
ઓટો ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ વાહન ક્યારે ખરેખર ડ્રાઇવરલેસ બને તે નક્કી કરવા માટે ઓટોમેશનનાં છ લેવલ ઘડ્યં છે. એ વિશે વધુ વાત કરતાં પહેલાં, એ વિચારીએ કે વાહનમાંથી આ રીતે ડ્રાઇવરની સાવ હકાલપટ્ટી કરી દેવાની આખરે જરૂર શી છે?
કારમાં ઓટોમેશનની જરૂર શા માટે છે?
લગભગ બધી કંપની એક અવાજે કહે છે કે આપણી સલામતી માટે. દુનિયામાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુનું પ્રમાણ વધતું જાય છે અને ૯૦ ટકાથી વધુ કેસમાં અકસ્માત માટે માનવીય ભૂલ જવાબદાર હોય છે.
ઓકે, આ એક વાત થઈ.
બીજાં કારણો એવાં અપાય છે કે દુનિયાના ૭૦-૮૦ ટકા વડીલ લોકો એવા વિસ્તારોમાં જીવે છે જ્યાં મોબિલિટીનો બધો આધાર કાર જેવા વાહન પર છે. મોટા પ્રમાણમાં લોકો દૃષ્ટિહિનતા કે અપૂરતી દૃષ્ટિને કારણે વાહન ચલાવી શકતા નથી. જાતે વાહન ચલાવવાને કારણે લોકોનો સમય બહુ વેડફાય છે, વગેરે. પણ, ડ્રાઇવરલેસ વાહન માણસ કરતાં વધુ સલામત છે?
હમણાં ટેક્સાસમાં બન્યું તેમ ઓટોનોમસ વાહનથી-તેમાં માણસ ડ્રાઇવર હોય પણ બેધ્યાન હોય-એવા અકસ્માત પણ થયા છે, જેને પરિણામે કોઈનું મૃત્યુ થયું હોય. જોકે બળદગાડાં હતાં ત્યારે લોકો ટ્રેનમાં બેસતાં ડરતા હતા, પછી શું થયું એ આપણે જાણીએ છીએ. ઇતિહાસનું પુનરાવર્તન થશે?
આ સવાલનો જવાબ સમય પર છોડી દઈએ. અત્યારે તો કારમાં ઓટોમેશનનાં લેવલ વિશે જાણીએ.
કારમાં કયા લેવલનાં ઓટોમેશન હોય છે?
ભારતમાં એન્ટ્રી લેવલ પછીની કાર લઇએ તો તેમાં પણ કેટલાંક સામાન્ય ઓટોમેશન ફીચર હોય છે. જેમ કે કાર કલાકના ૨૦ કિલોમીટરથી વધુ ગતિ પકડે એટલે કારનું સેન્ટ્રલ લોકિંગ આપોઆપ એક્ટિવ થાય. ડ્રાઇવર કે બાજુના પેસેન્જરે સીટ બેલ્ટ પહેર્યો ન હોય તો ચેતવણીસૂચક એલાર્મ વાગે. કાર કલાકના ૮૦થી વધુ કિલોમીટરની ગતિ પકડે એટલે ચેતવણીસૂચક બઝર વાગે.
આ બધું બિલકુલ પાયાનું સ્તરનું ઓટોમેશન છે. તેના પછીના સ્તરે ઓટોમેટિક ગિયર ટ્રાન્સમિશનવાળી કાર છે.
આવી ઓટોમેટિક કારમાં ગિઅર હોય છે પણ ડ્રાઇવરે પોતે મેન્યુઅલી ગિઅર બદલવા પડતાં નથી. આ કારમાં ક્લચ પેડલ હોતું નથી. કાર જરૂરિયાત અનુસાર આપોઆપ ગિઅર બદલે છે.
આ પછીના સ્તરનું ઓટોમેશન છે, પરંતુ ઓટો-ટેક કંપનીઓનું લક્ષ્ય બ્રેક કે એક્સિલેટરનાં પેડલ અને સ્ટિઅરિંગ વ્હીલ સુદ્ધાં ન હોય એવી કાર વિકસાવવાનું છે!
કારમાં ઓટોમેશનનાં લેવલ કોણ નક્કી કરે છે?
અત્યારે વિવિધ દેશની કંપનીઓ આ દિશામાં પ્રયત્નશીલ છે ત્યારે ઓટોનોમસ કાર માટે યુનિવર્સલ સ્ટાન્ડર્ડ ને સમાન કાયદાનો અભાવ પણ એક મોટો અંતરાય છે. યુએસમાં છેક ૧૯મી સદીની શરૂઆતથી સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનીયર્સ નામની એક સંસ્થા કાર્યરત છે. આ ઓર્ગેનાઇઝેશને કારમાં ઓટોમેશનના ૦ થી ૫ લેવલ નક્કી કર્યાં છે. એ સ્ટાન્ડર્ડ અનુસાર હોન્ડા તથા બીજી કેટલીક કંપનીએ અત્યારે લેવલ ૩નું ઓટોમેશન ધરાવતી ટેકનોલોજી વિકસાવી લીધી છે.
આપણે અહીં, ૦ થી ૫ સુધીનાં લેવલ શું છે એ તપાસીએ.
કારમાં ઓટોમેશન માટેનાં સ્ટાન્ડર્ડ લેવલ


Topic covered in this article: Automation levels for driver-less cars.

