આજના સમયમાં દરેક પ્રકારના બિઝનેસ, સર્વિસ, સંસ્થા અને પ્રોફેશનલ્સ માટે પોતાની વેબસાઇટ હોવી અનિવાર્ય છે. આખી દુનિયા જેમ જેમ ઇન્ટરનેટથી વધુ ને વધુ ગાઢ રીતે એકમેક સાથે કનેક્ટ થઈ રહી છે, તેમ તેમ વેબસાઇટ વધુ ને વધુ અનિવાર્ય બનતી જાય છે. અલબત્ત હવે વેબસાઇટ એ આપણી કંપની/બ્રાન્ડની સર્વાંગી વેબ પ્રેઝન્સનો માત્ર એક હિસ્સો છે.
તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરે પ્લેટફોર્મ પર, યુટ્યૂબ પર કે પછી વોટ્સએપ પર એક્ટિવ હો તથા તમારી વેબસાઇટ હોય તો એ બધું મળીને તમારી વેબ પ્રેઝન્સ તૈયાર થાય છે. તેમાં વેબસાઇટની ભૂમિકા ચાવીરૂપ છે કારણ કે વિવિધ પ્લેટફોર્મ્સ પર તમે તમારા ટાર્ગેટ ઓડિયન્સ સાથે જે કોઈ અલગ અલગ રીતે ઇન્ટરએકશન કરો તેનો લગભગ આખરી હેતુ તેમને તમારી વેબસાઇટ પર લાવવાનો હોય છે. અહીં તેમને જોઇતી (અને તમે તેમને જે આપવા ઇચ્છો છો) એ બધી માહિતી એક સાથે ઉપલબ્ધ થાય છે.
એ જોતાં સૌ કોઈ માટે સારી વેબસાઇટ હોવી હવે બેહદ જરૂરી બાબત છે. એટલું ખરું કે તમે તમારી પ્રોડક્ટ કે સર્વિસનું ઓનલાઇન સેલિંગ કરવા ઈચ્છતા હો તો એ કામ હવે વેબસાઇટ વિના પણ થઈ શકે છે. વોટ્સએપ, ફેસબુક, પેમેન્ટ ગેટવેના ઇ-સ્ટોર વગેરે પર ડાયરેક્ટ સેલિંગ થઈ શકે છે. પરંતુ ઓનલાઇન સેલ્સ પહેલાંનો તબક્કો, તમારા ટાર્ગેટ ઓડિયન્સ સાથે નિયમિત સંવાદ કેળવીને તેમનો વિશ્વાસ જીતવાનો હોય છે. આ કામ વેબસાઇટથી વધુ સારી રીતે થઈ શકે છે.
વેબસાઇટ ડેવલપ કરવાનું કામ અગાઉ ખાસ્સી ટેકનિકલ જાણકારી માગી લેતું કામ હતું. હવે તે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, એડવાન્સ્ડ થીમ્સ-ટેમ્પ્લેટ્સ અને પેજ બિલ્ડર જેવી સગવડોને કારણે વધુ ને વધુ સહેલું બનતું જાય છે. અલબત્ત આ ‘સહેલું’ શબ્દ સાપેક્ષ છે! વેબ ડિઝાઇનર અને વેબ ડેવલપર માટે આખી વાત વધુ સહેલી બનતી જાય છે, પરંતુ તમારો મૂળ વ્યવસાય કે કામકાજ જુદાં જ હોય તો પોતાની, ખરેખર સારી કહી શકાય તેવી વેબસાઇટ ડેવલપ કરવાનું કામ તમારે માટે હજી પણ ચોક્કસપણે ઘણું મુશ્કેલ છે.
