(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

28 અબજ ડોલરની મેગા ડીલ : સેલ્સફોર્સ-સ્લેકની આ ડીલ આપણે કેમ કામની?

સેલ્સફોર્સ કંપનીએ અધધ કિંમતે સ્લેક સર્વિસ ખરીદી એ સમાચાર તરફ આપણાં અખબારએ ખાસ ધ્યાન આપ્યું નથી, પણ આ ડીલ બતાવે છે કે નવી દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. આ ડીલ વિશે વડીલો ન જાણે તો ચાલશે, યંગસ્ટર્સે અચૂક જાણવું જોઈએ.

છ વર્ષ પહેલાં, ફેસબુક કંપનીએ લગભગ ૧૯ અબજ ડોલરમાં વોટ્સએપ કંપની ખરીદી લીધી ત્યારે અનેક લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા – મેસેજિંગ એપ માટે ૧૯ અબજ ડોલર? ફેસબુક ઓલરેડી દુનિયા પર રાજ કરતી હતી ત્યારે માર્ક ઝકરબર્ગનું ભેજું ફરી ગયું હતું કે તેણે એક એપ પાછળ આટલી તોતિંગ રકમ ખર્ચી નાખી? ટેક બિઝનેસ જગતમાં તો આ ડીલે જબરજસ્ત ચર્ચા જગાવી જ, આપણા જેવા સરેરાશ યૂઝરનાં પણ આ ડીલને કારણે ભવાં ખેંચાયાં કારણ કે ૨૦૦૯માં લોન્ચ થયેલી વોટ્સએપ ૨૦૧૬ સુધીમાં તો આપણા દાદા-દાદીના સ્માર્ટફોન સુધી પણ પહોંચી ગઈ હતી!

પછી પુરવાર થયું કે માર્ક ઝકરબર્ગે, એ સમયે મોટા ભાગે પીસીમાં યૂઝ થતી ફેસબુકના સામ્રાજ્યથી સંતોષ માનવાને બદલે, મોબાઇલમાં દબદબો ધરાવતી વોટ્સએપ ખરીદીને એક ક્લિકે અનેક પક્ષી (ટ્વીટર સહિત!) માર્યાં હતાં!

હવે ફાસ્ટ ફોરવર્ડનું બટન દબાવીને ૨૦૧૬માંથી ૨૦૨૦માં આવી જાઓ.

‘સેલ્સફોર્સ’ નામની કંપનીએ પૂરા ૨૮ અબજ ડોલર ખર્ચીને ‘સ્લેક’ નામની કંપની ખરીદી છે. આ બંને કંપની માટે ‘નામની’ શબ્દ ઉમેરવા પડ્યા છે, એ બરાબર માર્ક કરજો! આપણામાંના મોટા ભાગના લોકો માટે આ બંને કંપનીનાં નામ અજાણ્યાં છે. આ ડીલ આપણે માટે ફેસબુક અને વોટ્સએપની ડીલ જેવી નથી.

પણ એટલે જ, આ ડીલમાં આપણને ઊંડો, બહુ ઊંડો રસ પડવો જોઈએ. જો તમે હજી સ્ટુડન્ટ હો કે કોઈ મોટી કંપનીમાં નવા નવા એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા હો તો તો ખાસ.

આ ડીલ બતાવે છે કે દુનિયા (ફક્ત ટેક્નોલોજીની નહીં, આખેઆખી વાસ્તવિક દુનિયા) કઈ દિશામાં જઈ રહી છે.

