આપણું જીવન બદલી નાખનારી વિવિધ ટેક્નોલોજી કેવી રીતે વિકસી, વ્યક્તિગત ઉપયોગ માટેની ટેક્નોલોજીમાં શું શું થયું અને આવનારા સમયમાં આપણી દુનિયા કઈ દિશામાં આગળ વધી રહી છે એ બધી બાબતો પર ફેરવીએ એક બાજનજર…
આગળ શું વાંચશો?
- શરૂ થઈ ગઈ છે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ!
- કમ્પ્યૂટરના દાયકા
- એક નજર ઇન્ટરનેટના ઇતિહાસ પર…
- પાછલા બે જ દાયકામાં થયું આટલું બધું…
- આગામી સમયની ટેક્નોલોજીઓ
આપણે કેવા સંક્રાંતિ કાળમાં જીવી રહ્યા છીએ એ સમજવા, ઘણાં ઘરમાં સાંભળવા મળતા આ ડાયલોગ પર નજર ફેરવો ઃ ‘‘અમે તો ફાનસના અજવાળે ભણ્યા છીએ!’’ અને ‘‘ઓમાયજી, દાદા! તમારે બીજે ગામ વાત કરવા માટે કોલ બુક કરાવવો પડતો અને લાઇન મળે એ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી?! ના હોય!’’
એક જમાનામાં કલર તો ઠીક, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પણ ઘરેઘરે નહોતાં અને ટાબરિયાં અઠવાડિયે એક વાર ૧૫ મિનિટની ‘સ્પાઇડરમેન’ સિરિઝ જોવા, ટીવી ધરાવતા પોતાના મિત્રને ઘેર ટોળું જમાવતાં હતાં!
આ બધી બહુ જૂની વાતો નથી. માંડ ત્રીસ-ચાલીસ વર્ષ જૂની છે. એ જ રીતે, એ જમાનામાં લોકો ‘સ્કોપ’ જેવા અદભુત સાયન્સ મેગેઝિનમાં ‘દીવાલ પર ફ્રેમની જેમ લટકાવી શકાય તેવાં ટીવી’ કે ‘કારમાં હરતાં-ફરતાં દુનિયાના ગમે તે ખૂણે વાત શકાય એવા સેલફોન’ વિશે વાંચીને આશ્ચર્યમાં ગરકાવ થતા હતા.
દુનિયા આપણા હાથમાં આવી ગઈ છે, આપણે આ મહાશક્તિનો કેવો ઉપયોગ કરીએ છીએ તે જ નક્કી કરશે કે પર્સનલ ટેકનોલોજી ભવિષ્યમાં કેવી દિશા પકડશે.
આ બધું હવે આપણા સૌ માટે સાવ સામાન્ય થઈ ગયું છે. ટેક્નોલોજીએ આપણું જીવન સાવ બદલી નાખ્યું છે.
આવી રહેલી એકવીસમી સદી વિશે આપણે અને ખાસ તો આપણા રાજકીય નેતાઓ બહુ ગાજતા હતા એ સદી આવી ગઈ અને તેના બે દાયકા પણ વીતી ગયા.
એ રીતે, ૨૦૨૦ના અંતને ફક્ત એક વર્ષના અંત તરીકે જોવાને બદલે, એકવીસમી સદીના પહેલા બે દાયકાના અંત તરીકે તપાસવાની જરૂર છે.
ભારતના સંદર્ભ સાથે વાત કરીએ તો, વર્ષ ૨૦૦૨નો અંત નજીક હતો ત્યારે એક સ્લોગન આખા દેશમાં બહુ ગાજ્યું હતું – ‘‘કર લો દુનિયા મુઠ્ઠી મેં!’’.
રિલાયન્સ ઇન્ડિયા મોબાઇલ કંપની નવી ‘વાયરલેસ ઇન લોકલ લૂપ (ડબલ્યુએલએલ)’ અથવા ‘લિમિટેડ મોબિલિટી સર્વિસ’ તરીકે જાણીતી મોબાઇલ સર્વિસ દેશભરમાં લોન્ચ કરવાની હતી. ધીરુભાઈ અંબાણીના જન્મદિન સાથે તેમના આ ડ્રીમપ્રોજેક્ટના લોન્ચને સાંકળવામાં આવ્યો હતો. એ સમયે સીડીએમએ મોબાઇલના હેન્ડસેટ અને સર્વિસ ખાસ્સાં મોંઘાં હતાં, પણ ‘રીમ’ના ટચૂકડા મોબાઇલ અને તેની સર્વિસ એટલી સસ્તાં હતાં કે ભારતમાં નવેસરથી ફોન ક્રાંતિ આવી અને શાકભાજીવાળી બહેનના હાથમાં પણ મોબાઇલ આવી ગયો.
સમય જતાં એ સર્વિસ સમેટાઈ ગઈ પણ ‘કર લો દુિનયા મુઠ્ઠી મેં’ વાળી વાત બમણા જોરથી આગળ વધી. લોકોના હાથમાં ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ સ્માર્ટફોન આવ્યા!
આ અરસામાં ઘણું બધું બન્યું છે અને એક સાથે બન્યું છે – ગૂગલ જેવી કંપનીએ ઇન્ટરનેટ પર ઠલવાતી દુનિયા આખીની માહિતીને આપણે માટે બે-ચાર ક્લિકમાં શોધવી સરળ બનાવી, ફેસબુક અને અન્ય સોશિયલ સાઇટ્સ પર મિત્રોનાં ટોળાં જામ્યાં, ઇન્સ્ટન્ટ મેસેજિંગ આવ્યું, ઇ-કોમર્સ સતત વધતું ગયું, ક્લાઉડ કમ્પ્યૂટિંગથી દુનિયાના જુદા જુદા ખૂણે બેઠેલા લોકો માટે એક જ પ્રોજેક્ટ પર કામ કરવું સહેલું બન્યું, ઓનલાઇન લર્નિંગની અનેક તકો એવી વિકસી કે જગવિખ્યાત યુનિવર્સિટીઝના કોર્સ સાવ મફત અથવા મફતના ભાવે ઘેરબેઠાં કરવાની તક પણ મળી.
આ બધાને સમાતંર ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઇન એડવર્ટાઇઝિંગ, ઓનલાઇન એન્ટરટેઇન્મેન્ટ, ઓનલાઇન ગેમિંગ વગેરે પણ જબરું ચાલ્યું.
આખી દુનિયા ખરેખર આપણા હાથમાં આવી ગઈ છે, હવે એનો આપણે પોતે કેવી રીતે લાભ લઈએ છીએ, આ મહાશક્તિનો કેવો ઉપયોગ કરીએ છીએ તે જ નક્કી કરશે કે આ બધી પર્સનલ ટેકનોલોજી ભવિષ્યમાં કેવી દિશામાં આગળ વધશે.
બીજી તરફ, પર્સનલ ટેક્નોલોજી – વ્યક્તિગત ઉપયોગના ઉપરના સ્તરે નિષ્ણાતો ટેક્નોલોજીને માનવજાત માટે વધુ લાભદાયી બનાવવાની મથામણમાં પણ લાગ્યા છે.
આ બધું ધ્યાનમાં રાખીને આ અંકની કવરસ્ટોરીને ચાર ભાગમાં વહેંચી છે.
પહેલા ભાગમાં, પાછલી ત્રણેક સદી દરમિયાન આપણે કેવી કેવી ઔદ્યોગિક ક્રાંતિ જોઈ અને હવે કેવા યુગમાં પ્રવેશ્યા છીએ એની આછેરી વાત કરી છે.