આ લેખમાં, તમને ખરેખર વેબસાઈટની જરૂર છે કે કેમ અને જો જરૂર ન હોય તો બીજા વિકલ્પો ક્યા છે ત્યાંથી શરૂઆત કરીને, વેબસાઇટ ડેવલપમેન્ટના વિવિધ તબક્કાની સમજ આપી છે. તમે કોઈ અનુભવી વેબ ડિઝાઇનર કે ડેવલપરના સાથમાં તમારી વેબસાઇટ ડેવલપ કરી રહ્યા હશો અને આ બધાં પાસાં તમે પણ સારી રીતે જાણતા હશો તો તમારું કામ ખાસ્સું સરળ બનશે. આ લેખ પૂરતું આપણે કોડિંગમાં ઊંડા ઊતર્યા વિના, માત્ર વેબસાઇટ ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું છે. એપ ડેવલપમેન્ટ તેની સાથે નજીકનો સંબંધ ધરાવતો મુદ્દો છે. તેની વાત આપણે આગળ ઉપર કરીશું.
૧ : વેબસાઇટનો હેતુ
દરેક કામની જેમ, વેબસાઇટના ડેવલપમેન્ટ પહેલાં તેનો હેતુ સ્પષ્ટ હોવો બહુ જરૂરી છે. અત્યારના સમયમાં વેબસાઇટ હોવી જોઇએ એ તો બરોબર, પરંતુ આપણે વેબસાઇટ પાસેથી શું ઇચ્છીએ છીએ તેની એકદમ સ્પષ્ટ સમજ હશે તો આગળનું બધું જ કામ સહેલું થતું જશે અને આપણો ધાર્યો હેતુ સારી રીતે પાર પડશે.
સીધા જ વેબસાઇટના ડેવલપમેન્ટ વિશે વિચારવાને બદલે, તમે વેબસાઇટ શા માટે ઇચ્છો છો એ મુદ્દા પર પહેલાં વિચાર કરો. તો એ પણ સ્પષ્ટ થશે કે તમારે માટે બ્લોગ પૂરતો થશે, કોઈ અનુભવ વિના જાતે વેબસાઇટ બનાવી શકાય તેવી સર્વિસથી કામ ચાલી શકે કે પછી કોઈ અનુભવી, પ્રોફેશનલ ડેવલપરના સાથમાં વેબસાઇટ બનાવડાવવી જોઈશે.
તમારે વેબસાઇટ શા માટે જોઈએ છે – તમારી સર્વિસ કે પ્રોડક્ટનું વેચાણ કરવા માટે? તમારી કંપની કે બિઝનેસ વિશે લોકોને જાણ કરવા માટે? તમારી કોઈ સંસ્થા હોય તો તેની વિગતો અન્યો સાથે શેર કરવા માટે અને દાન મેળવવા માટે? તમારા રસના વિષયો વિશેના લેખો લખીને સૌ સાથે શેર કરવા માટે?
આમ દરેક વેબસાઇટ્સ તૈયાર કરવા પાછળનો હેતુ જુદો જુદો હોઈ શકે છે અને એ કારણે તેને તૈયાર કરવાનાં પગલાં પણ અલગ અલગ હોઈ શકે છે.
૨ : કન્ટેન્ટ પ્લાનિંગ
આ એક એવો મુદ્દો છે, જેમાં ભલભલા લોકો થાપ ખાય છે. વેબસાઇટ એક રીતે એક આખું પુસ્તક લખવા જેવી બાબત છે, ફેર એટલો છે કે પુસ્તકનાં દસ પ્રકરણ વિચાર્યાં હોય તો દરેક પ્રકરણનું માત્ર પહેલું પાનું લખીને પણ તમે પુસ્તક લોન્ચ કરી શકો છો! તમે જે હેતુ માટે વેબસાઇટ તૈયાર કરી રહ્યા હો એ જ હેતુથી તૈયાર થયેલી અન્ય જુદી જુદી વેબસાઇટ જોશો તો કન્ટેન્ટ પ્લાનિંગનું મહત્ત્વ એકદમ સ્પષ્ટ થશે. કેટલીક સાઇટ પર માહિતી એકદમ સુરેખ રીતે રજૂ થયેલી જોવા મળશે. આવી સાઇટનું નેવિગેશન પણ સરળ હશે. જો સાઇટનો હેતુ સ્પષ્ટ હશે તો એ મુજબ તેમાંની વિવિધ સામગ્રી (ટેકસ્ટ, ઇમેજ, વીડિયો વગેરે)નું આયોજન યોગ્ય રીતે થયેલું હશે. જ્યારે બીજી ઘણી સાઇટમાં આવી સ્પષ્ટતા મળશે નહીં.