વોટ્સએપ પર ગુડ મોર્નિંગ કે ધાર્મિક ઇમેજીસ અને તેને પગલે નમસ્કાર ઇમોજીસની ફેંકાફેંક કરતી પેઢી સેલ્સફોર્સ અને સ્લેક વિશે નહીં જાણે તો ચાલશે, પણ તમે સારી કંપનીમાં જોડાવા કે તેમાં આગળ વધવા થનગની રહ્યા હો તો, ‘વર્ક-ફ્રોમ-એનીવ્હેર’ના આજના સમયમાં સેલ્સફોર્સ અને સ્લેક વિશે જાણ્યા વિના બિલકુલ નહીં ચાલે (વચ્ચે એક આડ વાત, લોકડાઉનમાં ચારે તરફ ‘વર્ક-ફ્રોમ-હોમ’ શબ્દ ચર્ચાતો હતો છેક ત્યારથી ‘સાયબરસફર’માં આપણે ‘વર્ક-ફ્રોમ-એનીવ્હેર’ની જ વાત કરી છે. એ શબ્દ હવે ટ્રેન્ડી બનવા લાગ્યો છે).

ઈ-મેઇલ ભૂલાવા લાગ્યા

સેલ્સફોર્સ અને સ્લેકની ઉપયોગિતા અને તેમની વચ્ચેની ડીલ આપણે કેમ સમજવા જેવી છે એની વાત કરતાં પહેલાં, આ બંને કંપની આજના સમયમાં કેમ મહત્ત્વની છે એનું બેકગ્રાઉન્ડ જાણી લઈએ.

કોરોના સ્પ્રેડ પછીની નવી દુનિયામાં વર્ચ્યુઅલ કોલાબોરેશન એ નવો બઝવર્ડ છે. કોરોના પહેલાં પણ ઘણી ખરી મોટી (અને નાની, છતાં સ્માર્ટ) કંપનીમાં લોકો ક્લાઉડ કમ્યુનિકેશન તરફ વળી ગયા હતા. એક જ ઓફિસમાં, પાસે પાસેના ટેબલ પર કામ કરતા બે એક્ઝિક્યુટિવ પણ તેમની કામકાજ વિશેની વાતચીત હોય તો આમને-સામને, રૂબરૂ વાત કરવાને બદલે ટ્રેલો, આસના, સ્કાઇપ, માઇક્રોસોફ્ટ ટીમ્સ વગેરે જેવી એપ્સ/સર્વિસ થ્રૂ કમ્યુનિકેટ કરવા લાગ્યા હતા. એ પહેલાંના જમાનામાં આ માટે ઈ-મેઇલનો ઉપયોગ થતો, પણ ઈ-મેઇલ્સ મોટા ભાગે ક્લાયન્ટ્સ સાથેના, એક્સટર્નલ કમ્યુનિકેશન માટે ઉપયોગ થતા હતા, કારણ કે ઈ-મેઇલમાં ઇન્સ્ટન્ટ કમ્યુનિકેશન થતું નથી.


પછી ઇન્સ્ટન્ટ મેસેજિંગ આવ્યું. ફેસબુક, ટ્વીટર, ફેસબુક મેસેન્જર, સ્નેપચેટ, વોટ્સએપ વગેરે એપ્સ કે સર્વિસ આવી. પ્રોફેશનલ  હેતુઓ માટે નહીં, પર્સનલ કમ્યુનિકેશન માટે આ સર્વિસ સૌને માફક આવી ગઈ. પ્રોફેશનલ અને એમાં પણ ઇન્ટર્નલ કમ્યુનિકેશન માટે ઈ-મેઇલથી કંઈક વધુ સ્માર્ટ, વધુ ફસ્ટ અને વધુ ફીચર-રીચ હોવું જોઈએ એવી જરૂર સૌને વર્તાવા લાગી.

નવા સમયની સર્વિસ

આવનારો સમય પારખીને ગૂગલે ‘ગૂગલ વેવ્ઝ’ અને ‘ગૂગલ કરન્ટ’ નામે ઈ-મેઇલનો પર્યાય આપવાની કોશિશ કરી. એમાં નિષ્ફળતા મળી એટલે તેણે જીમેઇલને ‘ઇનબોક્સ’ નામે વિક્સાવીને ઈ-મેઇલને જ વધુ સ્માર્ટ બનાવવાની કોશિશ કરી (ગૂગલના આ પ્રયાસ વિશે આપણે ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૫ના અંકની કવર સ્ટોરીમાં વિગતવાર વાત કરી હતી. એ પ્રયોગ નિષ્ફળ ગયા પછી તેનાં ઘણાં ફીચર હવે મૂળ જીમેઇલમાં ઉમેરાયા છે, તેની પણ આપણે જૂન ૨૦૧૮ના અંકમાં મુદ્દાસર વાત કરી હતી).