બીજા ભાગમાં, વીસમી સદીનાં પાછળનાં વર્ષોમાં કમ્પ્યૂટર ટેક્નોલોજી કેવી રીતે વિકસી તેની વાત કરી છે અને પછી ઇન્ટરનેટનો વિકાસ કેવી રીતે થયો તેની વાત આલેખી છે.
ત્યાર પછી, વર્ષ ૨૦૦૦થી ૨૦૨૦નાં વીસ વર્ષમાં, ખાસ કરીને ઇન્ફર્મેશન ટેક્નોલોજીને કારણે કેવી કેવી નવી સર્વિસ, પ્રોડ્ક્ટસ વિકસી અને આપણા રોજિંદા જીવન પર તેની કેવી અસર થઈ તેની વાત કરી છે.
ચોથા ભાગમાં, હવેનો સમય કેવો હશે, કેવી નવી ટેક્નોલોજી પર અત્યારે કામ ચાલી રહ્યું છે તેની વાત કરી છે. આ બધી ટેક્નોલોજી અત્યારે આપણને સીધી સ્પર્શે તેવી નથી, પણ તેની લાંબા ગાળાની અસરો ચોક્કસ રહેશે. હાથવગી ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં કરતાં, ક્યારેક તેની પર બાજનજર ફેરવવાના પણ ફાયદા છે!
શરૂ થઈ ગઈ છે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ!
વરાળ, વીજળી અને માહિતીથી આગળ હવે આપણે નોલેજ ઇકોનોમીમાં પ્રવેશ્યા છીએ
વરાળ યુગ
૧૮મી સદીમાં માનવે ખેતીની સાથોસાથ ઉદ્યોગો તરફ વળવાનું શરૂ કર્યું, એ ઔદ્યોગિક ક્રાંતિનો પહેલો તબક્કો હતો. ૧૯મી સદીના પ્રારંભથી મશીનોના વિકાસ સાથે નવા યુગની શરૂઆત થઈ. માણસને પોતાની શક્તિ ઉપરાંત વરાળની નવી શક્તિ મળી. થોકબંધ ઉત્પાદન શક્ય બનતાં, સામાજિક અર્થતંત્રનું કેન્દ્ર ખેતીથી ખસીને ઉદ્યોગો તરફ વળ્યું. મશીનો વરાળથી ચલાવવા કોલસો-પાણી હાથવગાં હતાં. શહેરોમાં કારખાનાં ધમધમવા લાગતાં શહેરોની વસતી વધવા લાગી. સ્ટીમ એન્જિનથી ચાલતું રેલવે તંત્ર વિકસતાં માણસ-વસ્તુઓની હેરફેર સરળ બની અને ઔદ્યોગિકરણને વધુ વેગ મળવા લાગ્યો.
વીજળી યુગ
પહેલી ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થયાને લગભગ એક સદી વીત્યા પછી બીજી ઔદ્યોગિક ક્રાંતિનાં મંડાણ થયાં, ૧૯મી સદીના લગભગ અંતભાગમાં. એ દરમિયાન મશીન ટેક્નોલોજી વધુ વિકસી. વરાળનું સ્થાન વીજળી, ગેસ અને ઓઇલે લીધું. વિવિધ પ્રકારનાં એન્જિનની ક્ષમતા વધી. તેની સાથોસાથ સ્ટીલનો કાર્યક્ષમ ઉપયોગ શક્ય બન્યો. બીજી બાજુ કેમિકલ્સ ટેક્નોલોજી વિકસી, ટેલિગ્રાફ અને ટેલિફોન જેવાં કમ્યુનિકેશનનાં સાધનો વિકસ્યાં. હવા, પાણી અને જમીન ત્રણેય રીતે પરિવહન વધુ ઝડપી બન્યું. આ બધાને પરિણામે વીસમી સદી સુધીમાં ઔદ્યોગિકરણ નવી ઊંચાઈએ પહોંચ્યું.
માહિતી યુગ
મશીન આધારિત ઔદ્યોગિકરણના બે તબક્કા પછી, વીસમી સદીના બીજા અર્ધભાગમાં અણુઊર્જા, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકમ્યુનિકેશન્સ, કમ્પ્યૂટર્સ વગેરે બધું વિકસવા લાગ્યું. જગતે પ્રોડક્શન ક્ષમતા તો કેળવી લીધી હતી, તેમાં પ્રોગ્રામિંગ અને પ્રોસેસિંગનો પાવર ઉમેરાયો. માનવ સ્પેસમાં પણ પહોંચ્યો અને બાયોટેકનોલોજી જેવાં પ્રમાણમાં નવાં ક્ષેત્રોમાં ઊંડો ઊતર્યો. કમ્પ્યૂટર્સ-ઇન્ટરનેટના વધતા પ્રસારથી દુનિયામાં માહિતીની આપલે સહેલી અને ઝડપી બની. દુનિયા બિલકુલ નાની બનતી ગઈ અને ઉદ્યોગોને બદલે સ્માર્ટ ટેક્નોલોજી આધારિત કંપની કંપનીઓ જગત પર રાજ કરવા લાગી.
જ્ઞાન યુગ
પાછલાં ત્રીસેક વર્ષમાં ટેક્નોલોજીએ જે હરણફાળ ભરી છે તેથી બે બહુ મહત્ત્વની બાબતો શક્ય બની છે – એક, પાર વગરની બાબતો વિશે, પાર વગરનો ડેટા મળવા લાગ્યો, બીજું, આ ડેટાનું પ્રોસેસિંગ કરવાની કમ્પ્યૂટર્સની ક્ષમતા જબરજસ્ત વિકસી રહી છે. છેલ્લા ત્રણેક દાયકામાં જ આપણે એવું ઘણું નવું જોયું છે જેની કલ્પના પણ નહોતી. આ બધું માત્ર માહિતીની ઝડપી આપલેથી શક્ય બન્યું. હવે જે પરિવર્તનો આવશે તે ખરેખર કલ્પનાતિત હશે કેમ કે હવે માહિતીનો કેવો અને કેવી રીતે ઉપયોગ થઈ શકે તેનું જ્ઞાન માણસ અને મશીન બંનેને મળતું જશે! આ ફેરાફારો માનવજાત માટે લાભદાયી જ રહે એવી પ્રાર્થના!
કમ્પ્યૂટરના દાયકા
આજનો ઇન્ફર્મેશન યુગ જેના પર ઊભો થયો છે તે પાયો કમ્પ્યૂટર ટેક્નોલોજીને આભારી છે. કમ્પ્યૂટરનો ઇતિહાસ લગભગ ૮૦ વર્ષ જૂનો છે. એકવીસમી સદીના પહેલા બે દાયકાની વાત કરીએ ત્યારે પહેલાં પાછલા દાયકાઓ પણ એક ઊડતી નજર ફેરવવી જરૂરી છે.
1940 દાયકો
કમ્પ્યૂટરના પાયામાં મેથેમેટિક્સ-ગણિત રહેલું છે. કમ્પ્યૂટરના વિકાસના શરૂઆતના સાવ પ્રારંંભિક ગાળામાં મુખ્ય ઉદ્દેશ લશ્કરી હતો. દુશ્મન દેશોના સાંકેતિક સંદેશાઓનો ભેદ ઉકેલવા માટે અટપટી ગણતરી કરવાના મશીન તરીકે કમ્પ્યૂટર્સનો પાયો નંખાયો. એ સમયનાં કમ્પ્યૂટરમાં હજારો પાર્ટ હતા અને આખેઆખા રૂમ ભરાય એટલી જગ્યા એ રોકતાં હતાં.