ઘણી સાઇટ તમે કદાચ એવી પણ જોશો જેમાં વેબપેજ તૈયાર થઈ ગયાં હશે, પરંતુ ટેકસ્ટ ડમી જોવા મળશે. આનું કારણ એ છે કે સામાન્ય રીતે વેબ ડિઝાઇન તૈયાર કરી આપનારા લોકોની કોઈ અછત નથી પરંતુ વેબસાઇટની જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારનું કન્ટેન્ટ તૈયાર કરી આપનારા લોકો ઓછા હોય છે. એટલે જ જ્યારે તમે તમારી પોતાની વેબસાઇટનું પ્લાનિંગ કરી રહ્યા હો ત્યારે તેમાં વિવિધ પેજ પર કયું, કેટલું અને કયા પ્રકારનું કન્ટેન્ટ આવશે તે પહેલેથી વિચારી લેવું મહત્ત્વનું છે.
૩ : બ્લોગ/વેબસાઇટ
વેબસાઇટ સામાન્ય રીતે સ્ટેટિક એટલે કે જેમાંનું કન્ટેન્ટ બહુ ઝડપથી બદલાય નહીં એવાં પેજિસની બનેલી હોય છે. બ્લોગમાં સતત જુદા જુદા આર્ટિકલ ઉમેરાતા રહે છે. અલબત્ત, હવે બ્લોગ અને વેબસાઇટ વચ્ચેની ભેદરેખા ભૂંસાતી જાય છે. તમે વેબસાઇટ શા માટે તૈયાર કરી રહ્યા છો એ હેતુ સ્પષ્ટ હશે તો તમારે માટે બ્લોગ યોગ્ય રહેશે કે વેબસાઇટ તેનો જવાબ પણ સહેલો બની જશે.
તમે માત્ર નિજાનંદ માટે કે તમારા રસના વિષયો વિશે વિવિધ લેખો લખવા માગતા હો, તો વર્ડપ્રેસ કે બ્લોગર જેવા પ્લેટફોર્મ પર બિલકુલ ફ્રી અને ખાસ્સી સરળ રીતે પોતાનો બ્લોગ બનાવી શકશો. એટલી ઝંઝટ પણ ન કરવી હોય તો સોશિયલ મીડિયા પર નિયમિત પોસ્ટથી પણ કામ ચલાવી શકાય. પણ તમારો હેતુ એથી વિશેષ હોય તો વેબસાઇટ જોઈશે. તમારી જરૂરિયાત અનુસાર બ્લોગ અને વેબસાઇટનું મિશ્રણ પણ કરી શકાય. ઉદાહરણ રૂપે, કોઈ હોસ્પિટલની વેબસાઇટ હોય તે તેનાં અમુક નિશ્ચિત પાનાં એબાઉટ અસ, સર્વિસિસ, ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરેનાં હોઈ શકે. તેની સાથોસાથ વિવિધ રોગનાં કારણો, લક્ષણો, સારવાર વગેરેની સમજ આપતા લેખોનો એક અલગ વિભાગ બ્લોગ સ્વરૂપે વેબસાઇટમાં જ હોઈ શકે છે (આવી ઘણી સાઇટમાં બ્લોગ સેક્શન જોવા મળે, પણ તેમાં નિયમિત પોસ્ટ્સ મૂકાતી ન હોય, કેમ કે કન્ટેન્ટનું પહેલેથી આયોજન ન હોય!).