ગૂગલનો એ પ્રયાસ કદાચ સમયની માગ કરતાં આગળ હતો અને લોકોને જીમેઇલની એવી જબરજસ્ત ટેવ પડી હતી કે ગૂગલનો ‘ઇનબોક્સ’ પ્રયોગ નિષ્ફળ ગયો.

આજની દુનિયામાં હવે આ પ્રકારનાં સ્માર્ટ ટેક સોલ્યુશન્સની જ બોલબાલા રહેવાની છે. નવા સમયમાં કામ કરવા માટે તે બધાની સમજ હોવી અનિવાર્ય છે.

આ દરમિયાન, ઓસ્ટ્રેલિયાની ‘રીમેમ્બરધમિલ્ક’, જર્મનીની ‘વન્ડરલિસ્ટ’, અમેરિકાની ‘ટુડુઇસ્ટ’ વગેરે કંપની પર્સનલ કમ પ્રોફેશનલ ટુ-ડુ લિસ્ટ સર્વિસ તરીકે ખાસ્સી લોકપ્રિય બની (આપણે આ બધા વિશે પણ ઊંડાણમાં વાત કરી ચૂક્યા છીએ!). આ બધી સર્વિસમાં પણ એક પ્રોજેક્ટ પર કામ કરતા લોકો વચ્ચે ટાસ્ક શેરિંગની સગવડ હતી, છતાં, તેનાં પ્રીમિયમ વર્ઝન્સમાં પણ, નવી સ્માર્ટ દુનિયાના પ્રોફેશનલ્સને જોઈએ એવાં ફીચર્સ ખૂટતાં હતાં.

પરિણામે કંપનીની ટીમ્સના મેમ્બર્સ અને એક પ્રોજેક્ટ પર કામ કરતા લોકો વચ્ચે ‘કોલાબોરેટિવ વર્ક’ સિમ્પલ અને સ્માર્ટ બનાવવા માટે ટ્રેલો, આસના, વર્કઝોન, રાઇક, મેઇસ્ટર ટાસ્ક વગેરે જેવી કેટલીક સર્વિસ વિકસી.

આ બધી સર્વિસ ફેસબુક, ગૂગલ, માઇક્રોસોફ્ટ વગેરે જેવી જાયન્ટ ટેક કંપની નહોતી, પણ કદાચ એટલે જ એ ફટાફટ સ્માર્ટ મૂવ્સ લઈ શકી અને બિઝનેસ કે પ્રોફેશનલ કમ્યુનિકેશન માટે ઈ-મેઇલની જગ્યા લેવા લાગી.

ઇન્ટીગ્રેટેડ સર્વિસનો જમાનો

આવી પ્રમાણમાં નાની કંપનીઓને કારણે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટેક જાયન્ટ કંપનીઓનો ગરાસ લૂંટાવા લાગ્યો છે. બિઝનેસ સોફ્ટવેરની બાબતે એક સમયે માઇક્રોસોફ્ટનું રાજ હતું, તે ગૂગલની ઓનલાઇન સર્વિસીઝને કારણે તૂટ્યું અને હવે તેના ક્લાઉડ કમ્પ્યુટિંગના બિઝનેસ એઝ્યોરને પણ એમેઝોન એડબ્યુએસ અને ગૂગલ તરફથી તીવ્ર હરીફાઇ મળી રહી છે.