1950 દાયકો
આ દાયકામાં કમ્પ્યૂટર્સે પ્રમાણમાં ઠીક ઠીક નક્કર સ્વરૂપ લેવાની શરૂઆત કરી અને સામાન્ય હેતુ માટે પણ ઉપયોગ કરી શકાય તેવાં કમ્પ્યૂટર્સ વિકસવાની અને વેચાવાની શરૂઆત થઈ. શરૂઆતમાં ડેટા ઇનપૂટ કરવા પંચકાર્ડનો ઉપયોગ થતો હતો, તેને બદલે ટાઇપરાઇટરની જેમ કી-બોર્ડનો ઉપયોગ વિકસવા લાગ્યો.
1960 દાયકો
સુપર કમ્પ્યૂટર્સ કહી શકાય તેવાં કમ્પ્યૂટર્સ આ દાયકામાં વિકસવા લાગ્યાં. આ કમ્પ્યૂટર ઘડીના છઠ્ઠા ભાગમાં લાખો ગણતરી કરી શકતાં હતાં. કમ્પ્યૂટરનો ઉપયોગ આ દાયકામાં વધુ વ્યાપક બન્યો.
1970 દાયકો
આ દાયકાથી પર્સનલ કમ્પ્યૂટર (પીસી)યુગની શરૂઆત થઈ. અલ્ટેર 8800 નામના આપણે માટે અજાણ્યા પીસીએ આ યુગની શરૂઆત કરી, આપણે માટે જાણીતા નામ એપલે આ જ દાયકાથી પર્સનલ કમ્પ્યૂટર્સ બનાવવાની શરૂઆત કરી. અટારી નામની કંપનીએ વીડિયો ગેમિંગ કોન્સોલ આ દાયકામાં લોન્ચ કર્યા.
1980 દાયકો
આઇબીએમ, ડેલ અને એપલ જેવી કંપનીઓએ આ દાયકામાં પર્સનલ કમ્પ્યૂટર્સ ઓફિસ-ઓફિસ અને ઘણે અંશે ઘર-ઘરમાં પહોંચાડી દીધાં. કમ્પ્યૂટરને 32 બીટનું માઇક્રો પ્રોસેસર અને ફુલ કલર મોનિટર પણ આ દાયકામાં મળ્યું.
1990 દાયકો
આ દાયકામાં કમ્પ્યૂટર પોર્ટેબલ બન્યાં. એપલના મેકિન્ટોશ પોર્ટેબલ અને પાવરબુક જેવાં ડિવાઇસિસને પગલે લેપટોપના યુગનો આરંભ થયો. ‘પામ પાયલોટ’ નામનું એક સાધન પણ હાથમાં પકડીને કામ કરી શકાય તેવાં સાધનોના યુગને વિસ્તારવામાં નિમિત્ત બન્યું પરંતુ પોતે ગુમનામીમાં ધકેલાઈ ગયું.
2000 દાયકો
આ દાયકામાં દુનિયા ખરા અર્થમાં મોબાઇલ બની. એમેઝોન કિંડલ જેવા સાધનને કારણે પુસ્તકોની દુનિયા અને પુસ્તકો વાંચવાની લોકોની રીત બદલાઈ ગઈ. તેની સાથોસાથ આઇફોન અને એન્ડ્રોઇડ સ્માર્ટફોનને પગલે ઇન્ટરનેટ અને તેની મદદથી આખેઆખી દુનિયા લોકોની મુઠ્ઠીમાં આવી ગઈ.
2020 દાયકો
કમ્પ્યૂટર હવે કી-બોર્ડ, સીપીયુ અને મોનિટરનાં જ બનેલાં હોય એવું રહ્યું નથી. જાત જાતનાં અનેક સાધનોમાં અનેક સ્વરૂપે કમ્પ્યૂટરનો પાવર ઉમેરાવા લાગ્યો છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો કન્સેપ્ટ આ જ પ્રકારનાં અલગ પ્રકારનાં કમ્પ્યૂટર્સને આભારી છે!
એક નજર ઇન્ટરનેટના ઇતિહાસ પર…
1969
આર્પાનેટ તરીકે ઇન્ટરનેટની પ્રારંભિક શરૂઆત, સૌથી પહેલાં ચાર નોડ્સ આર્પાનેટમાં જોડાયાં.
1974
બે કમ્પ્યૂટર્સ એકબીજા સાથે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ (ટીસીપી) તરીકે ઓળખાતી વ્યવસ્થાથી એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકે છે. આ પ્રોટોકોલની ડિઝાઇન આ વર્ષમાં પ્રકાશિત થઈ.
1981
ટીસીપી સાથોસાથ ઇન્ટરનેટના આધાર સમાન ઇન્ટનેટ પ્રોટોકોલ (આઇપી) બંને સાથે મળીને ટીસીપી/આઇપીનાં ફુલ સ્પેસિફિકેશન આ વર્ષમાં તૈયાર થયાં. તેની સાથે અમેરિકામાં કમ્પ્યૂટર સાયન્સ નેટવર્ક (સીએસનેટ)ની શરૂઆત થઈ. આથી આર્પાનેટમાં ન જોડાયેલ કમ્પ્યૂટર સાયન્સ અને એન્જિનીયરિંગ શિક્ષણ સંસ્થાઓનું પોતાનું આગવું નેટવર્ક રચાયું. આમ આર્પાનેટ અને પછી સીએસનેટે આજના ઇન્ટરનેટનો પાયો તૈયાર કર્યો.
1982
યુરોપમાં પહેલું પબ્લિક વાઇડ એરિયા નેટવર્ક (ડબલ્યુએએન) કાર્યરત થયું.
1983
આપણે આજે જેને ઓળખીએ છીએ, તે ઇન્ટરનેટ લગભગ આજના સ્વરૂપે આ વર્ષમાં શરૂ થઈ ગયુ.
1984
ઇન્ટરનેટની ફોનબુક કે ડિરેક્ટરી જેવી ડોમેન નેમ સિસ્ટમ (ડીએનએસ) શરૂ થઈ.
1985
વિશ્વનું પહેલું ડોમેઇન Symbolics.com રજિસ્ટર્ડ થયું. આ ડોમેઇન પર હવે ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબનું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. જોકે તેમાં દાખલ થવા માટે આપણું ઇ-મેઇલ એડ્રેસ આપવું પડે છે.
1986
ઇ-મેઇલના પાયા સમાન એટ (@) નિશાનીનો ઉપયોગ ઘણો જૂનો છે પરંતુ તેની મદદથી આધુનિક ઇ-મેઇલ વ્યવસ્થા આ વર્ષે શરૂ થઈ.
1987
યુએનનેટ નામના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરની સ્થાપના થઈ.
1989
ટીમ બર્નર્સ-લીએ વર્લ્ડ વાઇડ વેબને જન્મ આપ્યો અને એચટીટીપી એટલે કે હાઇપર ટેકસ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલની શરૂઆત કરી. એચટીટીપીને કારણે વેબ પેજિસને એકમેક સાથે લિન્ક કરવાનું શક્ય બન્યું.
1990
આર્કી નામના પહેલા ઇન્ટરનેટ સર્ચ એન્જિનની શરૂઆત થઈ.
1991
ડબલ્યુડબલ્યુડબલ્યુનો ઉપયોગ સૌ કોઈ માટે શક્ય બન્યો!
1994
ઇન્ટરનેટ સર્ચ કરવા માટે નેટસ્કેપ બ્રાઉઝર અને યાહૂનો જન્મ થયો.
1995
એમેઝોન, ઇન્ટરનેટ પરની ટચૂકડી જાહેરાતો જેવી ક્રેગલિસ્ટ અને ઇબેની શરૂઆત થઈ. તેની સાથોસાથ અલ્ટાવિસ્ટા નામનું સર્ચ એન્જિન શરૂ થયું, જે ખાસ્સું લોકપ્રિય બન્યું.