૪ : ડોમેઇન
વેબસાઇટનો હેતુ અને કન્ટેન્ટ પ્લાનિંગ થયા પછી, હવે તેના સર્જન તરફ આગળ વધવાનું થશે. એટલે કે અહીંથી થોડી ટેકનિકલ બાબતોની શરૂઆત થશે અને તમને આ બાબતોનો બિલકુલ અનુભવ ન હોય તો કોઈ જાણકારની મદદ જોઈશે.
ઇન્ટરનેટ પર આપણી વેબસાઇટ કે બ્લોગ બનાવવા માટે બે બાબતો અનિવાર્ય છે. એક છે ડોમેઇન અને બીજું છે હોસ્ટિંગ. વેબસાઇટને ઘર સાથે સરખાવીએ, તો સાઇટનું ડોમેઇન એ ઘરના દરવાજે મૂકેલી નેમપ્લેટ અથવા ઘરનું એડ્રેસ છે. જો તમે વર્ડપ્રેસ કે બ્લોગર જેવા પ્લેટફોર્મ પર ફ્રી બ્લોગ બનાવો તો તેમાં પોતાના ડોમેઇનની જરૂર નથી. તેમાં yourname.wordpress.com જેવું બ્લોગનું એડ્રેસ ફ્રીમાં મળશે. જો yourname.com જેવું એડ્રેસ જોઇતું હોય તો તે અલગથી રજિસ્ટર્ડ કરાવવું પડે. ઇન્ટરનેટ પર ડોમેઇન રજિસ્ટ્રેશન કરી આપતી સંખ્યાબંધ કંપની મળી આવશે.
એવું પણ થઈ શકે કે તમે તમારું પોતાનું ડોમેઇન રજિસ્ટર કરો અને પછી ફ્રી બ્લોગને આ ડોમેઇન પર રીડાયરેક્ટ કરો. આ કિસ્સામાં તમારે હોસ્ટિંગ ખરીદવું પડશે નહીં. બીજો રસ્તો ડોમેઇન અને હોસ્ટિંગ બંને ખરીદીને તેના પર આખી વેબસાઇટ પોતાની રીતે ડેવલપ કરવાનો કે કરાવવાનો છે. ડોમેઇન અને હોસ્ટિંગ બંને અલગ અલગ સર્વિસિસ પાસેથી ખરીદી શકાય પરંતુ એક જ કંપની પાસેથી ખરીદો તે વધુ સારું રહેશે.
૫ : વેબસાઇટ હોસ્ટિંગ
વેબસાઇટની એક ઘર સાથેની સરખામણી આગળ વધારીએ તો, ઘરની અંદર રાચરચીલું મૂકવા માટે ફક્ત નેમપ્લેટ (ડોમેઇન)થી ન ચાલે, આપણે આખેઆખું ઘર ભાડે લેવું પડે અથવા ખરીદવું પડે. ઇન્ટરનેટની ભાષામાં આને હોસ્ટિંગ કહે છે. હોસ્ટિંગ એટલે સાદા શબ્દોમાં વેબસાઇટ માટે જરૂરી તમામ ફાઇલ્સ સાચવવા માટે ક્લાઉડ સર્વરમાંની સ્પેસ.
હોસ્ટિંગ ખરીદવાના જુદા જુદા પ્લાન હોય છે. આપણે ફક્ત એક સાઇટ માટે હોસ્ટિંગ સ્પેસ ખરીદી શકીએ અથવા વેબડેવલપર્સ સંખ્યાબંધ વેબસાઇટ્સ હોસ્ટ કરી શકાય એ રીતે સ્પેસ ભાડા પર લેતા હોય છે અને તેમાંથી અલગ અલગ ક્લાયન્ટ્સને તેમની વેબસાઇટ પૂરતી સ્પેસ પેટાભાડાથી આપતા હોય છે.