બીજી તરફ ગૂગલે, તેના મેઇલમાં જ ચેટિંગ, ફાઇલ શેરિંગ, વીડિયો કોન્ફરન્સ વગેરેનાં ટૂલ્સ ઇન્ટીગ્રેટ કરવાની કોશિશ શરૂ કરી છે, તો માઇક્રોસોફ્ટ કંપની ક્લાઉડ કમ્પ્યુટિંગ, શેરિંગ, ટીમ કમ્યુનિકેશન વગેરે સહેલું બનાવવા ભરપૂર પ્રયાસો કરી રહી છે. તેની ‘ટીમ્સ’ સર્વિસ એનું જ એક ઉદાહરણ છે. અત્યારે આ ટીમ્સ અને સ્લેક એકમેકના સૌથી મોટા હરીફ છે. બિઝનેસ સંબંધિત ક્લાઉડ કમ્પ્યુટિંગ અને કમ્યુનિકેશન બાબતે હવે માઇક્રોસોફ્ટ અને સેલ્સફોર્સ વચ્ચે સીધી હરીફાઇ થશે કેમ કે સેલ્સફોર્સ હવે વિવિધ  બિઝનેસ માટે એક્સટર્નલ અને ઇન્ટર્નલ બંને પ્રકારના કમ્યુનિકેશન માટે સર્વિસ આપી શકશે. એ ખાસ સમજવા જેવું છે કે આ બધી બાબતો હવે માત્ર ટેક્નોલોજીનો વિષય રહી નથી.

સ્લેક શું છે?

સાવ સાદા શબ્દોમાં એમ કહી શકાય કે સ્લેક પણ વોટ્સએપ કે ટેલિગ્રામ જેવી જ એક મેસેજિંગ એપ છે, ફેર ફક્ત એટલો છે કે તેમાં પ્રોફેશનલ કમ્યુનિકેશન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

આપણો નાનો-મોટો બિઝનેસ હોય તો આપણે વોટ્સએપનો ‘દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી’ એ ન્યાયે અંગત અને વ્યાયસાયિક બંને પ્રકારના કામકાજ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. પોતાના કસ્ટમર્સ કે ક્લાયન્ટ્સ સાથે, અગત્યની બાબતોની ફટાફટ આપલે કરી લેવી હોય તો હવે મોટા ભાગના લોકો ઈ-મેઇલને બદલે વોટ્સએપ પર મેસેજ મોકલી દેવાનું પસંદ કરે છે. વોટ્સએપમાં વિવિધ પ્રકારની ફાઇલ્સની આપલે પણ શક્ય બની હોવાથી વાત વધુ સહેલી બને છે. આપણી ઓફિસની નાની ટીમ હોય તો ટીમ મેમ્બર્સનું ગ્રૂપ બનાવી લેવાથી આપણું કામ ચાલી જાય છે. ક્લાયન્ટ્સ નહીં પણ, મોટા પ્રમાણમાં કસ્ટમર્સ સાથે સંપર્કમાં રહેવું હોય તો એ હવે વોટ્સએપ ફોર બિઝનેસથી શક્ય બન્યું છે અને તેમાં પણ વિવિધ ફીચર્સ ઉમેરાતાં જાય છે. પણ, આ બધું ટીમ નાની હોય, ક્લાયન્ટ્સ કે કસ્ટમર્સ ઓછા હોય ત્યારે ચાલી જાય. આ બધાનું પ્રમાણ જેમ વિસ્તરે તેમ તેમ વોટ્સએપના ચેટિંગમાં ઘણું ખૂટતું લાગે.

હવેની એક પ્રોજેક્ટ પર દુનિયાના જુદા જુદા ખૂણે, જુદા જુદા ટાઇમ-ઝોનમાં રહેતા લોકો કામ કરતા હોય એ બહુ સામાન્ય થઈ ગયું છે. આ સૌ વચ્ચે યોગ્ય રીતે, પૂરતા સંદર્ભ સાથે પ્રોજેક્ટના વિવિધ ટાસ્ક, તેની ટાઇમલાઇન, અપેક્ષિત રિઝલ્ટ્સ વગેરે વિશે ફટાફટ કમ્યુનિકેશન ન થાય તો કામના પરિણામ પર ઘણી બધી રીતે વિપરિત અસર થઈ શકે છે.