1998
ગૂગલ સર્ચ એન્જિન સત્તાવાર રીતે પબ્લિક યૂઝ માટે લોન્ચ થયું અને આપણી દુનિયા હંમેશ માટે બદલાઈ ગઈ!
2000
ઇન્ટરનેટ દુનિયા બદલી નાખશે એવી હવા ઊભી થયા પછી, આ વર્ષે ડોટ.કોમ બબલ ફૂટ્યો અને ડોટ.કોમ કંપનીઓ ધરાશાયી થઈ. જોકે ટૂંક સમયમાં ઇન્ટરનેટે ફરીથી વેગ પકડ્યો.
2003
બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે વર્ડપ્રેસનો જન્મ થયો. અત્યારે ઇન્ટરનેટ પરની તમામ વેબસાઇટમાં 39 ટકા વેબસાઇટ વર્ડ પ્રેસ આધારિત હોય છે.
2004
ફેસબુકની શરૂઆત થઈ અને સોશિયલ મીડિયા યુગની પણ શરૂઆત થઈ.
2005
યુટ્યૂબ લોન્ચ થયું અને સાથે સાથે ઇન્ટરનેટ યૂઝર્સને કમ્યુનિટી સ્વરૂપે એકમેક સાથે જોડતી વ્યવસ્થા રેડિટ પણ લોન્ચ થઈ.
2006
ટ્વીટર સર્વિસ લોન્ચ થઈ અને ધીમે ધીમે તેનો કલબલાટ દુનિયાભરમાં વધતો જ ગયો.
2007
એપલનો આઇફોન લોન્ચ થયો અને ઇન્ટરનેટ ખરેખર લોકોને હાથવગું બન્યું.
2008
આઇફોનની સરખામણીમાં સખત સસ્તા એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ થયા અને જોતજોતામાં તેણે દુનિયા સર કરી.
2008
ગૂગલ ક્રોમ બ્રાઉઝરની શરૂઆત થઈ.
2009
ગૂગલ અને અન્ય કંપનીઓએ પોતાના બ્રાઉઝરમાં એચટીટીપીએસ તરીકે વધુ સલામત બ્રાઉઝિંગને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી.
2016
ગૂગલ આસિસ્ટન્ટ સ્વરૂપે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટના યુગની શરૂઆત થઈ.
2018
ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસિસ પર ઓટોમેટિક કમ્યુનિકેશન માટે ચેટબોટનો ઉપયોગ શરૂ થયો.
પાછલા બે જ દાયકામાં થયું આટલું બધું…
વર્ષ ૨૦૨૦ – આ આંકડા ધ્યાનપૂર્વક વાંચીએ તો સમજાય કે પૃથ્વી પર માનવજાતે પૂરી બે હજાર ને વીસ દિવાળીઓ જોઈ લીધી છે (ઉત્ક્રાંતિ તો વળી એથીય જૂની!). બે હજાર વર્ષ કંઈ નાનો એવો સમયગાળો નથી, છતાં પાછલાં ફક્ત વીસ વર્ષમાં આપણે એવાં પરિવર્તનો જોયાં છે જેની આપણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી.
વીસમી સદીનો અંત નજીક આવ્યો ત્યારે આપણે એકવીસમી સદીનાં સદીનાં સપનાં જોતા હતા. લોકો ગમે ત્યારે, ગમે ત્યાંથી હરતાં-ફરતાં, દુનિયાના ગમે તે ખૂણે વાત કરી શકે એ દિવસો પણ હજી દૂર લાગતા હતા. એમાંથી, એકવીસમી સદીના પહેલા બે જ દાયકામાં આપણે ક્યાં આવી પહોંચ્યા છીએ એ જુઓ! આપણું પારિવારિક જીવન, સંબંધો, જીવનશૈલી, કામકાજની રીત બધંુ ગજબનું બદલાયું છે અને ગજબની ઝડપે બદલાઈ રહ્યું છે.
ટેક્નોલોજીનો આપણા જીવન પર પ્રભાવ અત્યારે છે એટલો ક્યારેય નહોતો. એ દૃષ્ટિએ, મુખ્યત્વે પર્સનલ ટેક્નોલોજીના મોરચે પાછલાં વીસ વર્ષમાં શું શું થયું તેની અહીં વાત આલેખી છે.
2000
આખી દુનિયા માટે એક બજાર
એમેઝોન કંપનીનો પાયો ૧૯૯૪માં નખાયો હતો અને શરૂઆત પુસ્તકોના વેચાણથી થઈ, પરંતુ ૨૦૦૦ના આગમન સુધીમાં એમેઝોનને થર્ડ પાર્ટી સેલર માર્કેટપ્લેસનું સ્વરૂપ મળ્યું એટલે કે એમેઝોન કંપની માત્ર એક પ્લેટફોર્મ આપે અને કોઈ પણ વેપારી તેના પર પોતાની ચીજવસ્તુ વેચી શકે એવી વ્યવસ્થા શરૂ થઈ. શરૂઆતમાં એમેઝોનનો પરપોટો ફૂટી જશે એવું લોકોએ માન્યું હતું પરંતુ ૨૦૧૮ સુધીમાં, દુનિયાભરના ઓનલાઇન રીટેલ વેચાણમાં એમેઝોનનો હિસ્સો અડધોઅડધ હોય એવું વિરાટ સ્વરૂપ તેણે લીધું. એમેઝોનની સફળતાને પગલે લાખો શોપિંગ સાઇટ્સ વિકસી, પણ સફળ અમુક જ થઈ.
2001
થ્રીજી જૂનું થયું, ફાઇવજી હજી દૂર
ફક્ત બે દાયકામાં ઇન્ટરનેટે આખી દુનિયા બદલી નાખી તેમાં મોબાઇલ ટેલિફોન ટેકનોલોજીનો સિંહફાળો છે. વર્ષ ૨૦૦૧માં જાપાનમાં થ્રીજી નેટવર્કનો પ્રારંભ થયો. આજે આપણે થ્રીજીને ‘સ્લો નેટવર્ક’ ગણીએ છીએ, પણ એ નેટવર્કને કારણે જ મોબાઇલ ઇન્ટરનેટ શક્ય બન્યું. પછી તો, વર્ષ ૨૦૦૦ પછી ફોરજી ટેકનોલોજી આવતાં મોબાઇલ પર ટીવી અને મોબાઇલ કોન્ફરન્સિંગ પણ સહેલાં બની ગયાં. જોકે આવતાં ચાર-પાંચ વર્ષમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વિસ્તરશે એ સાથે લગભગ ૨૪ અબજ સાધનો ડેટાની આપ-લે કરવા લાગશે અને ત્યારે ફોરજી નેટવર્કની સ્પીડ તદ્દન અપૂરતી સાબિત થશે, ફાઇવજી અનિવાર્ય બનશે.
2001
જ્ઞાનની લોકશાહી સ્થપાઈ
હવે નોલેજ આધારિત ઇકોનોમી યુગ શરૂ થયો છે તેમાં ઇન્ટરનેટનું અત્યંત મહત્વપૂર્ણ યોગદાન છે. પરંતુ ઇન્ટરનેટ પર જ્ઞાનની લોકશાહી ખરા અર્થમાં વિકિપીડિયાએ સ્થાપી. જાન્યુઆરી ૧૫, ૨૦૦૧માં વિકિપીડિયાની સ્થાપના થઈ અને ત્યારથી દુનિયાના અનેક વિષયોની તલસ્પર્શી માહિતી બે-ચાર ક્લિકમાં મળવા લાગી. કોઈ પણ વ્યક્તિ લેખ લખી શકે અને કોઈ પણ વ્યક્તિ અન્યના લેખમાં ફેરફાર કરી શકે એવું માળખું વિવાદાસ્પદ રહ્યું છે, પરંતુ આ વિરાટ જ્ઞાન સ્રોત સ્વયંસેવકોની મદદથી એટલો વિસ્તર્યો છે કે તેમાં કોઈ લેખમાં ઇરાદાપૂર્વક ખોટી માહિતી ઉમેરવામાં આવે તો ગણતરીની પળોમાં તેને સુધારી લેવામાં આવે છે.