તમે જાતે જ બધું વેબ ડેવલપમેન્ટ ન કરવાના હો તો આ રસ્તો વધુ યોગ્ય રહેશે. આ પ્રકારના હોસ્ટિંગ પ્લાનમાં વેબસાઇટ માટેનું સિક્યોરિટી સર્ટિફિકેશન, તેનો ડેઇલી બેકઅપ વગેરે પણ મોટા ભાગે સામેલ હોય છે. આથી આપણે એ બાબતની ખાસ ચિંતા કરવાની રહેતી નથી. હોસ્ટિંગ સર્વિસ આપતી કંપનીમાં કેટલીક ખાસ્સી સસ્તી સર્વિસ આપતી હોય છે તો કેટલીક સર્વિસ પહેલી નજરે મોંઘી લાગે, પરંતુ તેનું પરફોર્મન્સ અને સપોર્ટ બહુ જ સારાં હોઈ શકે છે.
૬ : પ્લેટફોર્મની પસંદગી
આટલે સુધી પહોંચ્યા પછી આપણી વેબસાઇટ માટે ક્યું પ્લેટફોર્મ યોગ્ય રહેશે તે નિર્ણય લેવાનો થશે. હવે મોટા ભાગની વેબસાઇટ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમએસ) આધારિત હોય છે. આ પ્રકારની વેબસાઇટમાં સાઇટનું એક પ્રાથમિક માળખું ઊભું કર્યા પછી તેમાં નવું કન્ટેન્ટ ઉમેરવું પ્રમાણમાં ઘણું સહેલું હોય છે.
આ પ્રકારની વેબસાઇટ કોઈ પ્રોફેશનલ પાસે તૈયાર કરાવ્યા પછી, તેનું માર્ગદર્શન લઈને થોડા સમયમાં તમે તેને જાતે મેઇનટેન કે અપડેટ કરતા થઈ જાઓ તેવું પણ શક્ય છે. અત્યારે વર્ડપ્રેસ, જૂમલા, દ્રુપલ વગેરે સીએમએસનાં બહુ જાણીતાં નામ છે. વિક્સ કે વેબલી જેવી સર્વિસમાં વેબપેજમાં વિવિધ પાસાં ડ્રેગ અને ડ્રોપ કરીને જાતે વેબસાઇટ બનાવવાનું પણ સરળ બન્યું છે. અલબત્ત આ રીતે પ્રાથમિક વેબસાઇટ્સ બની શકશે. જો તમે ખરેખર પ્રોફેશનલ વેબસાઇટ ઇચ્છતા હો તો હાલની સ્થિતિમાં વર્ડપ્રેસ સૌથી યોગ્ય વિકલ્પ છે.
તમે કોઈ પ્લેટફોર્મ પસંદ કરો ત્યારે તેની ડિઝાઇન રિસ્પોન્સિવ હોય એ મુદ્દા પર ખાસ ધ્યાન આપજો. રિસ્પોન્સિવનો અર્થ એ છે કે વેબસાઇટ ડેસ્કટોપના મોટા સ્ક્રીન પર જોવામાં આવે કે મોબાઇલના નાના સ્ક્રીન પર, યૂઝરને લગભગ એકસરખો અનુભવ મળવો જોઈએ.
૭ : વાયરફ્રેમ
હવે આપણે વેબસાઇટનાં વધુ ટેકનિકલ પાસાં તરફ આગળ વધી રહ્યા છીએ! વેબસાઇટ ડેવલપ કરવા માટે તમે કે તમારા ડેવલપર પ્લેટફોર્મ કોઈ પણ પસંદ કરો, વેબસાઇટ કેવી દેખાશે અને તેનું સ્ટ્રકચર કેવું હશે તેની પહેલેથી સ્પષ્ટતા હોવી જરૂરી છે. વેબસાઇટની આવી રૂપરેખા તૈયાર કરવાની બાબતને ટેકનિકલ ભાષામાં વાયરફ્રેમિંગ કહે છે.
