને ગોર્ડન મૂરે નામના બે મિત્રોએ સાથે મળીને અમેરિકાના કેલિફોર્નિયામાં કમ્પ્યૂટરના માઇક્રોપ્રોસેસર્સ બનાવવા કંપની સ્થાપી – ‘ઇન્ટીગ્રેડેટ ઇલેક્ટ્રોનિક્સ’ પરથી નામ આપ્યું ‘ઇન્ટેલ’! ગરાજમાં શરૂ થયેલા બીજા સ્ટાર્ટઅપથી વિપરિત, આ કંપની પૂરા ૨.૫ મિલિયન ડોલરના ફંડિંગ સાથે શરૂ થઈ. ૧૯૭૧માં રજૂ થયેલું કંપનીનું પહેલું પ્રોસેસર ૪૦૦૪ કેલ્ક્યુલેટર માટે બન્યું હતું. એ પછી આઇબીએમ કંપનીએ તેના પીસી માટે ઇન્ટેલના ૮૦૮૮ પ્રોસેસરની પસંદગી કરી ત્યારથી પ્રોસેસરના દુનિયાભરમાં અગ્રણી ઉત્પાદક તરીકે ઇન્ટેલની બોલબોલા સ્થપાઈ, જે આ પર્યંત ચાલુ રહી છે.

જેમ ગૂગલ કંપની જાતભાતની વેબસર્વિસ શરૂ કર્યા પછી તેમાં ધારી સફળતા ન મળતાં તેને સમેટી લેવા માટે જાણીતી છે એ જ રીતે એપલ કંપનીએ હાર્ડવેરમાં અનેક પ્રકારના અખતરા કર્યા છે. તેમાંના કેટલાકે જબરદસ્ત સફળતા મેળવીને ઇતિહાસ રચ્યા, તો કેટલાક અખતરા નિષ્ફતા સાથે પોતે ઇતિહાસ બની ગયા. આવો એક અખતરો એટલે ‘મેક ક્યૂબ’. આજના દિવસે એપલ કંપનીએ ‘ક્યૂબ’ નામના પાવર મેકિન્ટોશની રજૂઆત કરી જે એ સમય સુધીમાં રજૂ થયેલા સૌથી નાના ડેસ્કટોપ કમ્પ્યૂટર્સમાંનું એક હતું. મેક ક્યૂબને કમર્શિયલી સકસેસ ન મળી પરંતુ એપલની ભવિષ્યની ડિઝાઇન્સમાં તેનો સિંહફાળો રહ્યો.

૧૯૯૧માં સ્ટિવ જોબ્સે એપલ કંપનીની પ્રોડક્ટ સ્ટ્રેટેજીની વિગતો જાહેર કરી હતી, જે આગળ જતાં ‘ગ્રીડ ઓફ ફોર’ તરીકે જાણીતી બની. આ અનુસાર એપલ કંપની ડેસ્કટોપ અને પોર્ટેબલ પ્રકારના કમ્પ્યૂટર માટે કન્ઝ્યુમર અને પ્રોફેશનલ કેટેગરી પર ફોકસ કરી રહી હતી. કંપનીએ કન્ઝ્યુમર અને પ્રોફેશનલ કેટેગરી માટે ડેસ્કટોપ કમ્પ્યૂટર લોન્ચ કરી દીધાં હતાં. પ્રોફેશનલ કેટેગરી માટે પોર્ટેબલ કમ્પ્યૂટર પણ લોન્ચ થઈ ગયું હતું. ફક્ત લોકોના રોજિંદા વપરાશ માટેના પોર્ટેબલ કમ્પ્યૂટરનો સ્લોટ ખાલી હતો.


કંપનીએ આજના દિવસે તે ‘ક્લેમશેલ  આઇબુક જી૩’ નામની પ્રોડક્ટથી આ ખાલી જગ્યા પૂરી. આ ખરેખર અનોખો દેખાવ ધરાવતું લેપટોપ હતું. તેમાં આરામદાયક ફૂલસાઇઝનું કી-બોર્ડ, સીડી રોમ ડ્રાઇવ હતી, યુએસબી સ્લોટ હતો અને છ કલાકની ઇમ્પ્રેસિવ બેટરી લાઇફ હતી. જોકે આ લેપટોપનું સૌથી આકર્ષક પાસું તેનો દેખાવ હતું. લંબચોરસ ખોખાંને બદલે વળાંકદાર આકાર અને મેટલને બદલે આકર્ષક રંગોના અર્ધપારદર્શક પ્લાસ્ટિકના બનેલા આ લેપટોપે લોકોનાં દિલ જીતી લીધાં. આ પહેલું મેઇનસ્ટ્રીમ કમ્પ્યૂટર હતું જેમાં ઇન્ટિગ્રેટેડ વાયરલેસ નેટવર્કિંગની સુવિધા હતી.