2003
બ્લોગિંગ અને નેટ કોલિંગનો પ્રારંભ
ઇન્ટરનેટથી માહિતીનું આદાન-પ્રદાન સરળ બન્યું અને બ્લોગિંગ વ્યવસ્થાને કારણે ઇન્ટરનેટ પર કોઈ પણ વ્યક્તિ ટેકનોલોજીની લગભગ કોઈ જાણકારી વિના પોતાની હાજરી નોંધાવી શકે એવું શક્ય બન્યું. વર્ષ ૨૦૦૩માં બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે વર્ડપ્રેસની શરૂઆત થઈ. આ ઓપન સોર્સ પ્લેટફોર્મ પછી તો કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે વિસ્તર્યું અને દુનિયાની લગભગ ૩૯ ટકા વેબસાઇટ વર્ડપ્રેસના આધારે વિકસવા લાગી. આ જ વર્ષે સ્કાઇપની શરૂઆત પણ થઈ જેને કારણે નેટ આધારિત મેસેજિંગ અને કોલિંગ શક્ય બન્યું. એ વ્યવસ્થા દુનિયા માટે કેટલી ઉપયોગી બની એ આપણે ૨૦૨૦ના એક જ વર્ષમાં બરાબર અનુભવી લીધું!
2004
ઓરકૂટ ખોવાયું, ફેસબુક છવાયું
અમુક કોલેજિયનોની મસ્તીમાંથી દુનિયાભરના લોકોને એકમેકના ફ્રેન્ડ બનાવતી ફેસબુક સર્વિસની શરૂઆત ૨૦૦૪માં થઈ. એ જ અરસામાં ગૂગલે ઓરકૂટ નામના નેટવર્કની શરૂઆત કરી. બ્રાઝિલ, ભારતમાં લોકપ્રિય થવા છતાં ઓરકૂટ ફેસબૂકની આંધી સામે ટકી શક્યું નહીં. આજે દુનિયાની દરેક વ્યક્તિ ફેસબુક પર એકબીજાથી માત્ર છ કનેકશન દૂર હોય છે. ફેસબુકને એક દેશ ગણીએ તો તેની વસતી ૨.૪૫ અબજ લોકો સાથે ભારત-ચીનની વસતીના સરવાળાની નજીક છે! ફેસબુક આખી દુનિયા પર જેટલી છવાઈ છે એટલી જ પ્રાઇવસી અને ટ્રેકિંગને મુદ્દે વગોવાઈ છે, છતાં સોશિયલ મીડિયામાં તેનું એકચક્રી શાસન કોઈ હલાવી શકતું નથી.
2005
દુનિયાનો નક્શો ‘બદલાઈ’ ગયો
હાથે ચીતરાયેલા ને પછી પ્રિન્ટ થયેલા નકશાનું સ્વરૂપ સદીઓ જૂનું છે. તેને ડિજિટલ સ્વરૂપ ૧૯૬૦થી મળવા લાગ્યું. ૨૦૦૫માં ગૂગલ મેપ્સ સર્વિસ લોન્ચ થતાં દુનિયાનો નકશો જ બદલાઈ ગયો. આજે એક અબજથી વધુ લોકો ગૂગલ કે અન્ય ડિજિટલ મેપ્સનો વાપરે છે. મેપ્સ પછી ગૂગલે પૃથ્વીને ૩ડી સ્વરૂપે એક્સ્પ્લોર કરાવતો અર્થ પ્રોગ્રામ પણ લોન્ચ કર્યો. બે વર્ષમાં મોબાઇલ ફોન આવ્યા પછી ડિજિટલ મેપ્સની ઉપયોગિતા અનેકગણી વધી ગઈ. રિઅલ ટાઇમ ટ્રાફિક અપડેટ, સ્ટ્રીટવ્યૂ વગેરેને કારણે દુનિયા જોવાની આપણી નજર પણ બદલાઈ ગઈ. ૨૦૧૯થી મેપ્સમાં ઓગમેન્ટેડ રિઆલિટી સાથે લાઇવ વ્યૂની સગવડ ઉમેરાઈ છે.
2005
દુનિયાને ઘેલું લાગ્યું વીડિયોનું
ત્રણ મિત્રો, એક ચર્ચાસ્પદ ઘટનાનું વીડિયો ક્લિપિંગ શોધતા હતા, એ ન મળ્યું, પણ એ અનુભવથી વીડિયો શેરિંગ-સર્ચિંગ સહેલું બનવું જોઈએ એવો વિચાર જરૂર મળ્યો. એમાંથી ૨૦૦૫માં જન્મ થયો યુટ્યૂબનો. પછીના વર્ષે યુટ્યૂબ સર્વિસ ગૂગલે ખરીદી લીધી અને પેલા ત્રણે મિત્રોને ૧.૬૫ અબજ ડોલર મળ્યા! આજે, તમારા સહિત, બે અબજથી વધુ લોકો યુટ્યૂના નિયમિત વિઝિટર છે. યુટ્યૂબ પર દર મિનિટે ૫૦૦થી વધુ કલાકના વીડિયો અપલોડ થાય છે. સૌથી સફળ યુટ્યૂબર ૮-૯ વર્ષનો ટાબરિયો છે. તે રમકડાંના વીડિયો રીવ્યૂ કરીને ૨.૫ કરોડ સબસ્ક્રાઇબર્સ, ૩૦ અબજથી વધુ વ્યૂ અને વર્ષે આશરે ૨ અબજ રૂપિયા કમાય છે!
2007
દુનિયા સમાઈ સૌની મુઠ્ઠીમાં
દુનિયા આપણી મુઠ્ઠીમાં હોય એવું ખરેખર બન્યું! ઇન્ટરનેટ એક્સેસ થઈ શકે તેવા ફોનની શરૂઆત ૧૯૯૦ના દાયકામાં નોકિયા કમ્યુનિકેટરથી થઈ, પણ ૨૦૦૭માં આઇફોન ને પછીના વર્ષે એન્ડ્રોઇડ ફોનના આગમન સાથે ઇન્ટરનેટ ખરેખર સૌની મુઠ્ઠીમાં સમાઈ ગયું. આ બંને કંપનીએ સ્માર્ટફોનમાં અન્ય ડેવલપર્સ પણ પોતાની એપ્સ ઓફર કરી શકે તેવા એપ સ્ટોર લોન્ચ કર્યા એ સાથે લોકોની જિંદગી અને કામકાજની પદ્ધતિઓ બિલકુલ બદલાઈ ગઈ. કેમેરા, કેલ્ક્યુલેટર, રિસ્ટવોચ, મ્યુઝિક પ્લેયર જેવાં ઘણાં સાધનોની જરૂર ન રહી અને એક સ્માર્ટફોનમાં બધું જ સમાઈ ગયું. સ્માર્ટફોનને કારણે દુનિયાની અર્થ વ્યવસ્થા પણ બદલાઈ ગઈ.