આ પ્રકારના કમ્યુનિકેશન માટે વોટ્સએપ ન ચાલે. એટલે વોટ્સએપમાં જે કંઈ ખૂટે છે તે બધી ખોટ પૂરી કરી આપતી સર્વિસ તરીકે સ્લેક વિકસી છે (અહીં માત્ર સહેલા સંદર્ભ તરીકે સ્લેકને વોટ્સએપ સાથે સરખાવી છે).

સ્લેક ‘વર્કપ્લેસ કમ્યુનિકેશન ટૂલ’ તરીકે પણ ઓળખાય છે. સ્લેકમાં મુખ્યત્વે બે પ્રકારે કમ્યુનિકેશન થાય છે – ચેનલ્સ (ગ્રૂપ ચેટ) અને બીજું છે ડાઇરેક્ટ મેસેજ અથવા ડીએમ (બે વ્યક્તિ વચ્ચેની ચેટ). ચેનલ્સ પ્રાઇવેટ અને પબ્લિક બંને પ્રકારની હોઈ શકે છે. ડીએમ હંમેશા પ્રાઇવેટ હોય છે. એ રીતે જોઈએ તો સ્લેક ટ્વીટર કે ફેસબુકને પણ મળતી આવતી સર્વિસ છે!

આવી લગભગ બધી સર્વિસની જેમ, સ્લેકમાં પણ ફ્રી અને પેઇડ એમ બે પ્રકારના પ્લાન છે. ફ્રી વર્ઝનમાં છેલ્લા ૧૦,૦૦૦ મેસેજ સુધીની હિસ્ટ્રી જોઈ શકાય છે. જોકે સ્લેકની ખરી ઉપયોગિતા ટીમ કમ્પ્યુનિકેશન માટે જ છે એટલે મોટા ભાગે તમારે, તમારી કંપનીના એમ્પ્લોઇ તરીકે, સ્લેકના પેઇડ વર્ઝનનો જ ઉપયોગ કરવાનો થાય.

અત્યારે વિશ્વની ૭,૫૦,૦૦૦ જેટલી કંપની, મોટા ભાગે ઇન્ટર્નલ કમ્યુનિકેશન માટે સ્લેકનો ઉપયોગ કરે છે. દુનિયાની જાયન્ટ ટેક કંપનીઝ અને અન્ય સેક્ટર્સની મહારથી કંપનીઓ પોતાની ટીમ વચ્ચેનું કમ્યુનિકેશન સારી રીતે જાળવી રાખવા માટે સ્લેકનો ઉપયોગ કરે છે. જોકે સ્લેક સિવાય બીજી સંખ્યાબંધ એપ્સ પણ આ કામ કરી આપે છે – આપણે માત્ર તેના કન્સેપ્ટસ સમજવા જરૂરી છે.

સેલ્સફોર્સ શું છે?

તમે તમારો નાનો-મોટો બિઝનેસ ચલાવતા હશો તો તમારો અનુભવ હશે કે પ્રોડક્ટ કે સર્વિસની રેન્જ, ક્વોલિટી, પ્રોડક્શન કે ડિલિવરી, એ માટે જરૂરી મેનપાવર, એકાઉન્ટિંગ, માર્કેટિંગ વગેરે બધું જ બિઝનેસની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પણ બિઝનેસનું કદાચ સૌથી મહત્ત્વનું પાસું હોય છે સેલ્સ. બીજું બધું ગમે તેટલું સારું હોય, જો સેલ્સ – વેચાણ જ યોગ્ય રીતે ન થાય તો બીજા કશાનો અર્થ રહેતો નથી. બિઝનેસ નાનો હોય, સેલ્સની ટીમ નાની હોય તો સૌ કોઈ ને કોઈ રીતે એકબીજાના સંપર્ક રહે, જૂના, હાલના અને નવા કસ્ટમર્સના સંપર્કમાં રહે અને એ રીતે સેલ્સ વધારવાની કોશિશ થાય, પરંતુ આ બધું જેમ સારી રીતે આગળ વધતું હોય તેમ કસ્ટમર્સના સંપર્કમાં રહેવા માટે બહેતર ટૂલની જરૂર ઊભી થાય.