ફરી વેબસાઇટને ઘર સાથે સરખાવીએ તો બિલ્ડિંગ માટે એન્જિનીયર કે આર્કિટેક્ટ જે બ્લુ પ્રિન્ટ તૈયાર કરે તેને વાયરફ્રેમ કહી શકાય. અનુભવી વેબ ડિઝાઇનર ફક્ત પેન અને પેપરનો ઉપયોગ કરીને પણ સાઇટનાં દરેક વેબપેજ પર વિવિધ પાસાં કઈ રીતે ગોઠવાશે તેનાં સાદાં રેખાંકન તૈયાર કરીને વેબસાઇટની એક સુરેખ ડિઝાઇન વિચારી શકે છે.
તે સિવાય એડોબ એક્સડી, ફિગ્મા, સ્કેચ વગેરે જાણીતી સર્વિસમાં પહેલાં વેબસાઇટનું વાયરફ્રેમિંગ અને ત્યાર પછીના તબક્કા રૂપે કલર, ઇમેજિસ સાથેનો પ્રોટોટાઇપ તૈયાર કરી શકાય છે. આ રીતે વિવિધ વેબપેજિસનો એક ફ્લો તૈયાર થાય તેને ટેકનિકલ ભાષામાં યુઆઇ/યુએક્સ એટલે કે યૂઝર ઇન્ટરફેસ અથવા યૂઝર એક્સિપિરિયન્સ કહે છે (જે એપ ડેવલપમેન્ટમાં પણ અત્યંત મહત્ત્વપૂર્ણ હિસ્સો છે).
૮ : વેબ ડેવલપમેન્ટ
દરેક વેબસાઇટનાં બે પાસાં હોય છે – ફ્રન્ટએન્ડ એટલે કે વેબસાઇટના મુલાકાતીને વેબસાઇટ જે સ્વરૂપે દેખાય તે અને બેકએન્ડ એટલે કે ફ્રન્ટએન્ડમાં જે કંઈ દેખાય તે શક્ય બનાવતું કોડિંગ. આ કોડિંગ ખાસ્સું જટિલ હોય છે અને કોઈ અનુભવી અને જાણકારની મદદ વિના વેબસાઇટનું કોડિંગ કરવું લગભગ અશક્ય છે. પરંતુ જો આપણી વેબસાઇટ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ આધારિત હોય તો તેમાં હવે લગભગ કોઈ જ પ્રકારના કોડિંગની જાણકારી વિના વેબસાઇટ ડેવલપ કરી શકાય છે.
આ માટે વિક્સ કે વેબલી જેવી સર્વિસમાં ફ્રન્ટએન્ડમાં જ વેબસાઇટનાં વિવિધ પાસાં એટલે કે હેડર અને મેનૂ, ઇમેજિસ, સાઇડબાર, મેઇન ટેકસ્ટ, ફૂટર વગેરે પાસાં એક તરફની પેનલમાંથી ડ્રેગ કરીને વેબપેજ પર લાવી શકાય તેવી સગવડ હોય છે. પરિણામે એ પ્રકારની વેબસાઇટ બનાવવી ખાસ્સી સહેલી બને છે. વર્ડપ્રેસ જેવા પ્લેટફોર્મમાં થીમ્સ, ટેમ્પ્લેટ્સ અને પેજ બિલ્ડરની મદદથી, પ્રોફેશનર વેબ ડિઝાઇનર વેબસાઇટને ધાર્યો, નક્કર આકાર આવી શકે છે.
વેબસાઇટ ડેવલપમેન્ટ એક બહુ મજાની પ્રોસેસ છે અને તમે જાતો કરો કે ડેવલપરની મદદ લો, તેનાં વિવિધ પાસાંમાં ઊંડા ઊતરશો તો પરિણામ ચોક્કસ વધુ સારું આવશે.