2007
ગમે ત્યારે ગમે ત્યાંથી કામ
કમ્પ્યૂટરનો ઉપયોગ વ્યાપક બન્યા પછી એકવીસમી સદીમાં ઇન્ટરનેટ વિસ્તર્યું ને સ્માર્ટફોનના આગમન સાથે ‘ગમે ત્યારે, ગમે ત્યાંથી’ કામ કરવાનું ચલણ વધ્યું. ૨૦૦૭માં ડ્રોપબોક્સ, માઇક્રોસોફ્ટ ડ્રાઇવ સાથે કામકાજની ફાઇલ્સ ક્લાઉડમાં સ્ટોર કરવાની સગવડ મળી. ગૂગલે ૨૦૧૨માં ગૂગલ ડ્રાઇવની ભેટ આપી. પછી તો આવી ઘણી સર્વિસિસ મળવા લાગી. માઇક્રોસોફ્ટ અને ગૂગલની ક્લાઉડ ડ્રાઇવનો ફાયદો એ છે કે તેમાં સ્ટોરેજ ઉપરાંત ઓફિસ પ્રોગ્રામ્સની પણ સગવડ મળે છે. હવે મોટા બિઝનેસ ઉપરાંત નાના બિઝનેસમેન કે અન્ય લોકો પણ પોતાના કામની બધી ફાઇલ્સ ક્લાઉડમાં સ્ટોર કરવા તરફ વળવા લાગ્યા છે.
2008
નવા પ્રકારની ‘ગિગ ઇકોનોમી’
દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે – એક, જેમને કોઈ સર્વિસની જરૂર છે, બીજા, જેઓ આ સર્વિસ આપવા તૈયાર છે. એપ આધારિત ટેકનોલોજીની મદદથી આ બંને પ્રકારના લોકોનો મેળાપ કરાવી આપતાં અનેક પ્લેટફોર્મ વિકસ્યાં. આ કન્સેપ્ટમાં સર્વિસ આપનાર લોકો કોઈ કંપનીના પગારદાર હોતા નથી, તેઓ ‘ગિગ વર્કર’ તરીકે ઓળખાય છે. તેઓ પોતાનો સમય કે સર્વિસ આપે છે અને તેમાંથી કમાય છે. હવે આવી નવી ‘ગિગ ઇકોનોમી’ વિકસી છે, જેની શરૂઆત ૨૦૦૮માં ઉબર જેવી એપબેઝ્ડ કેબ સર્વિસથી થઈ એવું કહી શકાય. આ કન્સેપ્ટ ટેક્સી, ફૂડ તથા દવાની ડિલિવરી, હોટેલ, ટિકિટ બુકિંગ વગેરેમાં ખાસ્સો વિકસ્યો છે.
2011
વોઇસ આસિસ્ટન્ટનો આવ્યો જમાનો
એક છેડેથી આપણે કંઈક પૂછીએ અને બીજે છેડેથી મશીન જવાબ આપે – આ વ્યવસ્થાને આજે આપણે ‘વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ’ (કે ‘ચેટબોટ’) કહીએ છીએ. તેનાં મૂળ છેક ૧૯૧૦ના દાયકામાં છે. ૧૯૯૦ના દાયકામાં આઇબીએમ અને ડ્રેગન સોફ્ટવેરના પ્રયાસોથી નેચરલ હ્યૂમન સ્પીચ કમ્પ્યૂટર સમજી શકે એ દિશામાં ખાસ્સી સફળતા મળી. ૨૦૧૧માં આઇફોનમાં ‘સિરી’ અને પછી ગૂગલ આસિસ્ટન્ટ, એમેઝોન એલેક્સા અને માઇક્રોસોફ્ટ કોર્ટનાને કારણે કમ્પ્યૂટર કે ફોન સાથેનું આપણું ઇન્ટરએક્શન લગભગ સંપૂર્ણપણે વોઇસ આધારિત બની શક્યું છે. આવનારા સમયમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ હજી ઘણો વિસ્તરશે.
2016
સૌના ખિસ્સામાં એટીએમ
વૈશ્વિક રીતે ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા છેક ૧૯૨૦ના દાયકામાં આવી ગઈ હતી અને ઇન્ટરનેટ આધારિત ઓનલાઇન પેમેન્ટની શરૂઆત ૯૦ના દાયકાથી થઈ. ભારતમાં ૧૯૯૬માં ઇન્ટરનેટ બેકિંગ આવી ગયું, પરંતુ એ પછી ડિજિટલ પેમેન્ટને ખરો વેગ મળવામાં વાર લાગી. ભારતમાં પહેલું મોબાઇલ વોલેટ ૨૦૦૪માં લોન્ચ થયું હતું, તેનો વ્યાપ ૨૦૧૬માં નોટબંધી સાથે જબરજસ્ત વધ્યો. ૨૦૧૬માં જ લોન્ચ થયેલ યુનિફાઇડ પેમેન્ટ સર્વિસને કારણે મોબાઇલ વોલેટની લોકપ્રિયતા પણ ઓસરી. એક સમયે મોટા ભાગના લોકો જેનો ઉપયોગ કરતાં ખચકાતા હતા તે ડિજિટલ પેમેન્ટ હવે ભારતમાં જબરજસ્ત સ્વીકૃતિ મેળવી રહ્યું છે.
આગામી સમયની ટેક્નોલોજીઓ
એકવીસમી સદીના પહેલા બે દાયકામાં (આમ તો એ પહેલાંથી જ) ટેક્નોલોજી જગતમાં ડેટા – ઇન્ફર્મેશનનો દબદબો રહ્યો છે. પહેલાં ઇન્ટરનેટ પર વિવિધ બિઝનેસે પોતાનો ડેટા મૂક્યો, પછી યૂઝર જનરેટેડ કન્ટેન્ટનો જુવાળ આવ્યો. સોશિયલ સાઇટ્સ વિક્સી અને દુનિયાને નવા પ્રકારના ડેટાની ખાણ હાથ લાગી.
હવે ટેક્નોલોજી જેમ જેમ વધુ વિસ્તરી રહી છે તેમ તેમ ઉપલબ્ધ ડેટાનાં સ્વરૂપ પણ બદલાઈ રહ્યાં છે. હવે ફક્ત માણસ-યૂઝરના ડેટાની વાત રહી નથી. હવે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ અનેક સાધનો અને ચીજવસ્તુઓનો તથા તેમના વિશેનો અવનવો ડેટા માણસ અને મશીન્સ બંનેને મળવા લાગ્યો છે. પરિણામે જુદી જુદી અનેક દિશામાં ટેક્નોલોજી, હરણ તો બિચારાં સાવ પાછળ રહે એવી, ફાળ ભરવા લાગી છે. ટેક્નોલોજીનાં આ બધાં ક્ષેત્રો એવાં છે કે તેમાંનાં અમુકને બાદ કરતાં ઘણાં ખરાં, આપણા રોજિંદા જીવનને સીધેસીધાં સ્પર્શતાં નથી. છતાં, એમનામાં આપણું જીવન બદલવાની તાકાત તો છે જ. તેજ ગતિએ વિકસી રહેલી આવી કેટલીક રોમાંચક ટેક્નોલોજી પર ઊડતી નજર ફેરવીએ.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
૨૧મી સદીના પહેલા બે દાયકા ઇન્ટરનેટ ને ઇન્ફર્મેશનના રહ્યા, હવે પછીના દાયકા એ બંનેના આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રહેશે. ઇન્ટરનેટને પ્રતાપે કમ્પ્યૂટર સિસ્ટમ્સને જુદી જુદી અનેક બાબત માટે અત્યંત વિરાટ પ્રમાણમાં ‘બિગ ડેટા’ મળવા લાગ્યો છે. નિષ્ણાતો આ ડેટાને એકમેક સાથે સાંકળીને, તેમાંથી અર્થો તારવી શકે, પોતાની રીતે નવું નવું શીખવા લાગે તેવી સિસ્ટમ્સ વિકસાવવા લાગ્યા છે. ફોટોગ્રાફમાંની જુદી જુદી બાબતો ‘ઓળખવી’, આપણે આગળ શું ટાઇપ કરવા માગીએ છીએ તે ‘સમજવું’ વગેરે પ્રાથમિક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારથી જ આપણા જીવનનો ભાગ બનવા લાગી છે. આગળ જતાં તે અનેક ક્ષેત્રોમાં આપણા પર હાવી થશે તે નક્કી છે.