સ્માર્ટ ટેક્નોલોજીસની નવી દુનિયામાં આ માટે સૌથી જાણીતો શબ્દ છે સીઆરએમ – કસ્ટમર રીલેશનશીપ મેનેજમેન્ટ. ઇન્ટરનેટ પર સીઆરએમ સર્ચ કરો તો સંખ્યાબંધ સર્વિસીઝ, ટૂલ્સ અને સોફ્ટવેર મળી આવશે. આમાંનાં કેટલાંય ફ્રી વર્ઝન્સ પણ ઓફર કરે છે.

સેલ્સફોર્સ અને સ્લેક કંપની એક થઈ જતાં, હવે વિવિધ બિઝનેસને પોતાના ઇન્ટર્નલ અને એક્સ્ટર્નલ કમ્યુનિકેશન માટે એક જ જગ્યાએથી ટોટલ સોલ્યુશન મળશે.

તમે આવા કોઈ ટૂલનો ઉપયોગ શરૂ કરો તો બિઝનેસમાં સફળતા માટે સારું સીઆરએમ ટૂલ કેટલી હદે અનિવાર્ય છે તે પૂરેપૂરું સમજાય. આવાં ટૂલ્સ સૌથી પહેલાં તો તમારા બિઝનેસને સંબંધિત તમામ પ્રકારના કોન્ટેક્ટ્સ અને તેમને સંબંધિત કેટલાય પ્રકારની માહિતી એક સાથે એક જગ્યાએ કલેક્ટ કરવાની સગવડ આપે છે.

કંપનીની પ્રોડક્ટ કે સર્વિસ ખરીદી શકે તેવા લોકોના વિશાળ વર્ગમાંથી જે લોકો કોઈ ને કોઈ રીતે પોતાનો રસ બતાવે તો એ લીડ જનરેટ થઈ કહેવાય અને તેનો પાકો રેકોર્ડ સીઆરએમ ટૂલમાં રાખી શકાય. એ પછી કંપનીની સેલ્સ ટીમ કે અન્ય મેમ્બર્સ વિવિધ કસ્ટમર્સ સાથે, સીઆરએમ ટૂલમાંથી જ, ઈ-મેઇલ કે મેસેજિંગ ટૂલ્સની મદદથી કમ્યુનિકેશન કરી શકે છે અને તેનો એકદમ વ્યવસ્થિત રેકોર્ડ જાળવી રાખી શકે છે (સેલ્સફોર્સ કંપનીને સ્લેક સર્વિસમાં રસ પડવાની કારણ સમજાયું?!). આ રીતે મોટા પાયે, પોટેન્શિયલ કસ્ટમર્સ સાથે કંપનીના બિઝનેસ, પ્રોડક્ટ્સ કે સર્વિસ વિશે કમ્યુનિકેશન શરૂ થયા પછી, વાત જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ કંપનીની ટીમના અન્ય મેમ્બર્સ પોતાપોતાની ભૂમિકા મુજબ તેમાં સામેલ થતા જાય અને વાત આગળ વધતી જાય.