‘કોમોડર’ નામની કંપનીએ આજના દિવસે ‘એમિગા પર્સનલ કમ્પ્યૂટર’ લોન્ચ કર્યું, જેને આજે પણ લોકો પહેલા મલ્ટિમીડિયા કમ્પ્યૂટર તરીકે યાદ કરે છે. તેમાં વિન્ડો જેવી ઓપરેટિંગ સિસ્ટમ હતી, કલર ગ્રાફિક્સ હતા અને સ્ટીરિયો સાઉન્ડ હતો. એ અરસામાં પીસી માર્કેટ પર આઇબીએમ અને એપલનું વર્ચસ સ્થપાઈ રહ્યું હતું પણ આ કમ્પ્યૂટરે તેનો આગવો ચાહક વર્ગ ઊભો કર્યો. જોકે એ સમયે લોકોએ તેને માત્ર ‘ગેમ રમવા માટે સારું મશીન’ ધારી લીધું હતું!

આજના દિવસે આઇબીએમ કંપનીએ ‘સિસ્ટમ/23 ડેટામાસ્ટર’ નામે તેનું પહેલું ડેસ્કટોપ કમ્પ્યૂટર લોન્ચ કર્યું. આ કમ્પ્યૂટર ખાસ નાના બિઝનેસિસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું અને તેમાં વર્ડ પ્રોસેસર અને ડેટા પ્રોસેસરની સગવડ સામે હતી (યાદ રહે, માઇક્રોસોફ્ટ એક્સેલનું પહેલું વર્ઝન લોન્ચ થવાને હજી ચાર વર્ષની વાર હતી!). આ કમ્પ્યૂટરની બીજી ખાસિયત એ હતી કે તેના સેટ-અપ માટે કોઈ કમ્પ્યૂટર નિષ્ણાતની જરૂર નહોતી. આ કમ્પ્યૂટરની ત્રીજી પણ એક ખાસિયત હતી. જે ટીમે આ ડેટામાસ્ટર ડેવલપ કર્યું હતું, એને જ એક સિક્રેટ પીસી પ્રોજેક્ટ પણ સોંપવામાં આવ્યો હતો અને તેમણે જે કમ્પ્યૂટર વિક્સાવ્યું તેણે આઇબીએમ પીસી તરીકે કમ્પ્યૂટરની દુનિયા બદલી નાખી.

આઇબીએમ કંપનીએ તેનું પહેલું પહેલું ડેસ્કટોપ કમ્પ્યૂટર આપ્યું, તેના બે વર્ષ પછી, ૧૯૮૩માં એપલનું ‘લિસા’ નામું કમ્પ્યૂટર પર વેચાવાની શરૂઆત થઈ. જેનું કામ આજના દિવસે એટલે કે આઇબીએમનું કમ્પ્યૂટર લોન્ચ થયાના બે વર્ષ પહેલાં શરૂ થયું હતું. એપલે લિસા ૧૯૮૧માં લોન્ચ કરવાનું ધાર્યું હતું, તેની કિંમત વિચારી હતી ૨૦૦૦ ડોલર. એપલનો આ પ્રોજેક્ટ સરકારી પ્રોજેક્ટ સાબિત થયો. બેને બદલે ચાર વર્ષે તે પૂરો થયો અને કિંમત પહોંચી ૧૦,૦૦૦ ડોલરે! આ કમ્પ્યૂટર તેના સમય કરતાં ઘણું આગળ હતું અને કદાચ એટલે જ માર્કેટમાં તે સફળ ન થયું. જોકે એપલના સફળ ‘મેકિન્ટોશ’ કમ્પ્યૂટર્સનો પાયો આ ‘નિષ્ફળ’ લિસાએ જ તૈયાર કરી આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!