ઇન્ટરનેટ ઓફ થિંગ્સ
આપણે ઇન્ટરનેટનો પર્સનલ કમ્પ્યૂટરમાં કે સ્માર્ટફોનમાં ઉપયોગ કરતા રહ્યા છીએ પરંતુ ઇન્ટરનેટ હવે બીજી અનેક વસ્તુઓમાં ઘૂસવા લાગ્યું છે. આ ટેકનોલોજી આપણા પેટમાં પહોંચતી ટચૂકડી દવાથી લઇને આકાશમાં ઊડતાં પ્લેન અને સેટેલાઇટ સુધીની તમામ વસ્તુને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી રહી છે. આવતાં થોડાં વર્ષમાં દુનિયાની લગભગ ૫૦ અબજ જેટલી વસ્તુઓ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય તેવી શક્યતા છે. આ બધી જ વસ્તુઓ એકમેક સાથે ડેટાની આપલે કરશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આમાંની ઘણી વસ્તુઓ પોતપોતાની રીતે આગામી નિર્ણયો પણ લેવા લાગશે. અલબત્ત ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટે ફાઇવજીની ઝંઝાવાતી સ્પીડ અનિવાર્ય બનશે.
બ્લોકચેઇન
આપણા જીવનમાં ઇન્ટરનેટને કારણે જે પરિવર્તન આવ્યું છે, લગભગ એટલું વ્યાપક પરિવર્તન બ્લોકચેઇનને કારણે આવશે. ઇન્ટરનેટને કારણે માહિતીની આપલે થઈ શકે છે પરંતુ સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વાસ ઇન્ટરનેટથી જગાવી શકાતાં નથી. અર્થતંત્રનો આધાર આ બે બાબતો પર હોય છે.
આપણે ઇન્ટરનેટ પર કોઈ વેપારી પાસેથી ચીજવસ્તુ મગાવીએ ત્યારે આપણે તે વસ્તુ મોકલશે તેવા વિશ્વાસ સાથે તેને પેમેન્ટ કરીએ છીએ અથવા વેપારી આપણે પેમેન્ટ કરીશું એવા વિશ્વાસ સાથે વસ્તુ મોકલે છે. બ્લોકચેઇન ટેક્નોલોજીને કારણે, આવા આંધળા વિશ્વાસને સ્થાને, લેવડદેવડનો રેકોર્ડ કોઈ બદલી જ ન શકે એવી પારદર્શિતા આવશે ને અનેક ક્ષેત્રોમાં ધરમૂળથી પરિવર્તન લાવશે.
રોબોટિક્સ અને ઓટોમેશન
માણસ જે કરી ન શકે અથવા તો જે કામ કરવું માણસ માટે અસલામત હોય તે હવે રોબોટ્સ પાસેથી સલામત રીતે કરાવી શકાય છે. મેન્યુફેકચરિંગ, હેલ્થ, સેફ્ટી વગેરે ક્ષેત્રોમાં રોબોટિક્સ તેજ ગતિએ પગપેસારો કરવા લાગ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ઓટોમેશન આ ત્રણથી ઉદ્યોગોમાં નવેસરથી ક્રાંતિ આવશે અને આ ત્રણેને કારણે, અત્યાર સુધી એકની એક ઘરેડમાં કામ કરી રહેલા લોકોની નોકરી જવાની પણ પૂરી શક્યતા છે. સાદું ઉદાહરણ લઈએ તો ચીવટપૂર્વક પરંતુ એકધારી રીતે હીરા ઘસતા કારીગરોને સ્થાને હવે રોબોટ્સ એ જ કામ ઘણી વધુ ઝડપ અને ચોકસાઈથી કરવા લાગ્યા છે. આવું બીજાં બધાં ક્ષેત્રોમાં પણ બનશે. હાથશક્તિ કરતાં વિચારશક્તિ વધુ કામ લાગશે.
3ડી પ્રિન્ટિંગ
ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો બહુ મોટો મદાર થ્રીડી પ્રિન્ટિંગ પર છે. આ નવી ટેકનોલોજીને કારણે મેન્યુફેકચરિંગનું ક્ષેત્ર સદંતર બદલાઈ જાય તેવી શક્યતા છે. આ ટેકનોલોજી એડિટિવ મેન્યુફેચરિંગ તરીકે પણ ઓળખાય છે કારણ કે તેમાં જુદી જુદી ચીજવસ્તુને, મટિરિયલનાં એકની ઉપર એક લેયર ઉમેરીને બનાવવામાં આવે છે. ઓટો પાર્ટ્સથી માંડીને હૃદયના વાલ્વ સુદ્ધાં હવે થ્રીડી પ્રિન્ટ કરી શકાય છે. ૩ડી પ્રિન્ટિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વિવિધ, કોમ્પ્લેક્સ પાર્ટના પ્રોટોટાઇપ્સ બનાવવાની પ્રક્રિયા સરળ, ઝડપી અને પ્રમાણમાં સસ્તી બની જાય છે. ૩ડી પ્રિન્ટિંગ નજીકના ભવિષ્યમાં માસ કે બલ્ક પ્રોડક્શનનું સ્થાન નહીં લે, પણ એ પહેલાંની પ્રોસેસિસમાં ચોક્કસ મોટી ભૂમિકા ભજવશે.
મિક્સ્ડ રિયાલિટીઝ
વર્ચ્યુઅલ કે ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી આપણે આભાસી જગતમાં પ્રવેશ કરી શકીએ છીએ. વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી વગેરે ટેકનોલોજી પર છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે પરંતુ હજી તેમાં ધારી પ્રગતિ થઈ નથી. વર્ચ્યુઅલ રિયાલિટીમાં ખાસ પ્રકારના હેડસેટ પહેર્યા પછી આપણે ઘેરબેઠાં, કોઈ સ્ટેડિયમમાં પહોંચીને ક્રિકેટ મેચ જોવા જેવો અનુભવ માણી શકીએ છીએ. જ્યારે ઓગમેન્ટેડ રિયાલિટીમાં આપણી ચોતરફ જે દેખાઈ રહ્યું હોય તેમાં વિવિધ લેયર્સમાં ડિજિટલ ડેટા ઉમેરાઈ શકે છે. આ બંને પ્રકારની ટેકનોલોજીનો અત્યારે મુખ્યત્વે ગેમિંગમાં ઉપયોગ થાય છે, આગળ જતાં હેલ્થકેર અને મેન્યુફેકચરિંગમાં તે વધુ ઉપયોગી બનશે.