ફેબ્રુઆરી, ૧૯૯૯માં, સેલ્સફોર્સ કંપની લોન્ચ થઈ તે પહેલાં, મોટા ભાગના બિઝનેસીઝ પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, પોતાના સર્વરમાં સીઆરએમ ટૂલ ઇન્સ્ટોલ કરી તેનો ઉપયોગ કરતા હતા. સેલ્સફોર્સે સોફ્ટવેર એઝ એ સર્વિસ (સાસ) તરીકે, સીઆરએમ માટે જરૂરી વિવિધ કોમ્પોનન્ટ્સ ક્લાઉડ મારફત ઓફર કરવાની શરૂઆત કરી. બિઝનેસ જેમ મોટો થતો જાય તેમ તેમ તેને જરૂરી સીઆરએમ સર્વિસ તેમાં ઉમેરી શકે. આ કારણે સીઆરએમ પાછળનો બિઝનેસીસનો ખર્ચ અને ઝંઝટ બંને એકદમ ઘટી ગયાં.

આમ સેલ્સફોર્સ મુખ્યત્વે બિઝનેસ અને તેના કસ્ટમર્સ વચ્ચેના એક્સટર્નલ કમ્યુનિકેશન માટે ઉપયોગી સર્વિસ છે. હવે તેમાં સ્લેક ઉમેરાતાં, બિઝનેસની પોતાની ટીમ્સ વચ્ચેનું ઇન્ટર્નલ કમ્યુનિકેશન પણ વધુ સહેલું બનશે.

‘સ્લેક શું છે’ એનો જવાબ જોબ-ઇન્ટરવ્યૂમાં આપી શકશો?

કોલેજ પૂરી કરીને, નોકરી મેળવવા મથતા મોટા ભાગના યુવાનો અને તેમનાં માતા-પિતાની એક સામાન્ય ફરિયાદ હોય છે – આટલી સારી કોલેજમાંથી, આટલી સારી ડિગ્રી મેળવી, એ પણ આટલા સારા ટકાએ, છતાં સારી નોકરી સહેલાઈથી કેમ મળતી નથી? આવું થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, પણ એક કારણ એય ખરું કે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ માત્ર કોલેજ, ડિગ્રી અને માર્ક્સ જોતા નથી.

તેઓ જે તે ઉમેદવાર તેમની પોતાની કંપનીના વર્ક કલ્ચરમાં કેટલા સહેલાઈથી ફિટ થઈ શકે તેમ છે એ પણ અચૂક જુએ છે. નોકરી શોધતા ઘણા યુવાનો ‘ઇન્ડસ્ટ્રી રેડી’ ન હોવાનું મનાય તેનું કારણ એ છે કે તેઓ પોતાના અભ્યાસક્રમ બહારની, તેની આજુબાજુની બાબતો તરફ પૂરતું ધ્યાન આપતા નથી.

આજની દુનિયામાં ટીમ વર્ક, કોલાબોરેશન, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સ્માર્ટ કમ્યુનિકેશન વગેરે બાબતો એન્જિનીયરિંગ કે અન્ય કરિક્યુલમનો ભાગ ન હોય તોય, આવી સોફ્ટ સ્કિલ્સ કોઈ પણ પ્રકારના સેક્ટરમાં અનિવાર્ય છે. નોકરી માટે નવયુવાનોના ઇન્ટરવ્યૂ લેનારા ઘણા એચઆર મેનેજર્સના મતે, આજના સ્ટુડન્ડ ‘વેલ-એક્સેસ્ડ’ છે, સ્માર્ટફોન અને ઇન્ટરનેટના પ્રતાપે ગમે તે માહિતી સુધી તેઓ પળવારમાં પહોંચી શકે છે અને છતાં, તેઓ ‘વેલ-ઇન્ફોર્મ્ડ’ નથી. આ સ્થિતિનું ઘણું પાપ ટિકટોક, પબજી કે ફેન્ટસી ગેમ્સ જેવી એપ્સના શિરે છે. આવી એન્ટરટેઇન્મેન્ટ એપ્સમાં  ગળાડૂબ રહેતા સ્ટુડન્ટ્સની નજર એવી પ્રોડક્ટિવિટી એપ્સ તરફ નથી પહોંચતી, જે તેમને નોકરી શોધવામાં અને તે મળ્યા પછી તેમાં આગળ રહેવામાં કામ લાગવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!