નેનો ટેકનોલોજી
સોનું પીળું જ હોય એવું આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ, પરંતુ સોનાનાં કણો સૂક્ષ્મ સ્તરે જોતાં લાલ દેખાય છે. કણના કદ મુજબ સોનું લાલ કે બ્લુ પણ દેખાઈ શકે. આવું લગભગ બધી ધાતુ સાથે બને છે. વાત ફક્ત રંગની નથી. ધાતુ પર અત્યંત સૂક્ષ્મ સ્તરે કામ કરી શકાય તો તે બિલકુલ નવાં પરિણામો આપી શકે છે. વિજ્ઞાનીઓને આમાં સોનાની ખાણ દેખાય છે. આ નેનો ટેકનોલોજીથી પ્લાસ્ટિક, મેટલ, એલોયઝ અને બાયોમટિરિયલ્સના ક્ષેત્રે હવે અનેક નવી સંભાવનાઓ ખુલી રહી છે. આ કારણે હજી હમણાં સુધી જે અશક્ય લાગતું હતું એ બધું હવે શક્ય બનવા લાગ્યું છે. આની મેન્યુફેકચરિંગ, રીન્યુએબલ એનર્જી, કન્સ્ટ્રકશન અને હેલ્થકેર ક્ષેત્રે દૂરગામી અસરો થવા લાગી છે.
ક્વોન્ટમ ટેક્નોલોજી
દુનિયાના બદલાતા હવામાન અંગે હવે પાર વગરનો ડેટા મળે છે અને તેની મદદથી હવામાનની એકદમ સચોટ આગાહી શક્ય છે, મુશ્કેલી એ છે કે કમ્પ્યૂટર્સ તેમની હાલની પ્રોસેસિંગ ક્ષમતા સાથે આ ડેટા પ્રોસેસ કરી રહે ત્યાં સુધીમાં આગાહીનો સમય વીતી ગયો હોય છે! સુપરકમ્પ્યૂટર્સથી પણ આગળનાં ક્વોન્ટમ કમ્પ્યૂટર્સની મદદથી આ અને બીજી ઘણી સમસ્યાનો ઉપાય મળી શકે છે. હમણાં વિજ્ઞાનીઓએ જાહેર કર્યું છે કે હાલનાં કમ્પ્યૂટર્સને જે ગણતરી કરતાં વર્ષો લાગી જાય તે ગણતરી ક્વોન્ટમ કમ્પ્યુટિંગને કારણે અમુક સેકન્ડસમાં કરવી શક્ય બની છે. અલબત્ત આ બધી હજી થિયરીની વાતો છે. ક્વોન્ટમ કમ્પ્યૂટર્સ વાસ્તવિકતા બને અને તેના પ્રેક્ટિકલ ઉપયોગ થઈ શકે એ હજી દૂર જણાય છે.
સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન
ઇન્ટરનેટને કારણે ઇન્ફર્મેશનની આપલે અત્યંત ઝડપી બની છે, મિક્સ્ડ રિયાલિટીને કારણે આપણે પોતે આભાસી સ્વરૂપે બીજા કોઈ સ્થળે પહોંચી શકીએ છીએ પરંતુ વાસ્તવિક વિશ્વમાં વિકાસનો બહુ મોટો આધાર વ્યક્તિ અને વસ્તુઓના અત્યંત ઝડપી અને સલામત ટ્રાન્સપોર્ટેશન પર રહેલો છે. આના ઉપાય તરીકે નિષ્ણાતો સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશનની વિવિધ પદ્ધતિઓ વિકસાવી રહ્યા છે. સંપૂર્ણપણે ઓટોનોમસ વ્હીકલ્સ અને હાઇપરલૂપ જેવા ખાસ્સા ઝડપી ટ્રાન્સપોર્ટેશનના કન્સેપ્ટ વાસ્તવિકતા બનવાની નજીક પહોંચવા લાગ્યા છે. દુનિયામાં અત્યારે શહેરો પર દબાણ બહુ વધી રહ્યું છે ત્યારે સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશનથી પૃથ્વી પર સલામતી સાથે વસતીનું સંતુલન જળવાશે તો વિકાસ સરળ બનશે.
બાયો ટેકનોલોજી
કોરોના વાઇરસના એક પછી એક નવા અવતાર પ્રકાશમાં આવી રહ્યા છે એ સાથે તે લેબમાં જન્મ્યા હોવાની આશંકા પ્રબળ બનતી જાય છે. માનવજાત કુદરત સાથે ‘ચેડાં કરવામાં’ ખૂબ આગળ વધી છે. ડીએનએમાં ફેરફાર કરી નવી પેઢીમાં જોઈતી ખાસિયતો લાવી શકાય, ન જોઈતી બાબતો દૂર કરાય એવું પણ કદાચ શક્ય બનશે. બીજી બાજુ, પેરેલિટિક શરીરને ચિપ્સથી ચેતનવંતું કરવાની દિશામાં ઘણું કામ થયું છે. મેડિકલ સર્જન ને ટેક્નોક્રેટ્સ હવે બહુ નજીક આવ્યા છે. લાખોમાં એકને થાય તેવા દુર્લભ રોગોના ઇલાજ પર અત્યાર સુધી ધ્યાન અપાતું નહોતું, પણ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, જિનેટિક્સ અને મેડિકલ સાયન્સના સુમેળથી કસ્ટમાઇઝ્ડ દવાઓ પણ વિકસી શકશે!
અત્યાર સુધી આપણે માત્ર માહિતીનો વિસ્ફોટ જોયો છે, તેનો કેવો અને કેટલો ઉપયોગ થઈ શકે તે હવે જોવા મળશે. પાછલા ફક્ત બે દાયકામાં અનેક ક્રાંતિકારી પરિવર્તનો આવ્યાં, પણ હવે કલ્પનાતીત પરિવર્તનો પ્રવેગી ગતિએ સર્જાવા લાગશે.
સેટેલાઇટ ઇન્ટરનેટ
હાલમાં મહાસાગરોમાં પાથરેલા કેબલ્સથી ઇન્ટરનેટ ડેટાની થાય છે, પણ ધરતી પર ખૂણે ખૂણા સુધી ઇન્ટરનેટ ડેટા પહોંચાડવાનું કામ ખાસ્સું ખર્ચાળ છે. આપણે ભલે ઇન્ટરનેટને જગતવ્યાપી માનતા હોઈએ, પણ હજી પણ દુનિયાના અડધાથી વધુ વસતી સુધી ઇન્ટરનેટ પહોંચી શક્યું નથી. ઉપરાંત, હવે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને ફાઇવ-જીના જમાનામાં બધો મદાર કેબલ્સ પર રાખી શકાય તેમ નથી. હવેના સમયમાં ધરતીના ખૂણેખૂણાના રસ્તાઓ પર દોડતાં વાહનો, આકાશમાં ઊડતાં પ્લેન્સ અને મહાસાગરોમાં તરતાં જહાજો સુધી પણ ઇન્ટરનેટ પહોંચાડવું જરૂરી બન્યું છે.
આ કારણે હવે વિવિધ ટેકનોલોજી કંપનીઓ વચ્ચે, અવકાશમાં સેટેલાઇટ્સ અથવા ડ્રોન્સ અથવા વિશાળ બલૂન્સ તરતા મૂકીને તેમના મારફત પૃથ્વી પર ઇન્ટરનેટ કનેક્શન આપવાની રેસ શરૂ થઈ છે. બધી જ કંપનીઓ સાધનો જુદાં જુદાં ઉપયોગમાં લઈ રહી છે, પણ દરેકનો કન્સેપ્ટ લગભગ એક સરખો છે – પૃથ્વીની ઉપર, વિમાનો જેટલી ઊંચાઈએ ઊડતાં હોય તેનાથી ઊંચે પણ બહુ ઊંચે નહીં એવા અંતરે બલૂન-ડ્રોન કે સેટેલાઇટ્સનું એક વિરાટ જાળું રચવું અને તેનાથી પૃથ્વીના મહાસાગરો સહિત તમામ ભાગને પૂરેપૂરો પોતાની ફૂટપ્રિન્ટમાં આવરી લેવો. કોણ કેટલું સફળ થાય છે એ જોવું રસપ્રદ રહેશે.

